જિમ જીવલેણ ક્યારે બને?

આ પહેલાં એવા અઢળક કિસ્સા બન્યા છે જેમાં જિમમાં જ હાર્ટ-અટૅક દરમ્યાન લોકોએ જીવ ગુમાવ્યા છે. યંગેસ્ટ કન્ટ્રી ગણાતા ભારતમાંફિટનેસપ્રેમીઓનો આંકડો મોટો થઈ રહ્યો છે અને જિમ-કલ્ચર પણ ખૂબ વિકસ્યું છે ત્યારે મુંબઈનાં જિમ લોકોની સેફ્ટીને લઈને કેટલાં અલર્ટ છે, લોકો તથા ટ્રેઇનર પોતે કેટલી સાવધાની સાથે કસરત કરે છે એ તમામ વિષય પરથી પડદો ઉઠાવીએ આજે

gym

રુચિતા શાહ

મુંબઈ સેન્ટ્રલમાં આવેલા જિમમાં વેઇટલિફ્ટિંગ કરી રહેલો બાવીસ વર્ષનો અદનાન મેમણ અચાનક કાર્ડિઍક અરેસ્ટને કારણે ત્યાં જ ઢળી પડ્યો. કાર્ડિઍક અરેસ્ટને કારણે બ્રેઇન-ડૅમેજનો ભોગ બનેલો પ્ગ્ખ્ સ્ટુડન્ટ અત્યારે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. આવા તો ઘણા કિસ્સા ભૂતકાળમાં બની ચૂક્યા છે જેમાં જિમની એક્સરસાઇઝ દરમ્યાન વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ૨૦૧૭માં ઝેનિદા કાર્વાલ્હો નામની ૨૯ વર્ષની ઍથ્લીટ વસઈના જિમમાં એક્સરસાઇઝ કરતાં બ્રેઇન-સ્ટ્રોકને કારણે કૉલૅપ્સ થઈ અને મૃત્યુ પામી. ઍથ્લીટ હોવાને કારણે પોતાની ફિટનેસ અને ડાયટને લઈને ખૂબ જ કૉન્શિયસ હોવા છતાં આ ઘટના તેની સાથે બની. ૨૦૧૭માં જ ડેલમાં કામ કરતો બાવીસ વર્ષનો વરુણ કુમાર નામનો યુવાન મસલ્સ-ટ્રેઇનિંગ દરમ્યાન હાર્ટ-અટૅકનો ભોગ બન્યો. ગયા વર્ષે જ નાશિકમાં અજિંક્ય લોલગે નામનો ૧૯ વર્ષનો યુવાન જિમમાં એક્સરસાઇઝ કરતાં મૃત્યુ પામ્યો હતો.

જિમમાં એક્સરસાઇઝ વખતે જો ધ્યાન ન રાખવામાં આવે તો એ પ્રાણઘાતક નીવડી શકે છે આ એના કેટલાક દાખલાઓ હતા. મુંબઈમાં આજે જિમમાં જનારા લોકોની સંખ્યા પહેલાં કરતાં વધી છે. કસરત કરવાની બાબતમાં લોકો થોડા વધુ અલર્ટ બને એ હેલ્ધી સમાજની નિશાની છે, પરંતુ ક્યારેક તકલીફ ઊભી થઈ શકે છે. યંગ એજમાં હાર્ટ-અટૅકનો ભોગ બનવાની બાબત માટે જિમ જવાબદાર છે, લોકો જવાબદાર છે, એક્સરસાઇઝ જવાબદાર છે કે બીજું કંઈ? મુંબઈનાં જિમની સુરક્ષા-વ્યવસ્થા વિશે જાણવા કેટલાક અગ્રણી ફિટનેસ-ટ્રેઇનર સાથે વાતો કરીએ.

જિમમાં આ પ્રકારની ઘટના બને એ ખરેખર ચિંતાજનક છે, પણ આ તો ક્યાંય પણ બની શકે. મુંબઈમાં જિમિંગ-કલ્ચર ડેવલપ કરવામાં પાયાની ભૂમિકા ભજવનારા અને દેશભરમાં ૨૦૦થી વધુ સેન્ટર ધરાવતા તળવલકર્સ જિમના ફાઉન્ડર મધુકર વિષ્ણુ તળવલકર કહે છે, ‘જોકે આ કમનસીબ ઘટના છે, પણ એક્સરસાઇઝ કરવાને કારણે આવું થયું એ ન કહી શકાય. ૫૮ વર્ષથી આ ક્ષેત્રમાં છું અને આવા બનાવો મેં પણ જોયા છે. સગી આંખે પણ જોયા છે. જોકે એ વ્યક્તિની પોતાની ફિઝિકલ કન્ડિશન પર પણ આધાર રાખતી બાબત છે. ભારતમાં જ નહીં પણ વિશ્વના દરેક દેશમાં આવી ઘટના બનતી રહે છે. જે વ્યક્તિનું હાર્ટ નબળું હોય એ માત્ર જિમમાં જ નહીં પણ સ્વિમિંગ કરતાં કે ચાલતાં પણ અટૅકનો ભોગ બની શકે છે અને એમાં તેનો જીવ જઈ શકે છે.

સેફ્ટી-મેઝર્સમાં જિમના સંચાલકો ટ્રેઇન્ડ સ્ટાફ લઈ શકે એ અમે રાખ્યો છે. અમારા જિમમાં પણ આવા બે-ત્રણ ઇન્સિડન્ટ બન્યા છે. એક તો મને બરાબર યાદ છે કે એક માણસ જિમમાં એક્સરસાઇઝ માટે આવ્યો અને મને કહે કે મને જરા સારું નથી લાગતું. એટલે મેં કહ્યું કે તો આજે એક્સરસાઇઝ નહીં કર, તું આરામ કર. પેલો ડ્રેસિંગ રૂમમાં બેઠો અને ત્રણ જ મિનિટમાં ઢળી પડ્યો. હવે અહીં જિમમાં મૃત્યુ થયું, પણ એક્સરસાઇઝ ક્યાં કરી હતી તેણે. આવા કિસ્સાઓ પણ છે કે ટ્રેઇનર બાજુમાં હોય અને તેને એક્સરસાઇઝમાં સપોર્ટ કરી રહ્યો હોય ત્યાં જ અટૅક આવ્યો હોય. હું પોતે જિમ ચલાવું છું એટલે પક્ષપાત કરું છું એવું નથી, પણ મોટા ભાગે પહેલેથી જ નબળી હેલ્થ-કન્ડિશન હોય તેમની સાથે જ આવા ઇન્સિડન્ટ બનતા હોય છે. એ પણ જિમમાં એક્સરસાઇઝ કરનારા લોકોની સંખ્યા સામે ખૂબ જૂજ પ્રમાણમાં છે.’

જિમમાં આ પ્રકારની ઘટનાએ લોકોને અલર્ટ કર્યા છે. જિમ તરફ લોકોના વધતા આકર્ષણ વિશે અને સેફ્ટી-મેઝર્સ વિશે પોતાનો અનુભવ શૅર કરતાં મુંબઈમાં ૧૫ સેન્ટર ધરાવતા પાવર હાઉસ જિમના અક્ષત ગુપ્તા કહે છે, ‘જિમ માટે લોકોનો લગાવ સતત વધ્યો છે, ખાસ કરીને મિલેનિયલ પૉપ્યુલેશનમાં. એટલે કે ટીનેજર્સ અને યંગસ્ટર્સ જિમમાં વધુ આવે છે. ૧૯૯૯થી અત્યાર સુધીમાં આ ઇન્ડસ્ટ્રી ૫૦૦ ટકા વધી છે. અમે અમારા જિમમાં જેટલા પણ ટ્રેઇનર છે તેમને બેઝિક ફર્સ્ટ-એઇડની ટ્રેઇનિંગ મળી હોય એ બાબતનું પહેલું ધ્યાન રાખીએ છીએ. વ્યક્તિની કૅપેસિટી મુજબ જ ટ્રેઇનિંગ આપવી અને એના માટે થવું પડે તો સ્ટ્રિક્ટ પણ થવું એ પણ અમે ધ્યાન રાખીએ છીએ. માત્ર એક્સરસાઇઝ જ નહીં પણ ડાયટનો પણ બહુ મોટો ભાગ હોય છે. અમારા જિમમાં ન્યુટ્રિશનિસ્ટ દ્વારા નૅચરલ પ્રોટીન સોર્સ કયા છે અને આર્ટિફિશ્યલ શું કામ જોખમી છે એની માહિતી પણ આપવામાં આવે છે. ત્રીજું, દરેક સેન્ટરની નજીકની હૉસ્પિટલ સાથે અમે ટાઇ-અપ કર્યું છે એટલે ઑન કૉલ ડૉક્ટર્સ અવેલેબલ હોય છે.’

જિમ ચલાવનારા લોકોની દૃષ્ટિએ તેઓ પૂરતા પ્રમાણમાં લોકોનું ધ્યાન રાખી રહ્યા છે. જોકે ઘણી વાર ખૂબ ઓછી ફી લઈને જિમ ચાલતાં હોય ત્યારે પૂરતા પ્રમાણમાં ઇન્સ્ટ્રક્ટર અને વેલ-ટ્રેઇન્ડ ઇન્સ્ટ્રક્ટર રાખવાનું તેમના બજેટની બહાર થઈ જાય છે, જેનો ભોગ લોકો બને છે. એવામાં તેમને ફુલટાઇમ ડૉક્ટર અપૉઇન્ટ કરવા જેવું તો પરવડી જ ન શકે તેમ જ પીક અવર્સમાં એકસાથે બહુબધા લોકો જિમમાં ભેગા થઈ જતા હોવાથી પણ ટ્રેઇનરનો અભાવ અને પોતાને માટે ઉપયુક્ત એક્સરસાઇઝ ઇક્વિપમેન્ટનો અભાવ પણ મુંબઈના લોકો ભોગવતા હોય છે તેમ જ હાઇજીનની બાબતમાં પણ ઘણાં જિમ ખૂબ જ કથળેલી હાલતમાં હોય છે. આ સંદર્ભમાં જાણીતા વેલનેસ ટ્રેઇનર અને મુંબઈમાં ૧૫ વેલનેસ સેન્ટર ધરાવતા અને ‘ગો ગ્રીન યો વર્કઆઉટ્સ’ના પ્રણેતા મિકી મહેતા કહે છે, ‘એક સમયમાં અમારા સેન્ટરમાં પણ ફિટનેસ માટે ક્રેઝી લોકો પોતાની લિમિટની બહાર જઈને કસરત કરે એ વાત પર ટ્રેઇનર ધ્યાન આપતા હતા. જોકે સમય સાથે જ્ઞાન વધ્યું એમ સમજાયું કે શરીરને એની જરૂરિયાત કરતાં વધારે સ્ટ્રેચ કરવાથી ફાયદો થવાને બદલે નુકસાન વધુ છે. આજે હું ફિટનેસ-સેન્ટર નહીં પણ ૩૬૦ ડિગ્રી વેલનેસ સેન્ટર ચલાવતો થયો છું એનું કારણ પણ આ જ છે. મારા સેન્ટરમાંથી મેં મશીન કાઢી નાખ્યાં છે. માણસ પોતાની ક્રીએટિવિટીને કસરતમાં પણ યુઝ કરી શકે છે અને એનાથી પણ શરીરને રિઝલ્ટ મળી શકે છે. પ્રાણાયામ અને સ્ટ્રેચિંગ ઉપરાંત પણ જે એક્સરસાઇઝ થાય છે ત્યારે એમાં લોકોના હાવભાવ અને આંખો પર પણ ધ્યાન આપીએ છીએ જેથી કંઈક ખોટું થતું હોય અથવા વ્યક્તિ વધુ ખેંચાતી હોય તો ત્યાં જ એને રોકી શકાય. આજે મશીન વાપરવા માટે ટ્રેઇનરને ટ્રેઇનિંગ મળે છે, પણ એ ટ્રેઇનિંગ એક્સરસાઇઝ કરતી વ્યક્તિને બરાબર રીતે પાસ નથી કરવામાં આવતી. બીજું, દરેકના શરીરની કૅપેસિટી અને કૉન્સ્ટિટ્યુશન જુદું-જુદું હોય છે. એને સમજ્યા વિના ટ્રેઇનર જો વ્યક્તિને પુશ કરતો રહે તો એ નફાને બદલે નુકસાનનો સોદો થઈ જાય. આ વાતો પર લોકોએ ધ્યાન આપવું જાઈએ.’

મિકી મહેતાની દૃષ્ટિએ શરીરને જાણ્યા, સમજ્યા વિના જ્યારે સ્પર્ધામાં આવીને લોકો કસરત કરવા માંડતા હોય છે ત્યારે બૉડી સાથેનું વાયલન્સ થતું હોય છે. જાનવરોની જેમ આપણે ખાવાનું પણ નથી અને જાનવરોની જેમ સમજ્યા વિના કસરત પણ કરવાની નથી એ વાત સમજાવી જોઈએ. સંતુલન મહત્વનું છે.

જિમ સાથેનો પ્રત્યક્ષ અનુભવ શું કહે છે?

કિંજલ સંદીપ શાહ, દાદર, ઇન્ટીરિયર ડિઝાઇનર

ઍરોબિક્સ અને કાર્ડિયો કરતી વખતે મને અને મારા હસબન્ડને ઍન્કલની ઇન્જરી થઈ હતી. એ વખતે અમને શૂઝ અલાઉ નહોતાં અને સ્લિપરી સર્ફે‍સને કારણે પગમાં તકલીફ થઈ ગઈ હતી. એ પછી અમે એ જગ્યા છોડી દીધી. અત્યારે અમે જિમમાં જઈએ છીએ. ઍઝ યુઝ્અલ પીક અવર્સમાં અહીં ખૂબ ભીડ હોય છે અને ઇન્સ્ટ્રક્ટર ઓછા. મારી દૃષ્ટિએ જિમવાળાએ ગમેતેમ કરીને ઇન્સ્ટ્રક્ટર થોડાક વધારવા જોઈએ.

કુનાલ એચ. જસાણી, માટુંગા, બિઝનેસમૅન

મને થોડાક સમય પહેલાં લિગમન્ટ ઇન્જરી થઈ હતી એક્સરસાઇઝ કરતી વખતે. પગથી હું વેઇટલિફ્ટિંગ કરી રહ્યો હતો અને જરૂર કરતાં વધુ વેઇટ લઈ લેતાં ઇન્જરી થઈ અને લગભગ એક મહિનો પછી મારે આરામ કરવો પડ્યો હતો. મારો અનુભવ કહે છે કે લોકો ઘણી વાર ઓવર-એક્ઝર્શન કરે, મસલ્સ બનાવવાના ક્રેઝ માટે આર્ટિફિશ્યલ પ્રોટીન લે અને બૉડી સિગ્નલ આપે તો પણ અવૉઇડ કરીને પોતાની એક્સરસાઇઝ ચાલુ રાખે ત્યારે આ પ્રકારની સિચુએશન ક્રીએટ થતી હોય છે. બીજું, જિમના ટ્રેઇનરને હંમેશાં સામેવાળાની એક્સરસાઇઝ ઓછી જ લાગતી હોય છે. તેઓ વધુ ને વધુ પુશ કરવામાં અને એન્કરેજ કરવામાં એની લિમિટ ભૂલી જતા હોય છે જે પણ એક બહુ મોટું કારણ છે ઇન્જરીનું. આપણા કરતાં ટ્રેઇનરને વધુ ખબર પડે એવું વિચારીને આપણે તેનું કહ્યું કરતા હોઈએ છીએ, પણ પાછળથી પરિણામ આપણે ભોગવવું પડતું હોય છે. ઇન્જરી પછી પણ એ લોકો તો એમ જ કહે કે તમે બરાબર ન કર્યું એટલે ઇન્જરી થઈ. મારા અનુભવ પરથી મેં પૂરેપૂરું ટ્રેઇનર કહે એમ કરવાનું છોડીને મારા શરીરની કૅપેસિટીને સમજીને આગળ વધવાનું નક્કી કર્યું છે. દરેકે આ દિશામાં વિચારવું જોઈએ.

હર્ષિલ શાહ, બોરીવલી, બિઝનેસમૅન


ત્રણ વર્ષથી રિલિજિયસલી વર્કઆઉટ કરું છું. મારી દૃષ્ટિએ તમે કયા જિમમાં જાઓ છો એ મહત્વનું છે. બધી જ જગ્યાએ જો તમે બ્રૅન્ડને મહત્વ આપો છો તો જિમમાં શું કામ નહીં? મોટા ભાગે પર્સનલ ટ્રેઇનર હોય તો ઇન્જરીના ચાન્સ ઘટી જાય છે. મને પણ ક્યારેક માઇનર ઇન્જરી થઈ છે, પણ એ સામાન્ય છે. તમે ક્યારેય વેઇટ ન ઉપાડ્યું હોય અને પહેલી વાર વેઇટ લો તો બૉડી સૂજી જાય. સોરનેસ આવે એ સ્વાભાવિક છે. મારા કેસમાં જિમ જૉઇન કર્યા પછી હું વધુ ફિટ થયો છું, વેઇટલૉસ પણ મેં કર્યું છે અને શરીર મેઇન્ટેન છે. અત્યારે બે બાબતો પર જિમના લોકોએ ધ્યાન આપવું જોઈએ એવું મને લાગે છે. એક તો કે મેમ્બરશિપ-ફી થોડીક વધુ લઈને પણ જનરલ ટ્રેઇનરની સંખ્યા વધારવી જેથી જે લોકો પર્સનલ ટ્રેઇનર ન રાખી શકે એ લોકોને પણ અટેન્શન મળે. બીજું, જેટલાં પણ ઇક્વિપમેન્ટ્સ જિમમાં છે એની ઉપયોગિતા સમજાવતું, એ કોણ વાપરી શકે, કેવી રીતે વપરાય, ક્યારે ઇન્જરીના ચાન્સ વધે જેવી વિગતોનું બ્રીફિંગ આપતો સેમિનાર મહિનામાં એક વાર ન્યુ જૉઇની માટે અને ખાસ તો યંગસ્ટર્સ માટે રાખવો જોઈએ જેથી ઇન્જરીના ચાન્સ ઘટી જાય. એજ્યુકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ.

રુષભ ફુરિયા, કાંદિવલી, ફિટનેસ-ટ્રેઇનર


ઘણી વાર લોકોની પોતાની લાઇફ-સ્ટાઇલ ખરાબ હોય, મેથડ ખોટી હોય, ડાયટ પ્રૉપર ન હોય, વર્કઆઉટનો ટાઇમિંગ શેડ્યુલ સાથે મૅચ ન થતો હોય, આખા દિવસના રૂટીન પછી બૉડી એક્ઝૉસ્ટ થયા પછી વર્કઆઉટ કરવામાં આવતું હોય ત્યારે ઇન્જરીના ચાન્સ વધી જતા હોય છે.  ફિઝિકલી બૉડી રેડી ન હોય એ સમયે શરીરને પુશ કરો છો ત્યારે આવા ઇશ્યુઝ થતા હોય છે.

યાદ રહે માત્ર જિમ જ જવાબદાર નથી : ડૉ. આશિષ કૉન્ટ્રૅક્ટર, કાર્ડિયોલૉજિસ્ટ


બાવીસ વર્ષ જેવા એજ-ગ્રુપમાં જ્યારે કાર્ડિઍક એરેસ્ટ થાય એ મોટા ભાગે નબળી હાર્ટ-કન્ડિશનનું પરિણામ હોય છે. ક્યારેક કાર્ડિયોમાયોપથી જેવી કન્ડિશન હોય તો તમારા હાર્ટની ધમનીઓનું ફંક્શનિંગ બરાબર ન હોય ત્યારે કાર્ડિઍક અરેસ્ટની શક્યતા વધી જાય છે. એ સમયે તમે એક્સરસાઇઝ કે શરીરને શ્રમ પડે એવી બીજી કોઈ પણ ઍક્ટિવિટી કરો તો આ અવસ્થા આવી શકે છે. એક્સરસાઇઝ એ માત્ર ટ્રિગરનું કામ કરે છે, મુખ્ય કારણ એક્સરસાઇઝ નથી. ઇટ્સ લાઇક સડન એક્ઝર્શન બૂસ્ટ ટ્રિગર. ઘણા લોકો તો કસરતથી અટૅક આવે છે એવું વિચારીને કસરત બંધ કરી દે. આ બહુ જ સેન્સેટિવ બાબત છે. હકીકતમાં જ્યારે પણ તમે કસરત કરતા હો અથવા તો ન કરતા હો, પણ તમને ડિસકમ્ફર્ટ આવે અથવા ક્યાંય પેઇન થાય તો તરત જ ડૉક્ટરને કન્સલ્ટ કરો. મોટા ભાગે લોકો પોતાના સિમ્પટમ્પ્સને શરૂઆતમાં ઇગ્નૉર કરતા હોય છે. આ બધું સડનલી ક્યારેય નથી થતું. પહેલાં શરીર એની હિન્ટ આપતું જ હોય છે, પણ આપણે એને સ્વાભાવિક ગણીને જતું કરતા હોઈએ છીએ. બીજું, ૩૫ પછી એક્સરસાઇઝ શરૂ કરતા હો તો પહેલાં એક વાર હેલ્થ ચેક-અપ કરાવી લેવું સલાહભર્યું છે.

ભારતમાં જ નહીં પણ વિશ્વના દરેક દેશમાં આવી ઘટના બનતી રહે છે. જે વ્યક્તિનું હાર્ટ નબળું હોય એ માત્ર જિમમાં જ નહીં પણ સ્વિમિંગ કરતાં કે ચાલતાં પણ અટૅકનો ભોગ બની શકે છે અને એમાં તેનો જીવ જઈ શકે છે.

મધુકર વિષ્ણુ તળવલકર, તળવલકર જિમના સ્થાપક

અમારા જિમમાં દરેક ટ્રેઇનરને ફર્સ્ટ-એઇડ અને CPRની ટ્રેઇનિંગ મળી હોય એ બાબતનું પહેલું ધ્યાન રાખ્યું છે જેથી ઇમર્જન્સી સાચવી લેવાય. વ્યક્તિની કૅપેસિટી મુજબ જ ટ્રેઇનિંગ આપવી અને એના માટે થવું પડે તો સ્ટ્રિક્ટ પણ થવું એ પણ અમે ધ્યાન રાખીએ છીએ.

અક્ષત ગુપ્તા, પાવર હાઉસ જિમના ડિરેક્ટર

દરેકના શરીરની કૅપેસિટી અને કૉન્સ્ટિટ્યુશન જુદાં-જુદાં હોય છે. એને સમજ્યા વિના ટ્રેઇનર જો વ્યક્તિને પુશ કરતો રહે તો એ નફાને બદલે નુકસાનનો સોદો થઈ જાય. આ વાતો પર લોકોએ ધ્યાન આપવું જાઈએ.

મિકી મહેતા, ‘ગો ગ્રીન યો વર્કઆઉટ્સ’ના સ્થાપક

જિમમાં જતાં પહેલાં આટલું ધ્યાન રાખજો


- તમારા ટ્રેઇનરનું નૉલેજ, તેની આવડત તરફ થોડાક અલર્ટ રહેવું. ટ્રેઇનર વેલ-ટ્રેઇન્ડ હોય એ મહત્વનું છે.

- જિમનું હાઇજીન બરાબર છે કે નહીં, ઇક્વિપમેન્ટ્સના મેઇન્ટેનન્સ તરફ બરાબર ધ્યાન અપાય છે કે નહીં એ બધી બાબતોની પૂરતી ચોકસાઈ કરી લેવી. પસીનાને કારણે ફંગસ થવાની, ઘણાબધા લોકો એકસાથે વર્કઆઉટ કરતા હોવાથી ઇન્ફેક્શન ફેલાવાની સંભાવના વધી જાય છે. એક જણે ઇક્વિપમેન્ટ વાપર્યા પછી પહેલાં એ કપડાંથી ક્લીન થાય છે કે નહીં, સ્વચ્છતાની બાબતમાં જિમનું મૅનેજમેન્ટ કેટલું અલર્ટ છે એ બાબત પર ખાસ ધ્યાન આપવું.

- તમારા શરીરની તમારાથી વધારે કોઈને ખબર ન પડે એ નિયમ ભૂલવો નહીં. ટ્રેઇનર તમારી કૅપેસિટી વધારવા માટે પુશ કરે તો પણ તમારી કૅપેસિટીની બહાર હોય ત્યાં અટકી જવું.

- નિયમિત હેલ્થ ચેક-અપ જરૂરી છે. કમસે કમ વર્ષે એક વાર.

- સ્ટ્રેંગ્થ ટ્રેઇનિંગ એક્સરસાઇઝ પહેલાં વૉર્મ-અપમાં કાર્ડિયો એક્સરસાઇઝ અને છેલ્લે કુલ ડાઉન એક્સરસાઇઝ મહત્વની છે. એને ક્યારેય સ્કિપ ન કરવી.

- ઉતાવળે આંબા ન પાકે એમ ઉતાવળે વજન ન ઊતરે. ધીમે-ધીમે સુધારાનો સારવાળી વાત યાદ રાખવી અને ધીમે-ધીમે ગ્રૅજ્યુઅલી એક્સરસાઇઝ વધારવી.

- ઇન્જરીથી બચવા માટે યોગ્ય ટેક્નિક સાથે વર્કઆઉટ થાય એ જરૂરી છે. જોકે એ ટેક્નિક તમારા પહેલાં તમારા ટ્રેઇનરને આવડે છે કે નહીં એ ચેક કરી લેવું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK