ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૪૩

‘ગઢવી, મૂંઝારો થાય છે.’

નવલકથા - રશ્મિન શાહ


મહારાજાએ રાજેન્દ્ર ગઢવી સામે જોયું. ગઢવીની નજર મહેલના ઓરડાના દરવાજા પર હતી. દરવાજો બંધ થયો એટલે ગઢવીએ ધીમેકથી મહારાજા સામે જોયું.

‘મહારાજા, મૂંઝારો ને ચૂંથારો જો અકબંધ ર્યે તો તબિયત બગાડે. સારું તો એ જ છે કે તમે મનનો મૂંઝારો અને પેટનો ચૂંથારો જણાવી દો. રાહત થશે અને લટકામાં કોઈક રસ્તો પણ મળશે.’

મહારાજાએ માંડીને વાત કરી અને એ વાત જેવી પૂરી થઈ કે તરત રાજેન્દ્ર ગઢવીએ મૂછોને તાવ ચડાવ્યો.

‘સીધી ને સરળ વાત છે આ તો મહારાજા. આમાં જરાય ગભરાટ કરવાની જરૂર હોય એવું મને તો લાગતું નથી.’

‘સુઝકો પડે એમ કાંઈક બોલો ગઢવી.’

મહારાજા સહેજ અકળાયા, મૂંઝવણ હોય એવા સમયે પ્રેરણાનાં પડીકાં ખોલવામાં આવે કે પછી ચેતનાનું ચકડોળ ચાલુ કરવામાં આવે તો વ્યક્તિ અકળાય અને એમાં કશું ખોટું પણ નથી. ભૂખ લાગે ત્યારે રોટલીનું પૂરણ કેવી રીતે બને એ સમજવાની કે સાંભળવાની ધીરજ કોઈનામાં હોતી નથી, પણ રોટલી કેટલી વારમાં આવશે એ સાંભળવાની ઇચ્છા તીવþતા સાથે મન પર સવાર હોય છે. અત્યારે ગોંડલનરેશનું પણ એવું જ હતું. ખીમજીને છોડાવવા માટેનું નિરાકરણ શું હોઈ શકે એ જાણવાની તેમને તાલાવેલી હતી, પણ એ તાલાવેલીને શાંત કરવાને બદલે રાજેન્દ્ર ગઢવી નાહકનો સમય પસાર કરતા હતા.

‘ગઢવી, સીધો જવાબ આપો, સીધા જવાબથી જ પ્રશ્નનું નિરાકરણ થશે. અંગ્રેજ સરકાર ખીમજીને છોડવા રાજી નથી ને જો છુટકારો થાશે નહીં તો આખા રાજની બદનામી થાશે.’

‘વાત ૧૦૦ ટકા સાચી છે. ઊંચાઈ ભલેને ૬ ફુટની હોય પણ કિંમત તો બે ઇંચના નાકથી જ થાય અને અત્યારે આ ગોરી સરકારે આપણું નાક પકડી લીધું છે, પણ ગભરાવા જેવું દેખાતું નથી. મને તો રસ્તો દેખાય છે.’

‘ક્યો રસ્તો?’ મહારાજે અકળામણને મહામહેનતે કાબૂમાં રાખી હતી, ‘શું છે રસ્તો?’

‘ઝેરનું મારણ ઝેર. મહારાજા, આ રસ્તો તો સદીઓથી ચાલતો આવે છે.’

‘એટલે? સમજણ પડી નહીં, ચોખવટ સાથે વાત કરો. ’

મહારાજા રાજેન્દ્ર ગઢવીની નજીક આવી ગયા હતા અને ઓરડામાં રૂનું પુમળું પડે તો પણ ગોકીરો થઈ જાય એવી શાંતિ સર્જાઈ ગઈ હતી.

‘ખીમજીને પાછું લાવવાનું કામ ભૂપતને જ સોંપી દ્યો.’

ગઢવીએ માથા પર રાખેલો સાફો સરખો કર્યો અને પછી સાફાની પાછળના ભાગમાં આવી ગયેલી મૂઠને ખેંચીને મસ્તક પર સાફો કડક કર્યો.

‘જે મા’ણા પોતાને લીધે હેરાન થાય છે એ મા’ણાને પાછા લાવવાનું કામ ભૂપત સિવાય બીજો કોઈ કરી નો શકે બાપલા.’

- હંઅઅઅ...

ગઢવીની વાતમાં દમ હતો અને તથ્ય પણ ભારોભાર છુપાયેલું હતું.

€ € €

એ જ રાતે સંદેશવાહકે બહારવટિયા ભૂપતસિંહ સુધી સમાચાર પહોંચાડ્યા અને સવાર પડતા સુધીમાં ભૂપતસિંહ આજે કૉલેજ ચોક તરીકે ઓળખાતા વિસ્તારમાં પહોંચી ગયો. સંગ્રામસિંહજી કૉલેજનું કામ એ દિવસોમાં શરૂ થઈ ગયું હતું એ કૉલેજ આજના સ્તર સુધી વિસ્તરી નહોતી. કૉલેજના પટાંગણમાં પહોંચ્યા પછી પહેલું કામ ભૂપતસિંહે એ વિસ્તારનું સફાઈકામ કરતા લોકોને ભગાડવાનું કર્યું હતું.

સમય કરતાં વહેલા પહોંચી ગયેલા ભૂપતને મેદાનમાં એકલો ઊભેલો જોઈને મહારાજા મનોમન ખુશ થયા હતા. મહારાજાનો ભૂપતસિંહ પર ઉપકાર હતો. જે સમયે ભૂપતસિંહે ગોંડલ રાજ્યમાં અંગ્રેજ અમલદારની હત્યા કરી હતી એ સમયે મહારાજાએ એ ફરિયાદની તપાસમાં કોઈ જાતનો ઉત્સાહ દેખાડ્યો નહોતો અને એમાં રસ નહીં લેવા બદલ બ્રિટિશ સરકારનો ઠપકો પણ ચૂપચાપ સાંભળી લીધો હતો. એ વાતની ભૂપતસિંહને પણ ખબર પડી હતી.

‘ખીમજીઅદાને આપ ઓળખો?’

મહારાજાએ ભૂપતસિંહ સાથે રાજવી ઠસ્સા સાથે વાત શરૂ કરી. ભૂપતસિંહ પોતાના ઘોડા પર હતો અને મહારાજા બગીમાં આવ્યા હતા. બગીનો ચાલક બગી મૂકીને ઊતરી ગયો હતો. રાજાના આદેશનું પાલન કરવું તેની ફરજ હતી.

ખીમજીઅદાની બાબતમાં સામેથી હકારાત્મક પ્રત્યુત્તર આવ્યો એટલે મહારાજાએ આખી વાત કરી અને છેલ્લે મનની મૂંઝવણ પણ વ્યક્ત કરી.

‘ગોંડલ રાજ્ય માટે આ પ્રશ્ન હવે ગળામાં અટવાયેલા હાડકા જેવો બની ગયો છે સિંહ, નથી એ વચ્ચે પડી શકતું કે પછી નથી ગોંડલ રાજ્ય આ બાબતમાં વિગ્રહ પણ કરી શકતું. જો એ વચ્ચે પડે તો એવું લાગે એમ છે કે ભૂપતસિંહને બચાવવામાં ગોંડલ રાજ્યને રસ છે અને જો વચ્ચે નહીં પડે તો નાક કપાઈ જશે.’

‘બેમાંથી એકેય બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી. અત્યાર સુધી જે પ્રકારનું વર્તન રાખ્યું છે એવું નરોવા કુંજરોવાની નીતિ અને એવું જ વર્તન રાખો અને બાકીનું બધુંય મારા પર છોડી દ્યો અને...’

‘વાત વધે...’

કોઈ હિંમત ન કરે એવી હિંમત ભૂપતસિંહે કરી.

‘મારી વાત હજી પૂરી નથી થઈ.’ ભૂપતસિંહે થનગનાટ કરી રહેલા ઘોડા પર કાબૂ મેળવી રાખ્યો હતો, ‘પહેલાં પૂરી વાત સાંભળી લ્યો અને વાત નહીં વધે એટલે એની ચિંતા કરવાની પણ રહેવા દો. બધી જવાબદારી મારી રહેશે, બે દિવસમાં ખીમજીઆતા જ્યાં હશે ન્યાથી ઘરે પાછા આવી જાશે, પણ એક વાતની મોટી ચોખવટ, જો અદાને કાંય કર્યું હશે તો પછી ઈ ધોળિયાવને જેકાંય ભોગવવું પડે એમાં મારે કાંય લાગેવળગે નહીં. અદાને લેતો આવીશ, પણ જો અદા ક્યે કે તેને બઉ હેરાન કર્યા તો પછી હું કોઈના બાપની શરમ નઈ રાખું.’

‘મંજૂર પણ સિંહ, એવું કાંય થ્યું હોય એવું મને લાગતું નથી.’

‘બે દિવસમાં ખબર પડી જાશેને બધી, પછી શું કામ ખોટેખોટા ભેજાને હેરાન કરવાનું?’ ભૂપતસિંહે કામની વાત કરી, ‘કોણ તમારે ત્યાં આવ્યું હતું એનું નામ અને એનો હોદ્દો આ બેય મને જોશે.’

મહારાજાને જાણે કે આ વાતનો અંદેશો હોય એમ તેમણે પહેલેથી જ એક ચબરખી પોતાની સાથે તૈયાર રાખી હતી અને એ ચબરખી તેમની બાજુમાં જ પડી હતી. મહારાજાએ ચબરખી હાથમાં લઈને હાથ લંબાવ્યો એટલે ભૂપતસિંહે ઘોડો બગીની નજીક લઈને એ ચબરખી લઈ લીધી.

કામ પૂÊરું થયું એટલે બન્ને પોતપોતાના રસ્તે રવાના થઈ ગયા. રવાના થતી વખતે ગોંડલનરેશને હળવાશનો અનુભવ થઈ રહ્યો હતો, જ્યારે ભૂપતસિંહમાં નવેસરથી આગ ભભૂકી ઊઠી હતી. આ આગમાં ક્યાંક ને ક્યાંક નવી દુશ્મનીની શરૂઆતના પગરવ સંભળાવા લાગ્યા હતા.

€ € €

- આલ્બર્ટ ક્રિસ્ટો, રાજકોટના ગવર્નર.

ચિઠ્ઠીમાંથી વાંચીને કાળુએ કહેલું નામ ભૂપતના કાનમાં ગુંજતું હતું.

આલ્બર્ટ ક્રિસ્ટો.

રાજકોટમાં જ રહે છે અને છેલ્લે ખીમજી અંટાળાને મળવા માટે તે આવ્યો હતો. ખીમજીઅદાએ ના પાડી દીધી પછી ખીમજીઅદા ગુમ થયા. બધાને ખાતરી છે કે ઘરના સભ્યોએ તો આંખ સામે જોયું છે કે અંગ્રેજ સૈનિકો આવીને ખીમજીઅદાને પોતાની સાથે લઈ ગયા.

‘કલાકમાં આપણે નીકળીએ છીએ.’

ભૂપતસિંહે નિર્ધાર કરી લીધો એટલે એમાં કોઈ જાતની શંકા કે કુશંકા વર્ણવવાનો પ્રશ્ન આવતો નહોતો, પણ કાળુએ પોતાની ઇચ્છા વ્યક્ત કરી લીધી.

‘એવું હોય તો રાતના ટાણે નીકળીએ. પોંચતાં ચારેક કલાક થાશે, કામ પણ ફટાફટ જ પતી જાવાનું છે.’

ભૂપતે કાળુ સામે જોયું અને પછી કટાક્ષમાં તેના ચહેરા પર સ્મિત પણ આવી ગયું.

‘એલા ઘેલા, તને લાગે છે કે આ ક્રિસ્ટોના પેટનાએ પોતાની ઘરે અદાને રાય્ખા હઈશે? ક્રિસ્ટોએ જેકાંય કર્યું છે એ આપણને બા’ર કાઢવા જ કર્યું છે એટલે પેલા તો જઈને ખીમજીઅદા ક્યાં છે એની ભાળ મેળવવી પડશે અને ભાળ મળે પછી તેને લાવવાનું કામ કરવું પડશે.’

કાળુ પાસે દલીલ માટે કોઈ અવકાશ હવે રહેતો નહોતો એટલે તેણે પણ જવાની તૈયારી આરંભી દીધી. અડધા કલાકના સમયગાળામાં કાળુ અને ભૂપત બન્ને ગીરનું જંગલ છોડીને નીકળી ગયા અને રાજકોટ તરફ જવાની રાહ પકડી લીધી.

કામ કેવી રીતે થશે અને કામ કોણ કરશે એ વિશે બન્ને વચ્ચે કોઈ ચર્ચા થઈ નહોતી અને અને બન્નેમાંથી ક્યારેય કોઈ એવા વિષય પર વાત પણ કરતા નહીં. આજે પણ એ જ નીતિ તેમણે બન્નેએ પકડી રાખી હતી. જ્યારે વ્યક્તિને એકબીજા પર વિશ્વાસ હોય ત્યારે જ આ પ્રકારના સંબંધો જન્મતા હોય છે. 

€ € €

‘આપ લોગ ક્યા કહેતે હૈં ઇસે? કુછ કેમિસ્ટ્રી હી ના.’

ઇબ્રાહિમે હા પાડી અને પછી તેનાથી હસી પડાયું, ‘ચાચુ, આજકાલ તો એવી કેમિસ્ટ્રી હસબન્ડ-વાઇફમાં પણ જોવા નથી મળતી. બધી વાત ડીટેલમાં કરવી પડે અને બધી વાત ધીમે-ધીમે સમજાવવી પડે. જો એવું કરવામાં માર ખાઈ ગયા તો માર્યા ઠાર.’

કુતુબે જરાઅમસ્તું હસી લીધું, પણ કાબૂમાં રાખેલા આ હાસ્યનો ફુવારો ત્યારે છૂટી ગયો જ્યારે ઇબ્રાહિમે કહ્યું,‘તમેને દાદુ, ખરેખર તો હસબન્ડ-વાઇફ કરતાં પણ વધારે સારી કેમિસ્ટ્રી ધરાવતા હતા.’

‘એલા હસબન્ડ-વાઇફ કરતાં વધારે સારી એટલે શું?’ કુતુબે સામે બેઠેલા ઇબ્રાહિમના પેટમાં નાનીઅમસ્તી મુક્કી મારી લીધી, ‘બે ભાઈબંધ વચ્ચે એનાથી પણ વધારે સારી કેમિસ્ટ્રી હોય છે અને એ હોવી જ જોઈએ. જો હોય તો જ ભાઈબંધી કામની. બાકી એને સંબંધ નહીં, વ્યવહાર કહેવાય. તારા દાદુ સાથે વ્યવહાર નહોતો, સંબંધ હતો અને એવું જ તારા દાદુનું પણ હતું.’

‘તમારા બેઉની આ કેમિસ્ટ્રી દાદીએ જોઈ હતી?’

કુતુબની આંખમાં સહેજ આછુંસરખું આંસુનું ટીપું બાઝી ગયું. કહેવાનું મન થઈ આવ્યું કે તારી દાદીએ જોઈ એ પછી જ તો અંતર કરવાનું શરૂ કરી દીધું. જોકે એ દિશામાં વાતને વાળીને નવી વાતો માંડવાની કોઈ ઇચ્છા નહોતી એટલે કુતુબે ફરી એક વખત ભૂતકાળનું અનુસંધાન જોડીને વાત આગળ વધારવાની શરૂ કરી દીધી.

‘કહા પહોંચે થે હમ... હા, યાદ આ ગયા. અભી તો જૂનાગઢ ગયા ભી નહીં થા કી તેરે દાદુને આંખેં બંધ કર દી. કહે ભી દિયા મુઝે...’

€ € €

‘હડદાં બઉ ન લેતો, જરાક સૂઈ જાઉં છું હું.’

ભૂપતે આંખ પર ફેંટો બાંધવાનું શરૂ કરી દીધું અને કાળુ સામે જોયા વિના જ લંબાવી પણ દીધું. આંખમાં હજી પણ સૂર્યપ્રકાશ ઊતરી રહ્યો હતો અને છતાં ભૂપતે ભીંસ દઈને આંખો મીંચી દીધી. શરીરના થાક અને રાતના ઉજાગરાની અસર વચ્ચે પાંચ જ મિનિટમાં ભૂપતની આંખોમાં ઘેન ઉમેરાઈ ગયું અને બીજી ૧૦ મિનિટમાં તો તે ચાલુ જીપે નસકોરા બોલાવવા માંડ્યો. આ નસકોરાનો અવાજ જીપના અવાજની સાથે તાલમેલ મિલાવવાનો શરૂ થયો અને છેક રાજકોટ સુધી આ જ પરિસ્થિતિ રહી હતી.

રાજકોટમાં દાખલ થતાં

પહેલાં સાવધાનીના ભાગરૂપે કાળુએ ભૂપતને જગાડ્યો ત્યારે ભૂપત સફાળો જાગી ગયો.

‘અલ્યા તું તો કહેતો પણ નથી કે આપણે પહોંચી ગ્યા. જમ્યો?’

‘ના.’ કાળુનું ધ્યાન હજી પણ રસ્તા પર જ હતું, ‘જમવા માટે ઊભી રાખત તો તારી ઊંઘ ઊડી જાત.’

‘વાહ રે, મારે માટે તેં આજે જમવાનું પણ ટાળી દીધુંને કાંય?’ ભૂપતે મજાકમાં જ કહ્યું, ‘બઉ સારું, એક વખત ભૂખ્યો રહીશ તો કાંય દૂબળો નહીં થઈ જાય. રવજીભાઈના ઘરે લઈ લે, ન્યા જમી પણ લેજે.’

જમવાને બદલે રવજી પટેલના ઘરે પહોંચીને કાળુ સૂઈ જ ગયો. આમ પણ દિવસ દરમ્યાન કોઈ કામ કરવાનું બને એવી શક્યતા તેને તો ઓછી લાગતી હતી, પણ ભૂપતના મનમાં જુદું જ કંઈક ચાલતું હતું.

‘સિંહ, આવવાનું કોઈ ખાસ કારણ?’

‘હા રવજીભાઈ, એક ભાઈને શોધવાના છે.’

‘તો મને કહી દેવું’તુંને? હું ઈ કામ કરી લેત.’

‘દેખાય છે એટલું સહેલું કે સીધું કામ નો’તું લાગતું એટલે પછી જાતે આવવાનું નક્કી કર્યું.’

‘નામ શું મા’ણાનું?’

‘ખીમજી અંટાળા. તમારી પડખેના રાજમાં જ રહે છે, ગોંડલમાં. બેચાર દિવસથી ગોરા ઉપાડી ગ્યા છે, પણ હવે માનવા રાજી નથી કે કહેતા પણ નથી કે ક્યાં રાખ્યા છે.’

‘આપણું મા’ણા ગણાય?’

ભૂપતે રવજી પટેલ સામે જોયું.

‘હા, આમ તો આપણું મા’ણા જ કે’વાય. ધોળિયાવ મને લઈ જાવા માટે તેની મદદ માટે ગ્યા પણ તેણે ના પાડી દીધી હતી એટલે એમ જોઈએ તો આપણું માણસ જ થ્યુંને?’

‘૧૦૦ ટકા સિંહ, આપણું મા’ણા જ થ્યું.’ રવજીભાઈએ મૂળ વાતનું અનુસંધાન જોડીને પૂછી લીધું, ‘રાજકોટમાં બે જેલ છે અને પોલીસચોકીની ૭ કોટડી. ક્યાં ગોતવા છે એ ક્યો એટલે કામે લાગી જાઈ.’

‘મને નથી લાગતું કે આની ભાળ એવી રીતે મળી જાય રવજીભાઈ. આપણે આમાં જરાક જુદી રીતે તપાસ કરવી પડશે.’

‘તમે ક્યો એમ. તમારો હુકમ ને મારું માથું.’

રવજીએ પોતાની ભૂપતસિંહ પ્રત્યેની નિષ્ઠા દેખાડી દીધી.

‘રવજીભાઈ, આંય, તમારા ગામમાં એક અંગ્રેજ અધિકારી છે, આલ્બર્ટ ક્રિસ્ટો એનું નામ છે.’

રવજીએ ઉતાવળે જવાબ આપ્યો.

‘હા, આંયના ગવર્નર છે. મોટા માણસ છે ઈ તો.’

‘ક્યાં મળે આ તમારો મોટો માણસ રવજીભાઈ.’

‘સિંહ આમ તો અઘરું છે તેમને મળવું, પણ તોયે કહું તો તમને, અત્યારે જો તેઓ રાજકોટમાં હશે તો તેમની ઑફિસમાં હશે અને નહીં તો દિલ્હી કે બૉમ્બે ગ્યા હોય એવું પણ બને. તેમનું કામ ફરવાનું બહુ છે અને મને લાગે છે ન્યા સુધી તો આંય હોય એવું બનશે પણ નહીં. અત્યારે જે પાછા જવાની વાતું ચાલે છે એમાં તેઓ પણ બહાર જ હોવા જોઈએ.’

‘હંઅઅઅ. પહેલાં તો એ તપાસ કરવાની છે કે એ અહીં છે કે નહીં અને બીજું એ કે તે રહે છે ક્યાં?’

‘ઘરની તો મને અત્યારેય ખબર છે. ઓ’લા ઘોડા દોડે છેને, શું નામ એનું અંગ્રેજીમાં, રેસ રમાડે છે એ જગ્યા. ગાંધીબાપુ ભણતા ઈ નિશાળથી સીધા-સીધા જાય એટલે આવે છે એ જગ્યા. અરે, શું નામ એનું?’

રવજીભાઈ સ્વગતપણે નામ યાદ કરવા માંડ્યા પણ તને નામ યાદ નહોતું આવતું એટલે તેમણે પોતાના છોકરાને રાડ પાડી.

‘ગોવિંદ, એય ગોવિંદ.’

‘આયવો બાપુ.’

ગોવિંદ જવાબ આપવાની સાથે જ સીધો ઓરડામાં ઘૂસી ગયો હતો. અડધી ચડ્ડી અને સફેદ કલરના બુશકોટમાં આવેલો ગોવિંદ નિશાળે ભણવા જવાની તૈયારી કરતો હોય એવું દેખાઈ આવતું હતું.

‘અલ્યા,  આ આલ્બર્ટસાયબ ર્યે છે એ વિસ્તારનું નામ શું?’

‘રેસર્કોસ.’

‘હા, કહું છુંને, રેસ જેવું કાંયક હતું. તું જા હવે.’ ગોવિંદ ગયો એની ખાતરી કરી લીધા પછી રવજીભાઈએ ફરીથી ભૂપતસિંહ સાથે વાત શરૂ કરી, ‘રેસર્કોસ પાસે તેનું ઘર છે. આમ તો સરકારી જ છે, પણ બઉ મોટો બંગલો આયપો છે પણ સિંહ, તેના ઘરનું કામ શું છે. ન્યાં પોલીસપહેરો પણ મોટો હોય છે હોં.’

‘ઘરનું જરાક વધારે ક્યો તો? કેવું છે ઘર? અંદર કેટલા ઓરડા છે અને બીજી જે કાંય ખબર હોય એ બધું?’

‘આમ તો આપણે કોઈ દિવસ એ ઘર જોયું નથી, બહારથી જોયું છે. બંગલી હોય એવું જ બાંધકામ દેખાય છે જોતાં તો. આગળના ભાગમાં મોટું ફળિયું છે, ન્યાં તેની ગાડી પડી હોય છે. તેની રક્ષકમંડળી પણ ત્યાં જ હોય છે.’ રવજીભાઈના અવાજમાં અચાનક જ ઉત્સાહ આવી ગયો, ‘સિંહ, જો તે અહીં હશે તો તો તેની ગાડી ઘરે નહીં પડી હોય, ને જો બહારગામ ગ્યા હશે તો ગાડી ઘરમાં જ પડી હશે. આપણને ખબર પડી જાશે. ન્યાં જાવું પડશે.’

ભૂપતસિંહ ઊભો થઈ ગયો.

‘ચાલો જઈએ અને હા, બીજા કોઈને તેની કચેરીએ પણ તપાસ કરવા માટે મોકલી દો. આપણે બે જગ્યાએ તપાસ કરીને પાક્કું કરી લઈ.’

‘સિંહ, આલ્બર્ટસાયબ મોટા માણસ કહેવાય એટલે જેકાંય કરવું હોય એમાં ધ્યાન રાખવું પડે અને બીજી વાત...’ બહાર આવ્યા પછી રવજીભાઈએ આજુબાજુમાં નજર કરી પણ વાતાવરણમાં કંઈ દેખાયું નહીં એટલે તેણે ભૂપત સામે જોયું, ‘તમે બે જ આવ્યા છો?’

ભૂપતે હકારમાં માથું નમાવ્યું.

‘કેમ?’

‘આપ જે રીતે પૂછો છો એ જોતાં બે માણસથી આ કામ થાય નહીં સિંહ. માણસો વધારે જોશે.’ રવજીએ ચોખવટ સાથે પૂછ્યું પણ ખરું, ‘કાં તો ખુલાસાવાર ક્યો કે મનમાં શેની ગણતરી ચાલે છે તમારા?’

‘ખીમજીઅદાને પાછા લઈ આવવા માટે આલ્બર્ટના ઘરેથી કોઈકને ઉપાડી લેવાની ગણતરી છે રવજીભાઈ.’

ભૂપતસિંહે રવજીભાઈ સામે જોયું.

‘બીક લાગે કે ખચકાટ થાય તો જોડાવાની જરાય જરૂર નથી, પણ એક વાર સાથ આપશો તો પછી છેલ્લે સુધી સાથ આપવો પડશે એ પણ યાદ રાખજો.’

 (વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK