દેશ કો અબ દુશ્મનોં સે નહીં, ગદ્દારોં સે ખતરા હૈ ઘર કો અભી ચોરોં સે નહીં, પહરેદારોં સે ખતરા હૈ

‘સ્વાગતમ, ધનિક ભિક્ષુક મંડળ તરફથી આપ સૌ ભિખારી ભાઈઓ-બહેનોનું ભાવભીનું હાર્દિક સ્વાગત.’

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


ઍલ્યુમિનિયમનાં ડબલાં, જૂનાં ફાટેલાં મેલાં કપડાંનાં પોટલાં, પ્લાસ્ટિકના તૂટેલા ગ્લાસની સાથે બેઠેલા ટોળા સામે ધનિક ભિક્ષુક મંડળના પ્રમુખ ધનજીભાઈએ સભાનો શુભારંભ કર્યો. ‘મિત્રો, પહેલાં એક અદ્ભુત, અવિચારણીય, અકલ્પનીય વાત શૅર કરવા માગું છું, લિસન. હમણાં યુરોપથી એક કૂતરો કાયમ માટે ભારત રહેવા આવ્યો તો મેં પૂછ્યું, બકા ટૉમી, ત્યાં યુરોપમાં તો રમણીય દૃશ્યો, પૉલ્યુશન વગરની ચોખ્ખી હવા, શુદ્ધ ખાવાપીવાનું, સાફસફાઈ, રહેઠાણ... આટઆટલી સવલતો હોવા છતાં તારે કાયમ માટે ભારત શું કામ આવવું છે?’ તો મને કહે, ‘વહાલા, તમે સાચા છો. ત્યાં બધી સગવડો ભારત કરતાં પચાસગણી સારી નો ડાઉટ, પણ ભસવાની સ્વતંત્રતા જે ભારતમાં છે એ વિશ્વમાં ક્યાંય નથી અને અમે ભસ્યા વગર રહીએ તો આપણું... સૉરી અમારું કૂતરાપણું લાજે.’ મેં એને સમજાવ્યો કે બિન્ધાસ્ત ભસવાની છૂટ છે, પણ જો તેં ભૂલથી કોઈ રાજકારણીને બટકું ભર્યું ને તેના લોહીનું ટીપું પણ તારા પેટમાં ગયું તો ૧૪ ઇન્જેક્શન આપ્યા પછી પણ તું મૃત્યુ સુધી ભાષણબાજી ઠોક્યા કરીશ. છતાંય મગજ તારું છે. વિચારવાનું તારે જ છે...’

મિત્રો, આજે એ જ કૂતરાની ભસવાની પ્રેરણાથી કેટલા ટોપાઓ ચૂંટણીમાં ભાષણબાજી કરે છે અને મારામાં પણ બોલવાની હિંમત આવી છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોબાઇલ પર

BJP-BJPના વૉટ્સઍપ મેસેજ વાંચ્યા પછી ઘરવાળીએ કીધું, ‘જે પીવું હોય એ ઘરમાં જ પી, નો બીજે-પી... આપણી પોતાની તો બારની દુકાન છે. બીજે શું કામ પીવાનું?’ આઇ નો કે તમારા મગજમાં પીવાનું એટલે શું રમતું હશે. પણ કહેતાં દુ:ખ થાય છે ને તમે આજે માનશો પણ નઈ કે દારૂની દુકાનને બદલે જો ચાની લારી ચાલુ કરી હોત તો આજે મોદીની જગ્યાએ આ ધનજી બેઠો હોત. માય ડિયર ભિક્ષુક મિત્રો, મોદીને એ જમાનામાં હું ચા બનાવતાં શીખવાડતો. પહેલાં કીટલી સાથે રાખતા, હવે જેટલીને સાથે રાખે છે. હમણાં જાહેરસભામાં પણ બોલેલા કે ‘ભાયો-બેનો, દ્વારકા સાથે મારે બહુ જૂનો નાતો. જ્યારે-જ્યારે કૃષ્ણ ભગવાનનું માથું દુખતું ત્યારે તે ઠેઠ દ્વારકાથી વડનગર સુધી ચા પીવા ચાલતા આવતા’. પછી બાજુવાળાએ કફની ખેંચી ત્યારે ખબર પડી ગઈ કે સાલું આ તો વધારે પડતું ફેંકાઈ ગયું. મિત્રો, આજે કોઈ માણસને ચા બનાવતાં-બનાવતાં દેશને બનાવવા સુધી પહોંચવું એ ખાવાના ખેલ નથી (તે ખાતા પણ નથી). આજે જે રીતે દેશનો વિકાસ...

‘તંબૂરાનો વિકાસ?’ મંગો ભિખારી ટોળામાંથી ઊભો થયો. ‘જે દેશમાં લોહી સસ્તું અને પેટ્રોલ મોંઘું હોય એને વિકાસ કઈ...’

‘શાંત થા મંગા, વિકાસ એટલે શું તને શું ખબર... અરે જેમ-જેમ મોંઘવારી વધતી ગઈ એમ-એમ આપણા ભિક્ષુકમંડળની સંખ્યા પણ વધતી ગઈ. મોંઘવારીને લીધે રોજના ૭૦,૦૦૦ લોકો ભિખારી બની આ મંડળમાં જોડાય છે. મંડળનો વિકાસ નથી તો શું છે? અરે જે લોકો મોટા, વિશાળ, આલીશાન બંગલા કે ફ્લૅટમાં રહેવા છતાં માત્ર બે-ત્રણ બાળકો ધરાવે છે અને આપણે ફુટપાથ પર રહેવા છતાં

સાત-આઠ બાળકો પેદા કરી શકીએ એ વિકાસ નથી તો શું છે? ઘર માટે બૂમાબૂમ કરો છો, પણ તમને ફુટપાથ પર છત અને દીવાલ વગરની હવા-ઉજાસવાળી જગ્યાએ રહેવા મળે છે એ વિકાસ નથી તો બીજું શું છે? સૂરજનો મફતનો પ્રકાશ ને પંખા વગરની કુદરતી હવાથી લાઇટબિલ નથી આવતું એ વિકાસ નથી તો શું છે? હમણાં સૂરજ અને કુદરત પ્રકાશ અને હવાનું બિલ મોકલતા હોત તો ભરત કઈ રીતે? વધ્યું-ઘટયું ખાવાનું ફુટપાથ ઉપર જ જે લોકો આપી જતા હોય એ વિકાસ નથી તો શું છે? હવે પાર્ટીઓએ ભીખ માગવા દરેક ભિખારીને પરિવારદીઠ ઑફિસ ખોલી આપવાનું વચન આપ્યું છે એ વિકાસ નથી તો શું છે? તમારાં ભાભીને સાત સંતાન પછી આ વર્ષે પણ હજી પાંચમો મહિનો જાય છે એ અચ્છે દિન નહીં હૈં તો ક્યા હૈ? તમે હવે થોડું સમજો, આ રાજકીય ખટપટો બંધ કરો. ભીખ માગવાના ધંધાને વિકસાવો, ભીખમાં જ કમાઓ. તમને ખબર છે કે આ ૧૮૨ ધારાસભ્યો જે ચૂંટાશે પછી તેની અને તેના પરિવારના ભરણપોષણની જવાબદારી આપણી છે.

‘જુઓ, આ ચૂંટણીના માહોલમાં આપણે આપણા કુટુંબ સાથે રોજ મંદિરની બહાર ટોળું વળી ભીખ માગીએ છીએ ત્યારે કેટલા લોકોને માફ કરીએ છીએ. આપણે જેવો ભીખ માગવા હાથ લંબાવ્યો કે તરત જ પેલો બોલશે, માફ કરો. આપણે  માફ ન કરીએ તો સજા પણ શું કરી શકીએ. તેને કોણ સમજાવે ટોપા કે ભિખારી તો આપણે બન્ને છીએ, અમે બહાર માગીએ તું મંદિરમાં. અહીં તો મુકેશ અંબાણી પણ ક્યારેય ન બોલે કે બહુ થયું પ્રભુ, હવે બસ કરો... હવે મૂળ વાત. દર પાંચ વર્ષે એક સ્ત્ભ્ ભિખારી આપણી પાસે ભીખ માગવા આવે છે તે હવે આવશે. આખી જિંદગીમાં આપણે જેટલું નઈ કરગર્યા હોઈએ એટલું કરગરશે, મગર પાસેથી લીધેલાં થોડાં ઉધારનાં આંસુ પણ ઠાલવશે, કાકલૂદી કરશે, નકટો હોવા છતાં નાક રગડશે, ખોટાં વચનોની લૉલીપૉપ આપશે. પણ ખબરદાર જો ફસાયા તો, તે દેખાવમાં તો માણસ જેવા દેખાશે, પણ અંદર છુપાયેલો શેતાન નઈ દેખાય. કાચિંડો પણ રંગ બદલવામાં હારી જાય એવા લંપટ ઉમેદવારો હાથ જોડી બોલશે, અમને મોત... સૉરી મત આપો... મત આપવો એ આપણી નૈતિક ફરજ છે. ચોર બધા છે. ઓછો ચોર ઓળખાય તો મત આપજો. યાદ છે? ગયા વખતે આપણા એરિયામાંથી આખી પેટી ખાલી નીકળી હતી...’

‘અરે બાપુ,’ વચ્ચે ભીખો ભરવાડ ઊભો થઈને બોલ્યો, ‘એ ઉમેદવાર મંચ પરથી બોલેલા, મુઝે મત દો-મુઝે મત દો એટલે ગામવાળાને એમ કે અમારે કંઈ આપવાનું નથી એટલે પેટી ખાલી નીકળી. પણ હવે સમજાયું એટલે... પણ બાપુ, એક વાત પૂછું બાપુ? કપડાંની જેમ પક્ષ બદલતા આ ટોપાઓને તેમનો આત્મા ડંખતો નઈ હોય?’

‘રિયલી, તમારામાં બુદ્ધિ ક્યારે આવશે? અરે જે વસ્તુ જેની અંદર હોય જ નઈ તો એ ડંખે કંઈ? આત્મા હોય એ નેતા બનતો જ નથી. દેશસેવા માટે નેતા બનવું જ પડે એવું નથી.’

‘બાપુ, આ ટોપાઓ ઓળખાતા નથી એટલે ભય લાગે છે એટલે ડોન્ટ ફીલ બૅડ બાપુ, પણ દેશ કો અબ દુશ્મનોં સે નહીં, ગદ્દારોં સે ખતરા હૈ. ઘર કો અભી ચોરોં સે નહીં, પહરેદારોં સે ખતરા હૈ... જાએં તો જાએં કહાં...’

ચાલો તો પછી મિત્રો મને જવાબ આપો કે ધારો કે દેશનો એક નેતા ગંગામાં ડૂબી જાય તો?

‘તો બાપુ પૉલ્યુશન!’

‘અને ધારો કે બધા નેતા એકસાથે ગંગામાં ડૂબી જાય તો?’ï

‘તો-તો બાપુ સૉલ્યુશન... જલસા જ જલસા!’

(તાળીઓ...) ‘તમારી તાળીઓ બતાવે છે કે આ કામ જલદી થવું જોઈએ, પણ એ મારા હાથમાં આવવું તો જોઈએ. મિત્રો, આ કામ તમારા હાથમાં આવે તો શું કરો? અરે ડર વગર બોલોને?’

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK