બે જાંબાઝ બહેનોની જાગૃતિ અને RTIની તાકાતે મોબાઇલ-ટાવર તોડવા અધિકારીઓને મજબૂર કર્યા

મધ્ય મુંબઈના ચિંચપોકલી (ઈસ્ટ) વિસ્તારની શેઠ દામજી લક્ષ્મીચંદ જૈન કૉલોનીમાં રહેતી બે જાંબાઝ બહેનો નામે બીના શાહ અને મનીષા ગિલયાની જાગૃતિ તથા સક્રિયતાની ઉદાહરણરૂપ કથા છે.

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

બાજુના મકાનની અગાસી પર એક મોબાઇલ-ટાવર હતો જે હરહમેશ તેમને ખટકતો હતો. મોબાઇલ-ટાવરને કારણે થતા રેડિયેશનની આડઅસર વિશે અવારનવાર તે છાપામાં વાંચતી હતી. આટલું ઓછું હોય એમ બીજામોબાઇલ-ટાવરનું ઇન્સ્ટૉલેશન ટાવરમાં થતાં બન્ને બહેનોની કમાન છટકી.

બીનાબહેને તેમની બહેનપણી મનીષાબહેનને પોતાની મનોવેદના જણાવી. બન્નેએ કૉલોનીની અન્ય બિલ્ડિંગની બહેનોને વાત કરી. બધી બહેનો તેમની ચિંતામાં સહભાગી થઈ.

તરુણ મિત્ર મંડળ સંચાલિત રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ચળવળના સક્રિય અને સંનિષ્ઠ સેવાભાવી મનોજ પારેખ તેમની જ કૉલોનીમાં રહેતા હોવાથી બન્ને બહેનોએ તેમને વાત કરી અને આ કાર્યમાં મદદ અને માર્ગદર્શન આપવાની વિનંતી કરી. મનોજભાઈએ શાંતિથી અને વિગતે તેમની વાત સાંભળી અને યથાયોગ્ય કરવાનું વચન આપ્યું.

મનોજભાઈએ BMCની E વૉર્ડ-ઑફિસને એક ફરિયાદપત્ર લખી આપ્યો જેના પર બન્ને બહેનોએ ઘરે-ઘરે જઈને સહી લીધી. ૯૦ ભાડૂતોની સહી કરેલો પત્ર ૨૦૧૫ની ૧૬ નવેમ્બરે સુપરત કરવામાં આવ્યો.

અપેક્ષા મુજબ જેનો જવાબ આપવાની તસ્દી બાબુઓએ લીધી નહીં એથી ૨૦૧૫ની ૩૦ નવેમ્બરે RTI કાયદા હેઠળ SPIO (સ્ટેટ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર)ને ઉદ્દેશીને પ્રથમ અરજી મનોજભાઈએ બનાવી આપી જેના દ્વારા આ મુજબની માહિતી વિગતે માગવામાં આવી :

૧. અમારા ૨૦૧૫ની ૧૬ નવેમ્બરના પત્ર પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો તેમ જ એની સાંપ્રત સ્થિતિ.

૨. જો ઉપરોક્ત પત્ર પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોય કે અધૂરી કાર્યવાહી કરવામાં આવી હોય તો એ માટે નોંધાયેલાં કારણો જણાવશો.

૩. ઉપરોક્ત પત્ર પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો તથા તેમના સંપર્કની વિગતો જણાવશો.

બીનાબહેને સહી કરેલી આ અરજી ૨૦૧૫ની ૩૦ નવેમ્બરે બિલ્ડિંગ અને ફૅક્ટરી વિભાગના SPIOના કાર્યાલયમાં સુપરત કરવામાં આવી. ૨૦૧૫ની ૩૦ ડિસેમ્બરની તારીખનો જવાબ આપવામાં આવ્યો, જેનો સારાંશ આ મુજબ છે :

૧. અસિસ્ટન્ટ એન્જિનિયર, બિલ્ડિંગ અને ફૅક્ટરી વિભાગ, E વૉર્ડને ઉદ્દેશીને મોકલવામાં આવેલી RTI અરજી, ૨૦૧૫ની ૧૦ ડિસેબરે અમારા વિભાગમાં મળી છે.

૨. આપની RTI અરજીના ક્રમાંક-૧ અને ક્રમાંક-બેના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે આપે માગેલી માહિતી અમારા વિભાગના રેકૉર્ડમાં ઉપલબ્ધ નથી.

૩. આપની RTI અરજીના ક્રમાંક-૩માં માગેલી માહિતી અમારા વિભાગના રેકૉર્ડમાં ઉપલબ્ધ છે જેનું નિરીક્ષણ કરવાની આપને પરવાનગી આપવામાં આવે છે. કાર્યાલયના બપોરના ત્રણથી પાંચ વાગ્યા દરમ્યાન કાર્યકારી સમયમાં (શનિવાર સિવાય) આપ એનું નિરીક્ષણ કરીને જેની નકલ નિશ્ચિત કરેલી રકમ ભરીને મેળવી શકો છો.

૪. એક્ઝિક્યુટિવ એન્જિનિયર, E વૉર્ડ પ્રથમ અપેલેટ ઑફિસરની નિમણૂક RTI કાયદાના પેટાનિયમ-૧૯માં કરવામાં આવી છે જે ઉપરોક્ત સરનામે કાર્યાલય ધરાવે છે.

RTI કાયદાની જોગવાઈ મુજબ જો માહિતી અરજ કરનાર SPIO પાસે ઉપલબ્ધ ન હોય તો પાંચ કાર્યકારી દિવસોમાં જે SPIO પાસે માહિતી ઉપલબ્ધ હોય તેને એ અરજી મોકલવી જોઈએ જેને જાણીજોઈને નજરઅંદાજ કરવામાં આવી અને નરોવા કુંજરો વા જેવો ગેરમાર્ગે દોરનારો જવાબ આપી શેતાની મગજનોપરિચય આપ્યો.

બન્ને બહેનો મનોજભાઈની સાથે E વૉર્ડના SPIOને મળવા ગઈ ત્યારે તેમને જણાવવામાં આવ્યું કે અમારી પાસે માહિતી ન હોવાથી આપની RTI અરજી વડાલા (ઈસ્ટ) સ્થિત બિલ્ડિંગ ઍન્ડ પ્રપોઝલ વિભાગને મોકલવામાં આવી છે. બિલ્ડિંગ ઍન્ડ પ્રપોઝલ વિભાગે પ્રત્યુત્તરમાં જણાવ્યું કે મોબાઇલ-ટાવર માટેની પરવાનગી ડેપ્યુટી ચીફ એન્જિનિયર (બિલ્ડિંગ પ્રપોઝલ), સ્પેશ્યલ સેલ, મ્યુનિસિપલ ટ્રેઇનિંગ સેન્ટર, રાહેજા વિહાર કૉમ્પ્લેક્સ, ચાંદિવલી ફાર્મ રોડ, પવઈ, અંધેરી (ઈસ્ટ) દ્વારા આપવામાં આવે છે એથી આપની અરજી તેમને મોકલાવવામાં આવી છે.

કાર્યને વિલંબિત કરવા તથા ફરિયાદકર્તા નાગરિકને મૂંઝવણમાં નાખીને થકવી નાખવા માટે બાબુઓ એક પછી બીજાને ખો આપતા રહ્યા. વાતનો છેડો ન છોડવાની જીદ ધરાવતી બન્ને બહેનપણીઓ અને તેમના કર્તવ્યનિષ્ઠ રાહબર મનોજભાઈ બાબુઓને પાઠ ભણાવવા કૃતનિયી હતાં.

૨૦૧૫ની ૧૭  ડિસેમ્બરે મનોજભાઈ તથા સાથીઓએ બિલ્ડિંગ ઍન્ડ પ્રપોઝલ વિભાગ BMCના SPIOને ઉદ્દેશીને RTI કાયદા હેઠળ પ્રથમ અરજી બનાવી આપી જે બીજા દિવસે SPIOના કાર્યાલયમાં સુપરત કરવામાં આવી.

એમાં નીચે મુજબની વિગતે માહિતી માગવામાં આવી :

૧. એ ટાવર પર કુલ મોબાઇલ-ટાવર કેટલા છે? કેટલા ટાવર માટેની પરવાનગી આપવામાં આવી છે? તથા તાજેતરમાં નવા મોબાઇલ-ટાવર માટે આપવામાં આવેલી પરવાનગીની આજદિન પર્યંતની વિગતવાર માહિતી આપશો.

૨. DOT (ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશન)ની માર્ગદર્શિકા મુજબ મોબાઇલ-ટાવરના ઍન્ટેના સામે કે નજીકમાં કોઈ મકાન નથી એ જાતની બાંયધરી-પત્ર સોસાયટી અથવા સર્વિસ-પ્રોવાઇડર તરફથી આપવામાં આવ્યો હશે એની પ્રમાણિત કૉપી આપશો.

૩. DOTના ટર્મ સેલ તરફથી અથવા સર્વિસ-પ્રોવાઇડર તરફથી આપવામાં આવેલા ડેક્લેરેશન દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું હોય કે ટાવરમાંથી વ્યસ્ત સમયમાં નીકળતા રેડિયેશનની ઘનતા સલામત લિમિટની અંદર છે.

૪. મોબાઇલ-ટાવરની પરવાનગી માટે સર્વિસ-પ્રોવાઇડર અને સોસાયટી દ્વારા આપવામાં આવેલી અરજી તથા એની સાથે જોડવામાં આવેલા દસ્તાવજો, સર્ટિફિકેટ્સ તથા ડેક્લેરેશનની પ્રમાણિત કૉપીઓ.

૫. ટાવર લગાડવા માટે સોસાયટીના સર્વે સભ્યો અને એમાંય ઉપરના માળા-ટૉપ ફ્લોરના ફ્લૅટધારકોનો નો-ઑબ્જેક્શન લેટર્સ અથવા ડેક્લેરેશન્સ.

૬. સ્ટ્રક્ચરલ એન્જિનિયર દ્વારા આપવામાં આવેલી સ્ટૅબિલિટી સર્ટિફિકેટની કૉપી.

૭. DOT દ્વારા સર્વિસ-પ્રોવાઇડરને આપવામાં આવેલી લાઇસન્સની કૉપી.

૮. જો ટાવર પરનો મોબાઇલ-ટાવર ગેરકાયદે રીતે લગાડવામાં આવ્યો હોય તો એની સામે કાયદેસરનાં પગલાં ન ભરવા માટે નોંધવામાં આવેલાં કારણો.

૯. ગેરકાયદે ટાવર પર પગલાં ભરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો તથા તેમના સંપર્ક-નંબરોની વિગતો જણાવશો.

૧૦. RTI કાયદા હેઠળ નીમવામાં આવેલા પ્રથમ અપેલેટ ઑફિસરનું નામ, હોદ્દો તથા તેમના સંપર્ક માટેની આવશ્યક સંપૂર્ણ વિગતો.

RTI કાયદા હેઠળની આ ધારદાર અરજી મળતાં બાબુઓ પ્રથમ તો હતપ્રભ થઈ ગયા. તેમણે આવી કોઈ અપેક્ષા રાખી નહોતી. ત્રણ-ચાર દિવસ બાદ કળ વળતાં શું કરવું અને શું ન કરવું એની દ્વિધા પર ચર્ચા ચાલતી રહી. જવાબ ન આપે તો ઊલમાં પડે અને આપે તો ચૂલમાં પડે. કટોકટીમાં મૌન સેવવું તથા ધ્યાનસ્થ બની જવુંની પરંપરામાં મળેલી સુવર્ણ સલાહ અનુસરી બાબુઓએ. RTI અરજીનો ન તો જવાબ આપ્યો કે ન તો એના પર કોઈ કાર્યવાહી કરી.

RTI અરજીનો જવાબ આપવાની કાયદાકીય ૩૦ દિવસની સમયમર્યાદા પૂર્ણ થતાં મનોજભાઈએ ૨૦૧૬ની ૨૭ જાન્યુઆરીએ RTI કાયદા હેઠળની પ્રથમ અપીલ બનાવી આપી જે ત્રીજા દિવસે સહાયક આયુક્તના ભાયખલા કાર્યાલયમાં સુપરત કરવામાં આવી. એની સુનાવણી ૨૦૧૬ની ૯ માર્ચે બપોરે ૧૨.૧૦ વાગ્યે યોજવામાં આવી અને એમાં અપીલકર્તા બીનાબહેન તથા મનોજભાઈ તેમ જ જનમાહિતી અધિકારી વતી તેમના પ્રતિનિધિ સોનાવણે હાજર રહ્યા જે સ્વાભાવિક રીતે આરોપીના પાંજરામાં હતા એટલે તેમને માટે કાંઈ પણ બોલવાપણું હતું જ નહીં. બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ કાર્યકારી અભિયંતા-કમ-પ્રથમ અપીલકર્તા અધિકારી દીપક ધુમાળે ચુકાદો આપ્યો જેનો સારાંશ આ મુજબ છે :

૧. અપીલકર્તાની RTI સ્વયંસ્પષ્ટ છે તથા જનમાહિતી અધિકારીએ આપેલા ઉત્તરો દિશાભૂલ કરનારા છે એથી SPIOએ મારી ૩૦-૧૧-’૧૫ની RTI-અરજી જવાબ આપતાં પહેલાં બરાબર વાંચી નથી. અપીલકર્તાની અરજીમાં જણાવેલી વાતથી સત્ય પુરવાર થાય છે. હવે પછી જનમાહિતી અધિકારીએ RTI અરજીનો જવાબ આપતાં પહેલાં સાવધાની રાખવી.

૨. બિલ્ડિંગ પ્રપોઝલ - (શહેર)ના આદેશ અનુસાર...

(અ) પરવાનગી વગરના મોબાઇલ-ટાવર પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો.

(બ) જો કાર્યવાહી ન કરવામાં આવી હોય તો એનાં કારણો.

(ક) સંબંધિત અધિકારી-કર્મચારીઓનાં નામ, હોદ્દાઓ તથા સંપર્કવિગતો સાત દિવસની અંદર વિનામૂલ્યે અરજીકર્તાને આપવી.

આટલું દબાણ બાબુઓ પર યથાયોગ્ય કરવા માટે કરવું અત્યંત જરૂરી હતું એથી ૨૦૧૬ની ૧૦ ફેબ્રુઆરીએ RTI કાયદા હેઠળ ફરી એક પ્રથમ અપીલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર બિલ્ડિંગ પ્રપોઝલ સિટી-૨, વડાલા સ્થિત કાર્યાલયના પ્રથમ અપેલેટ ઑફિસરને કરી જેની સુનાવણી ૨૦૧૬ની ૪ માર્ચે રાખવામાં આવી હતી.

સુનાવણી દરમ્યાન SPIOએ જણાવ્યું હતું કે ‘અમારા વિભાગે ટાવર્સની પરવાનગી આપી નથી. ડેપ્યુટી ચીફ એન્જિનિયર (બિલ્ડિંગ પ્રપોઝલ) સ્પેશ્યલ સેલે પરવાનગી કદાય આપી હોવી જોઈએ.’

અપીલકર્તાએ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે સ્પેશ્યલ સેલનો પત્ર તેમની પાસે છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે મોબાઇલ-ટાવર માટે કોઈ પરવાનગી આપી નથી. અપીલ દરમ્યાન અપીલકર્તાએ વર્ધમાન ટાવરના CS (કૅડેસ્ટ્રલ સર્વે) નંબર આપ્યા. બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ અપેલેટ અધિકારી સી. પી. મેટકરે આદેશ આપતાં જણાવ્યું કે...

SPIOને ફરી એક વખત ફાઇલ શોધવાનો હુકમ કરવામાં આવે છે. જો પરવાનગી આપવામાં ન આવી હોય તો E વૉર્ડના બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી વિભાગને કાયદેસર પગલાં ભરવાનું જણાવે.

૨૦૧૬ની ૧ જૂને મનોજભાઈએ ધી મ્યુનિસિપલ કમિશનર અજૉય મેહતાને મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કૉપોર્રેશન ઍક્ટના સેક્શન-૬૪-C તથા ૭૨-C હેઠળ બે અલગ ફરિયાદો નોંધાવી.

આ સમગ્ર મહેનતની ફળશ્રુતિ સ્વરૂપે કાલાચૌકી પોલીસ-સ્ટેશનના પ્રોટેક્શન હેઠળ BMC, E વૉર્ડના બિલ્ડિંગ ઍન્ડ ફૅક્ટરી વિભાગ ભાયખલાએ ૨૦૧૬ની બીજી સપ્ટેમ્બરે ટાવર પર લગાડવામાં આવેલો મોબાઇલ-ટાવર ડિમોલિશ કરી નાખ્યો.

બીનાબહેન તથા મનીષાબહેનની નાગરિક જાગરૂકતા તથા મનોજભાઈની તનતોડ મહેનતને કારણે અશક્ય અને અસંભવિત દેખાતું કાર્ય ૧૦ મહિનામાં RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગને કારણે સંપન્ન થયું અને RTIની તાકાત ફરી એક વખત સ્થાપિત થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK