યે કશ્મીર હૈ?

ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાન ભારત સામે જીતી ગયું એમાં કાશ્મીરમાં હરખપદૂડા ફટાકડા ફૂટ્યા.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

હુર્રિયતના અલગાવવાદી નેતાઓનો ઝેરીલો આનંદ ફરી પ્રગટ્યો. ભારતનું ધાન ખાઈ, પાકિસ્તાનનું ધન ઓકી આતંકી ફૅક્ટરી ચલાવનારા ગદ્દારોથી દેશ અભડાયેલો છે. આવા લોકો કાશ્મીરને થયેલો કોઢ છે. ભારતનો પાસપોર્ટ હોવા છતાં પોતાને ભારતીય ન માનતા આ લોકો પહેલી ગાડીમાં દેશમાંથી અને દુનિયામાંથી તડીપાર થઈ જાય એવી કામના કરીએ. કાશ્મીરની સમસ્યાને સરદાર પટેલ જેવા કોઈ લોખંડી નેતાની ઇમર્જન્સી જરૂર છે, જે નાઝિર દેખૈયાની જેમ સમજાવી શકે...

કોઈ સમજાવો દીપકને કે એની જાતને પરખે

ઊછીનું તેજ લેનારા શું લડવાના પ્રભાકરથી?


શ્રીલંકાની સેનાએ આકરા થઈ LTTEના માથાફરેલ પ્રભાકરનને ઢાળી દીધો એ રીતે શું કાશ્મીરના અલગાવવાદી નેતાઓને ઢાળી ન શકાય? જેમના પગ કબરમાં હોય એવા લોકો ઊગી રહેલા યુવાનોના મસ્તકમાં ઝેર ઘોળે છે. સૈનિકો ઉપર પથ્થરના ઘા કરતાં સ્કૂલ-કૉલેજનાં છોકરા-છોકરીઓને બહેકાવનાર સૈયદ અલી શાહ ગિલાની આણિ મહામંડળીના મોઢે નીતિન વડગામાનો આ શેર છુટ્ટો ફટકારવાનું મન થાય...

મનોરથ સાવ માંદા છે જુઓ આ મૂઢ માણસના

હજી ફૂટ્યું નથી એ પાંદડું પણ તોડવા બેઠો! 


કાશ્મીરનું ટૂરિઝમ ભાંગી પડ્યું છે તોય લડવા-ઝઘડવાના પૈસા ઠલવાયા કરે છે. એ વાતનો ખ્યાલ હતો કે આતંકવાદીઓ પોતાની સાથે સૂકો મેવો રાખતા હોય છે, પણ કાશ્મીરના સૂકા મેવાના વેપારીઓનો પૈસો આતંકવાદમાં જાય છે એ જાણ્યું ત્યારે બત્તી થઈ કે આ મિલીભગત દેખાય એના કરતાં વધારે વિસ્તરેલી છે. એક સમયે સ્વર્ગ ગણાતી કાશ્મીરની ધરતી નર્ક બની ગઈ છે. હાશને બદલે હાય વવાતી હોય એ ધરતી અંતે વાંઝણી થાય. શયદાનો શેર તંતોતંત લાગુ પડે છે.

ન ફૂટે ફણગા, ન છોડ થાયે

ન થાય કળીઓ, ન ફૂલ ખીલે

ધરામાં એવી ધખે છે જ્વાળા

બળી મરે જો બહાર આવે


વિચાર કરો કે તમે મુંબઈ, અમદાવાદ, સુરત કે વડોદરા કે ગમે ત્યાં રહેતા હો અને તમને તમારા ઘરમાંથી કાળી રાતે કાઢી મૂકવામાં આવે તો? તમારી સામે જ તમારા માતા કે પિતાની કતલ કરવામાં આવે તો? આ વિચાર જેટલો ખોફનાક લાગે એનાથી વધારે કરપીણ સ્થિતિ કાશ્મીરના પંડિતો ભોગવી ચૂક્યા છે. જાન બચાવવા ઘર રેઢાં મૂકીને ભાગવું પડ્યું. વષોર્થી જે તમારી જન્મભૂમિ-કર્મભૂમિ રહી હોય એને છોડીને જવું પડે એની વ્યથા સગી માથી જુદા પડવા જેટલી જ અકારી લાગે. ૧૯૯૦ના દશકમાં જેમની સંખ્યા ૧.૬૦ લાખથી વધુ હતી એ કાશ્મીરી પંડિતોની સંખ્યા ૨૦૧૬ની ગણતરી પ્રમાણે ૨૭૬૪ સુધી સીમિત થઈ ગઈ. આંકડામાં અણી ફૂટે ત્યારે આંખોમાં આંસુ ફૂટતાં વાર નથી લાગતી. બેફામસાહેબનો શેર આવા પંડિતોની વ્યથા બયાં કરવા પૂરતો છે...

લૂંટી લીધી બધાએ એ રીતે કંઈ જિંદગી મારી

જીવું છું તોય લાગે છે મને જાણે કમી તારી

જુઓ તન્હાઈ કે ફૂટી ગઈ છે આરસી મારી

અને મળતી નથી ભૂતકાળની કોઈ છબી મારી


પાકિસ્તાનની ત્લ્ત્ એક કારસ્તાની સંસ્થા છે. અમેરિકા ઇન્જેક્શનમાં દવા ભરવા ડૉલર મોકલે તો ત્લ્ત્ દવાને બદલે ઝેર ભરે. ભારતના કાશ્મીરને આ ઝેર ચડી ગયું છે. એનું મારણ સરકારી ગારુડીથી થઈ શકે એમ નથી. આ કામ સેનાનું છે. સેના પાસે નાગરિકોને કાબૂમાં રાખવાની માઇલ્ડ દવા અહીં તાત્કાલિક અસર કરે એવી નથી એટલે સર્જરી કર્યા સિવાય છૂટકો નથી. ગુલામ અબ્બાસ નાશાદ દર્શાવે છે એવા પરિણામનો ઇન્તેજાર કરીએ.    

કદાચ પળમાં એ ફુગ્ગાની જેમ ફૂટે પણ

પરાઈ ફૂંકે જે હદથી વધુ ફુલાણા છે


લીલા ભેગું સૂકું તો બળવાનું. કેટલીક વાર જીવ બચાવવો હોય તો પોતાનું અંગ પણ કાપવું પડે. અર્જુનવૃત્તિ દેશહિતની લડાઈમાં અવરોધ છે. હરીફરીને કૃષ્ણ યાદ આવે છે. કાશ્મીરની આ સ્થિતિમાં કૃષ્ણ હોય તો શું કરે? આમ તો ગીતાના પ્રકાંડ અભ્યાસીઓ સાચું અનુમાન લગાવી શકે છતાં કવિ ભાવેશ ભટ્ટ એક તીખો અણસારો આપી જ દે છે.  

તૂટે-ફૂટે તો હરખ-શોક બહુ નહીં કરવો

દરેક જિંદગીઓ મોંઘી-દાટ ના પણ હોય

ખૂટી ગયાં છે કિરણ, દબદબો છતાં પણ છે

બધા સૂરજની ભીતર ઝળહળાટ ના પણ હોય


આર્મી ચીફ બિપિન રાવતે એક મક્કમ મર્માળુ નિવેદન કર્યું હતું કે પથ્થરબાજો પથ્થરને બદલે બંદૂક ઉપાડે તો અમારે જવાબ આપવો સહેલો પડે. કાશ્મીરના દેશપ્રેમી નાગરિકની મનોવ્યથા ભગવતીકુમાર શર્માની આ પંક્તિમાં ઝિલાઈ છે. 

બુલેટોની ફૂટતી નથી ધણધણાટી

નિરંતર તકાતા તમંચાથી થાક્યો

ન છૂટી શકાતું, ન બંધાયલો છું

હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો


આઝાદીથી ચાલી આવતી કાશ્મીરની વૃદ્ધ સમસ્યાનું શું પરિણામ આવશે અને ક્યારે આવશે એ ખબર નથી. ઈશ્વરની કૃપા પામેલી આ ખુશનુમા ધરતીને કોહવાયેલા માણસોનો શાપ લાગ્યો છે. સુધીર દત્તા કહે છે એવા પરિણામની આશા રાખીએ. 

ખુદને શોધવાની પાછળ હું

બહુ જગ્યાએ ભટકેલો છું

ખબર નહીં ક્યારે ફૂટી જઈશ

ફુગ્ગાની જેમ ફૂલેલો છું

ક્યા બાત હૈ


ઊગવાની જીદ રાખો, ભીંત પર કૂંપળ ફૂટે

પ્યાસ ભીતર હોય તો પથ્થર વચાળે જળ ફૂટે

જિમમાં જઈ કોણ શિવાજી થયો, રાણા થયો?

સીમમાં મહેનત કરો તો બાવડાંમાં બળ ફૂટે

હોય ચહેરો સાવ ભોળો પણ હૃદય ભોળું નથી

એમની એકેક વાતોમાં, નયનમાં છળ ફૂટે

તારી યાદોનાં સૂકાં પર્ણો ખરે છે ચોતરફ

એટલે વનમાં અચાનક કોઈ દાવાનળ ફૂટે

બારમાસી ખેતી સમ જાહોજલાલી હોય છે

આંખમાં જેની સદાયે દદર્નાં  વાદળ ફૂટે

એટલી મેનત કરો બસ, એટલી મેનત કરો

કે હથેળીમાં સફળતાનું જ ગંગાજળ ફૂટે

      - રાકેશ સાગર 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK