આધારની ઓળખ

જ્યારે દેશના કરોડો નાગરિકો પોતાનો મોબાઇલ નંબર આધાર કાર્ડ સાથે જોડી રહ્યા છે ત્યારે મમતા બૅનરજીએ આમ કરવાની ધરાર ના પાડી દીધી. પબ્લિક ફિગરને પોતાની પ્રાઇવસી પર આ એક તરાપ મેહસૂસ થઈ રહી છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા


સરકાર આધાર કાર્ડને પૅન કાર્ડ,

બૅન્ક-અકાઉન્ટ, મોબાઇલ ફોન તથા અન્ય સહાયક સ્કીમ સાથે જોડી રહી છે જેથી કાળાં કામોની છટકબારીઓ બંધ થઈ જાય અને સાથે-સાથે ભારતમાં ગેરકાયદે રહેતા લોકોને અલગથી તારવી શકાય. મદરેસામાં ચાંઉ થઈ જતી સરકારી સહાય અને વિવિધ કલ્યાણ-યોજનાઓમાં અપાતી સબસિડીની ઉચાપત કરતા લેભાગુઓ અને વચેટિયાઓનો કક્કો આને કારણે નીકળવા લાગ્યો છે. અમિત વ્યાસ ઓળખને વ્યાપક અર્થમાં જુએ છે...

તું અમસ્તી વાતમાં વ્યાકુળ છે

આપણું સંધાન ચપટી ધૂળ છે!

કોઈ પણ ઓળખ ન એની થઈ શકી

સર્વ વ્યાપક છે અને સંકુલ છે!

આમ આદમી શાસકીય ફેરફારોને


ધીરે-ધીરે સ્વીકારી રહ્યો છે, પણ નેતાઓ અને બૌદ્ધિકોને ન જાણે પેટમાં શું દુખે છે કે બે પગથિયાં ઉપર જવાને બદલે એક પગથિયું નીચે ઊતરવાનું કહે છે. કૉન્ગ્રેસે શરૂ કરેલી આધાર કાર્ડની પરિકલ્પનાને BJPએ વધારે વ્યાપક અને અસરકારક બનાવી છે ત્યારે વિરોધને બદલે આવકાર હોવો જોઈએ. ભારત દેશ ખરેખર મહાન છે. અહીં ગમે તે કક્ષાના નેતાને લોકો સાંખી લે છે. પ્યુન તરીકે પણ હેસિયત ન હોય એ માણસ અહીં નેતા બની શકે એટલી આઝાદી લોકશાહીએ આપણને આપી છે. આદિલ મન્સૂરી કહે છે એમ આ બધું જોયા કરવાનું આપણા લમણે લખાયેલું છે...

જે વાત કહેવી છે શબ્દોથી જીરવાય નહીં,

પરિસ્થિતિ વિશે ચૂપ પણ રહી શકાય નહીં

રહે છે કોણ આ દર્પણના આવરણ નીચે

હું રોજ જોઉં છું તો પણ એ ઓળખાય નહીં


આપણા આધાર કાર્ડની જેમ અમેરિકામાં સોશ્યલ સિક્યૉરિટી નંબર હોય છે, જે નાગરિકોને મળતા વિવિધ લાભ માટે જરૂરી બને છે. ફ્રાન્સમાં નાગરિકની ઓળખ માટે સિક્યૉર નૅશનલ ID કાર્ડ અપાય છે. સાઉથ કોરિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા વગેરે અનેક દેશોમાં આ પ્રકારનું ID કાર્ડ નાગરિકે કઢાવવું પડે છે. નયન દેસાઈ બહારની ઓળખ સાથે ભીતરની ઓળખને જોડી આપે છે...  

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો

ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ

દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો


આપણા કમનસીબે આધાર કાર્ડમાં જે ફોટો છપાય છે એને આપણે પણ ન ઓળખી શકીએ એટલો વિચિત્ર દીસે છે. આપણા ફોટો સામે જ જોઈને આપણે ગાવું પડે : તુઝે ક્યા સુનાઉં મૈં દિલરુબા, મેરે સામને તેરા હાલ હૈ. છતાં આ કાર્ડની ઉપયોગિતા હવે ધીરે-ધીરે વધી રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય હવાઈ સફર માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવાની દિશામાં કામ કરી રહ્યું છે. અમેરિકાનિવાસી કોઈ ભારતીયને પૂછજો, તને ભારતનું આધાર કાર્ડ મળે તો કેવું લાગે? તે નહીં બોલે, તેની આંખો જ બોલશે અને વતન સાથે છૂટી ગયેલું અનુસંધાન ભીનાશ પહેરીને નટવર મહેતાની પંક્તિ જેવો જવાબ આપશે...

પરદેશની આબોહવાએ બદલ્યો એવો નટવરને

કોઈએ ન ઓળખ્યો, જ્યારે એ એના ગામ આવ્યો


દેશ પરિવર્તનના પવનમાંથી પસાર થઈ રહ્યો છે. પ્રસૂતિની પીડા તો વહોરવી પડે. આપણે ખાલી પાંચસો સ્ક્વેર ફીટના ફ્લૅટમાં કલર કરાવવો હોય તોય અગવડ ભોગવવી પડે છે ત્યારે આ તો આખા દેશમાં બાઝેલા પોપડા ઉખેડીને રંગરોગાન કરવાનો મહાકાય ટાસ્ક છે. જલન માતરી પરિશ્રમને પાયો માને છે...

ઘૂંટી લે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે

ઊંડે ગયા વિના કહીં મોતી પમાય છે?

જુલ્ફો છે અસ્તવ્યસ્ત, ન મુખ ઓળખાય છે

એવું તે કોણ ઓ ખુદા! સાગરમાં ન્હાય છે?

ક્યા બાત હૈ


પરિચય છે મંદિરમાં દેવોને મારો

અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે

નથી મારું વ્યક્તિત્વ છાનું કોઈથી

તમારા પ્રતાપે બધા ઓળખે છે

સુરાને ખબર છે, પિછાણે છે પ્યાલી

અરે ખુદ અતિથિ ઘટા ઓળખે છે

ન કર ડોળ સાકી, અજાણ્યા થવાનો

મને તારું સૌ મયકદા ઓળખે છે

મેં લ્હોયાં છે પાલવથી ધરતીનાં આંસુ

કરુણાનાં તોરણ સજાવી રહ્યો છું

ઊડી ગઈ છે નીંદર ગગન-સર્જકોની

મને જ્યારથી તારલા ઓળખે છે

અમે તો સમંદર ઉલેચ્યો છે, પ્યારા!

નથી માત્ર છબછબિયાં કીધાં કિનારે

મળી છે અમોને જગા મોતીઓમાં

તમોને ફક્ત બુદબુદા ઓળખે છે

તબીબોને કહી દો કે માથું ન મારે

દરદ સાથે સીધો પરિચય છે મારો

હકીકતમાં હું એવો રોગી છું જેને

બહુ સારી પેઠે દવા ઓળખે છે

દિલે શૂન્ય એવા મેં જખ્મો સહ્યા છે

કે સૌ પ્રેમીઓ મેળવે છે દિલાસો

છું ધીરજનો મેરુ, ખબર છે વફાને

દયાનો છું સાગર, ક્ષમા ઓળખે છે

                              - શૂન્ય પાલનપુરી


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK