ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૬૨

‘આપણે છેલભાઈની બેસ્ટ ટ્રીટમેન્ટ કરાવવાની છે. જેકાંઈ ખર્ચો થાય એ મંજૂર છે અને એ ખર્ચો પણ તને પહેલાં મળી જશે.

નવલકથા - રશ્મિન શાહ


ભાઈ, મારી એટલી વિનંતી છે કે એ કામ તારા થકી થાય. હું તો છેક અહીં બેઠો છું, પણ તું પોતે પણ ભણેલોગણેલો છે તો બરાબર ધ્યાન આપી શકાશે. જો તારાથી આ થાય તો બધા પૈસા તને ત્યાં મળે એવી વ્યવસ્થા કરાવી દઉં.’

ભાવનગર સિવિલ હૉસ્પિટલમાં બેઠેલા ડીનના કાને આ વાત એકધારી ઠલવાતી રહી. તેને ભૂપતસિંહના અવાજમાં સહાનુભૂતિ સ્પષ્ટ વર્તાતી હતી અને એ સહાનુભૂતિમાં રહેલો પ્રેમ પણ તેને દેખાતો હતો. જોકે આ બન્નેના સ્વાનુભવ પછી પણ તેના ચહેરા પર તાજ્જુબ હતું અને એ તાજ્જુબ તેણે સાંભળેલી વાતો અને અત્યારના વર્તનને લીધે જન્મ્યું હતું. ડીને પ્રશ્ન પણ પૂછી લીધો, ‘પણ આવું કરવાનું કારણ શું બાપુ, છેલભાઈને આટલી મદદ શાના માનમાં?’

‘માણસ કંઈ કરે તો જ મદદ થોડી હોય, આંખની ઓળખાણ હોય અને નામનો પરિચય હોય તો લાગણી આપોઆપ થઈ જાય અને એ લાગણીને લીધે જ છેલભાઈને મદદ કરવાનું મન થાય છે. બીજું શું હોય એમાં.’

‘મેં તો સાંભળ્યું છે કે...’

ડીનના મોઢામાં નાનપણમાં સંભળાયેલા બધા કિસ્સાઓ આવી ગયા હતા, પણ એ કિસ્સાઓને તેમણે એમ જ ડામી દીધા અને ભૂપતસિંહે કહેલી વાત સ્વીકારી લીધી.

‘આપ જેમ કહો છો એમ થઈ જશે, જરાય ચિંતા નહીં કરો. છેલભાઈને હું પ્રાઇવેટ હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરી દઈશ અને તેને સારામાં સારી સારવાર મળે એવી વ્યવસ્થા પણ થઈ જશે, મારી જવાબદારી.’

‘હંઅઅઅ... બસ, વહાલા

આટલું થઈ જાય તોયે ઘણું.’ ભૂપતસિંહે પોતાનો વાયદો દોહરાવ્યો, ‘તને પૈસા મળી જશે. પછી જ બધું કરજે અને એક મિનિટ ભાઈ...’

રિસીવર પર હાથ મૂકીને ભૂપતે કાળુ સામે જોયું. કાળુએ ઘડિયાળમાં જોયું અને દબાયેલા અવાજે જ ન પુછાયેલા સવાલનો જવાબ આપી દીધો,

‘પાંચ વાગ્યા પહેલાં મળી જશે.’

‘તને અત્યારે પાંચ પહેલાં પૈસા મળી જશે અને બીજા પૈસાની જરૂર પડે કે એવું કંઈ થાય તો પણ ગભરાવાની જરૂર નથી. અહીંથી કોઈ ને કોઈ સંપર્કમાં રહેશે તારા, પણ ભાઈ એક વાત યાદ રાખવાની છે કે પૈસાના વાંકે તેમને કંઈ થવું ન જોઈએ. બાકી તો અલ્લાહ મહેરબાન...’

ફોન કટ થયો, બન્ને પક્ષેથી અને બન્ને પક્ષ પોતપોતાની વિચારધારામાં ખોવાઈ ગયા.

ભાવનગરમાં બેઠેલા ડીનને ભૂપત બહારવટિયાનું આ એક નવું રૂપ જોવા મળ્યું હતું તો પાકિસ્તાનના લાહોરમાં બેઠેલા મોહમ્મદને શરીફાઈનું નવું સ્વરૂપ જોવા મળ્યું હતું.

‘કાળુ, અત્યારે એક કામ કર...’

‘ભૂપતે ટેબલનું ડ્રૉઅર ખોલ્યું અને એમાંથી રૂપિયાની નોટો કાઢી.

‘અત્યારે તું, આ પાંચ લાખ ત્યાં પહોંચાડી દે. અહીંના પાંચ લાખ ત્યાંના કેટલા થશે?’ પુછાયેલા પ્રશ્નનો જવાબ મળે એ માટે ભૂપતે જ આંખ બંધ કરીને હિસાબ કરી લીધો, ‘હં... છ-સવાછ લાખ જેવા થશેને?’

સામેથી ‘હા’ આવી એટલે

ભૂપતે લાખ રૂપિયાનાં પાંચ બંડલ ટેબલ પર મૂક્યાં.

‘આ પહોંચી જાય એનું ધ્યાન આપજે અને જો પાકિસ્તાનથી પૈસા પહોંચશે તો પેલો બિચારો ડૉક્ટર વગરકારણે હેરાન ન થાય એનું પણ ધ્યાન રાખજે.’

કાળુ પૈસા લઈને ઑફિસની બહાર નીકળી ગયો અને સીધો લંગર બજારમાં ગયો. લંગર બજારમાં હવાલા પાડનારાઓની દુકાનોમાં લાંબી કતાર હતી અને અહીંથી જ દેશભરમાંથી પૈસા હવાલાથી મોકલવામાં આવતા.

‘ભારત કે લિએ કૌન ઠીક રહેગા ભાઈસા’બ?’

‘યહાં સે સીધા ચલે જાઈએ. પહલા નહીં, દૂસરા રાઇટ-ટર્ન લેના, વહાં તિસરી દુકાન હૈ, રતલામમિયાં. રાજસ્થાન, બમ્બઈ ઔર ગુજરાત તો આધે ઘંટે મેં પૈસા ડિલિવરી કર દેગા.’

વાહ, કામ તો વધારે સહેલાઈથી પૂÊરું થઈ ગયું.

કાળુ ખુશ થતો રતલામમિયાંને ત્યાં પહોંચ્યો. ભાગલા વખતે રતલામથી પાકિસ્તાન આવેલા ગફુર ખાનને બધા રતલામમિયાંના નામે જ ઓળખતા, જેને લીધે તેણે પહેલાં તો રતલામમિયાં હલવાવાલાના નામે ફરસાણની દુકાન શરૂ કરી, પણ ફરસાણ ચાલ્યું નહીં એટલે ક્રિકેટનો સટ્ટો શરૂ કર્યો. સટ્ટામાં પણ દાળ ગળી નહીં એટલે નાછૂટકે તેમણે નવો ધંધો શોધવો પડ્યો અને એ શોધવામાં તેના હાથમાં હવાલાની લાઇન આવી ગઈ અને રતલામમિયાં હલવાવાલામાંથી રતલામમિયાં હવાલાવાલા બની ગયા અને આમ તેની દુકાન ચાલુ થઈ ગઈ. ભારતથી લાગતા ક્રિકેટના સટ્ટાના પૈસાની લેવડદેવડમાં ખાસ કરીને ગુજરાત, મુંબઈ અને રાજસ્થાન મળી ત્રણ વિસ્તારમાં તેમનું નામ સારું થઈ ગયું અને આ રીતે રતલામમિયાંનું કામ ચાલુ થઈ ગયું.

‘ઇન્ડિયા પૈસે ભેજને હૈ.’

કાળુ રતલામમિયાંને ત્યાં પહોંચ્યો અને તેણે કહ્યું, પણ સામેથી પૂછવામાં આવ્યું,

‘કહાં?’

‘બતાયાના, ઇન્ડિયા.’

‘અરે ચાચા, નયે લગતે હૈં. પૈસે લગાયે થે યા ખાયે થે?’ કાઉન્ટર પર બેઠેલા છોકરાએ કુતુબ સામે જોયું અને વગર મફતની સલાહ પણ આપી દીધી, ‘ચાચા, એક બાત બતા દૂં, પડના મત ઇસ મેં, ના ઘર રહેગા, ના ઘરવાલે રહેંગે. ખુદકુશી કરને કે દિન આ જાએંગે.’

‘અરે મિયાં, ક્યું પરેશાન કર રહે હૈં અલ્લાહ કે બંદે કો. કામ મેં મદદ કર ઔર ખાલીપીલી બાતે બંધ કર.’ કાઉન્ટરની બરાબર સામે આવેલા એક મોટા સોફા પર બેઠેલા એક બુઝુર્ગે પેલા છોકરાને ટપાર્યો અને કાળુ તરફ જોયું, ‘મિયાં ઇન્ડિયા મેં કહાં પૈસે પહોંચાને હૈ યે બતાઓ.’

‘ભાવનગર. ભાવનગર પહોંચાડવાના છે.’

‘લેવા જશે કે પછી દેવા જવાના છે પૈસા?’ પેલા બુઝુર્ગે જ વાત ચાલુ રાખી અને પૂછી પણ લીધું, ‘પહેલી વાર મોકલો છો આ રીતે પૈસા?’

કુતુબે હા પાડી એટલે પેલા વડીલે કુતુબને બાજુમાં બેસાડ્યો અને કામ કેવી રીતે થાય એ સમજાવવાનું શરૂ કર્યું.

‘તમે તેને પૂછી લો કે તે લેવા જશે કે પછી અમારો માણસ આપી આવે? જો અમારો માણસ આપવા જાય તો એનો ચાર્જ જુદો લાગશે અને લેવા જશે તો એટલો ખર્ચ ઓછો થશે. નક્કી તમે કરો.’

‘પૈસા પહોંચાડી દેવાના છે.’

‘ભલે, ક્યાં, એનું કોઈ ઍડ્રેસ છે?’

‘હા, ભાવનગર સિવિલ હૉસ્પિટલમાં જ.’ કાળુએ જવાબ આપ્યો, ‘ત્યાં અંદર જ પહોંચાડી દેવાના છે. આપણે જ પહોંચાડી દઈ.’

‘કેટલા પહોંચાડવાના છે?’

‘પાંચ લાખ આપણા...’

સામે બેઠેલી વ્યક્તિએ તરત જ હિસાબ માંડ્યો અને હિસાબ માંડીને તેણે જવાબ આપ્યો : ‘એટલે ત્યાં ઇન્ડિયામાં ૬ લાખ અને ૧૭ હજાર આપવાના છે. બરાબર? જો આજનો ભાવ...’

‘જે હોય એ, મને વાંધો નથી, પણ પૈસા આજે પહોંચવા જોઈએ.’

કાળુએ બીજી કોઈ વાતમાં રસ લીધો નહીં. આજે ઇન્ડિયન રૂપિયાનો શું ભાવ છે અને પાકિસ્તાન રૂપિયો કેટલો ડાઉન થયો છે એ બધામાં તેને રસ નહોતો. પૈસાની લેવડદેવડ પૂરી થઈ અને લેવડદેવડ પૂરી કરીને કાળુએ ચાર્જ પણ ચૂકવી દીધો.

‘તમારો કેટલો ચાર્જ થશે?’

‘એક લાખે ૧૦૦ રૂપિયા.’

કાળુએ તરત જ પાંચ લાખના ૫૦૦ રૂપિયાનો ચાર્જ પણ ચૂકવી દીધો.

‘કયા નામે પહોંચાડવાના છે પૈસા?’

હવે કાળુ મૂંઝાયો. શું લખાવે, શું કહે તે?

જોકે તેને જવાબ તરત જ સૂઝી ગયો. તેણે કહ્યું : ‘ખાલી સિંહ. બસ આટલું જ લખવાનું છે.’

તેની હાજરીમાં જ ફોન થઈ ગયો અને ૬ લાખ ૧૭ હજાર રૂપિયા લઈને બીજી દસમી મિનિટે માણસ રવાના પણ થઈ ગયો ઇન્ડિયામાં.

પછીના અડધા કલાકમાં કાળુને પેલા બુઝુર્ગે સંદેશો આપ્યો કે તમારા માલની ડિલિવરી થઈ ગઈ છે. પૂછવું હોય તો પૂછી લેજો. જોકે એ પૂછવા માટે કાળુએ ફોન કરવા માટે ક્યાંક જવું પડે એમ હતું. કાળુએ લાહોરની બજારમાં પબ્લિક ફોન શોધ્યો અને એમાંથી જ તેણે ડીનને ફોન લગાડ્યો,

‘સિંહ કે વહાં સે બાત કર રહા હૂં. ભૂપતસિંહ કે વહાં સે...’

‘જી, બાપુને સંદેશો આપી દેજો કે પૈસા પહોંચી ગયા છે.’

‘ભલે...’ કાળુએ વાતનો દોર જોડ્યો, ‘તમને હવે પરમ દિવસે ફોન કરીશું. પરમ દિવસે તમને બીજા પૈસાની જરૂર પડે તો કહી દેજો. વ્યવસ્થા થઈ જશે, પણ છેલભાઈનું ધ્યાન રાખવાનું છે અને એમાં કોઈ કમી ન આવવી જોઈએ.’

‘અરે હા, તમે બાપુને કહી દેજો કે જરાય ચિંતા ન કરે અને આ રકમ આમ પણ ખાસ્સી મોટી છે. આ રકમમાં તો બે વખત કિડની બદલવી હોય તો એ પણ બદલાઈ જાય અને એના પછી એકાદ બાયપાસ સર્જરી પણ થઈ જાય.’

કાળુ સમજ્યો નહોતો, પણ તેને એટલું સમજાઈ ગયું હતું કે પૈસા પૂરતા છે. જોકે એ પછી પણ કાળુએ ફરી-ફરીને પૈસા માટેની વાત તો કરી જ હતી.

‘એ બધું બરાબર છે, પણ જો જરૂર પડે તો ક્યાંય અટકવાનું નથી એવું બાપુએ કહ્યું છે. પૈસાના વાંકે તો જરા પણ નહીં.’

કાળુ ફરીથી ભૂપત પાસે જવા રવાના થયો અને ફોન મૂકીને ડીન હૉસ્પિટલની પોતાની ચેમ્બરમાંથી બહાર આવ્યો. બહાર આવીને તેણે પહેલું કામ તો રિસેપ્શન-ટેબલ પર જઈને છેલભાઈની ફાઇલ લીધી અને એ લઈને ફરી પોતાની ઑફિસમાં આવ્યા. સામાન્ય રીતે ડીન સાંજે સાડાપાંચ વાગ્યે હૉસ્પિટલમાંથી નીકળી જતા પણ એ દિવસે સાંજે ૭ વાગ્યા સુધી તેઓ હૉસ્પિટલમાં જ રહ્યા અને છેલભાઈનો આખો કેસ તેમણે બરાબર સમજ્યો. છેલભાઇની ટ્રીટમેન્ટ સાથે જોડાયેલા ડૉક્ટરોને પણ મળ્યા.

બે ડૉક્ટરની તો ડ્યુટી પૂરી થઈ ગઈ હતી તો તેને હૉસ્ટેલમાંથી મળવા બોલાવ્યા અને પછી સાડાછ વાગ્યે તેમણે બધા ડૉક્ટર સાથે મીટિંગ કરી અને છેલભાઈને બેસ્ટ ટ્રીટમેન્ટ મળે એ માટે શું કરવું એની ચર્ચા કરી લીધી.

ચર્ચાનું તારણ હતું, છેલભાઈને અહીંથી શિફ્ટ કરીને પ્રાઇવેટ હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવા અને ત્યાં તેમની સારવાર શરૂ કરાવવી. ડીને આ જવાબદારી પોતાના શિરે લઈ લીધી અને છેલભાઈની દીકરીને મળવા માટે બોલાવી લીધી. બીજા ડૉક્ટરોની હાજરીમાં જ તેમણે છેલભાઈની દીકરી પુષ્પા સાથે વાત કરી,

‘જુઓ પુષ્પાબહેન, આપણે સારામાં સારી સારવાર મળે એ માટે જ આ કરીએ છીએ. ગભરાવાની જરૂર નથી.’

‘એમ નહીં, આમ અચાનક જ કહો છો એટલે થાય છે કે...’ પુષ્પાએ થૂંક ગળે ઉતાર્યું, ‘જેકંઈ હોય એ સાચું જ કહી દેજો સાહેબ, પછીથી ખોટી ચિંતા થાય એવું તો નથીને?’

‘જરાય નહીં, ટકાભાર પણ નહીં.’

‘તો પછી અહીં શું વાંધો છે?’ પુષ્પાનો પ્રશ્ન વાજબી હતો, ‘બીજી હૉસ્પિટલના ખર્ચને પહોંચવાની અમારી...’

‘એ તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી બહેન, પૈસાની વાત ભૂલી જાઓ. પૈસા તો છેલભાઈને...’ અચાનક ડીનને યાદ આવ્યું કે પૈસા ક્યાંથી આવ્યા છે એ કહેવાનું નથી એટલે તેણે વાત બદલી, ‘પૈસા તો છેલભાઈ પાસે કોઈ માગવાનું નથી, મારી જવાબદારી, અને તમારી પાસે બિલ પણ નહીં આવે, ગૅરન્ટી. તમે માત્ર હા પાડો એટલે હું બાકીની બધી વ્યવસ્થામાં લાગું. કારણ મને હજી હૉસ્પિટલમાં પણ વાત કરવાની છે. ત્યાં જગ્યા હશે, નહીં હોય... શું ઘણી વાર હૉસ્પિટલમાં પણ જગ્યા નથી હોતી.’

‘જો કોઈ જાતનો પ્રૉબ્લેમ ન હોય તો શું કામ...’

પુષ્પા હજી પણ સિવિલ હૉસ્પિટલમાંથી જવા માટે રાજી નહોતી. તેના મનમાં પૈસા અને બિલનો પ્રશ્ન મોટો હતો પણ ખોટો નહોતો. પ્રામાણિકતાથી આખી જિંદગી રહેનારા બાપુજી પાસે ફૂટી કોડી પણ નથી તેની દીકરીને ખબર હતી અને એટલે જ દીકરી ઇચ્છતી હતી કે કોઈની પાસે હાથ ફેલાવવો પડે એવી પરિસ્થિતિ ન સર્જાય.

‘જવું હોય તો જા પણ જો, મારી પાસે તારા બાપ માટે રૂપિયા નથી. યાદ રાખજે, મોકલું છું એ જ બઉ છે.’

દીકરીને જ્યારે બાપ બીમાર છે અને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો એ સમયે વરે આવી તોછડાઈથી જવાબ આપ્યો હતો અને તેની તોછડાઈમાં ઉમેરો પણ થયો હતો,

‘માગી-માગીને ખાલી ગૃહખાતામાં ફોન કરવાનું માગ્યું તોયે મોટું ભાષણ ઠોકી દીધું હતું. જિંદગીમાં ક્યારેય છેલે કોઈ પાસે કાંઈ માગ્યું નથી. નથી માગ્યું તો પછી અત્યારે શું કામ ચાકરી કરાવવી છે તારા બાપે?’

‘અરે બીમાર છે અને તેઓ નથી ઇચ્છતા કે આપણે ચાકરી કરીએ. આપણી ફરજ છે અને આપણે એ નિભાવીએ છીએ.’

‘આપણે નહીં, તું. તારે નિભાવવી હોય તો મને વાંધો નથી, તું જા. તને છૂટ છે, પણ મારી પાસે એવો વખત નથી કે હું રજા મૂકીને ત્યાં આવીને તેનાં ગુ-મુતર સાફ કરું.’

પુષ્પાને એ દિવસે અમદાવાદથી રવાના કરવા પણ જમાઈ આવ્યો નહોતો, પરંતુ પુષ્પાને એનો રંજ પણ નહોતો. રંજ ક્યાંથી હોય, પતિએ જવા દીધી એ વાતની ખુશી તેના મનમાં અદ્ભુત હિલોળા લેતી હતી અને એ જ તેને માટે પૂરતું હતું.

અમદાવાદથી ભાવનગર આવ્યા પછી પુષ્પા ઘરે પણ નહોતી ગઈ. સીધી હૉસ્પિટલ આવી હતી અને ભાઈ-ભાભીને મદદ કરવામાં લાગી ગઈ હતી. આજે ત્રીજો દિવસ હતો, જેમાં તે એક પણ વાર ઘરનું મોઢું જોવા ન પામી હોય. આવી પરિસ્થિતિ વચ્ચે બપોરનું જમવાનું પણ સામાજિક સંસ્થા તરફથી મળી જતું એટલે એની પણ પુષ્પાને ચિંતા નહોતી રહી. ખિસ્સું જ્યારે ખાલી હોય ત્યારે સારી વાત કરવામાં કે પછી મનમાં પ્રસરેલા સારા વિચારમાં પણ ડર લાગતો હોય કે ક્યાંક એનું ચુકવણું ન કરવું પડે.

‘હું તો કહું છું કે આપણે અહીં જ રહીએ તો...’

‘બહેન, છેલભાઈ સાજાનરવા જોઈએ છેને આપણને?’

શું જવાબ આપે દીકરી બિચારી?

ડીને આ તક ઝડપી લીધી,

‘અહીં તબિયત બગડશે એવું નથી કહેતો, પણ સુધરશે એની કોઈ ખાતરી હું ન આપી શકું પણ બહેન, સારા ડૉક્ટર અને સારી સારવાર મળશે તો બીજી હૉસ્પિટલમાં તેઓ ફટાફટ સાજા થશે એની ખાતરી હું આપું છું અને જુઓ...’ ડીને ટેબલનું ડ્રૉઅર ખોલીને એમાંથી ૫૦,૦૦૦ રૂપિયાનો દટ્ટો બહાર કાઢ્યો, ‘લ્યો આ રાખો. તમને બીક છેને ખર્ચો વધી જશે, પણ એ નહીં વધે, પણ તોયે તમે આ રાખો. તમારી પાસે હશે તો તમને હળવાશ લાગશે અને જુઓ, બીજી વાત એ કે આ પૈસા ક્યાંય વાપરવાના નથી. આ તમારી પાસે રાખવાના છે. હૉસ્પિટલના બિલની હું વાત કરી લઉં છું. એ લોકો એક રૂપિયો માગશે નહીં અને દવાનો પણ એક રૂપિયો આપણે આપવાનો નથી. બસ, હવે થઈ ધરપત?’

‘પણ આટલાબધા રૂપિયા?’

૫૦,૦૦૦ રૂપિયા.

૯૦ના દસકામાં આ રૂપિયાની કિંમત આજના પાંચ લાખથી મોટી હતી. રૂપિયો મજબૂત હતો અને ખર્ચ કાબૂમાં હતો એટલે એની આવરદા પણ મોટી હતી.

‘પણ આટલા બધા રૂપિયા?’

ડીને સહેજ અણગમો દેખાડ્યો આ પ્રશ્ન સામે.

‘બહેન, મારા છે. હવે પૂછવું છે બીજું કંઈ તમારે? તમે અત્યારે ખોટો સમય વેડફો છો. મારું કહેવું માત્ર એટલું જ છે કે છેલભાઈને શિફ્ટ કરીએ. તમે ખાલી હા પાડો અને બાકીનું બધું માર પર છોડી દો.’

‘સાયબ, તમારા જેવું તો ભગવાન...’

‘એ બધું પછી, પહેલાં જવાબ આપો, હા કે ના?’

‘તમે આટલું કહો છો તો પછી...’ પુષ્પાની આંખમાં આંસુ આવી ગયાં, ‘હા, આપણે તમે જેમ ક્યો છો એમ જ કરીએ.’

ડીન તરત જ પીઠ ફેરવી ગયા અને હાજર રહેલા ડૉક્ટરોને તેણે સૂચના આપવાની શરૂ કરી. બીજા ડૉક્ટરો પણ અચરજ વચ્ચે જ ત્યાંથી રવાના થયા. હંમેશાં ખડૂસની જેમ વર્તતો ડીન આજે પહેલી વાર માણસાઈ સાથે વર્તન કરતો હતો અને તેમની આ માણસાઈ પણ ભૂપતસિંહને આધીન હતી. ભૂપતસિંહ પણ પાકિસ્તાનમાં છેલભાઈના જ વિચારો કરતો હતો.

છેલશંકર ભટ્ટ.

ભામણ બચ્ચો. ક્ષત્રિયને પણ પરસેવો છોડાવી દે એવો મજબૂત બાંધો અને સિંહને પણ મુતરાવી દે એવું જિગર.

- જીવન કેવો ખેલ દેખાડે છે? એક સમય હતો જ્યારે છેલભાઈની બોલબાલા હતી અને એ જ બોલબાલા ધરાવતી વ્યક્તિ અત્યારે હૉસ્પિટલના બિછાને કોઈની મદદની રાહમાં અર્ધબેહોશ હાલતમાં પડી છે. મર્દાનગીથી છલોછલ ભરાયેલી વ્યક્તિના જીવનમાં આવી લાચારી આવીને ઊભી રહેશે એવી તો કોઈએ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. કોઈએ શું, ખુદ છેલભાઈએ પણ એવો કોઈ વિચાર નહીં કર્યો હોય.

ભૂપતસિંહના દિમાગમાં એકધારા વિચારો આવવાનું શરૂ થઈ ગયું હતું. વિચારોના વંટોળ વચ્ચે જ ભૂપતસિંહની નજર અનાયાસ અરીસામાં પોતાની જાત પર ગઈ હતી. મસ્તક પર રહેલા વાળ હવે સફેદ થઈ ગયા હતા અને આંખ નીચે ઝામર બાઝી ગઈ હતી. શરીર અક્કડ હતું હજી પણ એ અક્કડાઈમાં ક્યાંક ને ક્યાંક ઉંમરનો થાક વર્તાવા લાગ્યો હતો. થાક પણ અને મજબૂરી પણ. ઉંમર માણસને લાચાર બનાવવા માંડે છે.

ભૂપતે અરીસામાં જોઈને બે હાથ જોડ્યા. ઇચ્છા તો થઈ કે હાથ ફેલાવીને ખુદાને આહ્વાન કરે, પણ ઝમીર એવું કરવાની ના પાડતી હતી.

- હે માતાજી, લેવો હોય તો એકઝાટકે લઈ લેજે. હૉસ્પિટલની પથારીએ રિબામણી આપતી નહીં, પીડા આપતી નહીં. હસતા મોઢે તને સ્વીકારી લઉં, તારા દરબારમાં આવી જાઉં એવું કરજે. આખી જિંદગી કંઈ માગ્યું નથી પણ આજે, આજે બસ આટલું માગું છું માડી, માગ્યું મોત આપજે.

(વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK