સહિયારા શ્વાસ કરીએ

મૂળ સાવરકુંડલાના પણ હાલ રાજકોટ રહેતા વયસ્ક શાયર દયારામ મહેતાનો બીજો ગઝલસંગ્રહ ‘સ્વ-છંદી ગઝલ છું’ પ્રગટ થયો છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

કવિતાક્ષેત્રે અનેક આગિયા શાંતપણે પોતાનું કામ કરી રહ્યા છે. એમાંથી આ શાયરના થોડાક ચમકારાને કલમના કૅમેરામાં ક્લિક કરીએ.       

સત-રંગી આ પ્રણયના, હર રંગ જોઈ લીધા

કોઈ વાર છે ઉદાસી, કોઈ વાર છે ગુલાબી

ભરપૂર જીવવા તું, કોઈ ફૂલથી શીખી લે

હર શ્વાસમાં સુગંધો, રફ્તાર છે ગુલાબી


ટીવીમાં મિલ્યન કલરનો દાવો કરતી કંપનીઓને પણ ચકરાવે ચડાવે એટલા ટ્રિલ્યન કલર પ્રેમના પારાવારમાં છે. સદીઓથી આ વિષય લખાયો, નિરુપાયો, ચર્ચાયો, ગવાયો છતાંય એનો પૂરેપૂરો તાગ નથી મળતો. દરેક કિસ્સો પોતાની વાત લઈને પ્રગટ થાય છે. જિંદગીનો ઘાટ તો બધાને મળી જાય, પણ એને ઘડવાનું કામ દરેકે પોતે કરવાનું હોય.    

સંગેમરમરને હથોડી-ટાંકણાં મળશે ઘણાં

પ્રાણ પ્રગટાવી શકે એ આંગળાં મળતાં નથી


કોઈ પણ કલા એકાગ્રતા અને નિષ્ઠા માગી લે છે. કલાને સાચવવી એ તિજોરી સાચવવા કરતાં વધારે અઘરું કામ છે. આજે ૮૨ વર્ષની વયે પણ પદ્મશ્રી સ્વરકાર પુરુષોત્તમ ઉપાધ્યાય નિયમિત રિયાઝ કરે છે. કોઈ કવિએ છ મહિને હાથમાં પેન પકડી હોય તો અનુસંધાન ક્યાંક બટકી રહ્યું છે એવી અનુભૂતિ થાય. કોઈ પણ ક્ષેત્રમાં સફળતા માટે પુરુષાર્થ અને ધૈર્ય બન્ને જોઈએ. નસીબ દરેક પાસે નથી હોતું.

ધીરજ છે વાત મોટી, રાખી શકાય જો

સુરદાસનેય છેવટે, કાન્હો મળી જશે

અંતિમ પડાવની તું ચિંતા ન કર જરા

તું કાપ પંથ અરધો, અરધો મળી જશે


આરંભ ક્યાંક તો કરવો પડે. કાગળ પર ઘડેલી અબજો રૂપિયાની રૂપાળી યોજના જ્યાં સુધી અમલમાં ન મુકાય ત્યાં સુધી કોડીની જ રહેવાની. પ્રલંબ ચર્ચા કે વાદવિવાદ પરિણામમાં નિરુપાય નહીં તો આખરે એમાં બરબાદ થયેલો સમય વાંઝિયો રહી જાય. સંસારમાં રહેવું હોય તો સંસારની સમસ્યાઓને ઉકેલીને જ આગળ વધવું પડે. શાયર એક વાસ્તવિકતા તરફ આંગળી ચીંધે છે...     

બસ, ફક્ત એક જ વખત, જિંદગી મળતી અહીં

એ સમજ આવી ગઈ, આંખ ખૂલી જ્યારથી

હું સ્વયં કેદી અહીં, હું જ પહેરેદાર છું

વ્યર્થ આ મથવું બધું, છૂટવા સંસારથી


ઘરમાં હોય કે સમાજમાં, આપણે વિવિધ સ્વભાવોની વચ્ચે પોતાનો ભાવ ટકાવવાનો હોય છે. કેટલીય વાર કારર્કિદી અને પરિવાર વચ્ચેનું સંતુલન જળવાય નહીં અને એકનું પલ્લું ઉપર જાય તો બીજાનું પલ્લું નીચે નમે. આપત્તિ વખતે જેની પાસે અપેક્ષા રાખી હોય એ સ્વજન કે મિત્ર ચૂપકેથી ઓસરી જાય ત્યારે કોઈ તો ટેકો આપવાવાળું જોઈએ.

જ્યાં ખસી જાતા બધા, ત્યાં લાજ રાખે છે ખુદા

આબરૂ સચવાઈ ગઈ, એની ખબર મોડી પડી

ખર્ચનું સરવૈયું જોવામાં સમય વીતી ગયો

જિંદગી ખર્ચાઈ ગઈ, એની ખબર મોડી પડી


ઠોકરો શિક્ષકનું કામ કરે છે. પડીએ-આખડીએ પછી એમાંથી તારણ નીપજતું હોય છે. ડાયાબિટીઝને અંકુશમાં રાખવા માટે શું કરવું જોઈએ, બ્લડ-પ્રેશર ન થાય એ માટે કેવી જીવનશૈલી અપનાવવી જોઈએ વગેરે બાબતો વિશે કોઈ અનુભવી ડૉક્ટર લેક્ચર આપે તો સ્વસ્થ માણસને એ બોરિંગ લાગવાનું; પણ રિપોર્ટમાં જેવી શુગર વર્તાઈ કે હાંફળોફાંફળો થઈને ડૉક્ટરની સૂચનાઓ ફંફોળવા લાગશે. આપત્તિ પહેલાં અગમચેતીનાં પગલાં લેવા કરતાં આપત્તિ આવે પછી જાગવાનું આપણને વધારે ફાવે છે. ચંચળતા આપણા લોહીમાં જ હોય છે. સ્થિતપ્રજ્ઞતા કેળવવી પડે.

એને ખબર છે, એ પણ વીતી જવાનું છે

નિર્લેપ આભ હોય છે, આંધી-તુફાનમાં


જેણે જિંદગીના પાનખર અને વસંત બન્ને જોઈ હોય એ માણસ પાનખરમાં હતાશ નથી થતો અને વસંતમાં છાકટો નથી થતો. ભરતી સાથે ઓટ પણ જોડાયેલી છે. તેજી અને મંદીની સાઇકલ ચાલતી જ રહેવાની. મધ્યમ માર્ગની સમજણ આઘાતને પચાવી જાણે છે.

હું ઊર્ણનાભ માફક જીવી જઉં, ઘણું છે

જય હો કે હો પરાજય, આપણ પ્રયાસ કરીએ

શ્વાસોમાં લીન થઈને, ભૂલી જા ખુદ તને તું

સહુ હાય-હાય છાંડી, થોડીક હાશ કરીએ


ક્યા બાત હૈ


સ્થિર છું, અસ્થિર છું; હું તો છૂટેલું તીર છું

હું જ અર્જુન, હું શિખંડી, ભીષ્મની તકદીર છું

હું જુગારી દાવ ખેલી સંકટોને નોતરું

હું સભાજન, હું દુ:શાસન, દ્રૌપદીનાં ચીર છું

વેગ મારો હું જ ઝીલું; પણ પ્રગટ રીતે નહીં

હું જટાધારી છું શંકર, હું જ ગંગા-નીર છું

ઇશ્ક તો બહાનું ફક્ત છે, હું જ ચાહું છું મને

હું જ લયલા, હું જ મજનૂ, હું જ રાંઝા-હીર છું

આસ્થાની ઓથમાં પરદાની પાછળ હું રહું

નીકળે કાબાથી ગાલિબ! એ સનમ કાફિર છું

શું વિજય કે શું પરાજય, હું સમયની ચાલ છું

હું સિકંદર, હું જ પારસના પગે ઝંઝીર છું

       - દયારામ મહેતા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK