માતા-પિતા-નામ-ચહેરો આપણાં હોવા છતાં આપણી પસંદગીનો અધિકાર નથી

અરે આ ઉપરવાળો ઈશ્વરિયો પણ ખરો છે.મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

તે આપણા સૌનો નજીકનો સંબંધી છે એટલે ક્રોધને કાબૂમાં રાખું છું. બાકી ચતુર કરો વિચાર કે આપણે તેનું મંદિર બનાવવા ભૂમિપૂજન કરવા મુરત જોવાનું, પછી મંદિર બનાવવા મુરત જોવાનું, પછી એ જ ઈશ્વરની પધરામણી કરી પ્રાણ-પ્રતિષ્ઠા કરવા મુરત જોવાનું, ધજા ફરકાવવા માટેનું મુરત. પછી એ મંદિરમાં હવન, કથા કે માનતા માટેનું મુરત. બસ, મુરત, મુરત ને મુરત. ચોઘડિયાં-ચોઘડિયાં. અરે એ જ મંદિર જર્જરિત થાય તો એના જીર્ણોદ્ધાર માટે પણ મુરત. તેનો એક પણ પ્રસંગ આપણે મુરત વિના ઊજવ્યો નથી ને સામે પક્ષે એણે ર્ચોયાસી લાખ ફેરામાં નીચે મોકલવા ક્યારેય મુરત જોયું? ના. અરે મુરત જોઈ જન્મતારીખની જરા હિન્ટ આપે તો આપણે કાર્ડ પણ છપાવીએ કે ઈશ્વરકૃપાથી ફલાણા દિવસે ઢીંકણા સમયે બાબો કે બેબી ટપકવાના છે, એ દિવસે અમે ‘બાળ રમાડવા’ કાર્યક્રમનું આયોજન કર્યું છે તો પધારશો... અરે આ શરીરના જીર્ણોદ્ધાર આઇ મીન રીડેવલપમેન્ટ માટે એને ઉપર લઈ જવાનું હોય ત્યારે પણ ક્યાં મુરત જુએ છે? નઈતર તો મસ્ત કંકોતરી છપાવીએ, ‘પ્રિય સ્વજન, ઈશ્વરઇચ્છાથી અને આપ સૌના સહકારથી અમારા વડીલ શ્રી ચંપકલાલ ચુનીલાલ ચેવડાવાલા ૭૭ વર્ષની જીવનયાત્રા પૂર્ણ કરી ‘યે દુનિયા, યે મેહફિલ મેરે કામ કી નહીં’ ગાતાં-ગાતાં તેમનો આત્મા પરમાત્માને મળવા તારીખ સાતમી જૂન ૨૦૧૭ના અશુભ મુરતે ને કાળ ચોઘડિયે વિદાય લેશે. તેમના શરીરને સ્મશાન સુધી પહોંચાડવા સહભાગી થવા અંતિમયાત્રામાં પધારવા ભાવભીનું આમંત્રણ છે, તેમની અંતિમયાત્રા તેમના ટેમ્પરરી નિવાસસ્થાન (કેવળજ્ઞાન : પૃથ્વી આપણા બધાનું ટેમ્પરરી રહેઠાણ છે... જ્ઞાન પૂરું) પરથી બપોરે બે વાગ્યે પ્રસ્થાન કરશે ને મુક્તિધામ સુધી જશે, તો સમયસર પધારી ચાર ખભા આપવા આપ સૌ સહકાર આપી આપણા સંબંધોનું ગૌરવ વધારશો, અમે સ્મશાનયાત્રામાં આપ સૌની આતુરતાપૂર્વક રાહ જોઈશું.’

પછી આ જ કંકોતરી બાપુજીને જ વંચાવવાની, બરાબર? બાપુજી OK કરે કે તરત જ પ્રિન્ટમાં... બાપુજીને પણ કીધું, બાપુજી, અંત સમયે ઈશ્વર ‘આવજો’ કહેવા જેટલો સમય પણ ન આપે. એવા ઈશ્વરને શું કરવાનો? નઇતર ‘આવજો’ કહેતાં વળી વાર કેટલી? બહુ રઘવાયો બાપુ, બહુ રઘવાયો... નહીંતર તેની પાસે બોલાવવા મુરત ન જોવાય?

ટૂંકમાં તે નથી આપણા જન્મનું મુરત જોઈ મોકલતો કે નથી આ શરીરને રીડેવલપમેન્ટ માટે ઉપર બોલાવી લેવાનું મુરત જોતો.

આમાં બૉસ, આ જન્મે બન્યું એવું કે ઈશ્વર મને અહીં મોકલે એ પહેલાં વિનંતી કરી, ‘ડિયર ઈશ્વર, આમ તો અમારા જન્મ-મરણની મોનોપૉલી તારી પાસે છે. યુ આર સરમુખત્યાર. મને ખબર છે કે તું મુરત જોયા વગર જ મોકલીશ, પણ નાનકડી વિનંતી છે કે હમણાં ન મોકલ બીકૉઝ ધેર ઇઝ ટૂ મચ ઉકળાટ ઍન્ડ આઇ ડોન્ટ લાઇક ઉનાળા બીકૉઝ વેરી બિગ ગરમી ઍન્ડ બફારા ઇન હૉટ વાતાવરણ ઍન્ડ બગાસાં ઑલ્સો કમિંગ ઇન બપોરે ઍન્ડ ધેર ઇઝ ટૂ મચ કંટાળા ઇન અમદાવાદ. ઇન ધિસ ટેરિફિક ગરમીમાં મને એક લૂ બહુ લાગે ને એકલું બહુ લાગે. સો માય હમ્બલ રિક્વેસ્ટ પ્લીઝ ગિવ મી એક્સટેન્શન ટુ માય જન્મ, બાકી તારી મરજી. બાકી ધણીનું કોઈ ધણી થોડું છે? નમો નચાવે તેને કોણ બચાવે? બીજી એક ચોખ્ખી વાત કરું? તું મને મોકલ્યા પછી પસ્તાઈશ, તને મારા વગર ફાવશે નઈ. પણ આઇ નો તું મને મોકલવાનો અને મુરત જોયા વગર ચોઘડિ...

અરે શું ક્યારનો મુરત-મુરત કે ચોઘડિયાનું મંડી પડ્યો છે. મેં ચોવીસ કલાક ને ત્રણસો પાંસઠ દિવસ દરેક ઘડી શુભ જ આપી છે. પણ નીચે બધાએ ચોઘડિયાના ભાગલા, સમયના ભાગલા, ધર્મના ભાગલા, મંદિર અને એમાં રહેતા ઈશ્વરના ભાગલા, જાતિના ભાગલા, વિચારોના ભાગલા કરી મારી પત્તર રગડી કાઢી છે. અને આ ઠંડી-ગરમીમાં પણ કોનો કેટલો સાથ છે એના પર આધાર છે. એક લૂ અને એકલું લાગતું હોય તો યાદ રાખ, પ્રિય પાત્ર જોડે હશે તો ભરબપોરે પણ ચાંદની શીતળતા લાગશે ને પ્રિય પાત્ર જોડે નઈ હોય તો ચાંદની શીતળતામાં પણ લૂ લાગશે. મન શુભ તો બધું શુભ જ છે. હમણાં હું તને નીચે મોકલું છું, મુરત કે ચોઘડિયું જોયા વગર...

ને એક આત્માએ શરીર ધારણ કર્યું. વાદળ નામના પડદા ખૂલી ગયા. સૂર્ય નામનો પ્રકાશ દેખાયો ને સવાર નામનો રંગમંચ ઝળહળી ઊઠ્યો. સવાર જરા આગળ વધી ને બપોર બનીને ભરબપોરે બે વાગ્યે પૃથ્વી પર મારી એન્ટ્રી થઈ ને ઝૂમ ઝૂમ ઝૂમ ઝૂમ કરતા મારા જીવન નામના નાટકનો શુભારંભ થયો. (આ માણસ નામનો મુખ્ય કલાકાર એવો અભિનય કરે છે કે ઈશ્વર પોતે જ પોતાના જ પ્રોડક્શનને જોઈ સ્તબ્ધ થઈ જાય). યુ નો કે શરીરના મોબાઇલમાં ‘આત્મા’ કંપનીનું સિમ-કાર્ડ હતું એટલે ઈશ્વરને વૉટ્સઍપ કરી દીધો ‘Reach safely. TC.’ પણ હવે હું જન્મીને રિવાજ મુજબ રડ્યો નઈ એમાં આખું ઘર ટેન્શનમાં. હૉસ્પિટલમાં ડૉક્ટર અને નર્સ બધા બરાબરના ધંધે લાગી ગયાં. હાથ-પગ હલાવ્યા, ઢંઢોળ્યા, પગમાં ગલગલિયાં કયાર઼્; પણ પરિણામ મીંડું. બધા મનમાં ગાવા લાગ્યા, ‘ગોલમાલ હૈ સબ ગોલમાલ હૈ, સીધે રસ્તે કી યે (પ્રભુ કી) ટેઢી હિલચાલ હૈ..’ ઈવન ઈશ્વરે મારા કાનમાં કીધું, થોડું ઊંઆં-ઊંઆં કર બકા નઈતર તને મરેલો સમજીને બૅક ટુ પૅવિલિયન કરશે તો... ચાલ બકા રડ તો...

નઈ, નઈ એટલે નઈ. હજી સમય થયો નથી. પ્રભુ, અહીં ભલાભલા MD કે LLBની ડિગ્રીને પણ વટાવી દે એવી ૪૭ ડિગ્રી જેટલી કાળઝાળ ગરમી છે. પણ અહીં AC ચાલુ છે એટલે ગમે તે થાય, બેથી ચાર સૂવાનું એટલે સૂવાનું. હજી બે વાગ્યા છે. ચાર વાગ્યા પહેલાં રડીશ નઈ. ને સૂવાનું ને રડવાનું સાથે શક્ય નથી. પ્લીઝ, તું છોડને યાર, હું ફોડી લઈશ. છેવટે ચાર વાગ્યે મેં જેવું રડવાનું ચાલુ કર્યું ને પરિવારે હસવાનું ચાલુ કર્યું કે બધાએ તાળીઓ પાડી, આનંદની છોળો ઊડી. મને થયું, પ્રભુ, મારા રડવામાં લોકોને આટલો આનંદ! પ્રભુ, જિંદગીભર આમ જ ચાલવાનું? ઍક્ચ્યુઅલી કોઈ ચંબુલાલોને ખબર જ નથી કે હું કેમ રડ્યો. મિત્રો, આપણો સંબંધ છે એટલે કઈ દઉં કે જન્મીને તરત જ કેમ રડ્યો. પહેલું કારણ જે પ્રભુની માયા હતી એ જ પ્રભુએ છોડી દીધો ને બીજું, જેની જરાય માયા નથી એ સંબંધો-સંપત્તિની માયામાં ચક્કરમાં કારણ વગર પડવાનું!

કહેતાં દુ:ખ તો જબરું થાય છે, કારણ કે તેની દાદાગીરી તો જુઓ; આપણું શરીર, આપણાં માતા-પિતા, આપણો ધર્મ, જેની ડગલે ને પગલે જરૂર પડે એ નામ, ચહેરો, રૂપ, સરનામું આપણું હોવા છતાં કશું જ પસંદ કરવાનો અધિકાર ખરો? ના. તો તમે જ બોલો, આ હાલતાચાલતા ખોળિયા પર અધિકાર કોનો, આપણો કે પ્રભુનો?

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK