ખબર છે મારું કશું નથી, છતાં કોણ જાણે છોડવાનું મારું ગજું પણ નથી

આપણું વહાલું ભારત રાષ્ટ્ર અને એના ગર્ભમાં છુપાયેલાં બે રાષ્ટ્ર સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


હું હનુમાનકૂદકે બધે જ ફરી વળ્યો, પણ મહાન ભારતમાં રચાયેલા મહાભારતના એક મહાન પાત્ર નામે ધૃતરાષ્ટ્ર જેવું કોઈ પાત્ર પેદા થયું નથી. દાદ આપવી પડે બાપુ, દાદ. જુઓ આખી વાત સમજાવું. જેની વાઇફ મિસિસ ગાંધારી તેમના પૂર્ણ સહકારથી દર વર્ષે જેમ વજન કરવાના મશીનમાં જેવો સિક્કો નાખો ને ફટ કરતી ટિકિટ બહાર આવે એટલા ઝડપથી ફટાફટ દર વર્ષે વન બાય વન નૉનસ્ટૉપ તેની કૂખે કૅલૅન્ડર બહાર પડતાં ગયાં ને જોતજોતામાં આંકડો પહોંચ્યો ઠેઠ સો પર. આ  રેકૉર્ડ આજ સુધી કોઈ માઈ કા લાલ કે માઈ કી લાલીએ તોડ્યો નથી. બાય ગૉડ યાર, શું કૅપેસિટી છે બન્નેની. કઈ ચક્કીનો આટો ખાધો હશે? ભૈ યે તો વક્ત-વક્ત કી બાત હૈ. આજે તો બે કે ત્રણ ટેણિયાં પ્રગટ થયા પછી કાશીનો સંઘ આગળ વધતો નથી. પરિવારને ચોખ્ખું કહી દેવું પડે કે હવે રુકાવટ લિએ ખેદ હૈ. હવે લાઇફ-ટાઇમ વાઇફ સાથે રક્ષાબંધન ઝિંદાબાદ. બોલો પવનસૂત હનુમાન કી જય.

હવે બૉસ, મારું મગજ ચકરાવે એટલા માટે ચડ્યું કે સાલું જિંદગીનો મોટા ભાગનો સમય બાળઉછેરમાં ને મૅટરનિટી હૉસ્પિટલમાં ગયો હોય એ ધૃતરાષ્ટ્ર-ગાંધારી કપલની ઉંમર કેટલી? બે સંતાન વચ્ચે અંતર કેટલું? એક પણ દીકરી હતી? તેની ફોઈઓ દુર્યોધન અને દુ:શાસન નામ પાડ્યા પછી નામકરણમાં ક્યાં મૂંઝાણી એનો ઉલ્લેખ મહાભારતમાં પણ નથી ને ગૂગલમાં પણ નથી.

આઘાત તો મને ત્યારે લાગ્યો જ્યારે ચંબુડાએ મને પૂછ્યું, ‘સુભાષ અંકલ, આ ગાંધારીદાદીની બધી જ ડિલિવરી નૉર્મલ થઈ હશે કે કોઈ સંતાનો સિઝેરિયનથી ખેંચવા પડ્યાં હશે? આ સો બાળકો ઉપરાંત કોઈ મિસકૅરેજ થયાં હ...’

‘તારી જાતના ચંબુડા, સાલા ગાંધારી મારી માસીની દીકરી છે? ધૃતરાષ્ટ્ર મારો જમાઈ છે? તું કોર્સ બહારના અઘરા સવાલ ન કર... હું તો મારા સંસારમાં ધ્યાન રાખું કે ધૃતરાષ્ટ્ર-ગાંધારીના? ને તારે જાણીને શું ચાવીવાïળું રમકડું કે ઝભલું આપવા જવું છે? સાચું કહું ચંબુડા, મેં તો એક વાર ગાંધારીને ધન્યવાદ આપી પૂછેલું તે હેં બહેન ગાંધારી, આ બધાનાં નામ પાડવાં-યાદ રાખવાં ને પાછું ધ્યાન રાખવાનું કે એકનું એક નામ ભૂલથી બે વાર નથી પડાયુંને? નઈતર લોચં-લોચે-લોચાહા... આટલાં બધાનાં નામ યાદ રાખવાં કોઈ મા-બાપ માટે ખાવાના ખેલ નથી. તો શું કર્યું? ને બધાં બાળકો પ્રત્યે તમારી લાગણીઓ કેવી? ઓછી-વધારે? સરખી...’

‘લાગણીઓની તો હમણાં કઉં એ ચંબુડા,’ ગાંધારી અંદરથી ઊકળીને બોલી, ‘માઇન્ડ વેલ મિસ્ટર ઠાકર, એ તો તારા બનેવી ધૃતરાષ્ટ્ર આંખે જોઈ શકતા નહોતા એટલે સોમા પ્રકરણે વાર્તા પૂરી થઈ ગઈ, નઈતર... કોઈએ તારા બનેવીને સમજાવ્યું નઈ કે રંગરસિયા જરા આટલે અટકો. જવા દે વધુ મારાથી બોલાશે પણ નઈ ને તારાથી લખાશે નઈ. ને યાદ રાખ, ઇતિહાસ સાક્ષી છે કે સો સંતાનોનાં નામ યાદ રાખવાં એ મચ્છરને કિસ કરવા જેટલું અઘરું હતું. એટલે ૧થી ૧૦૦ નંબરનાં ગંજી પહેરાવી દીધાં, અન્ડરસ્ટૅન્ડ?’

‘અરે અન્ડરસ્ટૅન્ડ કે અપરસ્ટૅન્ડ ગયું તેલ પીવા. આ સ્કૂલના ઍડ્મિશનમાં તકલીફ...’

‘રિયલી ઠાકર,’ ગાંધારી બોલી. ‘તું બુદ્ધિશાળી હોવા છતાં મારે તને બુદ્ધિ ઉછીની આપવી પડે? વેરી બૅડ-વેરી સૅડ. અરે ડોબાલાલ, ઍડ્મિશનના મિશનમાં સમય ન બગાડાય. તારા ધૃતરાષ્ટ્ર બનેવીની સલાહથી KGથી જ આપણા ઘરમાં ક્લાસ ચાલુ કર્યા ને બહારનાં બાળકોને આપણે ત્યાં ઍડ્મિશન આપવાનું ચાલુ કર્યું ને તેમની ફીમાંથી ૧થી ૧૦ નંબર રૅશન લાઇનમાં, ૧૧થી ૨૦ ઇલેક્ટ્રિક બિલ ભરવાની લાઇનમાં, ૨૧થી ૩૦ ટેલિફોન બિલ ભરવા... બધાના ગયા પછી છેલ્લે ૯૧થી ૧૦૦ સાંજે બધાને પકડી લાવતા ને સાંજે ૧૦૦+૨નો પરિવાર સાથે ડિનર કરતો... બોલ હવે ખરું અન્ડરસ્ટૅન્ડ? ઠાકર, જે બાળકો નાનાં હોય તેમને તારા બનેવી ભવિષ્યમાં કોઈ એકાદ બાળક પણ અમારું નામ રોશન કરશે એ આશાએ નેવું અંશના ખૂણે બન્ને કોણી વાળી વચ્ચેની બખોલમાં સુવાડી ઘંટીનાં બે પડ ઘસાતાં હોય એવા બોદા અવાજે ગાતા કે તુઝે સૂરજ કહૂં યા ચંદા, તુઝે દીપ કહૂં યા તારા; મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા’. 

પણ ગાંધારીની આંખમાં અચાનક ઝળઝળિયાં દેખાયાં. ‘તારા બનેવીનો અવાજ બોદો હતો, તેમનો પ્રેમ બોદો નહોતો. જોકે દીકરાઓ જ બોદા પાક્યા. નામ રોશન કરવાને બદલે અંધકારની ગલીમાં લઈ ગયા. આજનું આ આતંકવાદીનું નામ દુર્યોધન ને દુ:શાસનને લીધે પ્રખ્યાત થયું.’

‘કેમ એમ બોલો છો ગાંધારીબહેન?’ મેં પૂછેલું.

‘અરે બકા, બાળક ભલે ભગવાનનું સ્વરૂપ હોય, પણ સમજણું થાય ત્યારથી એ જ બાળક શેતાનનું રૂપ ધારણ કરતું જાય છે. જે દીકરાઓ બાળપણમાં ‘માં... મૈં તેરા દૂધ કા કર્ઝ ચુકા દૂંગા’ બોલતા એ જ દીકરા મોટા થઈને દૂધવાળાનું બિલ નથી ચૂકવતા. અમે જ ઊભા કરેલા શિક્ષણના વર્ગને અમારા જ દીકરા દુર્યોધન અને દુ:શાસનના કારણે જ તાળું મારી દેવું પડ્યું, યુ નો? આપણો ખતરનાક દુશ્મન અને જિગરજાન દોસ્ત કોણ? બન્નેનો જવાબ એક જ, જીભ. મારા દીકરા દુર્યોધનને પાણીના મૃગજïળમાં પડતો જોઈને દ્રૌપદીથી બોલાઈ ગયું, ‘અંધના દીકરા અંધ જ હોય.’ ત્યારથી તેની હટી ગયેલી. મારા દીકરાને બધું જ લંૂટી લેવું હતું. પાંડવો માટે તસુભાર જમીન પણ છોડવી નહોતી. એક સરળ શબ્દ સમજણ. કાનો કે માત્રા ક્યાં છે? છતાંય બધામાં નથી હોતી. નહીંતર ભરી સભામાં દ્રૌપદીને ઢસડીને લઈ જતા મારા પુત્ર દુ:શાસનને આખી સભા જોઈ રહી, પણ કોઈ બચાવવા ન આવ્યું અને ધૃતરાષ્ટ્ર માત્ર આંખોથી જ અંધ નહોતા, પુત્રમોહમાં એટલા જ અંધ હતા ને હુંય ડોબી આંખે પાટા બાંધી તેમના રવાડે ચડી એટલે દુર્યોધન-દુ:શાસનનો માર્ગ મોકળો બન્યો. તારા બનેવી ધૃતરાષ્ટ્રે બન્નેને સમજાવ્યા તો મારો દુરુ (દુર્યોધન) બોલ્યો કે પ્લીઝ પપ્પા, ખબર છે મારું કશું પણ નથી; પણ કોણ જાણે કશું છોડવાનું મારું ગજું નથી. ભૈ ઠાકર, સંપત્તિ પ્રયત્ન વગર રાતોરાત આવી શકે, પણ સંસ્કાર અને સમજણ આવતાં પેઢીઓ લાગે. પહેલાં બદમાશ બન્યા પછી બદનામ થયા. આજે ગમે એટલું ધન હોય; પણ કોઈ પોતાના બાળકનું નામ દુર્યોધન નથી રાખતું અને બિહારમાં કે દિલ્હીમાં દુ-શાસન હોવા છતાં કોઈ પોતાનું નામ દુ:શાસન નથી રાખતું, ધૃતરાષ્ટ્ર પણ નથી રાખતું...’

બસ, આટલું સાંભળતાં મારી જ આંખોમાં ચોમાસું બેઠું તો ગાંધારીએ ગાયું, ‘જો હમને દાસ્તાં અપની સુનાઈ તો આપ ક્યૂં રોયે..’ ચંબુ, તેને કેમ સમજાવું કે અહીં બિહારમાં બસો કરોડની ગરીબોની જમીન પચાવી જનાર દુર્યોધન નથી તો કોણ છે? ને કેટલાય રાજકારણીઓ લોકશાહીની દ્રૌપદીને ઢસડી રહ્યા છે તે દુ:શાસન નથી તો કોણ છે? સાચું કહું, આપણા બધામાં પણ ક્યાંય ખૂણામાં નાનકડો દુર્યોધન-દુ:શાસન બેઠો જ હોય છે.

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK