હવે તો બસ સ્કાય ઇઝ ધ લિમિટ

કાંદિવલીમાં રહેતા સિનિયર પાઇલટ આલોક યાદવે સત્તર વર્ષ પહેલાં જે સફર શરૂ કરી હતી એને હવે સરકારની સહમતી મળી છે. ૨૦૧૧માં તૈયાર થયેલા સિક્સ-સીટર પ્લેનને એવિયેશન રેગ્યુલેટરી વિભાગે છ વર્ષ બાદ છેક હવે રજિસ્ટર કર્યું છે. ભારતમાં પહેલી વાર પ્લેન મૅન્યુફૅક્ચરિંગના ક્ષેત્રમાં ઝંપલાવીને કાયદાકીય સહમતી મેળવીને ઇતિહાસ રચનારા મુંબઈના અનોખા ઇનોવેટર આલોક યાદવની પ્લેન બનાવવાની સફર કેવી રહી એ જાણીએ તેમની મિડ-ડે સાથેની ખાસ મુલાકાતમાં

plane1

રુચિતા શાહ

‘મને જ્યારે ખબર પડી કે હવે આવતા અઠવાડિયે મને ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)માંથી ઍરક્રાફ્ટ રજિસ્ટર થયાનો લેટર મળી જશે ત્યારે નોબેલ પારિતોષિક મળ્યાનો આનંદ થયો હતો. તમે માનશો નહીં, પણ પ્લેન બનાવવામાં જેટલો સંઘર્ષ નથી કર્યો એના કરતાં હજારગણો સંઘર્ષ પ્લેન માટે સરકારી માન્યતા મેળવવા માટે કર્યો છે. ભારતીય બ્યુરોક્રસીના રેઢિયાળપણા અને બેજવાબદારપણાની ચરમસીમા મેં જોઈ લીધી છે અને એ બધા વચ્ચેથી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ પછી જે બદલાવ આવ્યો એને હું ક્યારેય ભૂલી નહીં શકું.’

plane2

અત્યારે એક ઍરલાઇન કંપનીમાં સિનિયર પાઇલટ અને ટ્રેઇનર તરીકે કામ કરતા ૪૧ વર્ષના કૅપ્ટન આલોક યાદવ આટલું કહેતાં ઊંડો શ્વાસ લે છે. અત્યારે કદાચ તેમનું નામ તમને અજાણ્યું લાગે, પણ આવનારાં વષોર્માં તેમણે કરેલી શરૂઆત એવિયેશન ક્રાન્તિમાં ખૂબ મહત્વનું નિમિત્ત બને એવી પૂરી સંભાવનાઓ છે અને એ રીતે હવે તેમનું નામ ઇતિહાસમાં તો અમર થઈ જ ગયું ગણાય. આ માણસની સિદ્ધિ પણ કંઈક એવી જ છે. ‘હું પણ વિમાન બનાવીશ’ એવું નાની ઉંમરમાં જોયેલું સપનું તેમણે સાકાર કરી દેખાડ્યું છે અને એ પણ સત્તર વર્ષની પાર વગરની અગવડો વચ્ચે અથાગ પરિશ્રમ અને અઢળક નિષ્ફળતાઓ પછી. યસ, છ લોકો બેસી શકે એવું ૧૪૫૦ કિલોનું વજન ધરાવતું અને ૧૩ હજાર ફુટની ઊંચાઈ પર ઊડી શકવાની ક્ષમતાવાળું દેશમાં બનેલું દેશનું પહેલું પ્લેન તેમણે બનાવી દેખાડ્યું છે... એ પણ કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં આવેલા તેમના પાંચ માળના બિલ્ડિંગની સાડાબારસો ચોરસ ફુટની ટેરેસ પર, જેને આ જ અઠવાડિયે DGCA દ્વારા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મળી ગયું છે. પ્લેનનું રજિસ્ટ્રેશન થયા પછી હવે એવિયેશન રેગ્યુલેટરી બૉડીના અધિકારીઓ એકાદ અઠવાડિયામાં પ્લેનનું પરીક્ષણ કરશે અને એ પછીની ફૉર્માલિટી પૂરી થયા પછી પ્લેન આકાશમાં ઊડતું થઈ જશે. જોકે એના વચ્ચે પણ દુ:ખની અને શરમની વાત એ છે કે આ પ્લેન ૨૦૧૧માં જ બનીને તૈયાર હતું અને અને ત્યારથી આલોક અને તેમનો પરિવાર દિલ્હીની આ એવિયેશન રેગ્યુલેટરી બૉડી પાસે પ્લેનના રજિસ્ટ્રેશન માટે ધક્કા ખાતા રહ્યા, પણ કોઈ અધિકારીઓએ મચક ન આપી. ઊલટાનું આલોકના પ્રયાસને વાહિયાત ગણાવી ઉડાવી દેવા માટે નિયમોમાં પણ ફેરફાર કરવાના પ્રયત્ન કર્યા. જોકે મામલો જ્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો ત્યારે તેમના હસ્તક્ષેપથી કાર્યને વેગ મળ્યો. આ જ કારણથી ભારતમાં બનેલા આ પહેલવહેલા પ્લેનને આલોકે વિક્ટર ટેન્જો નરેન્દ્ર મોદી દેવેન્દ્ર (VT-NMD) એવું નામ આપ્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે આલોક યાદવને આવા જ નાના પ્લેનના મૅન્યુફૅક્ચરિંગ માટે પાલઘરમાં ૧૫૭ એકર જમીન આપવાનો વાયદો પણ કર્યો છે. જો એમ થશે તો મહારાષ્ટ્ર દેશનું પહેલું રાજ્ય હશે જે પ્લેનનું મૅન્યુફૅક્ચરિંગ કરતું હશે.

plane3

અનોખી યાત્રા

સાડાબારસો ચોરસ ફુટની ટેરેસ પર કોઈ વ્યક્તિ આખેઆખું પ્લેન બનાવી શકે એ વાત જ પોતાની જગ્યાએ અજૂબાથી ઊતરતી નથી. મુંબઈના આલોક યાદવે આ અજૂબાને સાક્ષાત કરી દેખાડ્યો છે, પણ એ કેવી રીતે શક્ય બન્યું અને એમાં કેવા-કેવા પડકારો આવ્યા એની યાત્રા પણ જાણવા જેવી છે. આલોક કહે છે, ‘સ્કૂલમાં ભણતો હતો ત્યારથી જ આકાશમાં ઊડતા પ્લેનને જોઈને અનોખી જિજ્ઞાસા સાથે બીજાં બાળકોની જેમ હું પણ એ જ કહેતો કે મોટો થઈને પાઇલટ બનીશ. ઓગણીસ વર્ષની ઉંમરે અમેરિકા જઈને પ્લેન કેવી રીતે ઉડાવાય એની ટ્રેઇનિંગ શરૂ કરી. એ સમયે ‘પાઇલટ બનીશ’માંથી ‘પ્લેન બનાવીશ’નો વિચાર સ્ફુર્યો. ભારત આવીને એની રોમાંચક સફર શરૂ થઈ. સાચું કહું તો મારા આ વિચારથી ઘણા લોકો મારા પર હસતા પણ હતા. ‘આનું ચસકી ગયું છે’ એવું કહીને મારાં માતા-પિતાને મારો ઇલાજ કરાવવાની સલાહ પણ આપી દીધેલી. જોકે મારા પરિવારે મારા પર ભરોસો કર્યો હતો. તેમણે મને મારી ઇચ્છા મુજબ આગળ વધવા માટે જે પણ સહાય જોઈએ એ આપવાની તૈયારી દેખાડી અને એના માટે બધી જ મદદ પણ કરી.’

plane4

મંગળસૂત્ર ગિરવી મૂકી દીધેલું

અત્યારનું સિક્સ-સીટર પ્લેન લગભગ ચાર કરોડના ખર્ચે બન્યું છે. એ પહેલાં પણ પ્લેન બનાવવાના તેમના બે પ્રયાસો નિષ્ફળ ગયા હતા. ૨૦૦૪માં ટૂ-સીટર પ્લેન બનીને તૈયાર હતું, પણ સરકારી વિભાગે રજિસ્ટ્રેશન ન કરી આપ્યું અને ટેરેસ પર જ લગભગ ત્રણેક વર્ષ પડ્યું રહેવાને કારણે એ નકામું થઈ ગયું. ટૂંકમાં આ તમામ પ્રયત્નોમાં આલોકનો પગાર, તેમનું સેવિંગ્સ અને બૅન્ક પાસેથી લીધેલી લોન પણ લાગી ચૂક્યાં હતાં. એ પછી માતા-પિતાએ અને ભાઈએ તેને ફાઇનૅન્શિયલ સપોર્ટ આપવાનું શરૂ કર્યું. આલોક કહે છે, ‘આગળ કહ્યું એમ મારો આ વિચાર લોકોએ હસી કાઢેલો, કારણ કે લોકોને ખબર હતી કે એ બનાવવા માટે જોઈતું એકેય પરિબળ મારી પાસે નહોતું. મારી પાસે જગ્યા નહોતી, પૈસા નહોતા અને મધ્યમવર્ગીય પરિવારનો હોવાથી એવું કોઈ ખાસ બૅકઅપ નહોતું એ વાત સૌકોઈ જાણતા હતા. વીસેક વર્ષની ઉંમરે નક્કી કરેલા ઉદ્દેશ્યને તરંગી ન ગણીને મારાં માતા-પિતાએ મોકળા મને સ્વીકારી લીધો. મને અમારા બિલ્ડિંગની ટેરેસ પર જ મારું વર્ક-સ્ટેશન બનાવવાની પરવાનગી મળી ગઈ. કૉસ્ટકટિંગ સાથે કામ કરવાનું હતું એટલે લોકલ કાર્પેન્ટર, ઇલેક્ટ્રિશ્યન અને મેકૅનિકની હેલ્પ લીધી હતી. શરૂઆતમાં તો તેમને પણ મારી વાત વિચિત્ર લાગી હતી, પણ પછી તેમણે મારી જરૂરિયાત મુજબ કામ કરી આપ્યું. બે પ્રયત્નોમાં એન્જિનની ખામી, ટાયરની ખામી વગેરે પકડાયું હતું. ત્રીજા પ્રયાસમાં મારે બહારથી બૅટરી જોઈતી હતી, પણ મારી પાસે પૈસા નહોતા એટલે મેં મારી આઈને પૂછ્યું કે તારી પાસે બચતના કોઈ પૈસા પડ્યા છે? બે દિવસમાં આઈએ મને પૈસા આપ્યા. પાછળથી મને ખબર પડેલી કે એ પૈસા માટે આઈએ પોતાનું મંગળસૂત્ર ગિરવી મૂકી દીધું હતું.’

plane5

હતાશા સાથે એ દિવસે રડી પડેલો

કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં આલોક ૧૯ જણના સંયુક્ત પરિવારમાં રહે છે અને આલોકના આ મિશન ઍરોપ્લેનમાં બધાએ જ પોતપોતાની રીતે ફાળો આપ્યો હતો. આલોકની સાથે કામ કરતા લોકો ત્યારથી લઈને આજ સુધી તેમના જ ઘરે જમે છે. એ તમામ વ્યવસ્થા આલોકની પત્નીએ સંભાળી લીધી છે. આજે જ્યારે આલોકની મહેનત રંગ લાવી છે ત્યારે પરિવારના ઉત્સાહનો પણ પાર નથી. જોકે સરકારી પરવાનગીઓ માટે આલોકે અને તેના પરિવારે જોયેલી તકલીફો આજે પણ તેમના ઉત્સાહ પર પાણી રેડવાનું કામ કરે છે. આલોક કહે છે, ‘એવિયેશન રેગ્યુલેટરી વિભાગના છેલ્લા એક દાયકાના ધક્કાઓ ખાઈ લીધા પછી અને રજિસ્ટ્રેશનની બાબતમાં તેમનો રવૈયો જોઈને મેં માની લીધું હતું કે આ સરકારી અધિકારીઓ મને કોઈ મદદ નહીં કરે. અમે ટ્રેનની ટિકિટ લઈને ત્રણ દિવસ માટે દિલ્હી ગયા હોઈએ અને એ ઑફિસરો અમને છેક સુધી મળે જ નહીં. છેલ્લા દિવસે જ્યારે જવાની ટિકિટ હોય ત્યારે તેઓ બે દિવસ પછીની અપૉઇન્ટમેન્ટ આપે. ખોટા નિયમો દેખાડીને અમને ધક્કા ખવડાવે. મારા પિતા લગભગ છ વખત ત્યાં જઈ આવ્યા હતા, પણ તેમનો રવૈયો એટલો ખરાબ હતો કે અમે બધી રીતે હતાશ થઈ ગયા હતા. સરકાર બદલાઈ અને મોદી સરકાર આવી તો અમને આશા જાગી હતી કે હવે કંઈક થશે. એ પછી પણ બ્યુરોક્રૅટï્સના વ્યવહારમાં કોઈ બદલાવ ન આવ્યો. અમે જ્યારે બહુ પાછળ પડ્યા ત્યારે ખબર પડી કે રજિસ્ટ્રેશનના નિયમો જ હવે બદલી દેવાયા છે. એ દિવસે હું ખરેખર મારા ભાઈને ફોન કરીને રડ્યો હતો. જોકે એ સમયે પણ ભાઈએ કોઈક રસ્તો કાઢવાનું આશ્વાસન આપીને હિંમત આપી હતી. આ અનુભવ પરથી એટલું જ કહીશ કે આપણે ત્યાં કોઈક નવી શોધ માટે લોકો તૈયાર જ નથી. આપણે શું કામ બનાવવું જ્યારે બીજા કોઈ બનાવે છે એવો અભિગમ આજે પણ સરકારી અધિકારીઓના મનમાં છે. પોતાના જ દેશના લોકો દ્વારા કોઈક નવો પ્રયાસ હાથ ધરાયો હોય તો એને સફળ કરવા માટે પીઠબળ આપવાનું તો દૂર રહ્યું, એ શું કામ નિષ્ફળ છે એનો હિસાબ માંડવા લોકો બેસી જતા હોય છે.’

plane6

ટેરેસ પરથી વિમાનને નીચે કેમ ઉતારવું?

સરકારી અધિકારીઓના રવૈયાથી અને ઘરની આર્થિક સ્થિતિ પણ નબળી થઈ ગઈ હોવાથી આલોક યાદવે તેની જૉબ પર ધ્યાન આપવાનું શરૂ કરી દીધું હતું. એવામાં ગયા વર્ષે તેને એક તક મળી. એનું વર્ણન કરતાં તે કહે છે, ‘મેક ઇન ઇન્ડિયાનું બાંદરા- કુર્લા કૉમ્પ્લેક્સમાં એક્ઝિબિશન હતું. મેં એમાં મારા પ્લેનને મૂકવાની વાત કરી તો ઑર્ગેનાઇઝરે ના પાડી દીધી, કારણ કે એના માટે ખૂબ જગ્યા જોઈએ અને તેમણે કહ્યું કે એટલી જગ્યા અમારી પાસે નથી. એ પછી મેં ત્યાંના વૉચમૅન અને સિક્યૉરિટીના લોકો સાથે વાત કરી. એક્ઝિબિશિનના બે-ત્રણ દિવસ પહેલાંની આ વાત છે. તેમણે મને સપોર્ટ કરવાની તૈયારી દેખાડી એટલે મેં ગેટક્રૅશરની જેમ બિનબુલાએ મહેમાનની જેમ એમાં ઘૂસી જવાની યોજના બનાવી. હવે સૌથી પહેલો ટાસ્ક હતો મારા બિલ્ડિંગના પાંચમા માળની ટેરેસ પરથી પ્લેનને નીચે ઉતારવાનો. આખેઆખું પ્લેન તો ઊતરી શકે એમ જ નહોતું. એટલે અમે બૅટરી અને પ્લેનના બીજા હિસ્સાઓ કાઢી લીધા. જેટલું પછીથી એસેમ્બલ થઈ શકે એ બધું જ છૂટું કરીને ઇલેક્ટ્રિક ક્રેનના માધ્યમથી એને નીચે ઉતારવાની પ્રક્રિયા અડધી રાતે શરૂ કરી. એક પૉઇન્ટ પર ક્રેન વચ્ચે જ અટકી ગઈ. એ સમયે નક્કી મારું હાર્ટ લગભગ મોઢામાં આવી ગયું હતું, કારણ કે અમને લાગતું હતું કે હવે ક્રેન આ વજન નહીં ઊંચકી શકવાને કારણે તૂટવાની છે. જોકે થોડીક જ સેકન્ડમાં પાછું બૅલૅન્સ આવતાં ક્રેન શરૂ થઈ. ગ્રાઉન્ડ ફ્લોર પર બે મોટા-મોટા ખટારા અમારા આ લગેજને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ સુધી પહોંચાડવા માટે ઊભા જ હતા. મોડી રાત્રે અમારી ટ્રક આયોજન-સ્થળથી થોડે દૂર ઊભી રહી ગઈ હતી. જેવી અંદર જવાની શક્યતાઓ ઊભી થઈ એટલે અમે ગેટમાં નજરે ન પડીએ એમ અંદર ગયા. અંધારું હતું એ સમયે જ અમે અમારા પ્લેનનું એસેમ્બલિંગ કરીને ત્રણ કલાકમાં એક્ઝિબિશનમાં રાખી શકાય એ રીતે પ્લેન ઊભું કરી દીધું. પછી તો આયોજકો સાથે બહુ વાતચીતમાં ઊતરીએ એ પહેલાં જ લોકોમાં આ પ્લેનનું ગજબ આકર્ષણ જોવા મળ્યું હતું. લોકો પ્લેન પાસે આવી-આવીને સેલ્ફી લઈ રહ્યા હતા. મીડિયાએ પણ આ પ્લેનને ખૂબ ફુટેજ આપ્યું અને એ વખતે પહેલી વાર મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બીજા અધિકારીઓ પણ આ હોમમેડ પ્લેન જોઈને ખૂબ ખુશ થઈ ગયા હતા.’

ટર્નિંગ પૉઇન્ટ

આલોક યાદવની લાઇફમાં આ ઘટના ટર્નિંગ પૉઇન્ટ બની. એ પછી તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને આ બાબતમાં રસ લઈને ચાર વખત નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી અને તેમને પણ આ દિશામાં બનતું કરવા માટે સહયોગ માગ્યો. એ પછી જે થયું એની વાત આપણે આગળ કરી ચૂક્યા છીએ. આજે પણ દેશના કરોડો લોકો આંખો ઊંચી કરીને આકાશમાં ઊડતા પ્લેનને જોઈને એક વાર પ્લેનમાં બેસીશ એવું નક્કી કરતા હોય છે ત્યારે દેશના ૧૯ વર્ષના યુવકે પ્લેન ચલાવવાની ટ્રેઇનિંગ લેતી વખતે પ્લેન બનાવવાનું સપનું જોયું અને એને સાર્થક પણ કર્યું. અગવડો તો તેની સામે પણ બેસુમાર હતી, પણ તેણે પ્રયત્નો ન છોડ્યા. પોતાની રીતે કંઈક કરવાની મહત્વાકાંક્ષાઓ સાથે પ્રયત્નો કરી રહેલા એ તમામ યુવાનોને સંબોધીને આમચી મુંબઈનો આ પાઇલટ કહે છે, ‘એવું તો નહીં કહું કે મેં બીજું બધું છોડીને સત્તર વર્ષ માત્ર આ જ કામમાં લગાવ્યાં છે. વચ્ચે-વચ્ચે સંજોગો બદલાયા ત્યારે મારે બીજી બધી બાબતોમાં પણ ધ્યાન આપવું પડ્યું છે. ક્યારેક હતાશામાં આ પડતું મૂકવાનું મન પણ થયું છે, પણ એ બધાને મેં મારા પર હાવી ન થવા દીધું. તમે તમારી કરીઅર અને પરિવાર જાળવીને પણ દુનિયાથી અલગ અથવા તો દુનિયા માટે અશક્ય લાગે એવું કંઈક કરવા માગો તો એ કરી જ શકો છો. શરત માત્ર એટલી જ કે પ્રયત્નો કરતા રહેવાનું. પહેલી વાર રદ્દીવાળાને ત્યાંથી ઍરક્રાફ્ટ કેવી રીતે બને એની જૂની મૅન્યુઅલ બુક લઈ આવેલો અને એ વાંચતો. એ પછી ઘણા નિષ્ણાતોને મળ્યો. સરકાર માન્યતા આપે એ પહેલાં મેં મારી રીતે ઘણી ટ્રાયલ કરી લીધી હતી. બસ, એક ફન્ડા હતો, પ્રયત્નો ચાલુ હતા. સતત. કામ નહોતો કરતો ત્યારે પણ દિમાગ ચાલુ હતું સતત એ દિશામાં. એક વાત તો નિશ્ચિત છે કે કોશિશ કરનેવાલોં કી હાર નહીં હોતી.’

plane7

આ શોધનો આપણને શું લાભ થશે?

ભારત જ્યારે બ્રિટિશ શાસન અંતર્ગત હતું ત્યારે આપણે ત્યાં ફ્લાઇટથી રીજનલ કનેક્ટિવિટી સારી હતી, જે હવે નથી. શું કામ? તો એ સમયે રીજનલ વપરાશ માટે ઉપયોગમાં લેવાતાં ઍરક્રાફ્ટ બ્રિટિશરો પોતાની સાથે લઈ ગયા. એ જ કારણ છે કે આપણે ત્યાં ૪૦૦ જેટલાં નાનાં ઍરપોર્ટ આજે પણ છે જે વપરાયાં વિનાનાં પડ્યાં છે. એનું મેઇન્ટેનન્સ થાય છે, પણ એની ઉપયોગિતા કોઈ નથી. મોટાં પ્લેન અહીં લૅન્ડ થઈ શકે એમ નથી અને નાનાં પ્લેન બહારથી લાવવાં પડે એમ છે. આલોક યાદવ કહે છે, ‘આપણે જો જાતે જ નાનાં-નાનાં પ્લેનનું મૅન્યુફૅક્ચરિંગ કરી શકીએ તો ઓછા બજેટમાં એ તૈયાર થશે અને દેશનાં નાનાં-નાનાં ઍરપોર્ટ પર એનું લૅન્ડિંગ થઈ શકતું હોવાને કારણે આપણા દેશની રીજનલ કનેક્ટિવિટી વધશે. લોકોનો સમય અને ખર્ચ બન્ને બચશે. આ ઍડ્વાન્સ થવાની દિશામાં આધુનિક ભારતનું એક મહત્વનું પગલું સાબિત થશે.’

વૉટ નેક્સ્ટ?

કૅપ્ટન આલોક યાદવનો આગળનો ટાર્ગેટ ૧૯ સીટનું નવું પ્લેન બનાવવાનો છે  જેનું નિર્માણકાર્ય ચારકોપમાં પોતાના બિલ્ડિંગની એ જ ટેરેસ શરૂ થઈ ગયું છે. આર્થિક પડકારો આજે પણ ઓછા નથી થયા. છ મહિનામાં આ પ્લેન બનીને તૈયાર થઈ શકે એમ છે, પરંતુ આર્થિક સંકડામણને કારણે કાર્ય વિલંબાય એવું તેમને લાગે છે. અત્યારે તો આલોકના મોટા ભાઈએ તેમનું ઘર ગિરવી મૂકીને પૈસાની મદદ કરી છે.

હવે બની રહ્યું છે ૧૯ સીટનું પ્લેન

કૅપ્ટન આલોક યાદવનો આગળનો ટાર્ગેટ ૧૯ સીટનું નવું પ્લેન બનાવવાનો છે જેનું નિર્માણકાર્ય ચારકોપમાં પોતાના બિલ્ડિંગની એ જ ટેરેસ પર શરૂ થઈ ગયું છે. આર્થિક પડકારો આજે પણ ઓછા નથી થયા. છ મહિનામાં આ પ્લેન બનીને તૈયાર થઈ શકે એમ છે, પરંતુ આર્થિક સંકડામણને કારણે કાર્ય વિલંબાય એવું તેમને લાગે છે. અત્યારે તો આલોકના મોટા ભાઈએ તેમનું ઘર ગિરવી મૂકીને પૈસાની મદદ કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK