જ્યારે ૧૬ ડબ્બાની ટ્રેન જ તમારું ઘર હોય, એ પણ સાડાસાત મહિના માટે

ભારતભરનાં વિવિધ રાજ્યોનાં ૬૮ રેલવે-સ્ટેશન પર જઈને લોકોમાં વિજ્ઞાનને લગતી અવેરનેસ લાવતી આ ટ્રેનના સ્ટાફ માટે ટ્રેનમાં જ રહેવાનો અનુભવ કેવો હોય છે, કેવા-કેવા પડકારોનો સામનો તેમણે કરવાનો રહે છે એ વિશે તેમની સાથે થયેલી રસપ્રદ વાતો વાંચો

science

રુચિતા શાહ

નામ : ભૂપેન્દ્ર ભિલોચા, રહેઠાણ : પાલનપુર, કામ : ખેતમજૂરી. ભૂપેન્દ્ર ભિલોચાનું આ પ્રોફાઇલ આજથી નવ વર્ષ પહેલાંનું છે. નવ વર્ષમાં તેમનામાં ધરમૂળથી બદલાવ આવ્યો છે. હિન્દી બોલવાની તકલીફ હતી ત્યાં આ ભાઈ થોડું-થોડું અંગ્રેજી પણ બોલી જાણે છે. મજૂરી કરીને પૈસા કમાતા આ ભાઈ હવે રેલવેના એન્જિનને લગતું ટેક્નિકલ નૉલેજ જાણે છે. એન્જિન સહિતની ૧૪ ડબ્બાની ટ્રેનના એકમેવ સારથિ તરીકે તેઓ શ્રેષ્ઠ સેવા બજાવી રહ્યા છે. આ બધાનું શ્રેય જાય છે સાયન્સ એક્સપ્રેસને. ૨૦૦૭માં ભારત સરકારના સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી ડિપાર્ટમેન્ટ દ્વારા પહેલી વાર ૧૬ ડબ્બાની ઍર-કન્ડિશન્ડ ટ્રેન દ્વારા વિજ્ઞાનનું હરતુંફરતું પ્રદર્શન શરૂ થયું હતું. અત્યાર સુધીમાં આ ટ્રેને આવી આઠ ટૂર કરી લીધી છે અને આ વખતે એની નવમી ટૂરના ભાગરૂપે એ મુંબઈમાં છે. એક લાખ છપ્પન કિલોમીટરના પ્રવાસમાં ૫૦૭ લોકેશન પર આ ટ્રેન જઈ આવી છે અને ૧૭૪૬ એક્ઝિબિશનના દિવસોમાં લગભગ એક કરોડ ને ૬૮ લાખ લોકોએ એની મુલાકાત લીધી છે. વિજ્ઞાનના વિવિધ પ્રશ્નોને ખાસ અંદાજમાં રજૂ કરીને બાળકોમાં એના પ્રત્યે આકર્ષણ જગાડવાના આ પ્રયાસમાં જે રીતે દેશના સામાન્ય લોકોને કંઈક ખાસ મળ્યું છે એ જ રીતે આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લોકોમાં પણ આ ટ્રેને કલ્પનાતીત બદલાવ લાવ્યો છે. સરકારની આ પહેલને મેનેજ કરવાનું કામ વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા થઈ રહ્યું છે. આ સંસ્થાએ દેશભરના અઢળક વિજ્ઞાનપ્રેમીઓને આ સાયન્સ જુવાળમાં સામેલ કર્યા છે. આ સાયન્સ એક્સપ્રેસની ખૂબીઓ વિશે છેલ્લા ઘણા સમયથી સતત લખાતું રહ્યું છે, પરંતુ આ સાયન્સ એક્સપ્રેસની સાથે સંકળાયેલા અને હરતાફરતા એક્ઝિબિશનને ચલાવતા લોકોની વાતો પણ જાણવા જેવી છે.

૧૭ ફેબ્રુઆરીએ દિલ્હીથી શરૂ થયેલી આ ટ્રેનમાં લગભગ પચાસ જેટલા લોકો સક્રિય છે. ૩૦ સાયન્સ-કમ્યુનિકેટર છે, જે પ્રદર્શનની મુલાકાતે આવતા વિઝિટર્સને પ્રોજેક્ટને લગતી અને પ્રદર્શનમાં મુકાયેલી બાબતો વિશે માહિતી આપે. એ સિવાયનો મૅનેજમેન્ટ અને ટેક્નિકલ સ્ટાફ છે. આ લોકોએ આ એક્સપ્રેસ ટ્રેન શરૂ થાય ત્યારથી એની છેલ્લી વિઝિટ પતે ત્યાં સુધી ટ્રેનમાં જ રહેવાનું હોય છે. આ સમય એટલે કે લગભગ સાડાસાત મહિના, જેમાં તેમણે કાશ્મીરથી કન્યાકુમારી અને કોંકણથી આસામ એમ આખા ભારતના ઘણાબધા એરિયામાં ફરવાનું હોય. સાડાસાત મહિના સતત ટ્રેનમાં અને જુદાં-જુદાં શહેરો અને ગામડાંઓમાં ફરતા રહેવાનું. જ્યાં હૉલ્ટ મળે ત્યાં કામ કરવાનું. આ વાત જેટલી વાંચવામાં લાગે છે એટલી સરળ નથી. લોકલ એરિયાની ખૂબી તથા ખામીઓ, ખાવાપીવાની બાબતમાં ભોગવવા પડતા પડકારો અને હવામાનમાં આવતા બદલાવો આ બધું જ આ લોકોએ સહન કરવાનું હોય છે. આજે સાયન્સ એક્સપ્રેસનું  ચાલકબળ ગણાતા કેટલાક લોકોની એક્સપ્રેસ જર્નીની વાતો જાણીએ.

આ વખતે ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગના વિષયને મુખ્ય બનાવી એને આમ જનતા સુધી પહોંચાડવાનો સંદેશ પ્રસરાવી રહેલી આ સાયન્સ એક્સપ્રેસની શરૂઆત થઈ ત્યારે ખૂબ જ અનાયાસ એમાં જોડાયેલા મૂળ પાલનપૂરના ભૂપેન્દ્રભાઈ વિશે આપણે શરૂઆતમાં જ જાણી લીધું છે. એક સામાન્ય મજૂરમાંથી આજે સાયન્સ એક્સપ્રેસના કોઑર્ડિનેટરના રૂપમાં આવી ગયેલા ભૂપેન્દ્રભાઈ પર ટ્રેનમાં સવાર તમામ સાયન્સના પ્રસારકો સતત નર્ભિર રહેતા હોય છે. તેઓ કહે છે, ‘છેલ્લાં નવ વર્ષથી હું અહીં આવું છું અને સાચું કહું તો મારા માટે આ મારું બીજું ઘર બની ગયું છે. પહેલી વાર આવ્યો ત્યારે ખબર પણ નહોતી કે શું કરીશ. શેઠે વિશ્વાસ મૂકેલો કે બધું થઈ જશે. આજે ઘણુંબધું કામ શીખી ગયો છું. હું આ ટ્રેનના જાણે પ્રેમમાં છું. આ ટ્રેનને કારણે હું નવ વખત ભારતભ્રમણ કરી શક્યો છું.’

ભૂપેન્દ્રભાઈએ કહેલો એક કિસ્સો જાણવા જેવો છે. બે વર્ષ પહેલાં આ ટ્રેન આસામના એક ગામના રેલવે-સ્ટેશન પર આ ટ્રેન એક્ઝિબિશન માટે પહોંચી હતી. હજી તો મૂળ રેલવે-સ્ટેશન પર પહોંચે એ પહેલાં જ સંજોગો થોડા બગડી ગયા હતા અને ગોળીબારી શરૂ થઈ ગઈ હતી. ટ્રેનને યાર્ડમાં રાખવાનું કહેવામાં આવ્યું હતું. લગભગ ૪૮ કલાકની જર્ની કરીને પહોંચ્યા હતા અને ખાવાપીવાની કોઈ વસ્તુ ટ્રેનમાં બચી નહોતી.  બહાર કરફ્યુ જેવી હાલત હતી. તમે ટ્રેનની બહાર નીકળો તો તમારા જીવને જોખમ હતું. ક્યાંથી પણ ગોળી વાગે કંઈ કહેવાય નહીં. તમામ લોકો ભૂખને મારે ત્રાહિમામ પોકારી રહ્યા હતા. એવામાં ભૂપેન્દ્રભાઈએ ટ્રેનની વિન્ડોમાંથી દૂર બે ઝૂંપડાંઓ જોયાં અને બહાર નીકળીને ત્યાં કંઈક ખાવાનું લેવા જવાનું વિચારતા હતા. સ્વાભાવિક રીતે ટ્રેનમાં સવાર લોકોએ ના પાડી, પણ તે હિંમત કરીને એ ઝૂંપડાંઓમાં ગયા. ભૂપેન્દ્રભાઈ કાચુંપાકું હિન્દી બોલી લેતા હતા અને આસામી લોકો પણ કાચુંપાકું હિન્દી સમજતા હતા. નસીબજોગે એ લોકો સારા નીકળ્યા. તેમણે ભૂપેન્દ્રભાઈની વિનંતી સામે પીગળીને ભાત અને શાક બનાવ્યાં અને પાણી ભરવાની બાલદીમાં એ ખાવાનું લઈને તેઓ ટ્રેનમાં પાછા વળ્યા હતા. તેઓ કહે છે, ‘એ દિવસે ખરેખર મનમાં ફફડાટ હતો, પણ તમને કહ્યુંને કે હવે આ ટ્રેન મારું ઘર છે અને એમાં રહેલા લોકો મારા પરિવાર. તેમને ભૂખ્યા જોઈને જીવ બળતો હતો. એ ઝૂંપડાંના લોકો નસીબજોગે સારા નીકળ્યા અને તેમણે મદદ પણ કરી અને અમે ધરાઈને જમ્યા હતા. આવા અનુભવો ક્યારેક થતા હોય છે. ક્યારેક ટ્રેનના કોઈ કોચમાં ટેક્નિકલ એરર આવે તો એ તરફ પણ મારે ધ્યાન આપવું પડે છે.’

ભૂપેન્દ્રભાઈની જેમ જ ભાસ્કર શુક્લ અને તેમનાં પત્ની ભાવના શુક્લ પણ આ ટ્રેનમાં એની શરૂઆત થઈ છેક ત્યારે જોડાયાં છે. ભાવનાબહેન ૬૧ વર્ષનાં છે છતાં તેઓ ટ્રેનની આ જર્નીને એન્જૉય કરે છે. તેઓ કહે છે, ‘આ ટ્રેનના પ્રવાસે અમને ફ્લેક્સિબલ બનાવી દીધાં છે. ગમે ત્યાં રહી શકો, ગમે તેવા વાતાવરણમાં રહી શકો અને જે મળે એ ખાઈ શકો એટલા અનુકૂળ થઈ જાઓ એથી વિશેષ શું જોઈએ? બેશક, પહેલાં કરતાં ઘણા સારા ચેન્જિસ આવી ગયા છે એટલે તકલીફ નથી પડતી, પણ ખાવાની વ્યવસ્થા અમારે જાતે કરવાની હોય છે અને લોકલી જે ફૂડ મળે એ જ ખાવાનું હોય છે. શાકાહારી તરીકે ખાવાપીવાની સમસ્યા થતી હોય છે, કારણ કે ભારતમાં પણ પશ્ચિમ બંગાળ, ઉત્તર-પૂર્વના પ્રદેશોમાં શાકાહારનું પ્રમાણ ખૂબ ઓછું છે. એટલે શાકાહારી ભોજન માટે અમારે સારીએવી જહેમત ઉપાડવી પડતી હોય છે.’

અહીં ઉલ્લેખનીય છે કે ઘરેથી પૂરતો ખાવાનો સ્ટૉક તેઓ લાવીને રાખે છે એ સિવાય પણ જ્યાં-જ્યાં સાચવી શકાય એવું ખાવાનું મળતુ હોય ત્યાંથી ફરી એ સ્ટૉક રિફિલ કરવાનું પણ તેમણે રાખ્યું છે. બેશક, એ પછી પણ તેમના અને ટ્રેનના ઘણા સભ્યોના વજનમાં ફરક પડ્યો છે. બીજી મહત્વની વાત કે અનેક વર્લ્ડ રેકૉર્ડ ધરાવતી આ ટ્રેન જ્યારે નક્સલાઇટ એરિયામાંથી પસાર થતી હોય ત્યારે ખૂબ જોખમ સાથે તેમણે આગળ વધવાનું હોય છે. ટ્રેનની સાથે પૂરતી સિક્યૉરિટી અને રેલવે પોલીસ ફોર્સના જવાનો હોવા છતાં જાણે યુદ્ધભૂમિ પર હોય એવો ફફડાટ એમાં સવાર લોકો અનુભવી ચૂક્યા છે. જોકે એ વાત પણ તેમને રોમાંચિત કરનારી જ છે.

કાશ્મીરની કડકડતી ઠંડીમાંથી તમે ગરમીમાં આવો અને પછી ભેજવાળી હવામાં આવો એમાં વચ્ચે ચોમાસામાં પ્રવેશ કરી દો આવા મિક્સ વાતાવરણમાં રહેવાનું સડન્લી બન્યા કરતું હોય તો એની અસર પણ પડતી જ હોયને? ટ્રેનમાં પહેલી વાર પ્રવાસ કરી રહેલાં દેહરાદૂનની પલ્લવી જોશી અને સુરતના હરિન પટેલને આ અનુભવ થયો છે. તેઓ કહે છે, ‘એકાએક થતા ક્લાઇમેટ ચેન્જને કારણે હેલ્થ પર એની અસર પડતી હોય છે, પરંતુ હવે એની પણ મજા આવવા માંડી છે. બીજું, ઘણી વાર પ્લૅટફૉર્મ અવેલેબલ ન હોવાને કારણે ડેસ્ટિનેશન પર પહોંચી ગયા પછી પણ અમે ૧૬ ડબ્બાની ટ્રેન લઈને આમથી તેમ ફરતા હોઈએ એનું પણ એક જુદું જ એક્સાઇટમેન્ટ હોય છે.’

અહીં ઉલ્લેખનીય છે કે જેમ આ એક્સપ્રેસ ટ્રેન પણ વિવિધતામાં એકતાની શાખ પૂરતી હોય એમ દેશના એકેક ખૂણામાં પહોંચવાના પ્રયત્નો કરતી હોય છે એમ ટ્રેનમાં સામેલ લોકો પણ દેશના એકેએક હિસ્સામાંથી સિલેક્ટ કરવામાં આવે છે. આ વખતે પણ ટ્રેનમાં હાજર લોકોમાં કોઈ ઉત્તરાખંડથી છે તો કોઈ ઓડિશાથી. ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, ગુજરાત એમ લગભગ દરેક હિસ્સાના લોકો છે; જેને કારણે ટ્રેનની અંદરનો માહોલ પણ મિની ઇન્ડિયા જેવો જ હોય છે. પશ્ચિમ બંગાળનો અમલેન્દ માજી અને મહારાષ્ટ્રનો નીતિન તિવાને કહે છે, ‘આ અમારું ત્રીજું વર્ષ છે. પહેલી વાર વિઝિટર તરીકે આ ટ્રેનના એક્ઝિબિશનને જોવા આવ્યા હતા, પણ પછી એટલુંબધું ગમી ગયું કે એની સાથે જોડાઈ ગયા. આ વખતે અમે દેશનાં ૬૮ સ્ટેશનનોને કવર કરવાના છીએ. પોણાભાગની અમારી જર્ની થઈ ગઈ છે અને સપ્ટેમ્બરમાં આ ટ્રિપ પૂરી થશે અને ઈશ્વરની દયાથી એક પણ અગવડ હજી સુધી ભોગવવાનો વારો નથી આવ્યો. દેશના તમામ લોકો સાથે દેશની સાવ અજાણી જગ્યાઓ જોવાનો જે રોમાંચ છે એ હું વર્ણવી શકતો નથી. એમાં પણ અમારે જાતે અમારા માટે ખાવાનું શોધવાનું, એ જગ્યાની ભાષા બોલવાની, એ લોકો સાથે ડીલ કરવાનું આ બધું જ એકદમ અલગ લાગે છે. ત્રીજા વર્ષે પણ મારું એક્સાઇટમેન્ટ-લેવલ ઓછું નથી થયું. ફૅમિલીને લાગે કે એક વરસમાંથી સાડાસાત મહિના તમે ઘરમાંથી બહાર રહેવાના હો તો સ્વાભાવિક તેઓ અમને મિસ કરે, પણ અમે આ જર્ની ખૂબ એન્જૉય કરીએ છીએ.’

ટ્રેનમાં સામેલ સભ્યો હવે પોતાની માતૃભાષા અને બોલચાલની ભાષા ઉપરાંત અન્ય ઘણી ભાષાઓ બોલતા શીખી ગયા છે. જુદાં-જુદાં રાજ્યના લોકો સાથે પરિચય થવાને કારણે આખા દેશ સાથે જાણે પોતીકો સંબંધ બંધાઈ ગયો હોય એવી લાગણી તેઓ અનુભવે છે.

સાયન્સ એક્સપ્રેસનો આજે મુંબઈમાં છેલ્લો દિવસ

દેશભરના ૬૮ લોકેશનમાંથી ૫૪મા લોકેશન તરીકે મુંબઈમાં ત્રણ દિવસ પહેલાં આ સાયન્સ એક્સપ્રેસની સવારી આવી પહોંચી હતી. આજે એનો ચોથો અને ફાઇનલ એટલે કે છેલ્લો દિવસ છે. દેશનાં તમામ અન્ય સ્થળોની તુલનાએ સૌથી વધુ દિવસો મુંબઈને ફાળવવામાં આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ એક લાખ વિદ્યાર્થીઓ અને અન્ય સહેલાણીઓએ એની મુલાકાત લઈ લીધી છે. પુષ્કળ પ્રમાણમાં ભીડ અને કલાકો લાઇનમાં ઊભા રહીને પણ લોકોએ આ સાયન્સ એક્સપ્રેસને જોવાની તક જતી નથી કરી. વિજ્ઞાનને લગતી માહિતી જાણીને અને લોકોને જણાવીને હવામાનની દૃષ્ટિએ આવી રહેલા બદલાવો વિશે જાગૃતિ આવે એ માટે લોકો અહીં આવે એ સારું છે, પરંતુ આ સ્થળ પિકનિક સ્પૉટ નથી એટલે ફોટો અને વિડિયો લેવાનો આગ્રહ ન રાખવો; કારણ કે હજારો બાળકો અને તેમના પેરન્ટ્સે કલાકો લાઇનમાં ઊભાં રહેવું પડે એટલી જનમેદની હોય છે. એમાં ફોટો અને વિડિયો લેવા માટે વચ્ચે ઊભા રહેતા લોકોને કારણે વિક્ષેપ ઊભો ન થાય એની કાળજી રાખવાની વિનંતી સંચાલકોએ કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK