ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૫૮

‘બધા નીચે આવી જાઓ.’ ગડુભાએ રાડ પાડી, ‘આ વખતે હવે નવરીનાની લાશ ભેગી લેતા જાવી છે.’

daku

નવલકથા - રશ્મિન શાહ

જીપમાંથી સૌથી પહેલાં ગડુભા પોતે જ બહાર આવ્યા. ગડુભાએ પાડેલી રાડ આમ તો ભૂપતને સંભળાઈ હતી પણ તેને સમજાયું નહોતું. જ્યારે રાડ પડી ત્યારે ભૂપત ઝાડીથી વધારે દૂર નીકળી ગયો હતો અને એને લીધે જ તેના કાન સુધી અવાજ પહોંચ્યો, પણ શબ્દો પહોંચ્યા નહોતા. જોકે એનાથી તેને ફરક નહોતો પડ્યો. તે સમજી ગયો હતો કે આ ધિંગાણું હવે થોડો સમય ચાલવાનું છે અને સામે ઊભેલા ખાખી વર્દીધારીઓ એમ જ પાછા વળવાના નથી. માણસ જ્યારે નક્કી કરીને આવ્યો હોય ત્યારે તે અથાક નહીં તો કંઈ નહીં, પણ પ્રયાસની માત્રા સુધી તો પહોંચે જ. ભૂપતને એ લોકોના વર્તન પરથી દેખાઈ આવ્યું હતું કે પલટન તેની પાછળ આવી છે અને એટલે જ તેને એ વાતમાં પણ હવે રસ હતો કે એ લોકોને લઈ આવવાનું કામ કોણે કર્યું.

ભૂપતની આંખ સામે બધા ચહેરાઓ ફરી વYયા હતા પણ એમાંથી કોઈ પર તેને લેશમાત્ર શંકા ગઈ નહોતી એટલે હવે ભૂપતને આ ચાડી ખાનારાને જોવામાં બહુ રસ હતો. પોતાને એ રસ હતો એટલે જ તે અત્યારે અહીંથી નીકળી જવાની વેતરણમાં લાગવાને બદલે વાતને ખેંચવાની રીતમાં લાગી ગયો હતો. બધી ગાડીઓની લાઇટ ફોડી નાખ્યા પછી પોતાને માટે નીકળી જવાનું કામ આસાન થઈ ગયું હતું, એમ છતાં તેણે એવું પગલું ભરવાને બદલે આરામથી એ જ જગ્યાએ રમવાનું શરૂ કરી દીધું હતું અને તે એ જ જગ્યાએ ફરતો રહ્યો.

ભૂપતને તેની આ રમતમાં રાજવીનો સાથ મળ્યો હતો. રાજવી પાસે જબાન નહોતી પણ તેની પાસે જઝ્બાત હતા. રાજવી પાસે વાચા નહોતી, પણ તેની પાસે સંવેદના હતી. એક પણ શબ્દની આપલે વિના બન્ને સમજી ગયા હતા કે અત્યારે બન્નેને એકમેકનો સહારો છે અને આ સહારા માટે તેમણે ટકી રહેવાનું છે, અકબંધ રહેવાનું છે. ભૂપતની ટોળકીમાં જેટલા તેના સાથી સમજદાર હતા એટલા જ, કદાચ એનાથી પણ વધારે ઘોડાઓ સમજદાર હતા અને એમને એ પ્રકારની તાલીમ આપવામાં આવતી હતી. એકેક ઘોડાને તાલીમ આપવાનું કામ ભૂપતની દેખરેખ હેઠળ થતું.

જે સમયે ભૂપતની ધરપકડના આદેશ નીકળવાનું શરૂ થયું હતું એ સમયે કોઈના ધ્યાન પર એ વાત નહોતી આવી કે ભૂપતને માત્ર સાથીઓનો કે પછી ગામવાસીઓનો જ નહીં, પણ તેને આ ઘોડાઓનો પણ પૂરતો સાથ મળે છે. આ વાત સૌથી પહેલી જેના ધ્યાન પર આવી તેને બીજા કોઈએ નહીં, ખુદ અંગ્રેજ અમલદારોએ રોકી લીધા હતા.

€ € €

‘મિસ્ટર છેલ, ઘોડા? યુ મીન હૉર્સ?’

છેલભાઈએ જ્યારે વાઇસરૉય સામે દિલ્હીમાં વાત મૂકી ત્યારે વાઇસરૉય હેબતાઈ ગયા હતા. અચરજની સાથોસાથ તેને છેલભાઈની વાતમાં ગાંડપણ પણ દેખાઈ આવ્યું હતું.

‘આર યુ મેડ ઑર વૉટ?’

- ગાંડા તમે લોકો છો કે મારી વાત માનવાને બદલે તમે આવી દલીલ કરો છો.

આવું જ કંઈક કહેવાનું મન છેલભાઈને થઈ આવ્યું હતું છતાં છેલભાઈએ પોતાની જીભ પર કાબૂ રાખ્યો હતો અને કાબૂ રાખીને જ તેમણે સ્પષ્ટતા કરવાની શરૂઆત કરી હતી.

‘જુઓ સર, ભૂપતસિંહના બધા ઘોડા ટ્રેઇન છે. એ બધાને ખાસ ટ્રેઇનિંગ આપવામાં આવે છે જેમાં તે કોઈ ખરાબ હાલતમાં મુકાઈ જાય તો તેને કેવી રીતે બહાર કાઢવો એના વિશે પણ ટ્રેઇનિંગ આપવામાં આવે છે. મેં અત્યાર સુધીની બધી ઘટના જોઈ લીધી છે. મોટા ભાગની ઘટનામાં ભૂપત તેના ઘોડાઓને લીધે સલામત રીતે નીકળી ગયો છે. આઇ થિન્ક, વી શૂડ ફોકસ ઑન ઇટ.’

‘ઇટ્સ સચ અ રિડિક્યુલસ.’

વાહિયાત લાગતી વાત માટે એ સમયે તો છેલભાઈને ખરેખર ગુસ્સો આવી ગયો હતો. કહેવાનું મન થઈ આવ્યું હતું કે તમે ક્યારેય મહારાણા પ્રતાપની અને તેના ઘોડાની વાત નથી સાંભળી એટલે આવી દલીલ કરો છો. જો તમે એ વાત સાંભળો તો આખા દેશને ગાંડો સાબિત કરી દો.

‘મિસ્ટર છેલ, ડૉગી માટે આવી

વાત કરો તો હું માનું પણ હૉર્સ, આઇ ડોન્ટ બિલીવ...’

‘સૉરી ટુ ઇન્ટરપ્ટ યુ સર બટ, અગર જો ભૂપતસિંહને પકડવો હોય તો આપણે તેને બધી બાજુએથી ઘેરવો પડશે અને એને માટે આપણે તેના ઘોડાઓ પર કબજો લઈ લેવો પડશે. ઇટ્સ નોટ અ મૅટર ઑફ ક્રૂઅલ્ટી. આપણે એ મૂંગાં પ્રાણીઓ પર જુલમ નથી કરવો પણ સર, આ કર્યા વિના છૂટકો પણ નથી. ઘોડાઓને મારીએ નહીં તો કંઈ નહીં, પણ ઘોડાઓને ઈજા પહોંચાડીને ભાગતા તો રોકી શકીએને?’

‘નો, નો, નો મિસ્ટર છેલ.’ વાઇસરૉય એકઝાટકે ઊભા થઈ ગયા હતા, ‘ઇટ્સ નૉટ પૉસિબલ. યુ બેટર નો કે જો એવું કરીશું તો આપણી બદનામી કેવી થશે અને ઇન્ટરનૅશનલ કાઉન્સિલમાં પણ એની મનાઈ કરવામાં આવી છે. નો, નો. હું એવી કોઈ પરમિશન આપી ન શકું.’

‘બટ સર, જો એવું નહીં કરીએ તો ભૂપત હાથમાં આવે એવા ચાન્સિસ ફિફ્ટી પર્સન્ટ થઈ જાય છે. પ્લીઝ, ટ્રાય ટુ અન્ડરસ્ટૅન્ડ.’

છેલભાઈ રીતસર કરગરી ઊઠuા હતા.

€ € €

‘નો વે મિસ્ટર છેલ, મારાથી એ પરમિશન નહીં અપાય.’

છેલભાઈએ ટ્રાય કરી, અંતિમ પ્રયાસ હતો આ અને એટલે જ પોતાની વાતને વધારે સાચી સાબિત કરવા માટે તેમણે આંકડાઓ આપવાનું શરૂ કર્યું.

‘જસ્ટ ફોર અ મિનિટ સર, મારી ખાલી આ વાત સાંભળો તમે, ધ્યાનથી સાંભળો અને મનમાં કોઈ પ્રૅજ્યુડાઇસ રાખ્યા વિના એ સાંભળો તમે.’

છેલભાઈએ ટેબલ પર કાગળ પાથર્યાં અને આંગળીથી એમાં લખેલા આંકડાઓ દેખાડવાનું શરૂ કર્યું.

‘જુઓ, અત્યાર સુધીમાં ભૂપતસિંહને ૨૪ વખત ઘેરવામાં આવ્યો છે. એ ચોવીસેચોવીસ વખત ભૂપત સલામત રીતે નીકળી ગયો અને કાં તો તેને એટલી મામૂલી ઈજા થઈ જેને લીધે તેણે હૉસ્પિટલમાં જવું નથી પડ્યું કે પછી કોઈ ડૉક્ટરે આપણને કહ્યું નથી કે ભૂપતસિંહના માણસો તેને સારવાર માટે પરાણે ઊંચકી ગયા હોય.’

‘પૉસિબલ છે કે તેણે કમ્પલેઇન કરી ન હોય?’

‘પૉસિબલ પણ આ પૉસિબિલિટી ત્યારે ગણાય જ્યારે આપણા એટલે કે પોલીસ ડિપાર્ટમેન્ટના લોકો પણ પોતાના સ્ટેટમેન્ટમાં એવું દેખાડે અને કહે કે ભૂપતસિંહ ઇન્જર્ડ થયો હતો. એક પણ માણસોએ એવું લખાવ્યું નથી અને સેકન્ડ્લી સર, ૨૪ વખતમાંથી ૧૬ વખત તો મૅક્સિમમ ડૅમેજ આપણો પોલીસ-ડિપાર્ટમેન્ટ જ થયો છે. હું તમને આંકડો આપું, એક મિનિટ...’

છેલભાઈએ કાગળિયાં ઊથલાવ્યાં.

‘હંઅઅઅ... ૨૪ વખતમાં ભૂપતસિંહ ઘેરાયો પણ એ ચોવીસેચોવીસ વખતમાં આપણા કુલ ૭૧ પોલીસ-ઑફિસર માર્યા ગયા. આ ઑફિશ્યલ ફિગર છે. આમાં એવા ચાર લોકો ઉમેરવાના બાકી છે જે ઘવાયેલી અવસ્થામાં પાછા આવ્યા હોય અને પછી એકાદ વીક પછી જેનો જીવ ગયો હોય. જો એ ગણીએ તો ચોવીસ વખતમાં ભૂપતસિંહે આપણા ૭૫ લોકોને મારી નાખ્યા અને એ પછી પણ ભૂપતસિંહ હાથમાં નથી આવ્યો. વાય? કારણ શું? સર, બીજા કંઈ પણ કહે, હું કહીશ કે માત્ર અને માત્ર એની આ હૉર્સ-ફોર્સ. ભૂપતસિંહને સલામત રીતે બહાર કાઢવાનું કામ બીજું કોઈ નહીં, પરંતુ તેની આ હૉર્સ-ફોર્સ જ કરે છે અને આપણે એ જ તોડવી પડશે. જો એ તોડવામાં આપણે ક્યાંક પણ નિષ્ફળ ગયા તો ભૂપતને પકડવાનો પ્લાન આપણા માટે કાયમ સપનું બનીને રહી જશે.’

‘હંઅઅઅ...’

વાઇસરૉય છેલભાઈ સામે જોઈ રહ્યા. તેમના ચહેરા પરથી એટલું પ્રસ્થાપિત થતું હતું કે તેમને છેલભાઈની વાત ગળે ઊતરી રહી છે. વાત જ્યારે સામેવાળાને સમજાવાની શરૂ થઈ જાય ત્યારે વ્યક્તિ મરણિયો બનતો હોય છે. છેલભાઈ માટે પણ અત્યારે એ જ પરિસ્થિતિ હતી. તેમણે નવેસરથી વાતને સમજાવવાની શરૂ કરી.

‘સર, સાત વર્ષથી આપણે ભૂપતસિંહની પાછળ છીએ, પણ આ સાત વર્ષમાં એક પણ વખત એવું બન્યું નથી કે આપણે ભૂપતને ઝબ્બે કરી શક્યા હોઈએ. આપણે એક જ વખત ભૂપતને પકડી શક્યા અને એ પણ ભૂપતની ઇચ્છા હતી એટલે. જરા વિચારો કે કઈ રીતે તે આટલો પાવરધો થઈ ગયો હશે.’ છેલભાઈએ વાયસરૉયની આંખમાં જોયું, ‘સર, હૉર્સ-ફોર્સ. મેં તપાસ કરી તો ખબર પડી કે કાયદેસર ભૂપતસિંહના ઘોડાઓને બધા પ્રકારની ટ્રેઇનિંગ મળે છે. બધા પ્રકારની એટલે બધા પ્રકારની ટ્રેઇનિંગ. સર, આપણી

હૉર્સ-ફોર્સમાં જે ઘોડાઓ છે એ ભૂપતના ઘોડાઓની સામે નમાલા છે. નમાલા એટલે સાવ નમાલા. એ ઘોડા સામે ભૂપત થૂંકે પણ નહીં. આઇ ઍમ સો સૉરી સર, પણ ભૂપતને પકડવા માટે આપણે તેને બધી બાજુએથી ઘેરવો પડશે અને તેને બધી બાજુએથી ઘેરવા માટે આપણે તેના ઘોડાઓને પણ ઉપાડવા પડશે.’

€ € €

ગડુભા બહાર આવ્યા એટલે સ્વાભાવિક રીતે તેના સાથીઓએ પણ એ જ પગલું ભરવું પડ્યું હતું.

પલટન આખીએ એ જ કામ કર્યું અને બધા બહાર આવ્યા. આગળની જીપ પહેલાં ખાલી થઈ. ખાલી થયેલી જીપમાંથી એક કૉન્સ્ટેબલ દોડીને પાછળની જીપમાં રહેલા પોલીસ-કર્મચારીઓને પણ બહાર આવવા માટે કહી આવ્યો એટલે એ બન્ને જીપ પણ ખાલી થઈ ગઈ. જોકે એમ છતાં માધવ હજીય જીપમાં જ બેસી રહ્યો હતો.

એક પોલીસ-કર્મચારીએ બહાર આવવા માટે તેને કહ્યું પણ તે બહાર આવ્યો નહીં એટલે તેણે જઈને ગડુભાને વાત કરી. ગડુભાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો,

‘એ નવરીનાને કહે કે તેનો બાપ જરાય સંબંધ નહીં રાખે, પહેલાં તેને ઉડાડશે...’ અકળામણ વચ્ચે ગડુભાના મોઢામાંથી મા અને બહેન સમાણી ગાળો પણ બહાર આવતી હતી, ‘જીવ બચાવવો હોય તો બહાર નીકળીને તમારી પાછળ રહે, બાકી અહીંથી તેની લાશ જશે. બીજું કંઈ નહીં.’

ઉપરીનું મન જાણીને પાછા આવેલા પોલીસ-કર્મચારીએ હવે શરમ રાખ્યા વિના જ સીધા જીપ પાસે જઈને માધવનો હાથ ખેંચ્યો. ગમાર માણસનો સાથ કે પછી ગમારની દોસ્તી હંમેશાં હેરાન કરી મૂકવાનું કામ કરે છે. અત્યારે પણ એવું જ થયું હતું. માધવ માટે આ સમય જીવનમાં પહેલી વાર આવ્યો હતો. આવા સમયે કેવી રીતે રહેવું અને કેવું વર્તવું એની કોઈ સમજદારી ન તો તેનામાં હતી કે ન તો તેને એની સૂચના આપવામાં આવી હતી.

માધવનો હાથ ખેંચ્યો એટલે માધવે ચીસ પાડી અને માધવે ચીસ પાડી એટલે ભૂપતના કાન ચમક્યા. અવાજ જાણીતો હતો, સ્વર અગાઉ સાંભળેલો હતો.

- છે તો મારો ગટીડો જાણીતો.

ઝાડ પર ચડતા ભૂપતના હાથ અને પગ બન્નેની ઝડપ વધી ગઈ અને તે વડના ઝાડની પહેલી જ ડાળ પર જઈને જીપની દિશામાં અવાજ કરનારા માણસને જોવા માટે ઊભો રહી ગયો. અંધારું ઘેરું હતું અને એ ઘેરા અંધકાર વચ્ચે અવરજવરનો અંદાજ આવતો હતો, પણ ચહેરો દેખાય એવું નહોતું. જે સમયે અણધાર્યા અનુમાનને પકડીને ચાલવાનું હોય એ સમયે અનુમાનને વધુ મજબૂતી સાથે સાબિત પણ કરવું પડતું હોય છે.

ભૂપતસિંહે પણ એ જ કર્યું.

ભૂપતસિંહને જે જગ્યા માટે શંકા હતી અને શંકાસ્પદ રીતે જે જગ્યાએ અવરજવર થતી હતી એ જગ્યાએ ગોળીબાર શરૂ કર્યો... 

ધાંય, ધાંય...

ધાંય, ધાંય, ધાંય...

ગોળીબારના આછાસરખા પ્રકાશ વચ્ચે ભૂપતસિંહે ચહેરા જોવાની કોશિશ કરી અને તેને ચહેરો દેખાયો પણ ખરો.

- એની માને, આ તો માધવ.

ભૂપતસિંહની આંખોમાં ગુસ્સો ઉમેરાઈ ગયો.

‘વાત જ્યાં ઇનામની આવીને ઊભી રહે ત્યાં ઇમાન પણ પહેલાં હોવું જોઈએ.’

એક વખત આ જ શબ્દો તેણે કાળુને કહ્યા હતા. એ સમયે તે અને કાળુ બન્ને વાંસજળિયા ગામે ગયા હતા. પોરબંદર પાસે આવેલા વાંસજળિયા ગામના નગરશેઠના ઘરે ધાડ પાડ્યા પછી ભૂપત આરામથી બધાની સામે ઊભો રહ્યો અને ઊભો રહ્યા પછી તેણે આ જ શબ્દો વાપરીને કહ્યું હતું, ‘સરકાર ૫૦,૦૦૦ રૂપિયા આપશે પણ જો એ રૂપિયા માટે દોડ્યા તો હું ગોળી આપીશ, જે તમારા કોઈની સગલી નહીં થાય. કોઈની એટલે કોઈની નહીં, કોઈના બાપની સાડાબારી નહીં રાખું હું. યાદ રાખજો. રૂપિયા જોઈતા હોય તો મને કહી દેજો, પણ લાલચમાં આવીને મારા જીવનો સોદો કરવાની હિંમત કરી તો...’

- આવી ગદ્દારી.

ભૂપતે દાંત ભીંસ્યા અને તેણે માધવની ખોપરીનું નિશાન લીધું. આ નિશાન લેતાં પહેલાં તેણે એમ જ એક ગોળી છોડી અને એ ગોળી છોડ્યા પછી પથરાયેલા પ્રકાશ વચ્ચે જ તેણે તરત માધવને નિશાન પર લઈ લીધો,

ધાંય...

ગોળી સીધી માધવની ખોપરીની આરપાર નીકળી ગઈ. કપાળની બરાબર મધ્યમાં ખૂંપેલી ગોળીએ માધવનો જીવ લઈ લીધો અને તેની આંખો કાયમ માટે ખુલ્લી રહી ગઈ.

€ € €

‘એટલે, એટલે, દાદુએ તેને ખતમ કરી નાખ્યો.’

‘હા, એકદમ નિષ્ઠુર રીતે અને કોઈની પણ શરમ રાખ્યા વિના.’ કુતુબે કહ્યું, ‘દાખલો બેસાડવામાં, ઉદાહરણરૂપ વર્તન કરવામાં તારો દાદુ કોઈનો પણ વિચાર કરતો નહીં અને એવું જ હોવું જોઈએ.’

‘પછી, પછી, શું થયું ચાચુ...’

કુતુબે ફરી આંખ બંધ કરી.

€ € €

માધવ આંખ સામે જ પડ્યો એ ગડુભાએ જોયું અને તેનાં રૂંવાડાં ઊભાં થઈ ગયાં. તેણે ત્રાડ પાડી,

‘સામનો કરવાનું રહેવા દે, હથિયાર હેઠાં મૂકી દે...’

ગડુભાના અવાજમાં ધમકીનો સૂર તો હતો જ પણ એ ધમકીના સૂર સાથે ગંદી ગાળો પણ ભળી રહી હતી,

‘સાલા, છક્કા જેવા, ઝાડની બહાર નીકળ એટલે તને નાની યાદ દેવડાવી દઈએ... કહું છું હથિયાર હેઠાં મૂકી દે નહીં તો મોત ભાળવાની તાકાત પણ નહીં રહે...’

ધડામ... ધડામ...

જીભનો જવાબ બંદૂકે વાળ્યો અને આ જવાબના બદલામાં સામેથી અનેક બંદૂક હણહણી ઊઠી. એકાદ મિનિટમાં ૧૦૦થી વધુ ગોળીઓ છૂટી હશે અને પછી ફરીથી અચાનક શાંતિ પ્રસરી ગઈ. અડધી સેકંડની શાંતિ પછી ફરીથી અવાજે રાતની નીરવ શાંતિ ખળભળાવી નાખી,

‘કહું છું, સામે આવી જા... આમ મરી ગયો તો મોઢામાં ગંગાજળ નહીં મૂકીએ, બધા ભેગા મળીને તારા મોઢામાં મૂતરીશું...’

ધડામ... ધડામ...

ફરીથી ગોળીનો જવાબ અને એ જવાબના બદલામાં ફરીથી સામે તકાયેલી ૧૦૦થી વધુ બંદૂકનો પ્રત્યુત્તર. આ વખતે પ્રત્યુત્તર લાંબો ચાલ્યો અને બે ગોળીના જવાબમાં સામેથી ૨૫૦થી વધુ ફાયરિંગ થયાં. પાસે કારતૂસ ઓછી હતી એટલે તેણે સમજીવિચારીને હુમલો કરવાનો હતો. કાળમીંઢ અંધકાર વચ્ચે ખાખી ટોપીઓ શોધવાની હતી અને આંખને મળેલી ટોપીને ૫૦૦ ર્ફ્લાંગ દૂરથી વીંધવાની હતી,

ધડામ...

તેની બંદૂકમાંથી ગોળી છૂટી અને ક્ષણના બીજા ભાગમાં સામેથી એક મરણતોલ ચીસ સંભળાઈ. આ ચીસ વચ્ચે પણ તેણે ખોપરી ફૂટવાનો અવાજ સાંભળ્યો હતો. ખોપરી ફૂટવાનો અવાજ પહેલાં આવ્યો હતો અને ચીસ એ અવાજની સાથે જ શરીરમાંથી ખેંચાઈ આવી હતી. ચીસ અને ખોપરી ફૂટવાના અવાજે તેના ચહેરા પર એક વિકૃત સ્મિત છલકાવી દીધું હતું. અંધકાર વચ્ચે પણ તેને પોતાનો જ ચહેરો જોવાની ઇચ્છા થઈ આવી પણ પાસે અરીસો નહોતો એટલે તેણે પોતાના જ સ્મિત કરતા હોઠ પર આંગળી ફેરવીને એ સ્મિતના સ્પર્શથી મન મનાવી લીધું.

ધડામ...

બરાબર એ જ સમયે આવેલી કારતૂસ ઝાડના થડને ચીરતી સીધી તેના સાથળમાં ખૂંપી ગઈ. જે સ્મિતનો સ્પર્શ લેવા હાથ હોઠ સુધી ગયા હતા એ જ હાથ તેણે જોરથી મોં પર ભીડી દીધા, દર્દથી ચીસ મોંમાંથી બહાર સરી ન પડે એ માટે.

(વધુ આવતાં શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK