અમારે મન નવરાત્રિ બારે માસ

ગરબાનો રંગ જમાવનારા અને ખેલૈયાઓને સૂર અને તાલના નાદે ઝુમાવનારા નવરાત્રિના અસલી સ્ટાર્સની નવરાત્રિ ક્યારથી શરૂ થાય છે? તેમના ડ્રેસથી લઈને વિવિધ માનતાઓ વગેરે તૈયારીઓની રોચક માહિતી પ્રસ્તુત છે

nilesh thakkar

નવરાત્રિ પહેલાં અંબાજી જવાનું જ : નીલેશ ઠક્કર

કોરા કેન્દ્રમાં નવરાત્રિનો રંગ જમાવતા નીલેશ ઠક્કર છેલ્લાં વીસેક વર્ષથી નવરાત્રિ પહેલાં અંબાજી દર્શન કરવા જાય, જાય ને જાય જ. તેમનો અનુભવ એવો છે કે અંબાજીનાં દર્શનનો જ પ્રતાપ છે અને એ માતાજીની કૃપા જ છે કે તેમનો પ્રસંગ નિ:સંકટ પાર પડે છે. નીલેશભાઈ કહે છે, ‘હું, મારો પરિવાર, ટીમના કેટલાક સભ્યો અને હવે કોરા કેન્દ્રના આયોજક પંકજ કોટેચા પણ થોડાંક વષોર્થી અમારા અંબાજી પ્રવાસમાં જોડાય છે. અંબાજીમાતાના મુખ્ય મંદિરમાં દર્શન કરીને લગભગ અડધો કલાક ગીતો અને ગરબાની રમઝટ જમાવીએ. એ પછી બધા જ સાથે મળીને ગબ્બર ચડીએ. ઉપર જઈને પણ દર્શન કરીને લગભગ એક કલાક ગરબા ગાઈએ. સાથે બે-ત્રણ વાજિંત્ર પણ હોય એટલે ગીતો સાથે મ્યુઝિક પણ મળી રહે. તમે માનશો નહીં, પણ જ્યારે અમે ગરબા ગાતા હોઈએ ત્યારે ત્યાં આવેલા શ્રદ્ધાળુઓ વગર નવરાત્રિએ ગરબે ઘૂમતા હોય. આજે માતાજીની દયાદૃષ્ટિ અને અમારા પરની મહેર જ છે કે દર વર્ષે નવરાત્રિના પ્રસંગને નિ:સંકટ પાર પાડી લે છે. એ અલગ જ દિવ્ય લાગણીઓ છે અને અમારા મનની શ્રદ્ધા છે.’

આ સિવાય નીલેશભાઈ બે મહિના પહેલાં ગીતો અને એના ટuુનિંગની તૈયારીઓમાં પણ લાગી જતા હોય છે. નવાં ગીતો શોધવાના અને એ ગીતોની ધૂન ગરબા સાથે મૅચ થાય છે કે નહીં એના પ્રયત્ન કરવાના. એ પછી રિહર્સલ પર રિહર્સલ કરીને બધા સાથે મળીને પ્રૅક્ટિસ કરે એ જુદી. અંબાજી જવાનો પોતાનો નિયમ તેમને બીજી કઈ રીતે મદદરૂપ નીવડ્યો છે એ વિશે જણાવતાં નીલેશભાઈ કહે છે, ‘અંબાજીની યાત્રાને લીધે અમારી વચ્ચે એક જુદો જ રૅપો ડેવલપ થયો છે. ગ્રુપમાં લગભગ ત્રીસેક જણ છે, પણ એ કોઈ પારકા મ્યુઝિશ્યન રહ્યા નથી. બધા જ જાણે એક પરિવાર છે. નવરાત્રિમાં નવ દિવસ ખલેલ વિના ખેલૈયાઓને ડોલાવવામાં મ્યુઝિશ્યનોનું કોઑર્ડિનેશન બહુ મહત્વનું હોય છે.’

નીલેશભાઈનાં નવ દિવસનાં કપડાં સંજય ખત્રી ડિઝાઇન કરે છે. નવરાત્રિના મહિના પહેલાં જ ખાવાપીવાની બાબતમાં થોડીક તકેદારી રાખવાનું તેઓ શરૂ કરી દે છે જેથી અવાજ પર કોઈ અસર ન થાય.

kirtidan

અમારી નવરાત્રિ તો બારે માસ હોય છે : કીર્તિદાન ગઢવી

નવરાત્રિ ભલે દસ દિવસનો તહેવાર હોય, પણ.. પણ.. નવરાત્રિના ખરા ખેલાડીઓ એટલે કે સિંગરો માટે તો એ આખા વર્ષ દરમ્યાન ચાલતી પ્રોસેસ છે. લગભગ દરેક સિંગર અને કમ્પોઝરનો આ અનુભવ છે. પોતાના અનુભવને શબ્દસ્થ કરતા અને વૈશ્વિક સ્તરે જાણીતા લોકકલાકાર કીર્તિદાન ગઢવી કહે છે, ‘ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ, કૅનેડા એમ વિદેશમાં શો કરીને નવરાત્રિના બે દિવસ પહેલાં હું મુંબઈ આવ્યો છું. એ રીતે મારા નવરાત્રિના શો ૧૯ ઑગસ્ટે શરૂ થઈ ગયા હતા. એ પહેલાંની તૈયારીઓ અલગ. આજે નવરાત્રિના કલાકારો પર બે મહત્વની જવાબદારીઓ છે. આજના ઑડિયન્સને ગમે એવું સંગીત આપવું પણ સાથે એમાં મૂળ સંસ્કૃતિનો ભવ્ય વારસો ભુલાય નહીં એનું પણ ધ્યાન રાખવું. પ્રાચીન સાથે અર્વાચીનને કઈ રીતે જોડીને પ્રસ્તુત કરવું કે એ લોકોના હદયને સ્પર્શી લે. આ જ કારણ છે કે અમારી નવરાત્રિ બારે માસ ચાલતી હોય છે. સતત તાલ અને ધૂન પર જ ધ્યાન હોય છે જે ગરબાના સ્ટેપ સાથે બેસી શકતું હોય. વીસ વર્ષથી નવરાત્રિ કરું છું છતાં દર વર્ષે પૂરતી તૈયારીઓ કરવી જ પડે છે, કારણ કે તમારે ઓલ્ડ ઇઝ ગોલ્ડને પણ સાચવવાનું છે અને જમાના સાથે પણ ચાલવાનું છે.’

નવરાત્રિ પહેલાં જ એટલાંબધાં પ્રવાસ અને મહેનત કરવાં પડતાં હોય છે કે શરીર પર ધ્યાન નથી આપી શકાતું. છતાં કીર્તિદાનભાઈ પોતાનાથી બનતા બધા જ પ્રયત્નો શરીર સાચવવા કરે છે. તેઓ કહે છે, ‘રિહર્સલ ચાલતાં હોય કે પ્રી-નવરાત્રિ શો હોય, પણ હું બને ત્યાં સુધી એકેય જગ્યાએ ખાવામાં ગાફેલ રહેતો નથી. બને ત્યાં સુધી તો ઘરનું જ ખાવાનું અને શક્ય ન હોય ત્યાં ફળો અને સૅલડ ખાવાનાં. બહુ બોલવું પડતું હોય અને ગળું ખેંચવું પડતું હોય એટલે બને ત્યાં સુધી જરૂર ન હોય ત્યાં મૌન પણ રાખું છું. એક કલાકાર છ મહિના લાગલાગટ ભોગ આપે ત્યારે માંડ તેની નવરાત્રિ સફળ થતી હોય છે. જોકે સાચું કહું તો ગરબે ઘૂમતા ખેલૈયાની એનર્જી જોઈને કોઈક નવી જ ઊર્જા અમારામાં પણ જાગતી હોય છે જે અમને વધુ ને વધુ દોડવા માટે પ્રેરણા આપતી હોય છે.’

naitik

નવરાત્રિ પહેલાં તૈયારીઓનું ગજબ પ્રેશર હોય છે, જેમાં પરિવાર પણ ભૂલવો પડે : નૈતિક નાગડા

ગરબાકિંગ તરીકે સતત પોતાના મ્યુઝિકના અનોખા અંદાજથી દર્શકોને ઘેલા કરનારા નૈતિક નાગડા માટે નવરાત્રિની શરૂઆત લગભગ છ મહિના પહેલાં જ થઈ જાય છે. તે કહે છે, ‘ઍક્ચ્યુલી નવરાત્રિ શરૂ થાય એ પહેલાં જ પોસ્ટ-નવરાત્રિ અને પ્રી-નવરાત્રિ ઘણાબધા શો યોજાતા હોય છે. દરેક શો પહેલાંનું રિહર્સલ અને નવરાત્રિ પહેલાંનું દિવસોના દિવસો ચાલતું ગ્રૅન્ડ રિહર્સલ ઉમેરો તો કહી શકો કે લગભગ નવરાત્રિના બે-ત્રણ મહિના પહેલાંથી અમારા માટે રોજ નવરાત્રિ જ હોય એવો સમય શરૂ થઈ જાય છે. અઢળક જવાબદારી અને કોઑર્ડિનેશનનું આ કામ છે. તમે વિચાર કરો કે તમારી સાથે તમારા ૪૭ લોકોની ટીમને પણ તમારે એકસૂત્રતામાં બાંધીને રાખવાની છે. કદાચ આટલી મોટી ટીમ બીજા એકેય ગ્રુપની નથી. તેમના બધાના કૉસ્ચ્યુમ, બધા વચ્ચેનું મ્યુઝિકલ કોઑર્ડિનેશન અને સાથે તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવાના છો એનું સર્વિસિંગ અને મેઇન્ટેનન્સની જવાબદારી. ૪૦ જણની ટીમમાં અમારી વચ્ચે આઠ ઢોલી છે અને મારા સહિત નવ. આ ઉપરાંત અચાનક એકાદ ઢોલ ફાટી જાય તો એના બૅકઅપમાં એક્સ્ટ્રા ઇન્સ્ટ્રુમેન્ટ પણ રાખવાં પડે. બીજી મહત્વની વાત કે માત્ર અમે જ નહીં, પણ અમારાં ઇન્સ્ટ્રુમેન્ટ પણ અલગ તરવરી આવે એવા પ્રયત્ન કરતા હોઈએ છીએ. દરઅસલ નવરાત્રિના મહિનાઓ પહેલાં નાની-નાની અનેક વસ્તુઓ એવી હોય છે જેનું ધ્યાન તમારે રાખવાનું હોય છે.’

નૈતિકનાં સૉન્ગ્સ અને ધમાકેદાર મ્યુઝિકની સાથે તેના જુદા પ્રકારના સ્ટાઇલિંગને કારણે પણ તે લોકોમાં પૉપ્યુલર છે. ખાસ કરીને તેના ઢોલનો શૃંગાર જોવાનું લોકોમાં ખાસ આકર્ષણ હોય છે. તે કહે છે, ‘લોકોને આ નવ દિવસ તમે શું નવું કરો છો, કેવા નવા અંદાજમાં પોતાને પ્રેઝન્ટ કરો છો એ જાણવાની તાલાવેલી હોય છે. સ્ટેજ પ્રેઝન્સ માટે પણ કપડાંમાં કંઈક નાવીન્ય આવે એવા પ્રયત્નો હું કરતો હોઉં છું. ઝુપ બ્રૅન્ડ દ્વારા મારા ડ્રેસ તૈયાર કરવામાં આવે છે. સાથે જ ગીતોનું લિસ્ટિંગ, એની ઝેરોક્સ દરેક આર્ટિસ્ટ સુધી પહોંચે એ જોવાની, એ મુજબ થતાં રિહર્સલમાં આઉટપુટ મળે એનું ટેન્શન. અને આ દરમ્યાન ઘરના લોકોને તો ભૂલી જ જવાના. સારું છે એ લોકો ઘરમાંથી બહાર નથી કાઢી મૂકતા.’

manish

નવરાત્રિ પહેલાં નવચંડી હવન કરવાનો જ : મનીષ જોશી

નવરાત્રિમાં ૧૩ વર્ષથી ગીતો ગાતા મનીષ જોશી આ વર્ષે આ પહેલી વાર પોતાના બૅન્ડ સાથે ગીત-સંગીતની રમઝટ બોલાવી રહ્યા છે. અમારી નવરાત્રિ આગલી નવરાત્રિ પૂરી થાય એટલે શરૂ થઈ જાય છે એમ જણાવીને મનીષભાઈ કહે છે, ‘ગીત-સંગીત સિવાય કંઈ આવડતું જ નથી એટલે જાણતાં-અજાણતાં મનમાં સતત નવરાત્રિ જ ચાલતી હોય છે. આજે દેખાવ બહુ મહત્વપૂર્ણ બની ગયો છે એટલે ડિઝાઇનર કપડાં અને લુક માટેની ટ્રીટમેન્ટ ઍડ્વાન્સમાં શરૂ થઈ જતી હોય છે. આ ઉપરાંત માતાજીની ભક્તિ ભલે નવ દિવસ કરવાના હોઈએ, પણ એ નવેય દિવસ નિ:સંકટ પાર પડે એટલે સવારથી સાંજ સુધી આખા પરિવાર અને મ્યુઝિશ્યન સાથે મળીને નવચંડી હવનનું આયોજન અમે કરતા હોઈએ છીએ. મારાં કપડાંની જવાબદારી મારી પત્નીની છે.’

મનીષભાઈની ૨૧ જણની ટીમ છે અને નવરાત્રિના લગભગ એક મહિના પહેલાં બધા સાથે મળીને રિહર્સલ કરે.  તેઓ કહે છે, ‘નવરાત્રિના માત્ર દસ દિવસ માટે રોજના બે કલાક લેખે લોકોને એન્ટરટેઇન કરવા એટલું નથી રહ્યું, પણ સતત લોકોની અપેક્ષાઓમાં ખરા ઊતરીને સતત પોતાને અપડેટ કરતા જવાની પ્રોસેસ પણ છે. એમાં ટીમ તરીકે બને એટલી વધુ મહેનત કરીને જાતને વધુ બહેતર બનાવવાના પ્રયાસો અમે કરતા હોઈએ છીએ.’

parthiv

નવરાત્રિ પહેલાં ક્રીએટિવલી જુદું કરવાનો પડકાર સૌથી મોટો હોય : પાર્થિવ ગોહિલ

પોતાના અનોખા અવાજ અને અંદાજથી ગરબામાં નવો જ ચીલો ચાતરવાના પ્રયત્નો જાણીતા સિંગર પાર્થિવ ગોહિલ કરી રહ્યા છે. તેમની નવરાત્રિ લગભગ છ મહિના પહેલાં જ શરૂ થઈ ગઈ છે. તેઓ કહે છે, ‘મારો પ્રયત્ન એવો છે કે લોકો ગરબાનાં ગીતોમાં વૈવિધ્ય માણે. આ વર્ષે અમે પ્રયત્ન કર્યો છે કે દરરોજનો ત્રીસ મિનિટનો એક સ્પેશ્યલ રાઉન્ડ રાખવો અને જુદાં-જુદાં સ્થળના ટ્રેડિશનલ ગરબાને એમાં આવરી લેવા. જેમ કે શેરી ગરબા, વડોદરાના ગરબા, કચ્છી ગરબા. માતાજીની કૃપાથી અમને એમાં લોકોનો ખૂબ સારો રિસ્પૉન્સ પહેલા દિવસે મળ્યો છે. દરેક ગરબાની ખાસિયત પ્રમાણે અમે ત્યાંના સ્પેશ્યલ કલાકારોને પણ આમંત્રિત કર્યા છે. કચ્છથી ઢોલીઓની ટીમ, શરણાઈવાદકોની ટીમ, નાશિકથી નાશિક ઢોલનું બૅન્ડ એમ આર્ટિસ્ટ આવવાના છે. જુઓ, એક વાત નક્કી છે કે આજે બધે જ નવરાત્રિ થાય છે અને રંગેચંગે થાય છે ત્યારે કંઈક અલગ અને લોકોને મજા પડે એવું આપવાની જવાબદારી વધી જતી હોય છે. એમાં રિસર્ચ કરવું પડતું હોય છે. એ દૃષ્ટિએ કહું તો નવરાત્રિ અમારા માટે માત્ર નવ દિવસ નહીં, પણ બારે માસ મગજમાં તો ચાલુ જ હોય છે.’

કન્ટેન્ટની જેમ પાર્થિવ પોતાના લુક પર પણ વિશેષ ધ્યાન આપે છે. ગયા વર્ષે તેમણે ટ્રેડિશનલ ગરબામાં પચાસ વર્ષ પહેલાં જે ડ્રેસ પુરુષો પહેરતા એ પ્રકારનું ડ્રેસિંગ તૈયાર કર્યું હતું સાથે જ હાથ-પગમાં કડાં, ગળામાં માળા એમ ટિપિકલ કાઠિયાવાડી અવતાર ધારણ કર્યો હતો. બેન્ઝર અને કોરાના મિહિર અને મિતેશ તેમના ડ્રેસનું ડિઝાઇનિંગ સંભાળે છે.

osman mir

કપડાં અને દેખાવ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું મુંબઈ આવીને : ઓસમાણ મીર

તબલા પ્લેયર તરીકે સંગીત સાથે સંકળાયેલા ઓસમાણ મીરનાં પૉપ્યુલર હિન્દી સૉન્ગ્સ આવી ગયાં છે અને લગભગ સિત્તેર જેટલી ગુજરાતી ફિલ્મોમા ગીત ગાઈ ચૂકેલા ઓસમાણભાઈને નવરાત્રિમાં સ્ટેજ-શો આપતાં પણ હવે દસેક વર્ષ થઈ ગયાં છે. ચાર વર્ષ લાગલાગટ તેમણે મસ્કતમાં નવરાત્રિ કરી હતી. મુંબઈમાં પણ પાંચેક વર્ષ થઈ ગયાં છે. સ્વરમાં જ ઈશ્વર સમજતા ઓસમાણભાઈ જ્યારે પહેલી વાર મુંબઈ આવ્યા ત્યારે તેમને ખબર પડી કે અહીં ભાઈ માત્ર સારું ગાવાથી નહીં ચાલે, તમારે દેખાવ અને કપડાં પર પણ ખાસ ધ્યાન આપવું પડશે. એ સમયના પ્રસંગોને યાદ કરતાં તેઓ કહે છે, ‘હું તો એમ જ માનતો કે તમે દિલ દઈને ગાઓ એટલે ભગવાન રાજી થાય. જોકે મુંબઈ પહેલી નવરાત્રિ હતી ત્યારે મારાં કપડાં માટે માણસ બોલાવવામાં આવ્યો. એ સાથે દેખાવ માટે વાળની અને સ્કિનની ટ્રીટમેન્ટ થઈ. એ વખતે મને બહુ અજુગતું લાગતું, પણ હવે તો એ સમજાઈ ગયું છે કે શો બિઝનેસમાં દેખાવનું મહત્વ પણ છે. એટલે નવરાત્રિ પહેલાં સંગીતની સાધના અને પ્રૅક્ટિસ પણ કરવાનાં જ, પણ સાથે દસ દિવસનાં કપડાંથી લઈને તમારા ચહેરાના દેખાવને નિખારવા માટે પણ સક્રિય રહેવાનું. કલાકાર તરીકે તમારા માથે તમારા ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઊતરવાની જવાબદારી હોય છે. એ નિભાવવા માટે દેખાવ પર પણ ધ્યાન આપવું પડે તો આપવું જોઈએ. માત્ર લુક નહીં, પણ રિહર્સલ પણ બધા જ મ્યુઝિશ્યનની હાજરીમાં બરાબર કરવું પડે અને એમાં ઘણી વાર તમારા પોતાના શો પણ જતા કરવા પડે. તમે તમારા રિહર્સલ સેશન કૅન્સલ કરીને શો માટે ન જઈ શકો, કારણ કે અહીં પ્રશ્ન ૨૦-૨૫ મ્યુઝિશ્યનની હાજરીનો હોય છે.’

ઓસમાણભાઈની મુંબઈની શરૂઆતની નવરાત્રિઓમાં તેમનું પોતાનું જ ‘ગોલિયોં કી રાસલીલા - રામ-લીલા’નું ગીત ખૂબ પૉપ્યુલર હતું, પરંતુ એ પછી તેમણે અહીંની બમ્બૈયા સ્ટાઇલને પોતાની દેશી સ્ટાઇલ સાથે બરાબર સંયોજિત કરીને એક જુદો જ અર્ક લોકોને મળે એવા પ્રયત્ન કરવાના ચાલુ રાખ્યા છે અને લોકોએ પણ એને મન મૂકીને માણ્યા છે. તાજેતરમાં તેમનાં ‘રમઝટ’ અને ‘જય અંબે’ નામનાં ગરબાનાં બે નવાં જ આલબમ પણ લૉન્ચ થયાં છે. 

bhoomi

મમ્મી-પપ્પાને ફોન કરીને વાત કરું પછી જ સ્ટેજ પર પગ મૂકું : ભૂમિ ત્રિવેદી

બુલંદ અને લહેકાદાર અવાજે જેને પૉપ્યુલરિટીની ચરમસીમા પર મૂકી દીધી છે એવી મ્યુઝિકની મહારાણી ભૂમિ ત્રિવેદીની નવરાત્રિ મે મહિનાથી શરૂ થઈ ગઈ છે. મતલબ કે લગભગ પાંચ મહિના પહેલાંથી જ. આ વર્ષે મુંબઈમાં સતત સાતમા વર્ષે નવરાત્રિનો જલસો કરાવી રહેલી ભૂમિ પર્સનલ સ્ટાઇલિંગ અને રેજિમથી લઈને સ્ટેજની રચના અને  સાઉન્ડના પ્લેસમેન્ટ સુધી અને મ્યુઝિકની ક્વૉલિટી પર પણ પૂરતું ધ્યાન આપવાની આગ્રહી છે. બે મહિના પહેલાં ભૂમિ અમેરિકામાં શો કરવા ગઈ ત્યારે જ તેનાં ફ્યુઝન કપડાનું મેકિંગ ચાલુ થઈ ગયું હતું. ભૂમિ કહે છે, ‘જ્યારે તમે સ્ટેજ પર હો ત્યારે તમારા અવાજ સાથે તમારા દેખાવ પર પણ લોકોનું ધ્યાન હોય છે. એમાં પણ ગાતાં-ગાતાં ડાન્સ કરવાની મારી આદતને કારણે હું પ્રયત્ન કરું કે ફ્યુઝન કપડાં હોય. આ વખતે હું અમેરિકા હતી તો ત્યાંથી મારા મુંબઈના ડિઝાઇનરે મેઝરમેન્ટથી લઈને ડિઝાઇનિંગનું ડિસ્કશન વિડિયો-કૉલિંગ પર કર્યું હતું. દસ દિવસના દસ ખાસ ડ્રેસ ડિઝાઇન થાય અને એમાં પણ જરૂરી હોય એ બધું જ જે જ્યાંથી ફેમસ હોય ત્યાંથી લવાય. જેમ કે કચ્છી વર્ક માટે કચ્છની સ્પેશ્યલિટીની જરૂર પડે તો ત્યાંથી જ આવે એવો આગ્રહ હું રાખતી હોઉં છું. બને ત્યાં સુધી દસ દિવસના દસ રંગ ફૉલો કરવાના પ્રયત્ન પણ હું કરતી હોઉં છું જેથી ઑડિયન્સ તરત જ ડ્રેસિંગને કારણે પણ તમારાથી કનેક્ટ થઈ જાય. નવરાત્રિમાં તમારી સંસ્કૃતિ તો તમારાં કપડાં અને સ્ટાઇલિંગમાં દેખાવી જ જોઈએ એવો હું આગ્રહ રાખતી હોઉં છું.’

આ સાથે જ પોતાની તબિયતનું ધ્યાન રાખવા માટે નિયમિત ધોરણે ભૂમિ હળદરનું દૂધ પીવું, જેઠીમધનો પાઉડર લેવો જેવા પ્રયત્ન કરતી હોય છે. જોકે એ સિવાય ખાવાપીવામાં તે ખાસ કૉમ્પ્રોમાઇઝ નથી કરતી. તે કહે છે, ‘હું ખાવાપીવામાં બહુ પરેજી નથી પાળતી એ છતાં મારો અવાજ નૅચરલી મેઇન્ટેઇન્ડ રહે છે. નિયમિત કસરત અને રિયાઝ અચૂક કરું છું. દસ કલાકની પૂરતી ઊંઘ કરું છું. બે મહિના પહેલાં અમારું રિહર્સલ શરૂ થઈ જાય છે, જેમાં મ્યુઝિશ્યન સાથે બેસીને ગુજરાત અને મુંબઈના ગરબાનું લગભગ બસો જેટલા ગરબાનું લિસ્ટ બનાવીને હું આપી દેતી હોઉં છું. હું પોતે મૂળ વડોદરાની છું અને ત્યાં તો વધુમાં વધુ ટ્રેડિશનલ ગરબા જ ગવાય છે એટલે એ ગરબા પણ મુંબઈના લોકોને સાંભળવા મળે એવા પ્રયત્નો મેં છેલ્લાં વર્ષોમાં કર્યાં છે.’

ભૂમિએ નવરાત્રિ માટે અને એ સિવાયના તમામ સ્ટેજ-શો માટે એક નિયમ બનાવ્યો છે. તે કહે છે, ‘ચાહે ક્યાંય પણ કેમ ન હોઉં, પણ એક નિયમ હું કોઈ પણ પફોર્ર્મન્સ આપતાં પહેલાં બરાબર પાળું છું અને એ છે પ્રોગ્રામ પહેલાં મમ્મી-પપ્પા સાથે ફોન કરવાનો નિયમ. એ લોકો મારા લકી ચાર્મ છે અને તેમના બ્લેસિંગ્સ મળે એટલે બધાં કાર્ય સફળ થાય જ. એ લોકોને પણ મારું શેડ્યુલ લગભગ ખબર હોય એટલે મારા ફોન માટે તેઓ પણ અલર્ટ જ હોય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK