ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૫૧

ભૂપતને અત્યારે આલ્બર્ટ ક્રિસ્ટોનની અગાસી પર પણ આ વાત યાદ આવી અને ચહેરા પર સ્મિત તો છાતીમાં જુસ્સો ભરાઈ આવ્યાં.

નવલકથા - રશ્મિન શાહ

ભૂપતને અત્યારે આલ્બર્ટ ક્રિસ્ટોનની અગાસી પર પણ આ વાત યાદ આવી અને ચહેરા પર સ્મિત તો છાતીમાં જુસ્સો ભરાઈ આવ્યાં. પાસે એક રિવૉલ્વર હતી અને ખિસ્સામાં રોકડી છ કારતૂસ હતી. છ કારતૂસ રિવૉલ્વરમાં અને છ ખિસ્સામાં.

કુલ થઈ બાર કારતૂસ.

આ બાર કારતૂસ અને નીચે ઊભા હશે ઓછામાં ઓછા... ધારણા શું કામ બાંધવી? ગણી જ લેવાનાં હોયને માથાં.

ભૂપતે અગાસીની પાળીએથી સહેજ માથું ઊંચું કરીને નીચે નજર કરી અને ગણતરી પણ ચાલુ કરી દીધી.

એક, બે, ચાર, છ, નવ, ૧૪...

સત્તર. કુલ સત્તર બહાર છે અને અંદર હોય, પાછળ હોય એવા જુદા.

ભૂપતસિંહની ગણતરી પૂરી થઈ, જેના આંકડાઓ જોખમી હતા. જો કોઈને ગંધ આવી જાય તો તે અહીંથી જીવતો પાછો ન જાય અને ધારો કે તે પોતાની એકેએક ગોળીનો પૂરતો ઉપયોગ કરે તો પણ માંડ બાર જણને ખતમ કરી શકે. એના પછી તો તેની પાસે પણ પ્રતિકાર માટે કોઈ સાધનસામગ્રી હોય નહીં એટલે તેના નસીબમાં ચાળણી બનવા સિવાય કંઈ બીજું કંઈ બાકી બચે નહીં. અલબત્ત, મનમાં કોઈ જાતના નકારાત્મક વિચાર વિના ભૂપતસિંહે તડકાથી બચવા માટે તરત જ દીવાલની આડશ લીધી અને એ આડશ પર આવ્યા પછી તેણે થોડી વાર માટે લંબાવી દેવાનું વિચાર્યું.

જેનિફર ઘરમાં પહોંચી ગઈ એ ભૂપતે જોઈ લીધું હતું એટલે હવે તેને રાહત હતી અને રાહત માણસને હંમેશાં નિષ્ફિકર બનાવવાનું કામ કરતી હોય છે. છાંયડા નીચે આવી ગયેલા ભૂપતે પગ લાંબા કર્યા. થાક, ઉજાગરાને લીધે હવે તેના પગમાં કળતર થતી હતી. લાંબા કરેલા પગને ભૂપતે સહેજ ખેંચ્યા અને પછી તેણે માથું દીવાલસરસું ઢાળીને આંખો મીંચી દીધી.

આંખો મીંચી દીધાની બીજી જ મિનિટે તો ભૂપતસિંહ ઘોરાઈ ગયો.

માથે ભારોભાર ચિંતા ટળવળતી હતી, માથે ભારોભાર સંકટ પણ ટળવળતું હતું અને એક નહીં, ઓછામાં ઓછા સત્તર પોલીસકર્મીઓથી માંડ તે વીસ ફુટ દૂર હતો અને એ પછી પણ તે આરામથી ઊંઘી ગયો. ભૂપતની આંખ ખૂલી ત્યારે સાંજ ઢળી ગઈ હતી અને ઢળેલી સાંજ સાથે જ તે સફાળો અગાસીની દીવાલ પાસે આવ્યો.

અગાસીની દીવાલથી તેણે નીચેનું દૃશ્ય જોયું. નીચે હજી પણ પોલીસકર્મીઓ ફરજ બજાવતા ઊભા હતા. તેમની વચ્ચે ચાલી રહેલી વાતચીત ધ્યાન આપીને સાંભળવામાં આવે તો સાંભળી શકાતી હતી. પોતાનું નામ સાંભળીને જ ભૂપતના કાન સરવા થયા હતા અને તેને વાત સાંભળવાનું મન થયું હતું.

ભૂપતે પોતાનું બધું ધ્યાન કાન પર કેન્દ્રિત કર્યું અને નીચે થઈ રહેલી વાતો સાંભળવાનું શરૂ કર્યું. બધું બહુ સ્પષ્ટ સંભળાતું નહોતું, પણ છૂટક આવી રહેલા શબ્દોને જોડીને તેણે પૂરા વાક્યનો ભાવાર્થ બનાવવાનું શરૂ કર્યું.

‘આટલી વારમાં નીકળી ગ્યો એ બહુ કહેવાય.’

‘નીકળી નથી ગ્યો તે, પાક્કું નીકળી નથી ગ્યો. મને તો લાગે છે કે ક્યાંક આપણા રાજકોટમાં જ રોકાયેલો છે. એકાદ-બે દિવસ આમ જ રહેશે અને પછી લાગ જોઈને છટકી જાશે.’

‘એલાવ...’ નવો અને ત્રીજો અવાજ આવ્યો, ‘બીજું બધુંય મૂકો પડતું, પહેલાં એ વિચારો કે તે માણસ ભારાડી કેવો કહેવાય કે બધાયની હાજરીમાં પોતે, જાતે, રૂબરૂ આવીને મૅડમને આંય સુધી મૂકી ગ્યો ને પછી અહીંથી નીકળી પણ ગ્યો.’

‘હા, સાચી વાત છે હોં. મર્દનું ફાડિયું તો છે બાકી ભૂપતસિંહ...’

આ વાક્યના છેલ્લા પાંચ શબ્દ સાંભળીને જ ભૂપત ચોંક્યો હતો અને તેણે વાત સાંભળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

‘મર્દનું ફાડિયું તો છે બાકી ભૂપતસિંહ.’

‘હા, પણ આ મર્દના ફાડિયાએ ખોટેખોટા આપણને ધંધે લગાડી દીધાને.’ અવાજ પરથી ઉંમર થઈ હોય એવા લાગતા શખ્સે થોડી ખીજ વરસાવી લીધી, ‘સાલ્લા બે દિવસ થયા, એક વખત પૂછ્યું નથી કે તમે લોકો જમ્યા કે નહીં. એક વખત પાણીનું પણ સાલ્લું પૂછ્યું નથી આપણને. આમ ને આમ ઊભા પગે ફરજ પર છીએ. આ તો સારુ થ્યું કે બસ-સ્ટૅન્ડ તપાસ કરવા જાવાનું થ્યું એટલે ત્યાં થોડુંક ખાઈ લીધું. બાકી તો ભાઈ હાલત ખરાબ કરી નાખેને આપણી તો.’

વાત અને બળતરા જરા પણ ખોટાં કે અસ્થાને નહોતાં.

‘ધીમે તો બોલ, ખોટું અંદર સંભળાશે તો પાછું સાહેબને માઠું લાગી જાશે.’

‘માઠું લાગે તો ગળી રોટલી વધારે ખાય. બધુંય મનમાં ભરી રાખવાથી શું વળવાનું.’ બોલનારાએ જરા પણ ડર કે બીક દેખાડ્યાં નહીં અને એનાથી અગાસી પર બેઠેલો ભૂપત પણ ખુશ થયો.

‘જોરુભા, બધાયમાં વાંક આપણા લોકોનો છે. આપણે સીધી રીતે ઝૂકી જઈએ એટલે આપણને નમાવતા જ જાય છે; પણ જોઈ લ્યો, આડી આંગળી કરી તો કેવી હાલત થઈ ગઈ. માની લેવી પડીને ભૂપતસિંહની વાત.’

‘શું વાત કરશ?’ જોરુભા નામના માણસે જ જવાબ આપ્યો હોય એવી ધારણા ભૂપતે બાંધી લીધી, ‘ભૂપતસિંહ પોતાની વાત મનાવવા માટે આવ્યો હતો? મને તો કાંય ખબર નથી.’

‘હા ભાઈ, ચોખ્ખી વાત છે. કામ વિના એ જંગલનો સાવજ આ બાજુ ફરકે એમ નથી અને આવડું મોટું જોખમ લ્યે એવો પણ નથી.’

‘તું તો કહેતો હતોને કે ભૂપતસિંહ પોતાની વાત મનાવવા માટે આવ્યો હતો. એમ ને એમ કહે છે કે પછી ફેંકાફેંકી?’

‘ના હોં. ફેંકાફેંકી થોડી હોય. પાક્કી વાત ખબર હોય તો જ કીધું હોયને તમને.’

‘તો મોઢામાંથી ફાટને. કહેને, શું વાત હતી?’ જોરુભાએ બાજુમાં ઊભેલા શખ્સને પણ પોતાની સાથે વાતમાં લીધો, ‘શું કહે છે રઘલા, ખોટી વાત છે. અહીં આપણે વગર કારણે બધી બાજુએથી હેરાન થતા હોઈએ અને અંદરની વાત સાલ્લી આને ખબર હોય.’

ભૂપતે અગાસીની પાળી પરથી મોઢું ઊંચું કરીને એ શખ્સને જોવાનું કામ કર્યું જે દાવો કરતો હતો કે તેને બધી ખબર છે. વાત ખબર હોય એમાં કોઈ મોટા રહસ્યનો ઘટસ્ફોટ નહોતો, પણ કેટલાક પોલીસકર્મીને ખબર નહોતી અને આ એક માણસને ખબર હોય એ પ્રકારનું તેનું વર્તન હતું એટલે તે માણસનો ચહેરો જોવામાં તસ્દી લેવા જેવી હતી.

‘જો કોઈને કહેતા નહીં...’

ભૂપતે ઉપરથી જોયું ત્યારે જ પેલો ઝૂક્યો અને ધીમેકથી જોરુભા તથા રઘલાના નામે ઓળખાતા માણસની પાસે આવ્યો. તેનો અવાજ નાનો થઈ ગયો હતો એટલે ભૂપતને પણ સાંભળવામાં તસ્દી લેવી પડતી હતી. પૂરા શબ્દો તો તેને સંભળાયા નહીં, પણ થઈ રહેલી એ વાતચીતમાં ભૂપતે એક નામ સાંભળ્યું.

- રવજી પટેલ.

‘બાકી મનેય કાંય ખબર નો હોત,

પણ આ તો તેણે વાત કયરી એટલે બધી ખબર પયડી ને પછી આખી ગડ મેં જાતે બેસાડી લીધી.’

- રવજી પટેલ. મરવાનો થયો છે આ માણસ.

ભૂપતને જરાતરા ગુસ્સો આવી ગયો, પણ એ ગુસ્સામાં તેને પોતાનો સ્વાર્થ નહીં પણ રવજી પટેલ ફસાઈ જાય એ વાતનો ભય વધારે હતો. જો રવજી પટેલ આ આખી ઘટના વિશે જાણતો હતો એવી અંગ્રેજ અમલદારને ખબર પડે તો નક્કી અંગ્રેજ અમલદાર તેના પર જુલમ કરે અને આ વખતનો જે જુલમ હોય એ ધારી ન શકાય, કલ્પી ન શકાય એ સ્તર પરનો હોઈ શકે. ભૂપતને કામ મળી ગયું.

પહેલાં અહીંથી નીકળીને ભૂપત સીધો અડ્ડા પર જવાનો હતો, પણ હવે તેને એક નવું ધ્યેય મળી ગયું હતું. તેણે તરત જ નક્કી કરી લીધું કે અહીંથી નીકળીને એ સીધો રવજીના ઘરે જશે અને રવજીને ચેતવશે. ભૂપતે એવું જ કર્યું અને મોડી રાતે તે અગાસી પરથી નીચે આવીને અહીંથી નીકળી ગયો. રાતના સમયે એકલો રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે શાંત રસ્તાની ચોકીદારી કરતા કૂતરાઓ જાગતા, થોડી વાર ભસતા અને પછી ફરીથી પોતાના જ પેટમાં માથું ઘુસાડીને સૂઈ જતા.

ખટ... ખટ... ખટ...

રાતના અઢી વાગ્યે ઘરનાં બારણાંની સાંકળ ખખડી એટલે રવજી ઊભો થયો અને તેણે દરવાજો ખોલ્યો.

સામે જ ઉઘાડા મોઢાવાળા ભૂપતને જોઈને રવજી હેબતાઈ ગયો. તેણે તરત જ ભૂપતસિંહને અંદર ખેંચ્યો અને દરવાજા બંધ કરી દીધા.

‘સિંહ, શું છે આ બધુંય?’ રવજીની આંખમાંથી ઊંઘ ઊડી ગઈ હતી, ‘જરાક તો અણસાર આપવો હતો. પહેલાં તો મનમાં ને મનમાં બહુ બીક લાગી અને પછી બધીયે ખબર પડી તો તમારા માટે માનેય થઈ ગ્યું...’

‘પણ મને તમારા પર બરાબરનો ખાર ચડ્યો છે રવજીભાઈ.’

‘કાં શું કર્યું મેં? મારી ભૂલ, વાંક...’

દરવાજા પાસે જ ઊભા-ઊભા શરૂ કરી દેવામાં આવેલી વાતોને અટકાવવાનું કામ પણ ભૂપતે જ કર્યું.

‘અંદર જઈને વાત કરીએ. બધાય સાંભળશે તો વાત ખોટી વધી જશે ને ફિકર કરશે એ લટકામાં.’

રવજી ભૂપતને લઈને અંદરના કમરામાં ગયો અને સાવધાનીરૂપે તેણે દરવાજો બંધ કરી દીધો. જોકે એ પછી પણ તેના મનમાં મુદ્દો તો એ જ ચાલી રહ્યો હતો જ્યાંથી વાત અધૂરી રહી હતી.

‘સિંહ, શું થ્યું. કાંયક ખૂલીને વાત કરો તો ખબર પડે.’

‘હું અહીં આવ્યો એ વાતનો બકવાસ કોની-કોની પાસે કર્યો હતો?’

સીધી વાત અને એ પણ ધારદાર રીત સાથે.

માગસરની ઠંડીમાં પણ રવજીને પરસેવો છૂટવો શરૂ થઈ ગયો. તેની આંખ સામે છેલ્લા ૪૮ કલાક સડસડાટ પસાર થઈ ગયા. પોતે કરેલી વાતો અને વાતોમાં ભૂપતસિંહનો કરેલો ઉલ્લેખ પણ તેની નજરમાં આવી ગયો.

‘એક, એકાદ જણ પાસે બોલ્યો છું; પણ સિંહ, સિંહ એમાં ગભરાવા જેવું જરાય નથી. આપણો ભાઈ છે એ જણ તો. જરાય બીક રાખવા જેવી નથી તેની.’

ભૂપતને મનોમન હસવું આવતું હતું અને એટલો જ ગુસ્સો પણ આવતો હતો. માણસ વિશ્વાસ એ રીતે મૂકતો હોય છે જે રીતે તે પોતાનાં પગલાંની છાપ પાછળ છોડતો જતો હોય. પગલાંની છાપ જે રીતે પોતાનું સ્થાન ઊભું કરી લે એ જ રીતે વિશ્વાસ પણ પોતાનું સ્થાન ઊભું કરી લેતો હોય છે. ફરક માત્ર એટલો છે કે પગલાંની છાપ ઓળખવાનું કામ જે રીતે અમુક લોકોને જ આવડે એ જ રીતે માણસને ઓળખવાનું કામ પણ જૂજ લોકોને આવડતું હોય છે.

‘કોણ હતું તે ને જો રવજીભાઈ...’ ભૂપતે દૃઢતા સાથે કહ્યું હતું, ‘હવે ખોટું બોલવામાં રહ્યા તો-તો મારો વાળ પણ વાંકો નહીં થાય, પણ તમારી હાલત એવી ખરાબ થઈ જાશે કે કોને છોડી દેવા માટે ભીખ માગવી એની પણ ખબર નહીં પડે.’

રવજી પટેલની આંખોમાં આંસુ આવવાની તૈયારી થઈ ગઈ. કોઈ પણ ઘડીએ તે રડી પડશે એવું ભૂપત પણ રાતના આછા અંધકાર વચ્ચે કળી ગયો, પણ આ કડકાઈ જરૂર હતી અને કરડાકી પણ વાજબી હતી. રવજીએ વિશ્વાસના આધારે એવી મોટી ભૂલ કરી નાખી હતી જેનું પરિણામ કેવું ભયાનક આવી શકે એની તેણે કલ્પના પણ નહોતી કરી.

ચેતતો નર સદાય સુખી.

ભૂપત હંમેશાં આ વાતને ગંભીરતાથી વળગેલો રહેતો અને એટલે જ તેને ખબર હતી કે જો સાવચેતી નહીં રાખવામાં આવે તો બધા જ અટવાશે, બધા જ ફસાશે.

‘કોને-કોને કીધું હતું તમે, નામ આપો. જરૂરી છે આ.’

‘ગભરુને, આંય પાછળની ગલીમાં જ રહે છે અને તેનાથી બીવા જેવું કાંય નથી. અગાઉ પણ થોડી વાતો થઈ છે તમારી સિંહ, પણ ઘરનું માણસ છે. તમને બોવ માનથી જુએ છે. તેનું ચાલેને સિંહ તો-તો તે તમને સીધો સંપર્ક કરીને તમારી સાથે જ જોડાયેલો રહે. સાચું કહું છું, મારા છોકરાના સમ સિંહ.’

‘શું કરે છે ગભરુ?’

‘અત્યારે તો સૂતો હશે.’ રવજી પટેલે બુદ્ધિનું પ્રદર્શન કર્યું, ‘પણ જગાડી શકાય, જગાડવો છે?’

‘રવજીભાઈ, ગભરુ કામ શું કરે છે એમ પૂછું છું.’

‘હા, સમજાણું; માફી હોં.’ રવજીએ હાથ જોડ્યા, ‘ગભરુ પોલીસ ખાતામાં છે, પણ તેને બનતું નથી. આ તો ઘરનાવના કારણે...’

‘તારા એ ગભરુએ બધોય બફાટ કરી નાખ્યો છે ન્યાં, ગવર્નરના ઘરે. બીજા પોલીસવાળાની હાજરીમાં.’

‘શું વાત કરો છો તમે?’

‘તું જે સાંભળે છે એ. બધોય બફાટ કરી દીધો છે ને ખાલી મારી જ વાત નહીં, ગભરુએ તારી વાત પણ કરી દીધી છે ને કહી દીધું છે કે તને બધીયે ખબર હતી.’ ભૂપતસિંહે સ્પષ્ટતા પણ કરી, ‘પોતાની મોટી-મોટી દેખાડવા જતાં એનાથી આ થઈ ગ્યું છે. રવજીભાઈ, તમારા ગભરુની ચિંતા નહીં કરો તો ચાલશે, પણ ગભરુ જે કોઈની સામે બોલ્યો છે એમાંથી જો કોઈ એકાદ પણ ફૂટી ગયો તો હેરાનગતિ તમને થશે ને મારે બીજી વખત અહીં આવીને હવે તમને છોડાવવાની કસરત કરવી પડશે.’

‘હવે, હવે શું કરવાનું સિંહ?’

રવજીભાઈ પાસે બીજો કોઈ જવાબ નહોતો અને બીજો કોઈ તર્ક લગાડવાની તેનામાં ક્ષમતા નહોતી રહી.

‘ભૂલ થઈ ગઈ, પણ હવે તમે ક્યો એમ કરું હું. શું કરવું જોઈએ મારે?’

‘જલદી બિસ્તરા-પોટલાં બાંધ ને અહીંથી નીકળી જા.’ ભૂપતે રસ્તો સુઝાડ્યો, ‘ઓછામાં ઓછા બે-ત્રણ દિવસ બીજે ક્યાંક રહેવા ચાલ્યા જવામાં માલ છે. જો એક વખત વાત ભુલાઈ ગઈ તો બધુંય ક્ષેમકુશળ રીતે પૂÊરું થઈ જાશે અને ધારો કે બબાલ થઈ તો સાવચેતી કામ લાગશે.’

‘આવા સમયે, આવા સમયે સિંહ ક્યાં જાવ હું?’

‘કોઈ પણ સગાની ન્યાં જા. ન્યાં નો જાવું હોય તો મારી ભેગો ચાલ, ગીરમાં. કામ પણ મળી રહેશે ને થોડોક આરામ પણ થઈ જાશે.’

‘બધાયને ભેગા લેવાની જરૂર છે?’

સવાલ વાજબી હતો અને એનો જવાબ તો ભૂપતસિંહ પાસે પણ નહોતો. જોકે ભૂપતે તરત જ બુદ્ધિ વાપરી અને નિર્ણય લઈ લીધો.

‘આ બધાને જગાડવામાં માલ નથી. ભલે સૂતા રવજીભાઈ. ખાલી તમારી બૈરીને જાણ કરીને નીકળી જાઓ ને મને લાગે છે કે મારી સાથે આવી જવું હોય તો એમ જ કરો.’ ભૂપતે શંકાનું સમાધાન પણ કરી દીધું, ‘ધારો કે તમારી ગેરહાજરીમાં જો આ કોઈને હેરાનગતિ થશે તો આપણે ફોડી લઈશું, પણ જો સીધેસીધા તમે હાથમાં આવી ગયા તો બધું અઘરું થઈ જાશે.’

રવજીને વાત વાજબી લાગી, પણ તેના મનમાં હજી પણ એક આશંકા અકબંધ હતી કે ગભરુ એવી વ્યક્તિને તો વાત કરે નહીં જે વ્યક્તિ પર તેને પોતાને ભરોસો ન હોય. જોકે અત્યારે દલીલ અને તર્ક લડાવવાની કોઇ ગુંજાશ હતી નહીં અને એટલે જ તેણે ફટાફટ પોતાનાં બે જોડ કપડાં એક થેલીમાં નાખ્યાં અને સીધો અંદર ઓરડામાં બૈરી પાસે પહોંચી ગયો. રવજી પટેલ જ્યારે બૈરી સાથે વાત કરતો હતો ત્યારે રાજકોટના ગવર્નરના ઘરની બહાર પણ એક એવું જ દૃશ્ય ભજવાઈ રહ્યું હતું જેની શંકા ભૂપતસિંહે કરી હતી.

જોરુભાએ રાજકોટના પોલીસ-કમિશનરની સામે તેને મળેલી માહિતી ઓકી દીધી હતી અને કહી દીધું હતું કે રવજી પટેલ આ આખી ઘટના વિશે બધું જાણતો હતો. માહિતી મYયાની પાંચમી જ મિનિટે આ વાત આલ્બર્ટ ક્રિસ્ટોન સુધી પહોંચી ગઈ હતી અને આલ્બર્ટે‍ પણ આદેશ કરી દીધો હતો કે જ્યાં હોય ત્યાંથી ગભરુને તાત્કાલિક હાજર કરવામાં આવે.

ગભરુ હજી થોડી વાર પહેલાં જ પોતાની ફરજ પરથી છૂટ્યો હતો અને તે પોતાના ઘર તરફ જતો હતો. ગભરુને ઇચ્છા તો થઈ હતી કે તે જઈને એક વાર રવજીને મળે, પણ રાતના ત્રીજા પહોરમાં તેને તેના ઘરે જવું બરાબર લાગ્યું નહીં એટલે તે સીધો પોતાના ઘર તરફ આગળ વધ્યો. જોકે હજી ઘર સુધી પહોંચે કે પછી ઘરનાઓને મળે એ પહેલાં તો પાછળથી આવતી મોટરગાડીના પ્રકાશે તેનું ધ્યાન પાછળની તરફ ખેંચ્યું.

ગાડીમાં પોલીસકર્મીઓ જ હતા.

‘સાહેબ બોલાવે છે, અત્યારે ને અત્યારે જ.’

હુકમ સાંભળવા મળ્યો એટલે ગભરુ ચૂપચાપ ગાડીમાં બેસી ગયો અને ગાડી ફરી એક વખત રેસર્કોસ તરફ આગળ વધી ગઈ. રસ્તામાં તેણે વાત જાણવાની કોશિશ કરી, પણ અંદર બેઠેલા ચાર કર્મીઓને પણ જો વાત ખબર હોય તો એ કરેને.

ગભરુ ગવર્નરના ઘરે પહોંચ્યો કે તરત જ ગભરુને અંદર બોલાવવામાં આવ્યો અને આલ્બર્ટે રવજી વિશે પૂછપરછ શરૂ કરી. રવજીની વાત કરવાથી કેવી મોટો હોબાળો મચી ગયો એ ગભરુને સમજાઈ ગયું, પણ એ રાંડ્યા પછીનું ડહાપણ હતું અને આના માટે જે કોઈ સજા મળે એ સજા માટે તેણે તૈયાર પણ રહેવાનું હતું.

‘જે કોઈ વાત મેં કરી એટલી જ વાત મને ખબર હતી, એનાથી વધારે મને એકેય વાત ખબર નથી.’ ગભરુએ હાથ જોડ્યા, ‘પાંચ વાર પૂછો કે પચાસ વાર પૂછો, મને એનાથી વધારે કાંય ખબર નથી.’

‘આ વાતની ખબર પડી એ પછી તરત જ જાણ કેમ ન કરી?’

વાજબી સવાલ હતો અને એ સવાલનો જવાબ ગભરુ પાસે પણ નહોતો.

‘સાચું કહું તો મને આ વાતમાં કોઈ માલ નહોતો દેખાતો. આવું બને એવું તો હું ધારતો પણ નહોતો અને એટલે જ થોડી વાર પહેલાં વાત ચાલતી હતી ત્યારે મેં કહી દીધું કે આવી ખોટી વાતો પણ આપણે તો સાંભળવી પડે છે.’ ગભરુએ વાતને સહેજ ફેરવી તોળી હતી, ‘મને તો અત્યારે આ વાતનો વિશ્વાસ નથી આવતો ને મારી પાસે આના કોઈ પુરાવા પણ નથી કે રવજી પટેલ જે કાંય કહેતો હતો એ સાચું કે નઈ?’

આલ્બર્ટ ક્રિસ્ટોનના ઑર્ડર સાથે જ પોલીસકર્મીઓથી ભરેલા બે ખટારા રવાના થયા અને રવજીના ઘરે જઈને ઊભા રહ્યા.

રવજીના ઘરનો દરવાજો ખખડાવે એ જ સમયે રાજકોટના બસ-સ્ટૅન્ડમાંથી એક બસ રવાના થઈ હતી અને એ બસમાં ભૂપતસિંહ અને રવજી રવાના થઈ ગયા હતાં.

‘સિંહ, જૂનાગઢને બદલે આ બસ લેવાનું કારણ...’

‘નાના અંતરની બે-ચાર બસ બદલાવીને પછી ગીરમાં ઊતરી જાય રવજીભાઈ. બાકી તમારાં સગલાં એકઝાટકે આંબી જશે ને જો એ આંબી ગ્યાં તો હું ને તમે બેય...’ ભૂપતે ખભા પર નનામી પકડતો હોય એવી અદાકારી સાથે , ‘રામનામ સત્ય છે...’

(વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK