મુંબઈ ક્યારેય સાઇક્લિંગ કૅપિટલ બની શકશે?

મુંબઈને સાઇકલ-ફ્રેન્ડ્લી શું કામ અને કેવી રીતે બનાવવું એ વિશેના તેમના તર્ક સમજવા જેવા છે. બીજી બાજુ સરકાર અને મુંબઈ મહાનગરપાલિકામાં પણ આ દિશામાં પૉઝિટિવ અપ્રોચ દેખાઈ રહ્યો છે. ઑલરેડી મુલુંડથી સાયન વચ્ચે ૩૯ કિલોમીટરનો સાઇક્લિંગ ટ્રૅક બનાવવાની દિશામાં કામ શરૂ થઈ ગયું છે ત્યારે મુંબઈના તમામ મુખ્ય માર્ગો સાઇકલસવારી માટે ઉપયુક્ત બની જાય એ શક્ય છે?

ride

રુચિતા શાહ

પવઈમાં રહેતા મિરઝા સાઇબ બેગે ત્રણ વર્ષ પહેલાં પોતાની ગાડી વેચી દીધી. સાઇક્લિંગ માટે પૅશનેટ અને મુંબઈની મોટા ભાગની સાઇક્લિંગ ક્લબ સાથે સંકળાયેલા અને ઍડ્વોકેટ તરીકે સક્રિય મિરઝાને પોતાને જ્યાં પણ જવું હોય ત્યાં સાઇકલથી જાય છે. રોજનું લગભગ ૭૫થી ૮૦ કિલોમીટરનું ડિસ્ટન્સ તેઓ સાઇકલ પર કાપે છે. મિરઝા કહે છે, ‘હું વર્ષોથી સાઇકલ ચલાવું છું. મેં ગાડી એટલા માટે લીધેલી કે ઑફિસમાંથી જો પેટ્રોલ અલાઉન્સ જોઈતું હોય તો મારી પાસે કાર હોવી જરૂરી હતી. જોકે બે-ત્રણ વર્ષ કાર એમ જ પડી રહી એટલે છેલ્લે કંટાળીને વેચી દીધી. ફોર્ટ અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ જવા માટે નિયમિત સાઇકલ પર જ ટ્રાવેલ કરું છું. હું એ દિવસ માટે પ્રાર્થના કરું છું કે મારા જેવું બધા સાથે થઈ જાય અને લોકો ગાડી હવે નકામી છે અને વર્ષોથી વાપરી જ નથી એમ વિચારીને વેચી કાઢે. એક ગાડીની જગ્યામાં લગભગ છથી સાત સાઇકલસવારો રોડ પર ટ્રાવેલ કરી શકે છે અને મુંબઈ એના માટે ઉપયુક્ત સ્થાન પણ છે. અત્યારે વર્લ્ડમાં સાઇક્લિંગ-ફ્રેન્ડ્લી પહેલાં ત્રણ સ્થળો એટલે ડેન્માર્ક, કોપનહેગન અને લંડન. ત્રણેય રીઝનેબલી બિઝી ટ્રાફિક ધરાવે અને મોટા ભાગનો સમય અહીં જરૂર કરતાં વધુ ઠંડી હોય છે, જ્યારે મુંબઈ એક એવું શહેર છે જ્યાં વર્ષના નવ મહિના સૂકું વાતાવરણ હોય છે, જેથી સાઇક્લિંગ કરનારાઓ માટે એકદમ ઍપ્રોપ્રિએટ વાતાવરણ કહી શકાય. એ રીતે તો આખા વિશ્વમાં મુંબઈ સાઇક્લિંગ કૅપિટલ બની શકે એમ છે. બસ, થોડાક વધુ પ્રયત્નોની જરૂર છે.’

મિરઝા ફાધર ઑફ સાઇક્લિંગ કમ્યુનિટી તરીકે જાણીતો છે. છેલ્લાં ત્રણેક વર્ષમાં મુંબઈમાં સાઇકલલવર્સની સંખ્યામાં પણ પુષ્કળ વધારો થયો છે. અત્યારે લગભગ ચાલીસથી વધુ સાઇક્લિંગ ગ્રુપ હશે, જેમાં ઍવરેજ સોથી વધુ મેમ્બર છે. એ સિવાય દૂધવાળા, છાપાવાળા, ડબ્બાવાળા અને ફ્રી હોમ ડિલિવરી કરતી રેસ્ટોરાં મળીને હજારો મુંબઈકર રોજેરોજ સાઇકલનો ઉપયોગ પોતાના રૂટીન કામ માટે કરે છે.

આજથી લગભગ સાતેક વર્ષ પહેલાં બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં એક સાઇક્લિંગ માટેનો ટ્રૅક બનાવવામાં આવ્યો. લગભગ બે કિલોમીટરના આ ટ્રૅક માટે સાતેક કરોડ રૂપિયાનો ખર્ચ મુંબઈ મહાનગરપાલિકાએ કર્યો હતો. જોકે ભાગ્યે જ કોઈ સાઇકલચાલકે એનો ઉપયોગ કર્યો. એનો વપરાશ નહીં થવાને કારણે બે વર્ષ પછી સાઇક્લિંગ ટ્રૅક બંધ કરીને એને બદલે એને બેસ્ટની બસ માટેની લેન બનાવી દેવામાં આવી. જોકે એ પણ આઇડિયા નાની જગ્યાને કારણે કામ ન લાગ્યો. ઑક્વર્ડ લોકેશન અને મર્યાદિત કનેક્ટિવિટીને કારણે આજે એ ટ્રૅક પર કાગડા ઊડે છે, જેને સાઇક્લિંગ કરનારા લોકો સુધરાઈની બિગેસ્ટ ફેલ્યર ગણી રહ્યા છે. આજે એ જ મુંબઈ મહાનગરપાલિકા, મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (પ્પ્ય્Dખ્) મુંબઈને સાઇકલ- ફ્રેન્ડ્લી બનાવવા માટે સક્રિયતા દર્શાવી રહી છે. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુલુંડથી સાયન વચ્ચે તાનસા વૉટર પાઇપલાઇનના પૅરૅલલ રસ્તા પર લગભગ ૩૦૦ કરોડના ખર્ચે ૩૯ કિલોમીટરનો સાઇકલ પાથ બનાવવાની દિશામાં ૨૦૧૯ સુધીમાં કામ શરૂ થશે. બીજી બાજુ MMRDAના નવા કમિશનર આર. એ. રાજીવે પણ વિશ્વભરમાં પર્યાવરણની દૃષ્ટિએ સાઇક્લિંગના વધી રહેલા મહિમાને ધ્યાનમાં રાખીને મુંબઈમાં બાઇસિકલ મૂવમેન્ટને પ્રમોટ કરવાના પ્રયાસો કરવાની તૈયારી દેખાડી છે. નવા કમિશનરે ડેડિકેટેડ સાઇક્લિંગ પાથ બનાવવાની સાથે મેટ્રો સ્ટેશન પર સાઇકલ-પાર્કિંગની વ્યવસ્થા અને સેલ્ફ-ડ્રિવન સાઇકલ કૅબ જેવી સર્વિસ શરૂ કરવા સુધીનું પ્લાનિંગ કરી શકાય એવું જણાવ્યું છે. જોકે મુંબઈમાં આ શક્ય છે કે કેમ એ વિશે બાઇસિકલ મૂવમેન્ટનો ખરા અર્થમાં પ્રચાર કરનારા લોકો શું માને છે એ વિષય પર પણ થોડીક ચર્ચા જરૂરી છે.  

‘અત્યારે શોખથી કે ફિટનેસ મેળવવા માટે સાઇકલ ચલાવનારાની સંખ્યા વધારે છે પણ હું ગૅરન્ટી સાથે કહું છું કે આવનારા સમયમાં સાઇકલ જરૂરિયાત બની જશે.’

સ્માર્ટ કમ્યુટ ફાઉન્ડેશનનાં સ્થાપક અને મુંબઈની સાઇકલ કમ્યુનિટીનાં મધર ગણાતાં ફિરોઝા સુરેશ આ જ શબ્દોને આગળ વધારતાં કહે છે, ‘આજે આખું વિશ્વ પર્યાવરણ-ફ્રેન્ડ્લી અભિગમ અપનાવી રહ્યું છે અને પોતાના દેશમાં એના માટે બનતાં બધાં જ પગલાં લેવા તૈયાર થયું છે. હજી ગયા મહિને જ હું યુરોપિયન સાઇકલ ફેડરેશનની કૉન્ફરન્સ માટે બ્રાઝિલ જઈ આવી. ત્યાંની સરકારે પોતાનાં શહેરોને સાઇક્લિંગ કરી શકાય એ રીતે ડિઝાઇન કર્યા છે. એવું નથી કે બ્રાઝિલ મુંબઈ કરતાં જુદું છે. બેશક વેસ્ટર્ન દેશોની તુલનાએ આપણે વીસેક વર્ષ પાછળ છીએ, પણ હવે ખૂબ ઝડપથી ડેવલપમેન્ટની દિશામાં આગળ વધી રહ્યા છીએ. બ્રાઝિલનું પૉપ્યુલેશન પણ લગભગ સવા કરોડ ઉપર છે, જેની સામે મુંબઈની વસ્તી પોણાબે કરોડ છે. ભીડ ત્યાં પણ છે, પરંતુ વિલિંગનેસને કારણે ત્યાં સાઇકલચાલકો માટે શ્રેષ્ઠ વ્યવસ્થા ઊભી કરવી શક્ય બની છે, જે આપણે ત્યાં પણ શક્ય છે. શું કામ ન થઈ શકે એ જ મને સમજાતું નથી.’

ફિરોઝાએ પાંચ વર્ષ પહેલાં ‘સ્માર્ટ કમ્યુટ’ અંતર્ગત સાઇકલ લઈને કામ પર જવાનું અભિયાન શરૂ કર્યું હતું, જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. મુંબઈમાં સાઇક્લિંગ વિશે અવેરનેસ લાવવા માટે આ પ્રકારના લોકો અને ગ્રુપ્સનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. સરકારી યોજનાઓની વાત કરતાં ફિરોઝા કહે છે, ‘બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં થયું એ ખરેખર કમનસીબીની વાત છે. હું એને ફેલ્યર તરીકે નથી જોતી, પણ હા, એટલું કહીશ કે સમય કરતાં આપણે થોડાક વહેલા આ પગલું ભર્યું એટલે પૂરતો પ્રતિસાદ ન મળ્યો. એ કેસમાં એવું થયું કે સાઇકલ-ટ્રૅક બનાવ્યો, પણ એને જે રીતે પ્રમોટ કરવો જોઈતો હતો એ પ્રમોશન ન થયું. લોકો ત્યાં સુધી ખેંચાઈને આવે એ પ્રકારના એકેય પ્રોગ્રામ સુધરાઈએ ન કર્યા. જો એવું કર્યું હોત તો સ્થિતિ કદાચ જુદી હોત. મને હંમેશાં લાગે છે કે સાઇક્લિંગ પાથનો કન્સેપ્ટ આપણે ત્યાં પૉપ્યુલર કરવો હશે તો આગળ પણ લોકોને સાઇક્લિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામમાં જોડવા પડશે. તેમને માહિતગાર કરવા પડશે. તેમના માટે એવી કૉમ્પિટિશન યોજીને તેમને ત્યાં સુધી ખેંચવા પડશે. બીજું, સાઇક્લિંગ પાથ માટે સ્ટાર્ટ ટુ એન્ડની કનેક્ટિવિટી વિશે પણ સરકારે વિચારવું પડશે. તો જ લોકો ઘરની બહાર ટ્રાન્સપોર્ટેશનના ઑપ્શન તરીકે સાઇકલ લઈને બહાર નીકળશે. અત્યારે મુંબઈ આખું મેટ્રોમય બની ગયું છે અને અત્યારે જ જો મેટ્રોની સાથે મેટ્રોની નીચેનો ભાગ છે એને જો સરકાર સાઇકલ માટે ફાળવી દે તો ભવિષ્યમાં એના પર કોઈ એન્ક્રોચમેન્ટ થતું અટકશે. બીજું, આ રોડને આજુબાજુના રસ્તાથી સહેજ એલિવેટેડ એટલે કે ઊંચો બનાવવો જોઈએ જેથી વરસાદમાં આજુબાજુના ખૂણામાં પાણી ભરાય, પણ આ સાઇક્લિંગ રોડ એલિવેટેડ હોવાથી એમાં પાણી ન ભરાય. એક વાર બધું બની ગયા પછી એનું પ્લાનિંગ કરવાનું અઘરું પડશે. આશા સેવીએ કે સરકાર અમારી આ પ્રપોઝલ પર ગંભીરતાથી વિચારે અને અમલમાં મૂકે.’

૨૦૦૯માં મુંબઈના સૌથી મોટા સાઇક્લિંગ ગ્રુપની સ્થાપના એક ગુજરાતીએ કરેલી. મુંબઈ સાઇક્લિંગ ઉત્સાહીઓમાં અત્યારે લગભગ ૧૫,૦૦૦ જેટલા સાઇકલવીરો છે જેઓ ફેસબુકથી એકબીજા સાથે કનેક્ટેડ છે અને મહિનામાં ઓછામાં ઓછી પાંચથી છ સાઇક્લિંગ ઇવેન્ટ તેઓ યોજે છે. આ ગ્રુપના ફાઉન્ડર ચેતન શાહ કહે છે, ‘બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ ઉપરાંત સરકારે નરીમાન પૉઇન્ટ ટુ ચોપાટી વચ્ચે પણ સાઇકલ-ટ્રૅક બનાવ્યો હતો, જેને પણ પૂરતો રિસ્પૉન્સ ન મળ્યો. જોકે આ વખતે જે પ્રોજેક્ટ પાસ થયો છે એમાં સફળતા મળવાની શક્યતા વધારે છે, કારણ કે એ લાંબો રૂટ છે અને ડેડિકેટેડ રૂટ પણ છે. અત્યાર સુધી બનાવવા ખાતર કે કાગળ પર દેખાડવા માટે પ્રોજેક્ટ બનતા હતા, જ્યારે આજે પ્રશાસનને સાઇક્લિંગ માટે અવેરનેસ લાવવા માટે ઉપરથી પ્રેશર આપવામાં આવી રહ્યું છે. પહેલાં કરતાં અત્યારની સ્થિતિ જુદી છે. લોકોમાં સાઇક્લિંગ માટે જોરદાર અવેરનેસ આવી છે. તમને જાણીને આર્ય થશે કે થોડાક સમય પહેલાં મેં મુંબઈ મહાનગરપાલિકામાં મૅનહોલના ઢાંકણાની પૅટર્નને કારણે સાઇકલચાલકોના ઍક્સિડન્ટ થાય છે તેથી એની પૅટર્ન બદલવાની ભલામણ કરતો પત્ર લખ્યો હતો તો તાત્કાલિક એનો જવાબ આવ્યો. આ જવાબ દર્શાવે છે કે હવે સરકારની સાઇકલ-ફ્રેન્ડ્લી શહેર બનાવવાની દાનત છે.’

ચેતન શાહ ગયા વર્ષે કૅનેડામાં ૨૫૦૦ કિલોમીટર સાઇકલ ચલાવી આવ્યા છે. એ સિવાય ભારતની ૧૧ સૌથી ટફ એવી સાઇક્લિંગ ટૂર કરી છે. શ્રીનગરથી લદ્દાખના સાઇકલ-પ્રવાસમાં સૌથી ઊંચો મોટરેબલ રોડ ગણાતો ખાર્દુંગલા પાસ પણ તેમણે સાઇકલથી પાર કર્યો છે. ચેતનભાઈ કહે છે, ‘સાઇકલનું વજન ૧૨ કિલો હોય અને તમારી સાથેના લગેજનું વજન પંદર કિલો હોય એવી સ્થિતિમાં હાઈ અલ્ટિટ્યુડમાં સાઇકલ ચલાવ્યા પછી પણ મુંબઈમાં સાઇકલ ચલાવવાની ઝંખના અકબંધ રહી છે. અત્યારે રોજ સવારે પાંચથી સાડાસાત દરમ્યાન લગભગ ૧૦૦ કિલોમીટર સાઇકલ ચલાવું છું, પણ અંધેરીના મારા ઘરથી ચર્નીરોડ મારી ઑફિસ જવા માટે સાઇકલ લઈ જવાનું અવૉઇડ કરું છું. કારણ છે ટ્રાફિક અને લોકોમાં સાઇકલચાલકોની આવશ્યકતા વિશેની અજ્ઞાનતા. આજે મુંબઈમાં સાઇકલ છે, સાઇકલ ચલાવનારા છે; પણ સાઇકલનું પાર્કિંગ કરી શકાય એવી કેટલી જગ્યા હશે? આજે તમે તમારી વીસથી પચાસ હજાર રૂપિયા વચ્ચેની સાઇકલને રસ્તા પર ગમે ત્યાં તો પાર્ક નહીં જ કરોને. કેટલીયે એવી હોટેલો અને કૉર્પોરેટ ઑફિસો છે જેમાં સાઇકલ લઈ જવી અલાઉડ નથી. ઑફિસોમાં કામ કરતો સાઇકલચાલક સાઇકલ પર આવ્યા પછી શાવર લઈ શકે અને કપડાં ચેન્જ કરી શકે એવી કોઈ વ્યવસ્થા નથી. મારી દૃષ્ટિએ હવે મુંબઈમાં સાઇક્લિંગ ટ્રૅક બનાવવાની વાત ચાલી રહી છે ત્યારે આ પ્રકારના સાઇકલસવારોને માટે જરૂરી કેટલાક કાયદા પણ બનવા જોઈએ.’

સાઇકલનું પાર્કિંગ મળે તો સાઇકલસવારો તો તૈયાર જ છે પોતાની સાઇકલ બહાર કાઢીને એના પર બેસીને જ પ્રવાસ કરવા માટે. એનો મહિન્દ્રા કંપનીએ પૂરો પાડેલો દાખલો ફિરોઝા પાસેથી જાણવા જેવો છે. તે કહે છે, ‘મહિન્દ્રા કંપનીએ ગયા વષેર્ પોતાના કેટલાક એમ્પ્લૉઈની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ચાર સાઇકલ રહી શકે એવાં સ્ટૅન્ડ ગોઠવ્યાં હતાં. તેમને એની ઉપયોગિતા વિશે ડાઉટ હતો છતાં લોકોએ એને ખૂબ સારો રિસ્પૉન્સ આપ્યો. ચારને બદલે વધુ સાઇકલ પાર્ક થતી જોઈને કંપનીએ હવે ત્યાં આઠ સાઇકલ પાર્ક કરી શકાય એવું સ્ટૅન્ડ બનાવ્યું છે. આ જ દર્શાવે છે કે તમે સગવડ આપશો અને સપોર્ટ કરશો તો લોકો તો આ પ્રકારના અભિયાનનો હિસ્સો બનવા તત્પર છે.’

આજે મુંબઈકર સાઇકલને પોતાની ખુશી માટે કે ફિટનેસ માટે ચલાવે છે, પરંતુ નજીકમાં કોઈ કામ હોય તો તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટ કે પોતાના પ્રાઇવેટ વાહનનો ઉપયોગ કરે છે. એનું કારણ એટલું જ છે કે લોકો સાઇકલ લઈને ટ્રાફિક-અવર્સમાં બહાર નીકળવાની બાબતમાં સેફ્ટીનો અનુભવ નથી કરતા. મિરઝા આ વિશે કહે છે, ‘હકીકતમાં એક ગાડીના સ્થાને સાતથી આઠ સાઇકલ ચાલી શકે છે. ધારો કે ચર્ચગેટથી વિરાર વચ્ચે ડેડિકેટેડ સાઇકલ-રૂટ બને તો સો ટકા લોકો પોતાની ગાડી મૂકીને સાઇકલ પર સવારી કરીને પોતાના કામ માટે બહાર નીકળશે, કારણ કે સાઇક્લિંગના ફાયદાઓ હવે લોકો સમજતા થયા છે. વ્યક્તિગત ફાયદા ઉપરાંત પર્યાવરણ માટે પણ સાઇક્લિંગનો કોઈ પર્યાય નથી. પેટ્રોલ બચવાની સાથે ગાડીના કે બાઇકના ધુમાડામાંથી હવામાનમાં ફેલાતો કાર્બન પ્રદૂષણ અટકાવશે. લોકોને હવે સુવિધા આપીને આ કૅમ્પેનને ખરા અર્થમાં પ્રમોટ કરવાની જરૂર છે. સાથે જ સાઇકલ ચલાવવાની અવેરનેસ આવે એની સાથે સેફ્ટીપૂર્વક સાઇકલ કેવી રીતે ચલાવવી એ દિશામાં પણ કૅમ્પેન શરૂ થવાં જોઈએ. તેમ જ ફૉરેન કક્ષાની સાઇકલો આપણે ત્યાં બને એવી વ્યસ્થા થવી જોઈએ અથવા તો ફૉરેનથી આવતી સાઇકલના કસ્ટમ્સ-ચાર્જ ઓછા કરવા માટે સરકારે વિચારવું જોઈએ. આજે મોબાઇલમાં લાગતી કસ્ટમ્સ-ડ્યુટીની તુલનાએ સાઇકલ પર લદાતી કસ્ટમ્સ-ડ્યુટી અનેકગણી વધારે છે. આ નિયમો બદલાવા જોઈએ. ૩૯ કિલોમીટરના સાઇકલ-ટ્રૅકના પ્લાનને હું વખોડતો નથી, પણ એની ઉપયોગિતા વધારવી હશે તો વિવિધ હાઇવે પર સાઇકલ-ટ્રૅક જોડાઈ જાય એવા પ્રયત્નો કરવા પડશે. સાઇકલ તરફ લોકોને વાળવા સરકારે હોલિસ્ટિક અપ્રોચ અપનાવવો પડશે. સાથે જ મુંબઈના સાઇક્લિંગ ગ્રુપના લોકોને સાથે લઈને પ્લાનિંગ કરવું જોઈશે તો કદાચ તેઓ ગ્રાઉન્ડ-લેવલ પર શું કરવાની જરૂર છે એ સમજીને ઉચિત પગલાં લઈ શકશે.’

મૉન્સૂન રાઇડ


તમને જો એમ હોય કે અત્યારે ચોમાસામાં તો બધાએ પોતાની સાઇકલ અભરાઈ પર ચડાવી દીધી હશે તો એવું બિલકુલ નથી. રેઇન-રનની જેમ વરસાદમાં સૌથી વધુ સાઇકલ-રાઇડની ઇવેન્ટ યોજાય છે. લગભગ દરેક શનિ-રવિ દરમ્યાન સાઇકલ પર આરે કૉલોનીથી લઈને કસારા, લોનાવલા, માથેરાન, મહાબલેશ્વર, શિલફાટા જેવાં અઢળક સ્થળો પર મુંબઈમાં સક્રિય ચાલીસથી વધુ સાઇક્લિંગ ગ્રુપ રાઇડ માટે જાય છે. તેમની વિવિધ કૉમ્પિટિશન પણ થાય છે. જેમ કે પવઈ પેડલ્સ અનલિમિટેડ નામના ગ્રુપ દ્વારા એક ઑલનાઇટ રેસનું આયોજન થાય છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આખી રાતમાં જે સૌથી વધુ કિલોમીટર સાઇકલ ચલાવે તેને સાઇકલ ગિફ્ટમાં આપવામાં આવે છે. નાનાં બાળકોથી લઈને સિનિયર સિટિઝન, મેલ, ફીમેલ જેવી કૅટેગરી પાડીને દરેક કૅટેગરીને ગિફ્ટ મળે છે. એવી જ રીતે જાયન્ટ સ્ટારકેન નામનું એક ગ્રુપ જુલાઈ મહિનામાં મૉન્સૂન ચૅલેન્જ લૉન્ચ કરે છે. આ મહિનામાં જે સૌથી વધુ કિલોમીટર સાઇકલ ચલાવશે તેમને પ્રાઇઝ આપવામાં આવે છે. મુંબઈ એક્સપ્રેસ નામના ગ્રુપ દ્વારા જુદા-જુદા એરિયામાંથી રવિવારે નરીમાન પૉઇન્ટની રાઇડ યોજાય છે.

મુંબઈનાં કેટલાંક જાણીતાં સાઇક્લિંગ ગ્રુપ :

૧. મુંબઈ સાઇક્લિંગ એન્થુઝિઍસ્ટ્સ

૨. મુંબઈ મિડનાઇટ સાઇક્લિંગ

૩. ઘાટકોપર સાઇક્લિસ્ટ ક્લબ

૪. સાઇકલ ઇન્ડિયા

૫. યંગ સાઇક્લિંગ બડીઝ

૬. સાઇક્લિંગ ફૉર ફૂડીઝ

૭. લેક સિટી પૅડલર્સ

૮. મુંબઈ રાઇડર્સ

ક્વોટ્સ

ચર્ચગેટથી વિરાર વચ્ચે ડેડિકેટેડ સાઇકલ રૂટ બને તો સો ટકા લોકો પોતાની ગાડી મૂકીને સાઇકલ પર સવારી કરીને પોતાના કામ માટે બહાર નીકળશે, કારણ કે સાઇક્લિંગના ફાયદાઓ હવે લોકો સમજતા થયા છે

- મિરઝા સાઇબ બેગ, ‘ફાધર ઑફ સાઇક્લિંગ કમ્યુનિટી’ તરીકે જાણીતા ઍક્ટિવિસ્ટ

સાઇક્લિંગ પાથ માટે સ્ટાર્ટ ટુ એન્ડની કનેક્ટિવિટી વિશે પણ સરકારે વિચારવું પડશે. તો જ લોકો ઘરની બહાર ટ્રાન્સપોર્ટેશનના ઑપ્શન તરીકે સાઇકલ લઈને બહાર નીકળશે. અત્યારે મુંબઈ આખું મેટ્રોમય બની ગયું છે અને અત્યારે જ જો મેટ્રોની સાથે મેટ્રોની નીચેનો ભાગ છે એને જો સરકાર સાઇકલ માટે ફાળવી દે તો ભવિષ્યમાં એના પર કોઈ એન્ક્રોચમેન્ટ થતું અટકશે

ફિરોઝા સુરેશ, ‘મધર ઑફ સાઇક્લિંગ કમ્યુનિટી’ તરીકે જાણીતી અને ઍક્ટિવિસ્ટ

મુંબઈમાં સાઇકલ છે, સાઇકલ ચલાવનારા છે; પણ સાઇકલનું પાર્કિંગ કરી શકાય એવી કેટલી જગ્યા હશે? આજે તમે તમારી વીસથી પચાસ હજાર રૂપિયા વચ્ચેની સાઇકલને રસ્તા પર ગમે ત્યાં તો પાર્ક નહીં જ કરોને. કેટલીયે એવી હોટેલો અને કૉર્પોરેટ ઑફિસો છે જેમાં સાઇકલ લઈ જવી અલાઉડ નથી.

ચેતન શાહ, સૌથી મોટા સાઇક્લિંગ ગ્રુપ ‘મુંબઈ સાઇક્લિંગ એન્થુઝિઆસ્ટ’ના સ્થાપક

સાઇકલ-લવર માટે ખાસ ઍપ્લિકેશન્સ

તમને સાઇક્લિંગ ગમતું હોય અને સાઇક્લિંગ કમ્યુનિટી સાથે જોડાવા માગતા હો તો લ્વ્ય્ખ્સ્ખ્ નામની એક ઍપ્લિકેશન હવે પૉપ્યુલર પ્લૅટફૉર્મ બની છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK