અંબરનાથમાં લગભગ એક હજાર વર્ષ પહેલાં કાળા પથ્થરોથી બંધાયેલું ભવ્ય શિવ મંદિર છે, ખબર છે?

પ્રાચીન ભારતીય કલા અને સ્થાપત્યના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમા આ મંદિરનો એકેય ખૂણો કે ખાંચો એવો નથી જ્યાં મૂર્તિઓ નથી

shiv

મુંબઈની આસ-પાસ - ચંદ્રહાસ હાલાઈ

રામાયણના ઉત્તરકાંડમાં રાવણ-અનુગ્રહની વાર્તા પ્રમાણે દશાનન તેમના સાવકા ભાઈ કુબેરની કૈલાસ પર્વત નજીક આવેલી અલકાનગરી પર વિજય મેળવી લે છે. અલકાનગરી જીતી લીધા પછી દશાનન કુબેરના પુષ્પક વિમાનમાં સવાર થઈ પાછા લંકા જતા હતા ત્યારે કૈલાસ પર્વત નજીક વિમાન અટકી જાય છે. મહાદેવનું વાહન અને સેવક નંદી દશાનનને જણાવે છે કે કૈલાસ પર્વતની ઉપરથી ઊડીને જવું વર્જિત છે. અભિમાની દશાનન એમને મંદબુદ્ધિ પ્રાણી કહીને અપમાનિત કરે છે. નંદી દશાનનને શ્રાપ આપે છે કે એક દિવસ વાનરોની સેના તેનો વિનાશ કરશે.

ક્રોધે ભરાયેલા દશાનને કૈલાસ પર્વતને ઉખાડવાની કોશિશ કરી. કૈલાસ પર્વત ધ્રૂજવા લાગે છે. ગભરાયેલાં પાર્વતીજી મહાદેવનો હાથ પકડી લે છે. મહાદેવ પહેલાં તો માતા પાર્વતીને શાંત કરે છે. સર્વજ્ઞ શંકરજી જાણે છે કે દશાનન કૈલાસ પર્વતને ઉખાડવાની કોશિશ કરી રહ્યા છે. એટલે તેઓ પોતાના જમણા પગના અંગૂઠાથી કૈલાસ પર્વતને દાબી સ્થિર કરે છે. દશાનન કૈલાસ પર્વતની નીચે દબાઈ જાય છે. પીડાથી તે આક્રંદ કરે છે. તેના આ રુદનથી ત્રણે લોક ગુંજી ઊઠે છે અને તેથી જ મહાદેવે દશાનનને રાવણ નામ આપ્યું. રાવણ શબ્દનો અર્થ એટલે જે રુદન કરે તે.

રાવણની પીડા જોઈ તેના મંત્રીઓએ તેને મહાદેવની ઉપાસના કરીને તેમને રીઝવવાની સલાહ આપી. રાવણે શિવતાણ્ડવસ્તોત્રમ્ની રચના કરી. રાવણે પોતાના શરીરના અંગ કાપીને વીણા જેવું વાજિંત્ર બનાવી વગાડ્યું. આ વાજિંત્રના તાલ પર શિવતાણ્ડવસ્તોત્રમ ગાઈ મહાદેવની ભક્તિ કરી. ભોલેનાથ રાવણની ભક્તિથી ખુશ થઈને ક્ષમા પ્રદાન કરે છે અને તેને ચંદ્રહાસ ખડક (એક પ્રકારની તલવાર) ભેટ આપે છે.

જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે

ગલેઽવલમ્બ્ય લમ્બિતાં ભુજંગતુંગમાલિકામ

ડમડ્ડમડ્ડમડ્ડમãન્નનાદવડ્ડમર્વયં

ચકાર ચણ્ડતાણ્ડવં તનોતુ ન: શિવ: શિવમÐÐ

અર્થાત -

જેના અદ્ભુત તાંડવ નૃત્યનું વિવરણ સાંભળવામાત્રથી ભક્તો ધન્ય થઈ જાય છે એ ભગવાન શિવને મારા પ્રણામ.

તેમની જંગલરૂપી જટામાંથી વહીને પાણી જ્યાં પડે છે એ સ્થળને એ પવિત્ર કરી દે છે.

તેમના ગળા પર સર્પને હારરૂપે ધારણ કર્યો છે.

તેમનું ડમરુ ડમડ ડમડ ડમડ અવાજ કરે છે.

ભગવાન શિવ એકદમ જુસ્સાથી તાંડવ નૃત્ય કરે છે. તેમના શુભ આશિષ બધાને મળતા રહે.

એક રવિવારની વહેલી સવારે મારા મોબાઇલ ફોન પર શિવતાણ્ડવસ્તોત્રમ સાંભળતો લોકલ ટ્રેનમાં ઘાટકોપરથી અંબરનાથ પહોંચ્યો ત્યારે અંબરનાથ સ્ટેશને મારા મિત્ર પ્રોફેસર ચારુહાસ જોષી મારી રાહ જોતા હતા. રિક્ષા કરી અમે અહીંથી અઢી કિલોમીટર દૂર પ્રાચીન શિવ મંદિરે પહોંચી ગયા.

કાળા પથ્થરોથી બનાવેલા એક બહુ સુંદર શિવ મંદિરનાં અમને દર્શન થયાં. અહીંનું વાતાવરણ દિવ્ય અને શાંત છે. આ મંદિર લગભગ એક હજાર વર્ષ પહેલાં ભૂમિજ શિખર શૈલીથી બાંધેલું છે. ભૂમિજ શિખર શૈલીનું આ સૌથી જૂનું મંદિર છે. આ મંદિરનું શિખર તૂટી ગયું છે. એ છતાંય એની ભવ્યતામાં કે સુંદરતામાં કંઈ ફરક નથી પડ્યો. મંદિરની એક બાજુથી વાલધુની નદી વહે છે.

shivq

આ મંદિરના ત્રણ ભાગ છે - મંડપ, અંતરાલ અને ગર્ભગૃહ.

મંડપને ત્રણ દિશાથી ત્રણ પ્રવેશદ્વાર છે. ચોથી દિશામાં અંતરાલ એને ગર્ભગૃહ સાથે જોડે છે. ગર્ભગૃહમાં ભૂગર્ભમાં શિવલિંગ છે. પગથિયાં ઊતરી અમે પ્રભુનાં દર્શન કરી આવ્યા. પછી અમે મંદિરના સ્થાપત્ય અને વાસ્તુનું નિરીક્ષણ કર્યું.

મંદિરની અંદર અને બહારની દીવાલો અને સ્તંભો પર દેવી-દેવતાઓની સેંકડો નાની-મોટી અતિ સુંદર મૂર્તિઓ છે. મંદિરનો એકે ખૂણો કે ખાંચો એવો નથી જ્યાં મૂર્તિઓ નથી. અમુક મૂર્તિઓ સમય પસાર થતાં ઘસાઈને તૂટી ગઈ છે. અમુક જગ્યાઓ પર સુંદર નકશીકામ કરેલું છે.

આ મંદિરની સુંદરતા અને ભવ્યતા જોઈને અમે મોહિત થઈ ગયા હતા. મનમાં એક ઉત્સુકતા જાગી કે...

૧) આ મંદિર કોણે અને ક્યારે બંધાવ્યું હશે?

૨) આ મંદિર બાંધવા પાછળ તેમનો શો આશય હતો?

૩) આ મૂર્તિઓ શું દર્શાવે છે?

પરબ્રહ્મ અથવા ભગવાન તો નિરાકાર, નિર્ગુણ, અનભિવ્યક્ત છે છતાં મંદિરોમાં આપણે તેને સાકાર, સગુણ, અભિવ્યક્ત સ્વરૂપ આપીએ છીએ.

જે સાધકને જ્ઞાન અર્જિત કરવું છે તે વિદ્યાની દેવી માતા સરસ્વતીની સાધના કરશે. જેને શારીરિક બળ મેળવવું છે તે મહાબલી હનુમાનની ભક્તિ કરશે. એ જ રીતે જેને સમૃદ્ધિ પ્રાપ્ત કરવી છે તે માતા લક્ષ્મીની પૂજા કરશે. સાધકને જે ગુણ પ્રાપ્ત કરવો છે એના પર તે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે.

મનુષ્યનું મન ચંચળ છે એટલે આપણે ભગવાનના સાકાર સ્વરૂપ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ સાકાર સ્વરૂપ તો નિરાકાર અને નિર્ગુણને સમજવા અને પામવાનું માધ્યમ છે. મંદિર અને ત્યાંની મૂર્તિઓ આપણને આત્મનિરીક્ષણ કરવા પ્રેરિત કરે છે.

ઉત્તર કોંકણમાં નવમી-તેરમી સદી ઈસવીના અરસામાં શિલાહાર યાદવોનું રાજ હતું. શ્રીસ્થાનક (આજનું થાણે) તેમની રાજધાની હતી. તેઓ શૈવ સિદ્ધાંત પંથના અનુયાયી હતા. તેથી જ શિલાહાર વંશના રાજા છિત્તરાજ (રાજ્યકાળ - ૧૦૨૨-૧૦૩૫)એ આ મંદિરનું બાંધકામ ચાલુ કરાવ્યું હતું. આ બાંધકામ ૧૦૬૦માં તેમના અનુજ રાજા મુમ્મુણી (રાજ્યકાળ - ૧૦૪૫-૧૦૭૦)ના રાજ્યકાળમાં પૂરું થયું હતું. એ સમયે અંબરનાથ જંગલ હતું. આ ભવ્ય મંદિરને રાજધાની અને વસ્તીથી દૂર બાંધવાનું કારણ શું? આ મંદિર શૈવ સિદ્ધાંત પંથના એક ગુરુકુળનું ભાગ હતું અને એ માટે જ એને વસ્તીથી દૂર શાંત જગ્યામાં બાંધવામાં આવ્યું હતું.

શૈવ સિદ્ધાંત પંથનું માનવું છે કે ભગવાન શિવની આરાધના કરવાથી સાધકના શરીર, મન અને આત્માનું શુદ્ધિકરણ થશે અને તેને મોક્ષની પ્રાપ્તિ થશે. આ મંદિરની મૂર્તિઓ શૈવ સિદ્ધાંત પંથના સાધકના દૈનિક નિત્ય કર્મ તેમ જ વિવિધ રીતિરિવાજોનું આલેખન કરે છે. મંદિરની મૂર્તિઓ લોકોને જ્ઞાન આપે છે અને તેમનામાં જાગરુકતા લાવે છે.

દર વર્ષે મહાશિવરાત્રિએ અહીં મોટો મેળો ભરાય છે.

જયહિન્દ કૉલેજના રસાયણશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર ડૉ. કુમુદ કાનિટકરે સંશોધન કરીને અંબરનાથ શિવાલય પર બહુ સરસ પુસ્તક લખ્યું છે.

અંબરનાથનું શિવ મંદિર પ્રાચીન ભારતીય કલા અને સ્થાપત્યનું ઉત્કૃક્ટ ઉદાહરણ છે.

આ મંદિરના શાંત વાતાવરણમાં થોડી વાર ધ્યાન કરવાથી મને અલૌકિક અનુભૂતિ થઈ. મનમાં એ જ શાંતિ લઈ હું મારા ઘરે પાછો આવ્યો.

- તસવીરો : ચંદ્રહાસ હાલાઈ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK