ધીંગો વરસાદ છે

વરસાદ એટલે આકાશથી વરસતો દરિયો.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

વરસાદી ફોરાંને ઝીલીએ ત્યારે હથેળીમાં હંસ ઊગી નીકળે. કંઈક ઓરતા પાંખો ફફડાવતા બહાર ધસી આવે. સમગ્ર અસ્તિત્વ ટીપાંઓ પહેરીને ભાવવિભોર થઈ જાય. આભે કરેલી ઉછામણીમાં કરાના સ્વરૂપે સોનામહોરો જેમણે ઝીલી હશે એ લોકો ખરેખર ભીનાશદાર છે. આવી અનુભૂતિ ત્યારે જ શક્ય થાય જ્યારે તમારી અંદરનું બાળક જીવતું હોય. વિસ્મય ગુમાવી બેઠેલો માણસ ગરીબીની રેખા નીચે જીવતો હોય છે. રેઇનકોટ પહેરેલી ત્વચાએ કવચ અને કૌતુક વચ્ચે સમતોલપણું જાળવતાં શીખવું જોઈએ. જો ન આવડે તો એ ત્વચાને નમક-મસાલો ચોપડેલી ગરમ-ગરમ મકાઈ સાથે ચિનુ મોદીનો આ શેર અર્પણ...

આભ ગોરંભાય ત્યાં તો બારી વાસી દે તરત

એમને ઇર્શાદ ક્યાં સંભારવાં વરસાદમાં?


જેમને સૂકાપણાનો એહસાસ હોય તે ભીનાશને વધારે સમજી શકે. રણની સફર કરી હોય તેને પાણીનું મહત્વ સમજાય. વસંત-પાનખર, ભરતી-ઓટ, ચડતી-પડતી, દુકાળ-અતિવૃષ્ટિ, તેજી-મંદીની સાઇકલ હોય છે. આપણને સાઇકલ ચલાવતાં ન આવડતું હોય તો કોઈની સાઇકલ પર સવારી કરીને પણ પંથ તો કાપવો પડે. આ ચક્રને સમજીએ તો ઘણાં દુ:ખ નેવા પરથી સરકતાં ટીપાંની જેમ સરકી જાય. લક્ષ્મી ડોબરિયા સંવેદનાના સંતુલનની વાત કરે છે...

વરસાદમાં કદાચ ન ભીંજાય શક્ય છે

આષાઢ એની આંખમાં દેખાય શક્ય છે

ભીના થવાનો અર્થ ખરેખર જો જાણશો

ચૈતર જરૂરી હોય એ સમજાય શક્ય છે


વાસ્તવિકતાને સ્વીકારવાથી એ હળવી લાગે. દીવાલ પર મુક્કા પછાડવાથી દીવાલને નુકસાન થાય કે ન થાય, પણ હાથને તો ઈજા જરૂર થવાની. આપણે જન્મ અને મૃત્યુના બે છેડાની વચ્ચે પસાર થવાનું છે. જેની એન્ટ્રી થાય તેની એક્ઝિટ પણ થવાની. આપણે આ વિશ્વનો હિસ્સો છીએ અને આ સચરાચર પંચતત્વ રૂપે આપણામાં સમાયેલું છે. સમસ્યા આ ઓળખાણ થવાની છે. એક જ સોસાયટીમાં, એક જ મકાનમાં, બાજુ-બાજુમાં રહેતા બે ફ્લૅટધારકો એકબીજાને ન ઓળખતા હોય એમ આપણે પણ આપણી ભીતર રહેલા તત્વને ઓળખવામાં ઉદાસીન છીએ. દિવ્યા રાજેશ મોદી આ ગહન વાતને સરળ શબ્દોમાં સમજાવે છે...

વમળ તો રહે છે સદા જળની વચ્ચે

ટકી જાય માણસ અહીં છળની વચ્ચે

હતું આંખમાં કંઈક કાજળની વચ્ચે

સમાયું છે જળ જેમ વાદળની વચ્ચે


વિમાન જ્યારે વાદળોમાંથી પસાર થતું હોય ત્યારે એના અડવાથી વરસાદ નથી પડતો. પાણીએ પણ પક્વ થવું પડે છે. આકાશના વાદળ પાસે આકાર છે. ક્યારેક એ હાથીની પૂંછ જેવું લાગે, ક્યારેક મગરનો આકાર ધારણ કરે, ક્યારેક શંકરની આભા એમાં વર્તાય તો ક્યારેક અમીબાની જેમ આડેધડ પણ વિહરે. આંખમાં છુપાયેલા વાદળને આકાર નથી હોતો, પણ એનું અસ્તિત્વ જરૂર હોય છે. અશોક ચાવડા એનું પગેરું શોધવાનો પ્રયાસ કરે છે... 

કોઈ ભીંજાય છે ક્યાં અંદરથી?

શ્હેરમાં હોય છત ઉપર વરસાદ

કારણો હોત તો બતાવી દેત

આંખમાં કારણો વગર વરસાદ


આંખની અંદર જો આંસુઓ જમા જ થયા કરે તો બંધ ક્યારે ફાટી પડે કહેવાય નહીં. જ્યાં પાણીને વહેવાનો માર્ગ નથી હોતો એવી અભણ સડકો ખાબોચિયાને જન્મ આપે છે. ભારતનાં મોટા ભાગનાં શહેરોમાં હવે પાણી ભરાઈ જાય છે. બધા જ કામમાં છટકબારી શોધી કાઢતા સત્તાધીશો સિમેન્ટ-કૉન્ક્રીટના બાંધકામમાં પાણીની છટકબારી રાખવાનું ભૂલી જાય છે. આંખો પાસે આગવી છટકબારી છે, જે ઇચ્છે ત્યારે જ ખૂલે. ધૂની માંડલિયા એક તાજગીભર્યું કલ્પન આપે છે...

આમ તો, વરસાદ બીજું કૈં નથી

આંસુઓનો એ નવો અવતાર છે


આંખમાં બંધાયેલાં વાદળ સમય આવે ટપ-ટપ વહેવા લાગે છે. રડવા માટે પ્રેમાળ અને અંગત ખભો હોવો જરૂરી છે. સુરતમાં ડૉ. મુકુલ ચોક્સીએ ગયા મહિને ક્રાઇંગ ક્લબ શરૂ કરી, જેમાં મન મૂકીને લોકો રડ્યા. ભાર જેટલો હળવો થાય એટલું સારું. આખી જિંદગી નૉન-સ્ટૉપ કામ કરતા હૃદય પર પહેલેથી જ આખું શરીર ચલાવવાનો ભાર છે, એમાં આપણે શું કામ ઉમેરો કરવો? જેમને ખાલી થતાં આવડે એ જ લોકો સભર થઈ શકે. પુરુરાજ જોષી વરસાદી વહાલને ઉમળકાથી આહ્વાન આપે છે...

બે ચાર છાંટાથી છીપે એવી નથી તરસ

તારે વરસવું હોય તો આકાશ મન મૂકી વરસ


ઉપર બેઠાં-બેઠાં આકાશ ધરતીને સાચવે છે. અંતર મળેલાં હોય પછી ધરતી-આભનું અંતર વચ્ચે નથી આવતું.  દિનેશ ડોંગરે ‘નાદાન’ આ સંબંધને વિસ્તારે છે...

કૈંક તરસ્યાની તરસ વરસાદ છે

ખૂબ મોંઘેરી જણસ વરસાદ છે

તારી માટે ચાર દી ચોમાસું, પણ

મારે તો આખ્ખું વરસ વરસાદ છે


ક્યા બાત હૈ


આકાશી અસવાર

ઊની રે વરાળો પહોંચી આભમાં

    ધરતી પાડે રે પોકાર

દુખિયાનો બેલી સમરથ ગાજિયો

    વાલીડે કર્યો વિચાર

આવે રે રાજાનો રાજા મેહુલો

આવે રે દેકારા દેતો દખ્ખણે

    વરતે જયજયકાર

છડી રે પોકારે વનના મોરલા

    ખમ્મા! આવો અનરાધાર

આવે રે રાજાનો રાજા મેહુલો

છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં

    ઝૂલે વીજની તલવાર

અંકાશી ઘોડાના વાગે ડાબલા

    સાયબો થિયો છે અસવાર

આવે રે રાજાનો રાજા મેહુલો

નીચે રે મહેરામણ ઘેરા ગાજતા

    ઊંચે હણેણે તોખાર

એકના પડછંદા દૂજે જાગતા

    ધરતી-આભ એકાકાર

આવે રે રાજાનો રાજા મેહુલો

- બાલમુકુંદ દવે


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK