ભીતરના પ્રવાસે

જામનગરમાં મદદનીશ શિક્ષક તરીકે કાર્યરત કવિ કિરીટ ગોસ્વામીનો છઠ્ઠો કાવ્યસંગ્રહ ભીતરના પ્રવાસે ગયા વર્ષે પ્રગટ થયો.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

જામનગરમાં મદદનીશ શિક્ષક તરીકે કાર્યરત કવિ કિરીટ ગોસ્વામીનો છઠ્ઠો કાવ્યસંગ્રહ ભીતરના પ્રવાસે ગયા વર્ષે પ્રગટ થયો. ગુજરાતી ભાષાના પ્રયોગશીલ શિક્ષક તરીકે તેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ નવાજવામાં આવ્યા છે. તેમના ગઝલસંગ્રહમાંથી તારવેલા શેરો મહેફિલમાં પરોવીએ.

જ્યાં સુધી ભીતર કશુંયે સત હશે

જિંદગીમાં આગવી બરકત હશે

મન ગમે તેનું તમે વાંચી જુઓ

નોખાનોખા કૈં મહાભારત હશે!


સમૃદ્ધિ બે પ્રકારની હોય - બહારની અને ભીતરની. મર્સિડીઝ હોય, મોટા બંગલા હોય એની સામે કોઈ વાંધો નથી; કારણ કે દરેક પોતાની મહેનત અને ભાગ્ય પ્રમાણે રળે છે. સવાલ આવે છે સાધનશુદ્ધિનો. વિજય માલ્યા અને તાજેતરમાં જેમના પર આક્ષેપો થયા છે તે કાર્તિ ચિદંબરમ જેવા શ્રીમંતોનો પૈસો અસતને માર્ગે શિખરે પહોંચ્યો છે. શાતિર દિમાગ ધરાવતા આવા લોકો મંદિરે દર્શને જાય તો ભગવાનને પણ છેતરીને આવે. જેના મનમાં મહાભારત ચાલતું હોય તેના વર્તનમાં ભાગવતની અપેક્ષા ન રખાય.  

આપણા સાચા ધરમની મન તને ક્યાં જાણ છે?

કંઈ અગમની ને નિગમની મન તને ક્યાં જાણ છે?

વ્યર્થ ચિંતા આદરી તેં આ પછીના જન્મની

કંઈ હજી તો આ જનમની મન તને ક્યાં જાણ છે?


જિંદગી એક અદ્ભુત પઝલ છે. રમ્યા કરો છતાં ઉકેલાય નહીં. નથી ઉકેલાતી એટલે જ રમવાની મજા છે. પરિણામ કરતાં પ્રક્રિયા વધારે રસપ્રદ છે. દરેક જણે પોતપોતાની પેનથી પાટી ઉપર અક્ષરો માંડવાના અને ભૂંસવાના. જિંદગીની પાઠશાળાનો સિલેબસ અલગ હોય. અહીં સંજોગો ઘડતર કરે છે અને અનુભવો શિક્ષક બને છે. 

આ સમજ ને ના-સમજના ક્યાંય તાળા ક્યાં મળે?

પાઠ એવા આપનારી પાઠશાળા ક્યાં મળે?

ચાલને બે હાથવાળા માનવીને પૂજીએ

કંઈ નથી નક્કી, હજારો હાથવાળા ક્યાં મળે!


માત્ર મંદિરની મૂર્તિમાં જ ઈશ્વર વસે છે એ માન્યતા ટૂંકી છે. દરેકની અંદર ભગવાન પણ છે અને શેતાન પણ છે. ધર્મના વાડામાં વહેંચાઈ ગયેલી માનસિકતા કટ્ટરતાને વરે ત્યારે અર્થનો અનર્થ થતાં વાર નથી લાગતી.

લાખ ચર્ચા થાય છે

મૂળ ક્યાં પકડાય છે?

બ્હાર બસ, દોડે બધા

ક્યાં ભીતર જોવાય છે?


ધર્મ સમજવા માટે ધર્મગ્રંથોનું વાંચન અનિવાર્ય છે, પણ ધાર્મિકતા શીખવા સૃષ્ટિનો ચહેરો વાંચવો પડે. પ્રકૃતિને પ્રેમ કરતાં શીખવું પડે. આકાશમાં ઊડતું પંખી મંદિરના ઘુમ્મટ પર બેસે કે મસ્જિદના મિનારે બેસે એથી કંઈ એ હિન્દુ કે મુસલમાન થતું નથી. પંખીત્વ એનો ધર્મ છે. ટહુકા દ્વારા એ ઈશ્વરની પૂજા કરે છે અને પાંખો ફેલાવી એ ઈશ્વરને આરાધે છે.

જિંદગીના સૌ હુકમ સમજે

એ જ બસ, સાચો ધરમ સમજે

ફૂલને ક્યાં સ્કૂલથી મતલબ?

ક્યાં પતંગિયાંઓ નિયમ સમજે?


પ્રકૃતિના નિયમોમાં એક નિશ્ચિત પ્રકારની સાદગી, નિર્દોષતા, સ્વાભાવિકતા અને રૌદ્રપણું જોવા મળે છે. અસ્તિત્વ ટકાવવાના ગણિતની આસપાસ દરેક જીવની યંત્રણા ગોઠવાયેલી છે. આપણી યંત્રણા અસ્તિત્વ ઉપરાંત અહંકારના પાયે ઊભેલી છે. નિયમોનો ભંગ આપણા માટે સામાન્ય છે. સ્વાર્થનું ગણિત આંગળીના વેઢે છે. આગળ વધવા માટે કોઈને ધક્કો મારવામાં આપણને નાનમ કે શરમ લાગતી નથી. આપણા ગજવામાં પાસા તૈયાર જ હોય, જરૂર પડે ત્યારે ફેંકવાના.

જ્યાં સુધી મનનાં કપટ જાશે નહીં

આ બધા અંધારપટ જાશે નહીં


આપણી ભીતર એક યુદ્ધ ખેલાતું રહે છે. પ્રત્યેક યુદ્ધ બલિદાન તો માગવાનું. એ દેહનું હોય કે સ્નેહનું હોય, પણ હોય જરૂર. ક્યારેક પ્રારંભિક કૂચ કરી લીધા પછી સાતમા કોઠે એવા અટવાઈ જઈએ કે બહાર નીકળવાનો માર્ગ જ ન મળે. પાછળ વળીને જોઈએ તો સમય સરી ગયો હોય અને આગળ બધું જ ધૂંધળું ભાસે. અવઢવ આપણી કસોટી કરે. આવા સમયે સમજી-વિચારીને પગલું ભરવાનું હોય એ ખરું, પણ ક્યારેક ખોટા નિર્ણયો કરતાં અનિર્ણાયકતા વધારે મોંઘી પડે છે. 

હર-વખત હા-નાથી આગળ મન વધી શકતું નથી

હર-વખતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!

જે મળે એને જ મિલકત માનશું મોંઘી હવે

છત-અછતના યુદ્ધમાંથી પાર તો પડવું જ છે!


પાર પડવા માટે પ્રવાસ કરવો પડે. કેટલાકની પ્રવાસની વ્યાખ્યા કિલોમીટરમાં હોય તો કેટલાકની વ્યાખ્યા આનંદમાં હોય. મંજિલની વાત પછી આવે, શાયર કહે છે એમ પ્રથમ પગલાનું અદકેરું મહત્વ છે.

યુગ સુધી જે જાતરા લંબાય છે

એક ડગલાથી જ આરંભાય છે

ત્યાગનો કક્કો શીખ્યો છે જેમણે

એ પછી સુખ-દુ:ખમાં ક્યાં બંધાય છે?

ક્યા બાત હૈ


સાથ હો તો સંન્નિકટ હોતા નથી

મન અહીં સૌનાં પ્રગટ હોતાં નથી

સાવ સરખો ભાવ મનમાં નીપજે

લાગણીમાં કોઈ વટ હોતા નથી

નામનો રસ્તો કરે છે જે પસંદ

પૂર્ણ એનાં કામ ઝટ હોતાં નથી

ભૂલમાંથી પાઠ ભણવે જિંદગી

જન્મથી કોઈ સુભટ હોતા નથી

એમની સામે સતત હાજર પ્રભુ

જેમની ભીતર કપટ હોતાં નથી

- કિરીટ ગોસ્વામી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK