ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૪૭

ભૂપતે જીપની બહાર નજર કરીને આજુબાજુમાંથી પસાર થતા વિસ્તારને ઓળખવાની કોશિશ કરી.નવલકથા - રશ્મિન શાહ

રાજકોટથી નીકળેલી જીપ જૂનાગઢ નજીક આવી ગઈ હતી અને સૂતેલા સાધુ જેવી ગીરનારની પ્રતિકૃતિ ચંદ્રના ઘટ અજવાળા વચ્ચે સ્પષ્ટ દેખાવા માંડી હતી. ભૂપત રીતસરનો ચોંક્યો હતો.

‘એલા, જૂનાગઢ આવી ગ્યું લાગે છે.’ કાળુએ હા પાડી કે તરત ભૂપતે કહ્યું, ‘તો આળસ ખંખેરી નાખ. આ ગાંડીને પાછી મૂકવાની થાશે.’

કાળુ જીપ ચલાવતો રહ્યો, પણ તેનું ધ્યાન હવે ભૂપતની વાત પર પૂરેપૂÊરું આવી ગયું હતું.

‘મને તારી એકેય વાત સમજાતી નથી સિંહ. તું માંડીને વાત કર તો ખબર પડે અને બીજું કે આ જીપડીમાં ઘાસતેલ પણ નખાવાનું છે. ન્યાં ઊભી રાખીશું ત્યારે આનું શું કરવાનું છે આપણે?’

કાળુનો ઇશારો જેનિફર પર હતો. જેનિફર જીપમાં પાછળ હતી અને તેઓ બન્ને તેનું અપહરણ કરીને રાજકોટથી નીકળી ગયા હતા.

‘હંઅઅઅ...’

‘ગળામાંથી અવાજ પછી કાઢજે, પહેલાં મને કહે કે હવે કરવાનું શું છે?’

‘વધારે કંઈ નહીં, થોડી વાર પછી આના ઘરવાળાને ફોન કરવાનો છે.’

‘ક્યાંથી કરીશ ફોન તું સિંહ?’

કાળુ હવે ખરેખર અકળાયો હતો, માણસને જ્યારે પૂરી વાતની ખબર ન હોય અને એ પછી પણ તેણે સતત સાથ આપતાં આગળ વધવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે જે અકળામણ જન્મે એ જ અકળામણ અત્યારે કાળુને થઈ રહી હતી.

‘સિંહ, માતાજીની દયાથી બધુંય સરખી રીતે આગળ વધે છે ત્યારે શું કામ વાત વધી જાય એવા ખેલ કરવા છે. જો સાંભળ, હું કહું એ ધ્યાનથી સાંભળ.’ કાળુએ પાછળ ફરીને ખરાઈ કરી લીધી કે જેનિફર વાત સાંભળી તો નથી રહીને. ખરાઈ કર્યા પછી કાળુએ ફરી ભૂપતસિંહ સામે જોયું, ‘આપણે જે કામ કર્યું છે એ જેવું-તેવું નથી. રાજકોટના ગવર્નરની ઘરવાળીને ઉપાડી લીધી છે. ભૂપત જરા શાંતિથી તું વિચાર, તેં કેવડું મોટું કામ કર્યું છે. અત્યારે તું ધાર એ કામ આ ધોળિયા પાસેથી કઢાવી શકીશ અને એના પછી પણ આપણે સાવ વાઘરીની જેમ ભટકીએ છીએ.’

કાળુ હવે કાકલૂદી પર આવી ગયો.

‘હજી સુધી કોઈ ભટકાયું નથી એનો અર્થ એવો નથી કે હજી પણ કોઈ નહીં ભટકાય. જેકાંઈ કરવું હોય એ જલદી કર અને તને તારા જ શબ્દ યાદ દેવડાવી દઉં, તું હંમેશાં કહેતો હોય છેને કે જીવતો બૉમ્બ હાથમાં રાખવાની મૂર્ખામી ક્યારેય ન કરવી. અત્યારે તું એ જ કરે છે ભૂપત. યાદ છે તને કે એક વખત બૉમ્બે ગયા ત્યારે ત્યાં દરિયાકિનારે મળેલા કાકાએ મરાઠીમાં શું કીધું’તું?’ કાળુ અંધકાર વચ્ચે પણ ભૂપતની આંખમાં જોતો હતો, ‘બાતમી, ખાટલી અને બાટલી; કોઈની રાહ જુએ નહીં અને કોઈને માટે અટકે નહીં. અત્યારે એવું જ છે ભૂપત. પેલો ગવર્નર કોઈની રાહ જોશે નહીં અને કોઈને માટે અટકશે નહીં. જલદી કર, જે કરવું હોય એ અબઘડી કર. અબઘડી કરી લેવામાં માલ છે, નહીં તો પછી એ ધોળિયા અને આપણી ખાલ છે.’

ભૂપતે એક ઊંડો શ્વાસ લીધો

અને શ્વાસ લઈને તેણે કાળુના ખભા પર હાથ મૂક્યો.

‘જો ભાઈ, પહેલી વાત. અત્યારે બેમાંથી એકેયનો હાથ ઉપર નથી. આપણા ખીમજીઅદા તેની પાસે છે અને તેની આ માડી આપણી પાસે છે. તું બધુંય વિચારે છે, પણ ભૂલતો નહીં કે એ અંગ્રેજી ધોળિયો કંઈ પણ કરશે પણ તેને એ તો યાદ રહેવાનું છે કે મારું કોઈ સગું તેના હાથમાં નથી, પણ તેની તો સગલી જ તારા ને મારા હાથમાં છે.’ કાળુ વાતને સમજવાની કોશિશ કરે છે એવું લાગ્યું એટલે ભૂપતે વાત આગળ વધારી, ‘જો કાળુ, એક વાત યાદ રાખજે કે આમ તો ઘણી વાત તને યાદ છે, પણ અત્યારે જે કહું છું એ બરાબર યાદ રાખજે અને કાયમ માટે યાદ રાખજે. ધમકી તેને જ આપવી જેને ધમકીની અસર થવાની હોય અને જે ધમકીને ગંભીરતાથી લેવાનું હોય. ધમકીને ગણકારવા પણ રાજી ન હોય એવા લોકોને આપેલી ધમકીનો કોઈ અર્થ નથી. આલ્બર્ટ ધમકીને સાચી રીતે લે એવો છે અને એટલે જ તેણે પહેલાં ગોંડલ જઈને પ્રેમથી ખીમજીઅદાને સાથે આવવાનું કહ્યું અને એ સાથે ન આવ્યા એટલે તેણે કોઈને પણ કહ્યા વિના ખીમજીઅદાને ઉપાડી લીધા. આલ્બર્ટે પહેલાં પહેલું પગલું ભર્યું અને પછી બીજું પગલું ભર્યું. આપણી પાસે સમય નહોતો એટલે આપણે બીજા પગલેથી શરૂઆત કરી. મોડી શરૂઆત પછી પણ અત્યારે આપણે ઊભા તો આલ્બર્ટની સાથે જ છીએ કાળુ. હવે આલ્બર્ટ પાસે બે રસ્તા છે; જેનિફરને ભૂલીને ખીમજીઅદા પાસેથી આપણા સગડ કઢાવવાનું કામ ચાલુ રાખે અને કાં ખીમજીઅદાને રવાના કરી જેનિફરની રાહ જોવા માંડે.’

- અત્યારે આપણે ઊભા તો આલ્બર્ટની સાથે જ છીએ.

બસ, આ એક વાક્ય પર કાળુ આફરીન થઈ ગયો. જ્યારે દિમાગનો પૂરતો ઉપયોગ થઈ રહ્યો હોય એવો વિશ્વાસ આવી જાય ત્યારે માણસના મનની ફિકર અને ચિંતાનું બાષ્પીભવન થઈ જતું હોય છે. અત્યારે એવું જ થયું હતું. કાળુ ભૂપતને નિષ્ફિકર માની રહ્યો હતો પણ એવું નહોતું. ભૂપતસિંહના મનમાં આખી યોજના સ્પષ્ટ હતી એ તેના શબ્દોમાં દેખાઈ રહ્યું હતું અને કાળુ એ જ જોવા માગતો હતો.

€ € €

‘બાકી મૌત સે તો કોઈ ડર થા હી નહીં.’

ચા આવી એટલે વાતમાં વિક્ષેપ આવ્યો અને એ વિક્ષેપ ઇબ્રાહિમે પણ ચલાવી લીધો. જીવનમાં કેટલાક વાંધાવચકાઓને તમારે ચલાવી લેવા પડતા હોય છે.

‘ચાચુ, હમારી બાત કહાં સે શુરુ હુયી થી વો યાદ હૈના?’

‘હા બેટા, બુઢ્ઢા હુઆ હું પર આજ ભી યાદ હૈ કી બચપન મેં કિસ લડકી કો દેખકર શરમાતા થા.’

કુતુબચાચાના જવાબથી ઇબ્રાહિમ હસી પડ્યો અને એ હાસ્ય સાથે જ વાતાવરણમાં પણ હળવાશ આવી ગઈ. પહેલાં ચાને ન્યાય આપવામાં આવ્યો. શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે હૂંફાળી ચા ખરેખર ગરમાટો લાવવાનું કામ કરનારી હતી અને એ ગરમાટાની એવી જ જરૂર હતી જેવી જરૂર વર્ષો પહેલાંની એ રાતે હતી.

€ € €

ભૂપતને સાંભળ્યા પછી કાળુએ જીપ ચા માટે ઊભી રાખી. જીપ ઊભી રહી એ સમયે ભૂપત જીપના પાછળના ભાગમાં જઈને જોઈ આવ્યો હતો. જેનિફર હજી પણ ઘેનમાં જ હતી અને તેના કોઈ આચારવિચાર એવા નહોતા જેને જોઈને લાગે કે તે થોડી વારમાં જાગશે. જોકે એમ છતાં ભૂપતે વધુ એક વખત પેલો ગમછો જેનિફરના નાક પર અડાડીને તેની પાસે શ્વાસ લેવડાવી લીધો હતો જેથી એ વધુ એકાદ કલાક ઘેનમાં પડી રહે. જેનિફરને જોઈને પાછા આવેલા ભૂપતે હાથમાં ચા લીધી. ચામાંથી નીકળતા ધુમાડા અને ગરમ થઈ ગયેલા પ્યાલાને લીધે ઠંડીમાં રાહત થઈ હતી.

એક ઘૂંટડે ચા પૂરી કરી લીધા પછી ભૂપતે જીપ જૂનાગઢ રાજ્યની અંદર લેવડાવવાનો આદેશ આપ્યો અને કાળુએ એવું જ કર્યું. જીપ શહેરમાં દાખલ થઈ એટલે શહેરમાં ફરતા સૈનિકો અને પહેરેદારોની આંખો મોટી થઈ હતી. કાળવા ચોકમાં જીપ પહોંચી ત્યારે એક સૈનિકે જીપને ઊભી પણ રખાવી.

‘સાયેબ, આજે કાં અંદર આવવાનું થ્યું?’

‘થોડું કામ છે.’

જવાબ ભૂપતે જ આપ્યો હતો, જીપને ઊભી રાખવાનું કારણ પણ તે સમજી ગયો હતો અને કરવામાં આવેલા ‘સાહેબ’ના સંબોધનને પણ તે પારખી ગયો હતો.

‘નવાબસાહેબને મળવાનું છે. બાકી બધું કેમનું ચાલે છે?’

‘બસ, ઉપરવાળાની દયા અને નીચેવાળાની મરજી.’ સૈનિકે આડકતરી નજર જીપમાં ફેરવી લીધી, ‘બીજું કાંય કામ પડે તો કહેજો.’

‘પાક્કું વાલા.’

‘સાયેબ, વાલા કીધું છે તો એક વાત પૂછું? કેટલાય વખતથી મનમાં છે પણ પૂછી નથી શકાતું.’

સૈનિકની આંખોમાં લાગણી સાથેની ગડમથલ હતી. ભૂપતે દિલથી હા પાડી, પણ એ સમયે તો કાળુને ભૂપતની આ પ્રકારની સમય પસાર કરવાની રીત પર ગુસ્સો જ આવી ગયો હતો.

‘બોલને બાપલા, શું થ્યું, કઈ વાતનું પેટમાં દુખે છે.’

‘આ નવાબસાયેબની કાંય ખબર નથી પડતી. આપણે રેવાનું કઈ બાજુએ છે. હિન્દુસ્તાનની હારે ભળશું કે પછી પાકિસ્તાનની હારે જાવાનું છે આપણે?’

પૂછવામાં આવેલા સવાલે ભૂપતસિંહનાં ભવાં તાણી લીધાં.

‘આમ તો જો ભાઈ આપણે હરિઈચ્છા બોલીએ, પણ અહીં આપણે નવાબઇચ્છાને માનવાની, બીજું શું. ક્યે એમ કરવાનું અને રાખે એમ રેવાનું.’

વાત આગળ વધે એ પહેલાં કાળુએ જીપ મારી મૂકી.

‘ગમે ત્યાં ચોંટી જાશ વાતુએ તું?’ દોડતી જીપે જ કાળુએ ધોખો કર્યો, ‘બીક નથી લાગતી કે આ હડિંબા જાગી જાશે તો ધંધે લાગી જાશું?’

‘કાળુ, કેટલાંક કામ કર્યાં હોય એ કહેવાનું મન થાય, ગાઈવગાડીને બધાને દેખાડવાનું પણ મન થાય, પણ સાલું આ એક કામ એવું છે કે એના વિશે મારાથી કોઈને કહી શકાતું નથી એટલે એવું ઇચ્છું છું કે કોઈકનું ધ્યાન જાય અને કોઈક આની પૂછપરછ કરે.’

‘પૂછપરછવાળી, અત્યારે જીપ ક્યાં લેવાની છે એ જલદી કહે તું.’

‘ઘરે લઈ લે તું.’ ઘરે જવાની વાત આવી અને જીપનું વાતાવરણ ગંભીર બની ગયું, જોકે એ ગંભીરતાને તોડવાનું કામ પણ ભૂપતે જ કર્યું હતું, ‘આ જાડીને ત્યાં રાખી દઈએ એટલે તને ટાઢક થાય.’

જીપ ઘરે આવીને ઊભી રહી.

ચીઈઈઈ...

રાતના અંધકારમાં જીપને લાગેલી બ્રેકે આજુબાજુમાં સૂતેલા કૂતરાઓને જગાડવાનું કામ કર્યું. ઠંડીને લીધે ટૂંટિયુ વાળીને સૂઈ ગયેલા એ કૂતરાઓમાંથી એક કૂતરાએ માથું ઊંચું કરીને સહેજઅમસ્તો ઊંહકારો કર્યો અને ભસવાનું શરૂ કર્યું પણ બીજા કોઈનો સાથ મળ્યો નહીં એટલે તેણે પણ ભસવાનું છોડીને માથું પોતાના પેટમાં ખોસીને ફરીથી આંખો બંધ કરી લીધી. જે સમયે આ જૂનાગઢમાં જેનિફરને ઊંચકીને ઘરમાં લઈ જવાતી હતી એ સમયે રાજકોટમાં પણ એક ઘર ખૂલી ગયું હતું અને ત્યાંથી એક બુઢ્ઢાને બહાર કાઢવામાં આવતો હતો.

‘આલ્બર્ટ, વી શૂડ નૉટ ડુ ધિસ.’

ક્રિસ્ટોનને જરા પણ નહોતું ગમ્યું કે તેનો એક સમયનો જુનિયર અને અત્યારે સાહેબ બની ગયેલો ગવર્નર પોતાની બૈરી માટે એક માણસને છોડી રહ્યો છે.

‘આ માણસ આપણને તેના સુધી લઈ જવાનું કામ કરશે, આઇ ઍમ સ્યૉર આલ્બર્ટ. વી શૂડ નૉટ ડુ ધિસ.’

‘નો ક્રિસ્ટોન. વી હેવ ટુ. ધેર ઈઝ નો અધર ઑપ્શન.’

આલ્બર્ટની વાતમાં વજન હતું અને તેના શબ્દોમાં ભાર પણ હતો.

‘આપણે ભૂપતને બીજી વખત પકડી શકીશું, પણ જેનિફરને કંઈ થયું તો...’ આલ્બર્ટે તરત જ વાત પણ સુધારી લીધી, ‘નૉટ ઓન્લી ફૉર જેનિફર, ઍની ડેમ લેડી ક્રિસ્ટોન. કોઈ પણ બીજી લેડી હોત તો પણ મેં આ જ કર્યું હોત. જરૂરી છે આ.’

‘પણ એક ડાકુની વાતમાં...’

પોલીસ-કમિશનર ક્રિસ્ટોન અબ્રાહમને જે ગુસ્સો હતો એ વાજબી હતો, પણ સામેથી જે જવાબ મળ્યો એ પણ એવી જ તીવ્રતા સાથેનો મળ્યો,

‘હા, કારણ કે ક્યારેય કોઈ સાધુ આવી ડિમાન્ડ મૂકતો નથી.’ આલ્બર્ટ ક્રિસ્ટોનની નજીક આવ્યો, ‘આઇ ઍમ સૉરી ક્રિસ્ટોન. અત્યારે તારે વાત માનવી પડે છે. તને દુખ તો એ વાતનું થતું હશે કે હું તારો જુનિયર છું અને અત્યારે હું તને રાઇટિંગમાં ઑર્ડર આપું છું પણ આઇ ઍમ વેરી મચ ક્લિયર કે ખીમજી પટેલ જેવા માણસને આ રીતે ઇલીગલી રાખીને કંઈ વળવાનું નથી. બેટર એ જ હતું કે તેં એની ઑફિશ્યલ અરેસ્ટ કરી હોત. ઇટ્સ નૉટ રાઇટ ટાઇમ ટુ ક્રીએટ નેગેટિવ બઝ. આઝાદીનો આ સમય છે. અત્યારે ઊભી થયેલી નેગેટિવિટી મીડિયામાં આવશે અને ખોટી બદનામી થશે.’

ક્રિસ્ટોને જવાબ આપ્યા વિના જ ઑર્ડર પર સહી કરી નાખી. એક એવા ઑર્ડર પર સહી કરી જે પુરવાર કરતું હતું કે ખીમજી પટેલ નામના માણસનો કબજો અમારી પાસે હતો અને અમે તેને છોડી રહ્યા છીએ.

ઑર્ડર હાથમાં લઈને આલ્બર્ટે ક્રિસ્ટોન સામે જોયું.

‘નાઉ ડુ વનથિંગ ઑર ફેવર મી ફૉર વન મોર ટાઇમ.’

પ્રશ્નાર્થ નજરે ક્રિસ્ટોને આલ્બર્ટ

સામે જોયું.

‘એ માણસને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરો.’ આલ્બર્ટની વાતમાં લૉજિક હતું, ‘જેટલો જલદી તે ત્યાં પહોંચશે એટલા જલદી ભૂપતસિંહ પાસે સમાચાર પહોંચશે અને જેટલા જલદી સમાચાર પહોંચશે એટલી જલદી તે જેનિફરને છૂટી કરશે.’

‘જેનિફરને ક્યાં લેવા જવાનું છે?’

આલ્બર્ટ ઊભો થયો.

‘જે ઘર સુધી આવીને કોઈને ખબર ન પડે એમ લઈ ગયો તે જ એવી રીતે પહોંચાડવાની વ્યવસ્થા કરશે.’

- શું વ્યવસ્થા કરશે, ધૂળ ને ઢેફા?

ક્રિસ્ટોનના મનની વાત જાણે આલ્બર્ટને સ્પર્શી ગઈ હોય એ રીતે તે કૅબિનની બહાર નીકળતાં પહેલાં દરવાજા પાસે ઊભો રહ્યો અને તેણે પાછળ ફરીને ક્રિસ્ટોન સામે જોયું : ‘યેસ, આઇ ઍમ વેરી મચ સ્યૉર મિસ્ટર ક્રિસ્ટોન. ભૂપત જ તેને મૂકવા આવશે.’

€ € €

‘દાદુ મૂકવા ગયા હતા?’

ઇબ્રાહિમથી રહેવાયું નહીં, તે વચ્ચે બોલી ઊઠ્યો. ઇબ્રાહિમના અવાજે કુતુબને ખલેલ પહોંચાડી અને તેણે આંખો ખોલી.

‘તને શું લાગે છે, તારો દાદુ એટલો મૂર્ખ હતો?’

ઇબ્રાહિમને સમજાયું નહીં.

‘સમઝ મેં નહીં આયા.’

‘ઇસી લિયે તો તેરા દાદુ કા હંમેશાં એક જવાબ રહતા થા : દિલ મેં આતા હૂં, સમઝ મેં નહીં.’

€ € €

‘આઇ વૉન્ટ એવરીવેર. એવરીવેર મીન્સ એવરીવેર.’ ક્રિસ્ટોનના ટેબલ પર એક મોટો નકશો હતો જેમાં આખું રાજકોટ ચિતરાયેલું હતું. રાજકોટમાં દાખલ થવાના જે ચાર રસ્તા હતા એ બધા રસ્તાઓ પર ક્રિસ્ટોન વારાફરતી આંગળી મૂકીને હાજર રહેલા અમલદારોને સમજાવતો જતો હતો.

‘લુક, આ જગ્યાએ મને પીટરની ટીમ જોઈશે અને આ અહમદાવાદ હાઇવે, અહીં મને ઍન્ડરસનની ટીમ જોઈએ છે. હવે આ તરફ જોઈએ. આ બાજુ નવાનગર તરફ જવાનો હાઇવે છે. અહીં મને ઍન્થનીની ટીમ જોઈશે અને આ તરફ... આ તરફ જૂનાગઢ હાઇવે, અહીં હું રહીશ.’

આલ્બર્ટને આના વિશે કંઈ ખબર નહોતી, પણ ક્રિસ્ટોને આખો પ્લાન બનાવી લીધો હતો. જેનિફરને મૂકવા માટે ભૂપતસિંહ આવે એટલે તેને પકડી લેવાનો. જેનિફરને મૂકવા માટે ભૂપતસિંહ જ આવશે એવી ખાતરી આલ્બર્ટને હતી તો એ ખાતરી જોઈને ક્રિસ્ટોનને પણ વિશ્વાસ આવી ગયો હતો કે ભૂપત જ આવું ગાંડપણ કરી શકે. માણસ જ્યારે ગાંડપણના રસ્તે હોય ત્યારે એને માટેનાં અનુમાન લગાવવાં પણ અઘરાં થઈ જાય અને એનાથી ઊલટું પણ શક્ય છે કે એના વિશેનાં અનુમાન બાંધવાનું કામ પણ સરળ થઈ જાય.

ક્રિસ્ટોને અનુમાનના આધારે જ ધારી લીધું હતું કે ભૂપતસિંહ જેનિફરને મૂકવા માટે રાજકોટ આવશે અને જો એવું જ બનવાનું હોય તો આ વખતે ભૂપતસિંહને જવા ન દેવો અને એ માટે જેટલી તૈયારીઓ કરવી પડે એ બધી તૈયારી જડબેસલાક કરી રાખવી. જડબેસલાક તૈયારીના ભાગરૂપે જ ભૂપતસિંહના સ્વાગત માટે જે સૌથી મહત્વનો રોડ ગણાતો હતો એ જૂનાગઢ હાઇવેની જવાબદારી ક્રિસ્ટોને પોતે રાખી હતી અને એ જ હાઇવે પર સૌથી વધારે પોલીસ-પલટન મૂકી હતી, જ્યારે બાકીના રસ્તાઓ જે રાજકોટમાં આવતા હતા એને પણ તેણે રેઢા નહોતા મૂક્યા.

‘અહીંથી ગાડી પેલાને લઈને રવાના થશે કે તરત બધાએ અલર્ટ થઈ જવાનું છે. બને કે ભૂપતસિંહ બહુ દૂર ન ગયો હોય અને તે વચ્ચેથી જ આ બધા પર નજર રાખતો હોય. જેવી તેને ખબર પડશે કે તરત ભૂપત તરત મૅડમ સાથે રાજકોટ આવશે. એક પણ વાહન, એક પણ પ્રાઇવેટ વાહન જવાં ન જોઈએ. બધાં જ વાહનોને ઊભાં રાખવાનાં છે અને બધાં જ વાહનોની ઝડતી લેવાની છે. ભલે ગમે એટલું મોડું થાય, ભલે હાઇવે કલાકો સુધી અટવાયેલો રહે, આપણે એની ચિંતા નથી કરવાની. જે ચિંતા છે એ ભૂપતસિંહની છે. મને કોઈ હિસાબે ભૂપતસિંહ હાથમાંથી જવા નથી દેવો. અન્ડરસ્ટૅન્ડ?’

‘યસ સર.’

બધા આર્મીઢબે એકસાથે બોલ્યા અને બોલવાની સાથોસાથ બધાએ એકસાથે ક્રિસ્ટોનને સૅલ્યુટ ઠોકી અને ડાબો પગ જમીન પર જોરથી પછાડ્યો.

ધડામ.

સૌકોઈને ખબર હતી કે એક નવી અને સાવ જુદા જંગની શરૂઆત થવાની છે. મુદ્દો માત્ર એટલો જ છે કે આ જંગ કઈ ઘડીએ શરૂ થાય એ નક્કી કરવાની સત્તા માત્ર ભૂપતના હાથમાં જ હતી.

€ € €

ખીમજીઅદા ગોંડલ પહોંચ્યા અને બીજી જ ઘડીએ ગોંડલ દરબારમાં પણ એ સમાચાર પહોંચી ગયા. ગોંડલનરેશ માટે સ્વાભાવિક રીતે ખુશીનો આ અવસર હતો. ખીમજીઅદા કેવી રીતે પાછા આવ્યા એના વિશે કોઈને ખબર નહોતી. સિવાય ગોંડલના મહારાજા. મહારાજાએ પણ તરત જ લાગતાવળગતાઓ સુધી સમાચાર પહોંચાડી દીધા કે ખીમજીઅદા ઘરે આવી ગયા છે. પહોંચાડેલા સમાચારના આધારે એ સમાચાર પણ તરત બધે જ પહોંચ્યા અને જેકોઈને મળી રહ્યા હતા એ બધાએ એ સમાચાર ભૂપતસિંહ સુધી પહોંચાડવાનું કામ કરવા માંડ્યું. અદા ઘરે આડા પડખે પડવાનું શરૂ કરતા હતા ત્યારે એ સમાચાર ભૂપતસિંહ સુધી પહોંચી ગયા હતા.

‘કાળુ, આ બલાને હવે પાછી પહોંચાડવાની છે.’

‘કેમ, કામ પતી ગયું?’

‘પચાસ ટકા. અદા ઘરે આવ્યા છે, પણ આ જાડીને પાછી પહોંચાડી દઈએ તો ૧૦૦ ટકા કામ પૂÊરું થયું કહેવાય.’

‘મૂકી દઈ અહીં રેઢી. પહોંચી જાશે જાતે.’

ભૂપતે કાળુ સામે જોયું.

‘સાલા બાઇમા’ણાને થોડી એમ રેઢી મુકાય, જાતે મૂકવા જાવું પડે.’

 (વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK