પુસ્તક ફરિશ્તા છે

૨૩ એપ્રિલ વિશ્વ પુસ્તક દિન તરીકે ઊજવાય છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા


પુસ્તક એટલે બે પૂંઠાં વચ્ચેની પ્રિન્ટેડ જિંદગી. યાદ કરો એ દિવસો જ્યારે હરકિસન મહેતાની નવલકથાનું પુસ્તક વાંચતા હતા. મમ્મી વચ્ચે જમવા બોલાવતી તો પણ વિલનમાં ખપી જતી. કનૈયાલાલ મુનશી, પન્નાલાલ પટેલ કે સારંગ બારોટ જેવા લેખકોની નવલકથાઓ મન પર કબજો જમાવતી. તરુણ વયના દિવસોમાં પુસ્તકનો એક રોમૅન્ટિક ખપ પણ રહેતો એ સાવર્જલનિક રહસ્ય જયવદન વશી પાસેથી જાણીએ. 

પડતાં રહે યુવાઓ આ પ્રેમને સમંદર

નાની શી વાત કરતાં મનમાં જરા શરમાય

યાદોની એ નિશાની સમ એક ફૂલ જૂનું

પુસ્તકમાં એ દબાઈ હરપળ સતત કરમાય


પુસ્તકમાં મૂકેલું મોરપીંછ, પાંદડું કે ગુલાબનું ફૂલ પુસ્તકને વધારે સંવેદનશીલ બનાવે છે. ડેમી, ક્રાઉન, સ્ક્વેર વગેરે સાઇઝમાં છપાતું પુસ્તક સાઇઝ પ્રમાણે છડી પોકારે. જૂનાં પુસ્તકોનાં પીળાં પડી રહેલાં પાનાં

લૉન્ગ-ટર્મ ઇન્વેસ્ટમેન્ટની જેમ સમયને સાચવીને બેઠાં હોય છે. એ પાનાંને અડો અને તમે અતીતની સૃષ્ટિમાં સરી પડો. પુસ્તકનું મુખપૃષ્ઠ, બાઇન્ડિંગ, પાનાંની ગુણવત્તા, લેઆઉટ, સ્પાઇન મળીને પુસ્તકની એક ઓળખ રચી આપે. હા, ખરી ઓળખ તો અંદર લખનારે જ ઊભી કરવાની હોય. અરુણ દેશાણીનો શેર છે...  

જીવન-પુસ્તક તમે લોકોના હાથોમાં મૂક્યું, તેનું

વિષય-રૂપ જોઈ જોઈને બહુ થાકી જવાયું છે

અરુણ! ઉપલક સંબંધો રહી ગયા છે આપણી વચ્ચે

હતું એ ખોઈ-ખોઈને બહુ થાકી જવાયું છે


ગમતું પુસ્તક ખોવાઈ જાય તો હૈયે ઘા વાગે. પુસ્તક કોઈ મિત્રને વાંચવા માટે આપ્યું હોય તો પ્રેમી સાથે પલાયન થયેલી છોકરીની જેમ ખાસ્સો સમય એ પાછું આવતું નથી. 

સાહિત્યના પ્રકાર પ્રમાણે પુસ્તકનું કલેવર ઘડાય. કાવ્યસંગ્રહમાં એક નજાકત વર્તાવી જોઈએ. વાર્તાનું પુસ્તક વિવિધ પરિવેશમાં વિવિધ પાત્રો સાથે વાતચીત કરાવે છે. નવલકથાનું પુસ્તક ફિલ્મની જેમ અલગ પ્રદેશમાં વિહાર કરાવે. વિવેચનનું પુસ્તક ધીરગંભીર અને ઠાવકું લાગે. ચિંતનનાં પુસ્તકોનું વજન પાનાંઓ કરતાં વિચારોને કારણે પણ વધી જતું હોય છે. ઉત્તમ માનવોના જીવનચરિત્રનું પુસ્તક તેમની સંઘર્ષગાથાને આલેખી પ્રેરણાનું પથદર્શન કરાવે. વાંચવા માટે પણ નસીબ જોઈએ. ઘરમાં પુસ્તકો વસાવેલાં હોય, પણ વાંચવાનો સમય જ ન મળતો હોય એવું શહેરી જીવનમાં સામાન્ય છે. ગની દહીંવાલા આ સ્થિતિને જીવન સાથે જોડી આપે છે...

દુખી દિલની દશા ઉપર પડી છે જ્યારની દૃષ્ટિ

ગની, પાનાં જીવન-પુસ્તકનાં ઉથલાવી નથી શકતો


છાતી પર પુસ્તક રાખીને સૂઈ ગયા હોઈએ ત્યારે છાતી પર પારેવું બેઠું હોય એવી ફીલિંગ આવે. હા, આ પારેવાનું વજન ડાયટિંગ કરતી હિરોઇન જેવું હોય તો વધુ વહાલું લાગે. ટીવી-ચૅનલોમાં અને ન્યુઝમાં આપણો ખાસ્સો સમય જાય એટલે પુસ્તક ઓરમાયા બાળકની જેમ રાહ જોતું બેઠું રહે. વાચક હમણાં આવશે, હમણાં આવશે એવી આશા હોય ત્યાં એ સંભવિત વાચકની આંખો ઊંઘમાં ઢળી પડી હોય. વિચારોનું વૃન્દાવન રચતાં પુસ્તકોમાંથી પ્રગટતા વાંસળીના સૂર આપણા બહેરા કાને અથડાવાની નિયતિ ભોગવે છે. સૉરી ટુ સે, બટ મંદિરની બહાર ભિખારી ભીખની રાહ જોતો હોય એમ ગ્રંથાલયોની અંદર પુસ્તકો વાચકોની રાહ જોતાં હોય છે. કોઈ મને ઉપાડે, કોઈ મારાં પાનાં ફેરવે, કોઈ મને ઘરે લઈ જાય એવી ઠગારી આશા સાથે જીવવા સિવાય પુસ્તકો પાસે કોઈ વિકલ્પ નથી. રડ્યોખડ્યો વાચક આવે ને ઉપરથી હરકિસન જોષીની આ પંક્તિઓ જેવો અણગમો પ્રગટ કરે તો બિચારી કૅબિનેટ પણ ખિન્ન થઈ જાય... 

લોખંડથી લદાયેલી ગુજરી બજારમાં

પારસમણિના કોઈ પ્રબંધો જ ક્યાં હતા!

ગ્રંથાલયોનાં થોકબંધ પુસ્તકોમાં પણ

તારા વિશેના કોઈ નિબંધો જ ક્યાં હતા!


મહાલય, દેવાલયની જેમ પુસ્તકાલય એમ ઉલ્લેખ થાય છે; જે પુસ્તકોની મહત્તા દર્શાવે છે. ટીવીએ આપણને રોમાંચ આપ્યો, પણ કલ્પના છીનવી લીધી. પુસ્તકો વાંચીને આપણે એક

પોતીકી સૃષ્ટિ મનમાં ઊભી કરી શકીએ છીએ. સ્વજનો-મિત્રોની ઊણપ કે અછત હોય તો પુસ્તક એક ઉત્તમ સાથીદાર બની શકે. એ આપણી માયા પણ બની શકે અને છત્રછાયા પણ. ભાવિન ગોપાણી પુસ્તકને એક સલાહકાર તરીકે જુએ છે...  

શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું?

ખૂણો ખાલી જ છે, થોડાંક પુસ્તક ગોઠવી નાખો


ગમે એટલું આલિશાન અને ફર્નિશ્ડ ઘર હોય, પુસ્તકોની કૅબિનેટ વગર એ બટન વગરના શર્ટ જેવું લાગે. પુસ્તકો સાહિત્ય, સંસ્કાર અને સંસ્કૃતિ જાળવતા ફરિશ્તા છે. આ ફરિશ્તાને ઘરમાં રાખો તો એનો ઉજાસ જરૂર આપણામાં પ્રવેશે. વિચાર કરો આપણા ઘરમાં કાકાસાહેબ, સ્વામી આનંદ, ઉમાશંકર, ધૂમકેતુ, હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, મરીઝ, બેફામ, શયદા, શૂન્ય જેવા દૈદીપ્યમાન સર્જકો પુસ્તકદેહે હોય તો શું આપણું નામ ફૉબ્સર્નામ ટૉપ હન્ડ્રેડ શ્રીમંતોમાં ન આવે? જરૂર આવે. સવાલ દૃષ્ટિનો છે, ગણતરીનો નહીં.

ક્યા બાત હૈ


સુખની આખી અનુક્રમણિકા અંદર દુ:ખનાં પ્રકરણ

તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ

પૂંઠા વચ્ચે પાનાં બાંધ્યાં જેમ ડચૂરા બાઝે

આંસુનાં ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે

પથ્થરના વરસાદ વચાળે કેમ બચાવો દર્પણ


 

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક

તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ

ફાટેલાં પાનાંનાં જેવાં ફાટી જાતાં સગપણ


 

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે

લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે

હશે કદાચિત લેખકજીને પીડા નામે વળગણ


- મુકેશ જોષી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK