મા - મારે પણ તું તા - તારે પણ તું જી - જીવાડે પણ તું

મારા પ્રથમ વિચારને ગ્રીન સિગ્નલ મળ્યું ને મનમાંથી પહેલો વિચાર બહાર નીકળ્યો કે સીઝન પૂરી થવા આવી તોય આવો ધોધમાર વરસાદ.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

બુલેટ ટ્રેન કરતાં પણ તીવ્ર ગતિના વાહનની મુલાકાત લેવી હોય તો તમારે મારા મનના પ્લૅટફૉર્મ પર આવવું પડે જ્યાં વિચારોની સ્પીડ જોઈ નવાઈ પામો અને લાંબુંલચક બોલી ઊઠશો વાઉ... પણ હવે એ વિચારોનો ટ્રાફિક એવો જૅમ થઈ જાય છે કે કયા વિચારને પહેલો છોડવો એ મગજ નામનો ટ્રાફિક-પોલીસ નક્કી કરે...

ખબરદાર જો આવતા વર્ષે કોઈએ ભૂલથી પણ કવિતા ગાઈ છે કે આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ... વિકાસ ગાંડો થયો પણ વરસાદ એના કરતાં વધુ ગાંડો થયો છે. સાલું મેં પણ વરસાદને તમારી જેમ એને પ્રેમિકાની જેમ વરસવાનું કીધેલું પણ એ તો ઘરવાળીની જેમ તૂટી પડ્યો. એમાં ઘણા હલબલી ગયા. ઍન્ડ યુ નો? આ વર્ષે વરુણદેવ દર વર્ષ કરતાં ૧૮ ટકા વધુ વરસ્યા. શું કામ? અરે ૧૮ ટકા GST. હવે જો ભગવાન જેવો ભગવાન ૧૮ ટકા GST ચૂકવતો હોય તો આપણે તો માણસ છીએ. GSTથી કેવા ગભરાઈ ગયા છીએ. ને યુ બિલીવ? આવા વરસાદથી તો માતાજી પણ ગભરાઈ ગયાં છે. નવરાત્રિમાં પોતે જ ટેન્શનમાં આવી ગયાં છે. અમે ઘણી વાર ગાયું મા પાવા તે ગઢથી ઊતર્યાં મહાકાળી રે તો કેટલાક લાળપાડુઓએ હેં! માતાજી શું પાવા ઊતર્યાં, દારૂ કે દૂધ? એવા અઘરા સવાલ કર્યા. ટોપાઓ, તે મા છે. ઊતરે તો દૂધ પાવા જ ઊતરે. પણ વરસાદમાં માતાજીએ પાવાગઢથી નીચે ઊતરવાની ના પાડી. મા અંબે અને બહુચરનાં વાહન વાઘ અને કુકડાએ પણ વરસાદમાં સૉરી કહી સવારી લેવાની ના પાડી એટલે માતાજી તો મોબાઇલના વૉટ્સઍપમાંથી બહાર જ ન આવ્યાં ને પેલા વૉટ્સઍપિયા ચાલુ થઈ ગયા. માતાજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે. સુખસમૃદ્ધિ, વૈભવ, ખ્યાતિથી તમારા જીવનની ખુશીઓને ભરી દે એવી નવરાત્રિની શુભેચ્છા. તારી ભલી થાય ચમના, શ્રાવણમાં તેં શંકર માટે કીધેલું પછી તેં ગણપતિ માટે ને હવે માતાજી માટે. આઇના વહી રહતા હૈ, ચેહરે બદલ જાતે હેં. કબૂલ, દરેકને પોતપોતાની શ્રદ્ધા હોય છે. પણ આમ જો ભગવાન કે માતાજીઓ સુખસમૃદ્ધિ આપતાં હોય તો ‘દુ:ખી’ શબ્દનો જનમ જ ન થયો હોત અને આપણને માતાજી કે ભગવાન ભૂલથી પણ સુખસમૃદ્ધિ આપે તો ઓછી જ પડે. યાદ રાખો, ઇચ્છા જેવું કોઈ દુ:ખ નથી અને સંતોષ જેવું કોઈ સુખ નથી...

અને એટલે જ મોદીસાહેબના મગજમાં બુલેટ નામની બુલેટ એવી ઘૂસી ગઈ કે બુલેટ ટ્રેનનો વિચાર ઘર કરી ગયો ને જપાનના વડા પ્રધાન શિન્ઝોભાઈ આબેને આમંત્રણ આપ્યું અને કીધું, એક અકેલા થક જાએગા મિલકર બોજ ઉઠાના; સાથી હાથ બઢાના. મિત્રો તમને એક ખાનગી વાત કહું? બે માસ પહેલાં શિન્ઝોભાઈ આવેલા ત્યારે મોદીજીએ ગંગા નદીના કિનારે ત્રણ કલાકની આરતીમાં સાથે રાખેલા. આરતી પછી શિન્ઝો આબે બોલ્યા, મોદીજી, આમ ત્રણ કલાકની બધાને ફુરસદ હોય તો બુલેટ ટ્રેનને શું ધોઈ પીવી છે?

પણ બાળકની ચૉકલેટની જેમ મોદીજી જીદે ચડ્યા ને વિનંતી કરી પ્લીઝ, આ વર્ષે અંબે (માતા) તો નથી આવ્યાં, પણ આબે તમે તો આવ્યા છો. તો હેલ્પ અસ અંબે... સૉરી આબે. ત્યાં તો ૮૮,૦૦૦ કરોડ આપવા તૈયાર થઈ ગયા. યુ નો? ગુજરાતીઓ ભલભલાને બાટલીમાં ઉતારવાની તાકાત ધરાવે છે. ને જેવા ૮૮,૦૦૦ ડિક્લેર કર્યા કે તરત જ મેં ગાયું ઓ કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ને આવી પહોંચી બુલેટ ટ્રેનના ઉદ્ઘાટનની ઘડી - ૧૪.૦૯.૨૦૧૭.

મેં શેન્ઝોનું સ્વાગત કર્યું ને કીધું, ભૈ શેન્ઝો, સાચું કહું? કબૂલ કે અમારા પેટના ખાડા ગયા તેલ પીવા, પણ આપણા આગમનથી કમર તોડી નાખતા ઓમ પુરીના ખાડાટેકરા જેવા ગાલમાંથી હેમા માલિનીના ગાલ જેવા લીસા રોડ થઈ ગયા ને અમે રોડ-શો કરી શક્યા. હવે અમે હોઈએ કે ન હોઈએ, બુલેટ ટ્રેન ચાલે કે ન ચાલે, પણ અમારાં વાહનો બરાબર ચાલતાં થઈ જશે એ પ્રગતિ જ છે. ભલે મોદી અમારા દેશના વડા પ્રધાન હોવા છતાં કામમાં ન આવ્યા, પણ એક વિદેશી વડા પ્રધાન થઈને આ કામ કરી બતાવ્યું એ બદલ આભાર. અમારા મોદીજીનો વિકાસ હવે કહ્યામાં નથી, ગાંડો થયો છે. પણ આપ જેવા વિદેશી મામાઓ આવે એટલે ડાહ્યોડમરો થઈ જાય. તમે જો બે કલાક મુંબઈ માટે પણ ફાળવ્યા હોત તો ગટરને ઢાંકણાં લાગી ગયાં હોત, પણ વાંધો નઈ જે થયું તે. ન મામા કરતાં જપાની મામો શું ખોટો એમ માની સંતોષ માનીશું. રેલવેમાં તો સુરક્ષાના નામે ૧૪ ટકાનો ભાડાવધારો કર્યા પછી અકસ્માતની હારમાળા એવી સરજાઈ ને હાલત એવી થઈ ગઈ કે પહેલાં અમારો સગો ટ્રેનમાં પહોંચી મેસેજ કરતો, પહોંચી ગયો છું. હવે મેસેજ કરે છે કે જીવતો પહોંચી ગયો. જુઓ શેન્ઝોભાઈ, અમારા મોદીઅંકલ છેલ્લાં ત્રણ વર્ષથી વિકાસ નામની બુલેટ ટ્રેન ચલાવવાનો પ્રયત્ન કરે છે, પણ અનુભવનો અભાવ એટલે ભૂલથી ગિઅર રિવર્સ પડી ગયું. મોદીજી ખુશ, મોદીભક્તો ખુશ. વિકાસ દોડે છે... દોડે છે... પણ ખબર જ ન પડી કે આ ઊંધો દોડે છે. GDP ઊંધો, ડૉલર સામે રૂપિયો ઊંધો, ધંધારોજગાર ઊંધા, નોટબંધીના નિર્ણય ઊંધા. બધું ઊંધમ ઊંધે ઊંધા: ઘણાએ કીધું મોદીસાહેબ, ગિઅર ન બદલી શકો પણ બ્રેક તો મારો. તે બિચારા બ્રેક મારવા ગયા તો  ભૂલથી ઍક્સેલરેટર પર પગ મુકાઈ ગયો ને વિકાસ નામની બુલેટ ટ્રેને ઓર સ્પીડ પકડી. આબેભાઈ, અમારા ગુજરાતીઓમાં આવજો કહેવાનો રિવાજ છે એટલે આવતા રહેજો ને ન આવી શકો તો આજુબાજુના દેશના વડા પ્રધાનને મોકલતા રહેજો જેથી અમને ચાર દિન કી ચાંદનીનો અનુભવ થાય...

મિત્રો, મારી બા નવરાત્રિમાં પ્રાર્થના કરે છે, હે મા, મારા ઉપર જાતાં પહેલાં બુલેટનાં દર્શન કરાવજો. અત્યાર સુધી બંદૂકની ગોળીને જ બુલેટ તરીકે ઓળખાતી. પણ અમારે તો માતાજી એટલે મા - મારે પણ તું, તા - તારે પણ તું, જી - જીવાડે પણ તું.

મોદીજી, લોકલ ટ્રેન પણ લેટ જ ચાલે છે. બુલેટની ખબર નથી, પણ એક પ્રૉમિસ આપો કે સમયસર ન ચાલે તો ટ્રેનની અંદર થેપલાં, છૂંદો, ઢોકળાં આપણા તરફથી મળશે.

વિનંતી - બુલેટ ટ્રેન માટે આપણી મદદ માગી, પણ એવું શિક્ષણ ન આપી શકાય કે કોઈ આપણા દેશની મદદ માગે?

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK