ક્યાં ૨૮ વર્ષ અને ક્યાં બે મહિના

રજિસ્ટ્રેશન માટે આપેલા ફ્લૅટના દસ્તાવેજો કોલ્ડ સ્ટોરેજમાં મૂકીને પોઢી ગયેલા બાબુઓને RTIના બ્યુગલે સફાળા જગાડ્યા

RTI

RTIની તાકત - ધીરજ રાંભિયા

મલાડ (ઈસ્ટ)માં રહેતાં સુશીલા મોહનલાલ ભાભેરાએ ૨૮ વર્ષ સુધી ભોગવેલી વિટંબણા તથા RTIના યથાયોગ્ય ઉપયોગથી બે મહિનામાં આવેલા સુખદ અંતની આ કથા છે.

૧૯૮૭ની પહેલી જાન્યુઆરીએ મહામહેનતે ખરીદેલા સપનાના ઘરના દસ્તાવેજો અસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઑફ અશ્યૉરન્સિસના કાર્યાલયમાં રજિસ્ટ્રેશન માટે આપવામાં આવ્યા.

એ સમયમાં રજિસ્ટ્રેશન માટે અપાયેલા દસ્તાવેજો ૧૦-૧૫ વર્ષ પહેલાં પાછા આવતા જ નહીં. સરકારી ખાતામાં સમય તો લાગે જ એવી માન્યતા દૃઢ થયેલી હોવાથી ચિંતામુક્ત સમય પસાર થઈ ગયો. ત્યાર બાદનો સારોએવો સમય વિસ્મૃતિમાં પસાર થઈ ગયો.

૨૮ વર્ષના લાંબા સમયગાળામાં તો પરિવારમાં નવી પેઢીનું અવતરણ થઈ જાય. પુત્ર નિશાંત જવાબદારી વહન કરવાની ક્ષમતા ધરાવતો થતાં અઢી દાયકા ઉપરાંતના સમયથી વિલંબિત કાર્યના અંત માટે ગતિશીલ થયા. એક એજન્ટને કાર્ય સોંપ્યું, પરંતુ કાર્યવાહી ઠેરની ઠેર રહી. એથી પર્યાયી વિકલ્પો પર વિચારણા શરૂ કરી.

‘મિડ-ડે’ના નિયમિત વાચક હોવાના નાતે RTIની તાકાતથી સુપરિચિત હતા. જોગાનુજોગ બન્યું એવું કે એ સમયમાં તેમની વિટંબણાને મળતી કથા પ્રકાશિત થયેલી, જે વાંચીને નિશાંતભાઈની આંખમાં ચમક આવી તથા મગજમાં તેજિલસોટો થયો.

૨૦૧૫ના ઑગસ્ટના પ્રથમ અઠવાડિયામાં મલાડ (વેસ્ટ)માં આવેલા તરુણ મિત્ર મંડળ સંચાશ્ચિલત RTI કેન્દ્રના સેવાભાવીઓને ફોન કરી, અપૉઇન્ટમેન્ટ મેળવીને પહોંચ્યા.

કેન્દ્ર પર તેમની મુલાકાત


કેન્દ્ર-નિયામક અમિતભાઈ તથા અન્ય સેવાભાવીઓ સાથે થઈ. સેવાભાવીઓએ તેમની વાત શાંતિથી સાંભળી, આપસમાં ચર્ચા-વિચારણા કરી સ્ટેટ પબ્લિક ઇન્ફર્મે‍શન ઑફિસર (SPIO)ને ઉદ્દેશીને RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી, જેમાં નીચેની વિગતો માગવામાં આવી...

૧. રજિસ્ટ્રેશન માટે જમા કરેલા મૂળ દસ્તાવેજો માટે આપવામાં આવેલી રસીદ-નંબર AB-૧૨૩૪ મુજબ જમા કરાવેલા દસ્તાવેજોના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કરવામાં આવેલી કાર્યવાહીની ક્રમબદ્ધ માહિતી તથા કાર્યવાહીની સાંપ્રત સ્થિતિની માહિતી.

૨. ઉપરોક્ત (૧)માં નિર્દેશિત કાર્ય પૂર્ણ કરવા માટે આપના વિભાગની નિયમાવિલ મુજબની મહત્તમ સમયમર્યાદાની વિગતો.

૩. ઉપરોક્ત દસ્તાવેજના રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો તથા તેમની સંપર્ક-વિગતો.

૪. જો જવાબદાર અધિકારીએ કાર્યવાહી કરી ન હોય કે અપૂર્ણ કાર્યવાહી કરી હોય તો તેના પર શિસ્તભંગનાં લેવામાં આવેલાં પગલાંની વિગતો.

૫. જો ઉપરોક્ત (૪) મુજબ કાર્યવાહી કરવામાં ન આવી હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૬. જવાબદાર અધિકારી પર પગલાં ભરવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો તથા તેમના સંપર્કની સંપૂર્ણ વિગતો.

૭. વરિષ્ઠ અધિકારીએ તેમને સોંપવામાં આવેલી જવાબદારી પૂર્ણ કરી ન હોય તો તેમના પર લેવામાં આવેલાં શિસ્તભંગનાં પગલાંની વિગતો અને જો પગલા લેવામાં ન આવ્યાં હોય તો એ માટે નોંધાવેલાં કારણો.

૮. આપના વિભાગની સિટિઝન ચાર્ટરની અપડેટેડ પ્રત.

૯.  જો સિટિઝન ચાર્ટર બનાવવામાં ન આવ્યું હોય કે અપડેટ કરવામાં ન આવ્યું હોય તો એ કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદો તથા સંપર્કની સંપૂર્ણ વિગતો.

૧૦. ઉપરોક્ત (૯) મુજબના અધિકારી પર જવાબદારી પૂર્ણ ન કરવા માટે લેવામાં આવેલાં શિસ્તભંગનાં પગલાંની વિગતો અને જો પગલાં લેવામાં ન આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૧૧. ઉપરોક્ત (૧) અન્વયે સુપરત કરવામાં આવેલા ઓરિજિનલ દસ્તાવેજો ગુમ થઈ ગયા હોય કે ઉપલબ્ધ ન હોય તો એ માટે નોંધાયેલા ફર્સ્ટ ઇન્ફર્મે‍શન રિપોર્ટ (FIR)ની પ્રમાણિત કૉપી.

૧૨. જો મૂળ દસ્તાવેજો ઉપલબ્ધ ન હોય અને FIR પણ નોંધાવવામાં ન આવ્યો હોય તો એ માટે નોંધાયેલાં કારણોની વિગતો.

૧૩. મૂળ દસ્તાવેજોની જાળવણીની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો તથા સંપર્ક વિગતોની માહિતી.

૧૪. ઉપરોક્ત (૧૩) મુજબના અધિકારી પર નિષ્કાળજી બદલ લેવામાં આવેલાં શિસ્તભંગનાં પગલાંની વિગતો અને જો પગલાં લેવામાં ન આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૧૫. આપના વિભાગના વરિષ્ઠ અધિકારી કે જેમની નિમણૂક RTI કાયદા અન્વયે ફર્સ્ટ અપેલેટ ઑથોરિટી તરીકે થઈ હોય, તેમનું નામ, હોદ્દો તથા સંપર્કની પૂર્ણ વિગતો.

આ ધારદાર અરજી ૨૦૧૫ની ૧૦ ઑગસ્ટે સંબંધિત કાર્યાલયમાં સુપરત કરવામાં આવી. કુંભકર્ણની ઘેરી ઊંઘમાં પોઢેલા બાબુઓ RTI અરજી દ્વારા વાગેલા બ્યુગલને કારણે સફાળા જાગ્યા. RTI અરજી વાંચી છતે ઍર-કન્ડિશનરે પરસેવે રેબઝેબ થઈ ગયા. ફાઇલોના ઢગલા ફેંદાયા. ૨૮ વર્ષ પહેલાંનું ઇન્વર્ડ રજિસ્ટર મહામહેનતે શોધાયું.

૧૯૮૭ની ૧ જાન્યુઆરીની તારીખમાં સુશીલા મોહનલાલ ભાભેરાના નામની એન્ટ્રી મળી અને એના પરથી ફાઇલ, જેને મહારાષ્ટ્રમાંની સરકારી ઑફિસોમાં દસ્ત કે દસ્તા તરીકે ઓળખવામાં આવે છે એ દસ્તાના નંબર મળ્યા. અડધું યુદ્ધ જિતાયું.

ચાવી મળી હવે તાળું શોધવાની કાર્યવાહી શરૂ થઈ. અત્ર-તત્ર-સર્વત્ર શોધ લગાવવામાં આવી. હરામનાં હાડકાં રામનાં લાડકાં થાય એ પહેલાં બાબુશ્રીઓના સદ્નસીબે દસ્ત-નંબર પી-૧૧૬/૧૯૮૭ મળ્યો જેના પર RTI અરજકર્તાનું નામ વાંચીને પુત્રજન્મને કારણે થતા આનંદ જેવો આનંદ કાર્યાલયમાં પ્રવત્ર્યો.

હાજર કર્મચારીઓ ફોન પર મંડી પડ્યા. રજા પરના, ઑફિસના કામે બહાનું કાઢી શૉપિંગ કરવા જનાર સહકર્મચારીઓને વધાઈના સમાચાર આપવામાં આવ્યા. સચિવાલયમાં તંબુ તાણીને બેઠેલા સહજિલ્લા રજિસ્ટ્રારને પણ ખીરવધાઈ આપવામાં આવી. ઉત્સવનો ઉત્સાહ ઓસરતાં દસ્તાનો અભ્યાસ કરવામાં આવ્યો, તો જાણ્યું કે સ્ટૅમ્પ-ડ્યુટી ઓછી ભરાયેલી હોવાથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ નહોતી.

૨૦૧૫ની ૪ સપ્ટેબરની તારીખનો પત્ર નિશાંતભાઈને મળ્યો જેમાં ઍગ્રીમેન્ટ પર સ્ટૅમ્પ-ડ્યુટી ઓછી ભરાયેલી છે એની જાણ કરવામાં આવી તથા ત્રુટિની દુરસ્તી માટે કાર્યાલયનો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું.

૨૮ વર્ષથી પ્રતિસાદ ન આપતા બાબુઓ RTI ઍક્ટ અંતર્ગત અરજી મળતાં ૨૮ દિવસમાં ઘાંટો પાડતા થઈ ગયા હોવાથી નિશાંતભાઈ અને તેમના પરિવારજનો આર્યચકિત તથા આનંદિત થયા. સંબંધિત કાર્યાલયમાં પત્ર લઈને પહોંચ્યા તો નિશાંતભાઈને જે આદર મળ્યો એનાથી તેમને સમજ પડી કે આ ચમત્કારના કારણે નમસ્કાર થઈ રહ્યા છે.

સ્ટૅમ્પ-ડ્યુટીની ફરકની રકમ ભરતાં ફ્લૅટ-ખરીદીના મૂળ દસ્તાવેજ રજિસ્ટર કરી નિશાંતભાઈના હાથમાં આપવામાં આવતાં તેમના આનંદનો પાર ન રહ્યો. કેન્દ્રને આભારપત્ર આપ્યો. ભાભેરાપરિવારના આનંદના નિમિત્ત બન્યાનો આનંદ સેવાભાવીઓને પણ થયો અને આમ RTIની તાકાત ફરી એક વખત પ્રસ્થાપિત થઈ તથા કેન્દ્ર-નિયામક અમિત શાહ/ગડા તથા કેન્દ્રના સર્વ સેવાભાવીઓની નિ:સ્પૃહ તથા કર્મઠ સેવાનો પણ વિજય થયો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK