રીફન્ડ આપવા બે વર્ષથી ટાળાટાળ કરતા બાબુઓ RTIના શસ્ત્ર સામે સીધાદોર થઈ ગયા

કાંદિવલી-વેસ્ટમાં રહેતાં શિલ્પા શાહને ઇન્ક્મ-ટૅક્સ રીફન્ડ માટે ટળવળાવતા બેરહેમ બાબુઓ તથા RTIના બ્રહ્માસ્ત્રથી સામનો કરનાર વીરાંગનાની આ પ્રેરક કથા છે.

refund

RTIની તાકાત - ધીરજ રાંભિયા

અસેસમેન્ટ વર્ષ ૨૦૧૪-૧૫ તથા ૨૦૧૫-૧૬નાં વર્ષોનું ઇન્ક્મ-ટૅક્સ રીફ્ન્ડ ઘણી મહેનત કરવા છતાં બાબુઓ આપતા નહોતા. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટને રીફન્ડ અગ્રતાક્રમે આપવા આયકર અધિકારીને વિનંતી કરવા જણાવ્યું. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ‘આવી જશે’ના અગસ્ત્યના વાયદા કરતા રહ્યા. આજકાલ કરતાં બે વર્ષનો સમય પસાર થઈ ગયો, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર રહી. શું કરવું એ અસમંજસમાં હતા.

મિડ-ડેના શનિવારના અંકનું વાંચન કરતાં શીલાબહેનના જીવનસાથી દિલીપભાઈની નજર RTIની કૉલમ પર પડી. જોગાનુજોગ ઇન્ક્મ-ટૅક્સ રીફન્ડ ન મળવાથી ઊભા થતા મહાભારતની અને કૃષ્ણ ભગવાનના RTIરૂપી સુદર્શનથી થયેલા નિવારણની એ કથા હતી.

૨૦૧૭ની ૧૬ જાન્યુઆરીએ શીલાબહેન અને દિલીપભાઈ આગોતરી અપૉઇન્ટમેન્ટ મેળવી તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-મલાડ પહોંચ્યા. કેન્દ્ર પર તેમની મુલાકાત કેન્દ્રનિયામક અમિતભાઈ તથા સાથીદારો સાથે થઈ. સેવાભાવીઓએ તેમની વાત શાંતિથી સાંભળી લાવેલી ફાઇલનો અભ્યાસ કર્યો તથા તરત RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી, જેમાં નીચેની વિગતો માગવામાં આવી.

૧. આકારણી વર્ષ ૨૦૧૪-૨૦૧૫ અને ૨૦૧૫-૨૦૧૬ના ઇન્ક્મ-ટૅક્સ રીફન્ડની વિનંતી પર કરવામાં આવેલી કાર્યવાહી તથા એની સાંપ્રત સ્થિતિની ક્રમબદ્ધ માહિતી.

૨. રીફન્ડ આપવામાં થયેલા વિલંબ માટે નોંધાયેલાં કારણો.

૩. રીફન્ડ આપવા માટે જવાબદાર અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા કાર્યાલયના ડાયરેક્ટ બોર્ડ-નંબર તથા સરકાર તરફથી આપવામાં આવેલા મોબાઇલ-નંબરની વિગતવાર માહિતી.

૪. રીફન્ડ માટે ફરજચૂક દાખવનાર અધિકારી પર લેવામાં આવેલાં શિસ્તભંગનાાં પગલાંની વિગતવાર માહિતી.

૫. જો બેદરકાર અધિકારી સામે પગલાં લેવામાં ન આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૬. બેજવાબદાર અધિકારી સામે શિસ્તભંગનાં પગલાં લેïવાની જવાબદારી ધરાવનાર સક્ષમ અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા સંપૂર્ણ સંપર્ક-નંબરો.

૭. આપના વિભાગના સિટિઝન-ચાર્ટર નાગરિક સનદ મુજબ રીફન્ડ આપવા માટેની મહત્તમ સમયમર્યાદા.

૮. આપના વિભાગના સિટિઝન-ચાર્ટરની અપ-ડેટેડ પ્રમાણિત નકલ આપશો.

૯. ઉપરોક્ત (૮) મુજબ નકલની ફોટોકૉપીનો ખર્ચ જણાવશો, જેથી એ રકમ આપને મોકલવાની વ્યવસ્થા ગોઠવી શકાય.

૧૦. જો સિટિઝન ચાર્ટર બનાવવામાં આવ્યું ન હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૧૧. સિટિઝન-ચાર્ટર બનાવવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા સંપર્ક-નંબરો તથા સરકારી મોબાઇલ-નંબરો.

૧૨. સિટિઝન-ચાર્ટર બનાવવાની જવાબદારી અદા ન કરનાર અધિકારી સામે લેવામાં આવેલાં શિસ્તભંગનાં પગલાંની વિગતવાર માહિતી.

૧૩. જો ઉપરોક્ત (૧૨) મુજબ પગલાં લેવામાં ન આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૧૪. સિટિઝન-ચાર્ટર બનાવવાની જવાબદારી અદા ન કરનાર અધિકારી સામે શિસ્તભંગનાં પગલાં લેવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા તેમના સંપર્ક-નંબરો.

૧૫. RTI કાયદા હેઠળ નિમાયેલા પ્રથમ અપીલ અધિકારીનું નામ, હોદ્દો, સરનામું તથા તેમના સંપર્ક-નંબરો.

કરદાતાઓના પત્રોનો જવાબ ન આપવાની ધૃષ્ટતા ધરાવતા બાબુઓ RTI કાયદા હેઠળની ઉપરોક્ત ધારદાર અરજી મળતાં પરસેવે રેબઝેબ થઈ ગયા હોવા જોઈએ. અરજીના કારણે ઇન્ક્મ-ટૅક્સ ઑફિસર (ITO) તો ઝપટમાં આવી જ ગયા હતા; પરંતુ સાથોસાથ તેમના ઉપરી અધિકારી, ઉપરી અધિકારીના વરિષ્ઠ અધિકારી અને વરિષ્ઠ અધિકારીના પણ જ્યેષ્ઠ અધિકારી પણ કઠેડે ચડી ગયા હતા. એક કનિષ્ઠ અધિકારીની બેજવાબદારીના કારણે આટલા જ્યેષ્ઠ અધિકારીઓ ગુનાના દાયરામાં આવી જતા હોય તો એ કનિષ્ઠ અધિકારીના તો બાર જ વાગી જાય.

લુચ્ચા બાબુઓને ઉપરોક્ત પરિસ્થિતિની ગંભીરતા પળવારમાં સમજાઈ. RTI અરજીનો જવાબ આપવાની કોઈ ગુંજાઇશ નહોતી. જવાબ આપે તો આવ બલા-પકડ ગલા જેવું થઈ જાય.

ITO અને વિભાગના સર્વે કનિષ્ઠ અધિકારીઓ કામે લાગ્યા. જૂની ફાઇલો ફેંદાઈ, પણ ક્યાંય કરતાં ક્યાંય ફાઇલ મળી નહીં. પરસેવાથી રેબઝેબ થનાર પરસેવે નહાવા લાગ્યા. મનોમન વિઘ્નહર્તાની અને કુળદેવતાની બાધાઓ રખાઈ ગઈ હોવી જોઈએ.

અચાનક એક બાબુની નજર પૅન પર પડી. જોરથી તે ચિલ્લાયો. આ પૅન આપણ વૉર્ડમાં તો છે જ નહીં. ચાની ચૂસકી મારતાં બાબુઓએ ચાનો કપ મૂકી દોટ મૂકી અને સૌએ હાશકારો અનુભવ્યો. આપણા વિભાગ-વૉર્ડની ફાઇલ નથીનું સંશોધન કરનાર બાબુની પીઠ થપથપાવી.

તપાસ કરતાં સમજ પડી કે RTI અરજીને સંબંધિત ફાઇલ, ITO -૩૩ (૩) (૪)ના દાયરામાં આïવતી હતી. રાઇટ ટુ ઇન્ફર્મેશન ઍક્ટ, ૨૦૦૫ની કલમ ૬ (૩) મુજબ જો CPIO (સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર) કે SPIO (સ્ટેટ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર)ને RTI કાયદા હેઠળની અરજી મળે અને એ અરજીની સંબંધિત ફાઇલ કે માહિતી તેની પાસે ન હોય તો પાંચ કાર્યકારી દિવસોની અંદર એ અરજી સંબંધિત CPIO / SPIOને કાર્યવાહી કરવા માટે મોકલવાની રહેશે અને એની જાણ અરજકર્તાને કરવાની રહેશે.

બાબુઓએ અન્ય સર્વે કામો બાજુમાં હડસેલી યુદ્ધના ધોરણે ITO ૩૩ (૩) (૪)ને પત્ર લખી RTI અરજી તેમને હસ્તાંતરિત કરી હાશકારો અનુભવ્યો. પત્રની કૉપી શિલ્પાબહેનને મોકલાવી એમાં નોંધ લખી, (હે માતાજી!) હવે આપની RTI અરજીના સંદર્ભે ITO ૩૩ (૩) (૪) સાથે પત્ર-વ્યવહાર કરશો (અને એનું માથું ખાશો!)

ITO ૩૩ (૩) (૪) ને પત્ર મળતાં ત્યાંની ધરતી ધ્રૂજવા લાગી. રંગમંચનું સ્થાન અને કલાકારો માત્ર બદલાયા. એ જ દૃશ્યોનું પુનરાવર્તન થયું. એ જ ઉચાટ અને ગભરામણ. અહીં ફાઇલો ફેંદાઈ. અગ્રતાક્રમે કાર્યવાહી શરૂ થઈ.

બે વર્ષથી શિલ્પાબહેનની ફરિયાદ પર ઉદાસીનતા સેવનાર બાબુઓએ પંદર દિવસમાં અસેસમેન્ટ પૂર્ણ કરી રીફન્ડ-ઑર્ડર તૈયાર કરી મોકલાવી આપ્યો, જે મળતાં શિલ્પાબહેન તથા દિલીપભાઈને આનંદનો આંચકો લાગ્યો. બે વર્ષથી દાદ-ફરિયાદ ન સાંભળનાર બાબુઓએ માત્ર બે અઠવાડિયાંમાં ફરિયાદનું આંશિક (પચાસ ટકા) નિવારણ કરી દીધું.

અમિતભાઈ તથા કેન્દ્રના સાથીઓની સક્રિયતા તથા દક્ષતાના કારણે બે વર્ષની યાતનાનો બે અઠવાડિયાંમાં અશંત: સુખદ અંત આવ્યો તથા RTI કાયદાની યથાર્થતા તથા સમર્થતા પુન: એક વખત સ્થાપિત થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK