ઝેરનો પણ અજીબ હિસાબકિતાબ છે મરવા માટે માત્ર થોડું ને જીવવા માટે ઘણુંબધું પીવું પડે છે

‘અલ્યા ભૈ પરમેશ્વર, યાદ છે?


મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

જે પળે તારાથી છૂટો પડ્યો ત્યારે મેં ગાયેલું, હમ તુમસે જુદા હોકે મર જાએંગે રો રો... કે, પણ તેં ગણકાર્યું નઈ ને ભેરવી દીધો આ સંસારની માયામાં. યુ નો? અહીં જે દિવસે ચિંતાએ ચિતાને કીધું કે તું મરેલાને બાળે છે ને હું જીવતાને બાળું છું ત્યારથી મારી વાટ લાગી ગઈ, સૉરી વાટ સળગી ગઈ. ચિંતા હોય કે ચિતા, કામ એક જ... બાળવાનું. બસ, પ્રભુ ત્યારથી હું અંદરથી ગભરાઈ ગયો છું ને બહારથી ફફડી ઊઠ્યો છું. અંદરથી મૂંઝાઈ ગયો છું. બહારથી ડઘાઈ ગયો છું. હવે તારા સિવાય કહું પણ કોને? પણ તને જ નહીં સમજાય. યુ નો? અમે કાયમ માટે ચિતા પર સૂઈ જઈશું ત્યાં સુધી કેટલી ચિંતાઓનો બોજ લઈને ફરીએ છીએ? ઍન્ડ ઇફ યુ વૉન્ટ ટુ નો તો તારે ભગવાનના વાઘા ઉતારી માણસ બની ઉપરથી નીચે આવવું પડે, સમજ્યો? એમ મંદિરમાં બેઠાં-બેઠાં ફૂલોના હાર પહેરવાથી કે પુજાવાથી ખબર ન પડે કે ચિંતા કોને કહેવાય, મોંઘવારી કોને કહેવાય, રાજરમત કોને કહેવાય. તને શ્વાસબંધી ખબર હશે, નોટબંધી નઈ. ત્યાં ઉપર બેઠો-બેઠો સ્વર્ગમાં જલસા કરે છે એના કરતાં થોડો સમય માણસ ઘડવામાંથી રજા લે અથવા બીજા કોઈને સોંપી ગરીબ બની પૃથ્વી પર આંટો મારી જા. બધું સમજાઈ જશે. પણ તારે કંઈ બોલવું નથી ને અમે બોલીએ એ તારે સાંભળવું ન હોય તો આપણા સંબંધોને શું ધોઈ પીવાના? અહીં અમે શિવનાં મંદિર બહુ જોયાં, પણ એકેયમાં જીવ ન જોયો; હૃદય ન જોયું. તોયે અમારે અમારાં બાળકોને મંદિરમાં તારી મૂર્તિ સામે કહેવું પડે છે, ‘જો બેટા, આ ભગવાન છે, જે આપણું જીવન બનાવે છે.’ અમારે તો ગાડરિયા પ્રવાહમાં ચાલવું પડે. એમ ન કરીએ તો ધીરે-ધીરે તારા જ ભક્તોમાં ઘટાડો થાય ને નામ મારું આવે કે ઠાકરે  છોકરાને નાસ્તિક બનાવ્યો છે. ડોન્ટ ફીલ બૅડ પ્રભુ, પણ તારાથી ઉપરી તારો એકાદો ભગવાન હોવો જોઈએ તો ખબર પડે કે કોઈ ઉપરી આપણી વાત કે પ્રાર્થના ન સાંભળે તો હાલત કેવી ખરાબ થાય છે. નાઓ ટેલ મી વન થિંગ કે જે ઘડીએ તેં અમારામાં પ્રાણ મૂક્યો એ જ ઘડીથી અમે હાલતાં-ચાલતાં-રમતાં શીખ્યા ને પછી ઠેઠ અંત સુધી પ્રતિષ્ઠા મેળવવા ધમપછાડા કરતા જ ગયા ને નિધન ન થયું ત્યાં સુધી ધન પાછળ દોડ્યા અને અમે  તારી કેટકેટલી મૂર્તિઓની મંદિર-દેરાસરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી તો તારી પ્રતિષ્ઠા તો વધી પણ એમાં પ્રાણ ક્યાં? ભગુભાઈ, તારો ખેલ જબરો છે યાર...  તને પહોંચવું એટલે હાથીને  ખોળામાં બેસાડવા જેટલું અઘરું છે...’

‘ચિંતા? તને શેની ચિંતા? ઠાકર તને મારા પર ભરોસો નઈ કે?’

‘પ્રભુ, તમે બધું સાંભળ્યું? સૉરી પ્રભુ, પણ હું બહુ બોલી ગયો નઈ? પણ સાચું કહું? મોબાઇલમાં જ્યારે offlineમાં હોઉં ત્યારે દાળ-રોટી-પરિવારની ચિંતા થાય છે ને જેવો online પર આવું કે તરત જ દેશ, ધર્મ, સમાજ, રાજનીતિ અને વિશ્વની ચિંતા કોરી ખાય છે. જ્યારે હું જગત છોડીશ ત્યારે સમાજનું, પરિવારનું અને દુનિયાનું શું થશે પ્રભુ? મારી આ ‘મિડ-ડે’ની કૉલમની જગ્યા કોણ ભરશે? મારા વાચકોનું શું થશે? બોલો વહાલા... આ જ ચિંતાઓ મને...’

‘ચિંતા ચિંતા ચિંતા. જો બકા, તારી કેટલી ચિંતા દૂર કરી. આ નવેમ્બરમાં નોટબંધીની વરસી આવશે. વિકાસનો સોનુ પરનો ભરોસો વધી ગયો, વિકાસ ડાહ્યો થઈ ગયો ને બન્નેનાં લગન કરાવી દીધાં, GST ઠોકી દીધો, રામરહીમને જેલમાં ધકેલ્યો, તેની ડાર્લિંગ હનીપ્રીતને પણ પકડી. આટલું કર્યું તોયે હજી ચિંતા...’

‘પ્રભુ, ચિંતા તો મોદી ક્યારે જશે એની...’

‘કેમ મોદી તો આવ્યા જ નથી તો જવાની ક્યાં માંડે છે?’

‘અરે પ્રભુ, મોદી એટલે (મો)-મોંઘવારીના (દી)-દિવસો ક્યારે જશે? તમને ખબર છે દશેરાથી દિવાળી સુધી મારો મોબાઇલ ફુટપાથ પર ટૂંટિયું વાળીને સૂતેલા ભિખારીની જેમ સૂનમૂન પડી રહેલો. હું વૉટ્સઍપમાં નવું શું આવશે એની રાહ જોઉં ત્યાં તો એક વાર વૉટ્સઍપનાં દ્વાર ખોલ્યાં તો વૉટ્સઍપ ગુરુઓના જ્ઞાન ઉપદેશથી અચાનક આખુંય મોબાઇલનું વૈતરણા તળાવ છલકાયું અને ત્યારે મને પણ કેવળજ્ઞાન થયું કે ગુરુ દ્રોણે  એકલવ્ય પાસે ગુરુદક્ષિણામાં અંગૂઠો શું કામ માગેલો? અંગૂઠા વગરનો મોબાઇલ લૈલા વગરના મજનૂ જેવો અધૂરો છે. વૉટ્સઍપનો એવો ઢગલો પ્રભુ કે ડિલીટ કરવા માણસ ભાડે રાખવો પડે. પણ સદ્નસીબે ભાઈબીજના દિવસે મારો સાળો ઘરે જમવા આવેલો ત્યારે તેની પાસે જ બધા મેસેજ ડિલીટ કરાવી લગ્ન વખતનો થોડો બદલો લઈ લીધો.’

‘પણ વત્સ, તેં કોઈ વૉટ્સઍપ વાંચ્યા જ નઈ?’

‘વાંચ્યા. થોડા વખતમાં મગજની નસો ખેંચાવા લાગી. ૧૮૫ વૉટ્સઍપ એકસરખા એંઠા. કઉં? બહારના આંગણામાં દીવો પ્રગટાવવાને બદલે તમારી અંદર દીવો પ્રગટાવી અંતરના અંધકારને દૂર કરો... તારા પૂજ્ય પિતાશ્રીનો ભાલપ્રદેશ આઇ મીન તારા બાપનું કપાળ, મારી ખચકી. પ્રભુ, અમારી અંદર તેં હોજરી કે હૃદય મૂક્યાં છે કે દીવો પ્રગટાવવાનાં માટીનાં કોડિયાં? હું ભીતરથી પ્રગટ્યો નથી, પણ અંદરથી કેટલો સળગું છું એ હું જ જાણું છુ. અંદર દીવો પ્રગટાવું તો સ્મશાન ગયા વગર જ સળગી મરું ને ચિતા ખડકવાની જરૂર જ ન પડે. બોલો મૃત્યુંજય મહાદેવ કી જય..’

‘એમ ગરમ નઈ થવાનું બકા, તું શબ્દો નઈ ભાવાર્થ પકડ ડિયર...’

‘પ્લીઝ પ્રભુ, હવે તમે પણ નસ ન ખેંચો. અમે ઘરમાં પાંજરામાં ઉંદર નથી પકડી શકતા, સવારે ૯.૩૬ની લોકલ નથી પકડી શકતા, આ દેશ દાઉદને પકડી શકતો નથી ને તમે ભાવાર્થ પકડવાની મેથી મારો છો. પ્રભુ, ૭૪૭ મેસેજ તો એવા આવ્યા કે ‘તમારું ઘર સુખ, સમૃદ્ધિથી ભર્યું-ભર્યું રહે.’ માકસમ પ્રભુ, આમાંથી એક ટકો મેસેજ પણ જો સાચો પડે તો અંબાણી મારી જોડે બસો રૂપિયા ઉધાર માગવા આવે ને બાબા રામદેવ શુદ્ધ ઝેરના પ્રોડક્શન માટે લોન લેવા આવે...’

‘શુદ્ધ ઝેર? શું બોલે છે એનું ભાન છે?’ ભગવાન ભડક્યા.

‘યસ વહાલા, મને ભાન છે, ધ્યાન છે, જ્ઞાન બધું જ છે; પણ તું માણસ નથી એટલે તને જ્ઞાન નથી. ઝેરનો પણ અજીબ હિસાબકિતાબ છે, મરવા માટે માત્ર થોડું ને જીવવા માટે ઘણુïબધું પીવું પડે છે. મારે પણ તારી જેમ ક્યારેક ઝેર કંઠે અટકાવી નીલકંઠ બનવું પડે છે. ન બહાર કઢાય કે ન અંદર... અને એટલે કહું કે દુનિયા મેં હમ આએ હૈં તો જીના હી પડેગા, જીવન હૈ અગર ઝહર તો પીના હી પડેગા.’

‘ચાલ ડિયર, હમણાં તો નહીં જાઉં તો મારે જ ઝેર પી જવું પડશે. પાર્વતી રાહ જોતી હશે. ચાલ તને GST...’

‘GST... મને?’

 ‘હા. G - ગુડ નાઇટ, S - સ્વીટ ડ્રીમ, T - ટેક કૅર.’

‘પ્રભુ, દિવાળીમાં સ્વીટ ખાવા નથી મળતી તો સ્વીટ ડ્રીમ ક્યાંથી આવે અને નાઇટ ગુડ કરવી હોય તો તારે જ મારી ટેક કૅર કરવી પડે, પણ એક વાત નક્કી કે તું પણ ક્યારેક મારી જેમ જ શબ્દોના અર્થ બનાવે છે. ચાલ આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યારે વાત કરીશું. ગુડ નાઇટ.’

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK