પિતાના નામની રૂમ પુત્રના નામે ટ્રાન્સફર કરવામાં ૧૯ વર્ષથી ડિંગો દેખાડતા બાબુઓ RTI અરજી મળતાં થમ્સ અપ દેખાડતા થઈ ગયા

તળ મુંબઈના પરેલ TT વિસ્તારમાં રહેતા અશ્વિન વોરાની ૧૯ વર્ષની યાતના તથા RTI કાયદાના ઉપયોગથી ૩૦ દિવસની કાયદાકીય સમયમર્યાદામાં આવેલા ઉકેલની આ કથા છે.

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

અશ્વિનભાઈના પિતાના નામે જેરબાઈ વાડિયા રોડસ્થિત બોગદા ચાલમાં રૂમ હતી. ૧૯૭૨ની ૨૮ એપ્રિલે પિતાના સ્વર્ગવાસ બાદ ૧૯૯૭ની ૪ ઑક્ટોબરે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જરૂરી દસ્તાવેજો-પત્રો સાથે નામ ફેરબદલી માટે અરજી કરી.

BMCના બાબુઓના લાસરિયાપણાથી સુપરિચિત હોïવાથી ૬-૧૨ મહિના તો લાગશે એમ ગૃહીત સમજીને કોઈ પણ જાતની તપાસ તો ન જ કરી, પણ નામ ફેરબદલી થઈ જશે એવી આશા પણ રાખી નહોતી. ત્યાર બાદ અવારનવાર BMC કાર્યાલયમાં જવાની શરૂઆત કરી. બાબુઓ દર વખતે નવું બહાનું ધરીને અશ્વિનભાઈને રવાના કરી દેતા હતા. શરૂઆતનો વાતચીતનો દોર સલૂકાઈભર્યો રહ્યો. આમ કરવા પાછળ બાબુઓનો સ્વાર્થ હતો. રૂમ-ટ્રાન્સફરના કાર્યમાં ખાયકીની ગુંજાઇશ સારા મોટા પ્રમાણમાં હોવાથી નાગરિકને હસતા-રમતા થકવી નાખવાની રમત આરંભાઈ. બાબુઓની નજર અશ્વિનભાઈના ગજવા પર અને અશ્વિનભાઈની નજર બાબુઓની ફાઇલ અને કલમ પર. હુતુતુની આ રમત આજકાલ કરતાં ૧૩ વર્ષ ચાલી. પરિસ્થિતિ ઠેરની ઠેર રહી.

૨૦૧૦ની ૨૬ ફેબ્રુઆરીએ હારેલા-થાકેલા અશ્વિનભાઈએ પોતાની વ્યથા તથા વિનંતીને પત્રદેહ આપી BMCના F-South વૉર્ડના ઍડ્મિનિસ્ટ્રેટર ઑફિસર (એસ્ટેટ)ને પત્ર લખ્યો. તેમને એમ કે પત્રના કારણે BMCમાં હલચલ થશે. ગ્પ્ઘ્ની તો વાત છોડો, બાબુઓના પેટનું પાણી પણ ન હાલ્યું કે ન ચાલ્યું. બાબુઓએ પત્ર વાંચીને કચરાપેટીને સ્વાધીન કર્યો હોવો જોઈએ.

૨૦૧૪ની ૨૯ ડિસેમ્બરે, ૨૦૧૫ની ૧૧ જુલાઈએ વિસ્તૃત લખાણ સાથેના પત્રો ઍડ્મિનિસ્ટ્રેટિવ અધિકારીને લખવામાં આવ્યા. લુચ્ચા બાબુઓ પત્રોનો લેખિત જવાબ આપવાનું ટાળતા રહ્યા. પત્ર મોકલ્યા બાદ અશ્વિનભાઈ મળવા જાય એટલે ઍફિડેવિટ આપો, નોટરી કરાવીને આપો, તમારી ફાઇલ આઘીપાછી થઈ ગઈ છે એટલે ફરીથી બધાં પેપર્સ આપો વગેરે માગણીઓનો વણથંભ્યો દોરસંચાર રહ્યો. આ દરમ્યાન રૂમ-ટ્રાન્સફર માટે ૧૦,૦૦૦ રૂપિયાની ઍડ-હૉક ડિપોઝિટ લેવાનો હેડ-ઑફિસ તરફથી સક્યુર્લર આવ્યો. બાબુઓએ ૨૦૧૫ની વીસ ઑગસ્ટે ડિપોઝિટ ભરવા માટેનું ચલાન સિટિઝન ફૅસિલિટી સેન્ટરના નામે બનાવી આપ્યું. અશ્વિનભાઈએ ચેક દ્વારા ૧૦,૦૦૦ રૂપિયાની રકમ એ જ દિવસે ભરી નાખી.

ડિપોઝિટની રકમ ભરતાં અશ્વિનભાઈને આશાબંધન થયું કે હાશ, હવે કાર્ય પૂર્ણ થશે ને રૂમ મારા નામ પર થઈ જશે. આજે આવો ને કાલે આવોનો દોર બાબુઓએ ચાલુ કરાવ્યો, પરંતુ કામ ઠેરનું ઠેર જ રહ્યું. આજકાલ કરતાં બીજા આઠ મહિનાનો સમય વ્યતીત થઈ ગયો. હવે શું કરવું એની અસમંજસમાં હતા. ‘મિડ-ડે’ના નિયમિત વાચક હોવાથી ૨૦૧૬ના એપ્રિલના ‘મિડ-ડે’ના શનિવારના દૈનિકમાં પ્રસિદ્ધ થયેલી આ કૉલમ વાંચતાં તેમની આંખમાં ચમકારો થયો. યોગાનુયોગ તેમની વેદનાને અનુરૂપ કથાનક હતું, જેમાં એક અદના નાગરિકનો અધિકાર RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગથી પ્રસ્થાપિત થવાની વાત હતી.

૨૦૧૬ની બાર મેએ રૂમ-ટ્રાન્સફરની ફાઇલ લઈ અગાઉથી અપૉઇન્ટમેન્ટ મેળવીને તેઓ તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI  કેન્દ્ર-ચિંચપોકલી પહોંચ્યા; જ્યાં મુલાકાત કેન્દ્રના જ્યેષ્ઠ સેવાભાવી રાજેશ ગડા, મનોજ પારેખ તથા અમીષા પોલડિયા સાથે થઈ. સેવાભાવીઓએ તેમની વિટંબણાની વાત શાંતિથી સાંભળી લાવેલી ફાઇલના દસ્તાવેજ-પત્રોનો અભ્યાસ કરી RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી, જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવી :

૧. ૨૦૧૫ની ૧૧ જુલાઈના મારા પત્ર પર કરવામાં આવેલી કાર્યવાહીની ક્રમબદ્ધ વિગતો તથા એ પત્રની

સાંપ્રત સ્થિતિ (પત્રની નકલ આ સાથે બીડેલ છે).

૨. ઉપરોક્ત અરજીમાં કરેલી વિનંતીને પરિપૂર્ણ કરવા માટે લેવામાં આવેલાં પગલાંઓની વિગતવાર માહિતી.

૩. જો ઉપરોક્ત પત્ર પર કાર્યવાહી કરવામાં ન આવી હોય કે અધૂરી કાર્યવાહી થઈ હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૪. મારા ઉપરોક્ત પત્ર પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનાં નામ, હોદ્દો, સંપર્ક-સરનામું તથા સરકારી મોબાઇલ-નંબર.

૫. મારા પત્ર પર કાર્યવાહી ન કરનાર કે અધૂરી કાર્યવાહી કરનાર અધિકારી પર લેવામાં આવેલાં શિસ્તભંગનાં પગલાંની વિગતવાર માહિતી.

૬. આપના વિભાગના સિટિઝન-ચાર્ટર મુજબ મારા પત્ર પર કાર્યવાહી પૂર્ણ કરવાની મહત્તમ સમયમર્યાદા.

૭. આપના વિભાગની સિટિઝન ચાર્ટરની અપડેટ કરેલી પ્રમાણિત નકલ.

૮. ઉપરોક્ત (૭)માં માગેલી નકલની ફોટોકૉપીનો ખર્ચ જણાવવા વિનંતી, જેથી રકમ ભરવાની વ્યવસ્થા/ગોઠવણ કરી શકાય.

૯. RTI કાયદા હેઠળના નિમાયેલા FAO (ફસ્ટ અપેલેટ ઑફિસર)નાં નામ, હોદ્દો, સંપર્ક સરનામું તથા સરકારી મોબાઇલ-નંબરની વિગતો જણાવશો.

છેલ્લાં ૧૯ વર્ષથી લખાયેલા અનેક પત્રોનો જવાબ ન આપનાર બાબુઓ RTI કાયદા હેઠળની ધારદાર અરજી મળતાં હાંફળાફાંફળા થઈ ગયા. ફાઇલો ફેંદાઈ. અરજી મળ્યાના સાતમા દિવસે સહાયક કમિશનર, F/southને નામ હસ્તાંતરણ કરવાનો પ્રસ્તાવ મોકલવામાં આવ્યો.

૨૦૧૬ની ૨૩ મેની તારીખના પત્ર દ્વારા RTI અરજીનો જવાબ SPIO (સ્ટેટ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર)એ અશ્વિનભાઈને મોકલાવ્યો.

ખંધાઈમાં તથા લુચ્ચાઈમાં આપણા બાબુઓ બેજોડ છે. આ માટેનું નોબેલ પારિતોષિક જો જાહેર કરવામાં આવે તો વર્ષાનુવર્ષ આપણા બાબુઓને જ મળે.

RTI કાયદા અન્વયે ૩૦ દિવસમાં જવાબ આપવાની જવાબદારી પૂર્ણ થઈ, પરંતુ અરજકર્તાની વિટંબણા તો જ્યાંની ત્યાં જ રહી. બાબુઓની ખંધાઈને પહોંચી વળે એવા સક્ષમ સેવાભાવીઓ સામે પક્ષે છે. બાબુઓની લુચ્ચાઈની ગંધ આવતાં જ કેન્દ્રનાં રાજેશભાઈ, મનોજભાઈ અને અમીષાબહેને ૨૦૧૬ની ૧૩ જૂને બેપાંખિયો હુમલો બાબુઓ પર કર્યો.

પ્રથમ હુમલામાં RTI કાયદા હેઠળ પ્રથમ અપીલ ફાઇલ કરવામાં આવી, જેમાં SPIOએ અધૂરો અને ગેરમાર્ગે દોરાવતો જવાબ આપ્યાની ફરિયાદ અપેલેટ અધિકારી સમક્ષ નોંધાવવામાં આવી અને માગેલી માહિતી સંપૂર્ણ અને ક્રમબદ્ધ તથા નિ:શુલ્ક આપવાનો હુકમ કરવાની દાદ માગવામાં આવી.

દ્વિતીય હુમલામાં SPIO ને RTI કાયદા હેઠળની પ્રથમ અરજી કરવામાં આવી તથા એ દ્વારા સહાયક કમિશનર, F/southને હસ્તાંતરણ માટે મોકલવામાં આવેલા પ્રસ્તાવ પર લેવામાં આવેલાં પગલાં, કરવામાં આવેલી કાર્યવાહી તથા એની સાંપ્રત સ્થિતિ વિશે માહિતી માગવામાં આવી.

૨૦૧૬ની ૧૮ જૂનના પત્ર દ્વારા સહાયક કમિશનર F/southના કાર્યાલય દ્વારા અશ્વિનભાઈને જાણ કરવામાં આવી કે અપીલની સુનાવણી ૨૦૧૬ની ૨૯ જૂને બપોરના ૪.૨૦ વાગ્યે તેમની ચેમ્બરમાં રાખવામાં આવી છે.

ઍડ્મિનિસ્ટ્રેટિવ ઑફિસર F/southએ ૨૦૧૬ના ૨૩ જૂનના પત્ર દ્વારા અશ્વિનભાઈને જાણ કરી કે ‘રૂમ-નંબર ૮, બોગદા ચાલની રૂમની ટેનન્સી આપના નામ પર હસ્તાંતરિત કરી દેવામાં આવેલ છે. રેન્ટ ક્લેક્ટર પાસેથી ઇન્ડેમ્નિટી બૉન્ડ તથા ટેનન્સી ઍગ્રીમેન્ટની કૉપી મેળવી બન્ને ડૉક્યુમેન્ટ બસો રૂપિયાના સ્ટૅમ્પ-પેપર પર બનાવી સુપરત કરશો તથા ટેનન્સી ડિપોઝિટના ૯૬ રૂપિયા ઍગ્રીમેન્ટ ફીના ૪૧ રૂપિયા તથા નોટિસના ૧૦ રૂપિયાની રકમ ભરી નાખશો.’

RTI કાયદા હેઠળની અરજી અને અપીલે બાબુઓમાં કામ પૂર્ણ કરવાની હોડ લગાવી. ૨૦૧૬ની ૨૭ જૂનના પત્ર દ્વારા SPIOએ અશ્વિનભાઈને ટેનન્સી ટ્રાન્સફરની મંજૂરી-પત્રની ફોટો-કૉપી મોકલાવી. સુનાવણીની તારીખ પહેલાં જ બાબુઓએ યુદ્ધના ધોરણે કાર્ય પૂર્ણ કરી નાખતાં સુનાવણીની નોબત જ ન આવી.

‘મિડ-ડે’ના માધ્યમ દ્વારા મળેલી જાણકારી ચિંચપોકલી RTI કેન્દ્રનાં સેવાભાવીઓ રાજેશભાઈ, મનોજભાઈ તથા અમીષાબહેનની નિ:સ્પૃહી કર્તવ્યનિષ્ઠાથી RTIની તાકાત ઉજાગર થઈ અને અશ્વિનભાઈની ૧૯ વર્ષની યાતનાનો ૩૦ દિવસમાં સુખદ અંત આવ્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK