વડોદરાની કાવ્યસંપદા

નિયમિત યોજાતી સાહિત્યિક બેઠકો સર્જનના લાલનપાલનમાં ઉપકારક નીવડે છે.



અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

મુંબઈમાં સાહિત્યસંસદ, ધબકાર, ઝરૂખો, ભવન્સ અંધેરીની કાવ્યસંપદા શ્રેણી, ભારતીય વિદ્યાભવન કલાકેન્દ્રની સાહિત્યસંપદા શ્રેણી અને અન્ય પ્રવૃત્તિઓ શહેરમાં જીવ સીંચે છે.

વડોદરામાં કવિસંગતની પખવાડિક બેઠકો થાય છે. એ પ્રસ્તુતિમાંથી પસંદ કરેલી રચના ઉપરાંત વડોદરાના જ કવિઓની કૃતિઓનું સંપાદન ગુલામ અબ્બાસ નાશાદ અને દિનેશ ડોંગરે નાદાને કર્યું છે. ‘વડોદરાની કાવ્યસંપદા’ ર્શીષક હેઠળ અહીં ૬૩ કવિઓનો મેળો છે. એક શહેરની સર્જનશીલતા આ રીતે પ્રગટ થાય તો અબીલ-ગુલાલથી ગઝલસુંદરીના ગાલને રતુંબડા કરી આનંદ વ્યક્ત કરવો જોઈએ. આવો વડોદરાની ગઝલનગરીમાં લટાર મારીએ.

બોલશે એકાંત, જો ઘરમાં અટારી હોય તો

શક્ય છે સંવાદ, જો જળમાંય બારી હોય તો

આ પગથિયાં ચાર, વહીવટ કેમ સમજાવું તને?

બે જતન ને બે પતનનાં, કારભારી હોય તો?


દીપ્તિ વછરાજાનીની વાત સમજીએ તો ખ્યાલ આવે કે જિંદગીમાં એકાંત અને સંવાદ બન્ને મહત્વનાં છે. ટ્રેનમાં બેસીને ચર્ચાનાં ચૂંથણાં થાય એને સંવાદ ન કહેવાય, ટાઇમપાસ કહેવાય. વિધાનસભામાં કે લોકસભામાં વિરોધપક્ષો દ્વારા વાહિયાત વાતોમાં થતો વિરોધ વિસંવાદનો તમાશો છે. કૉર્પોરેટ કલ્ચરમાં મીટિંગ્સમાં થતો સંવાદ કંપનીની પ્રગતિમાં સહાયક નીવડે છે. સાહિત્યિક બેઠકોમાં થતો સંવાદ સર્જકની ત્રુટિ શોધી તેના સર્જકત્વને નિખારવામાં મદદરૂપ થાય છે. ગિરિરાજ બ્રહ્મભટ્ટ પ્રગતિના પંથનો નર્દિેશ કરે છે...

જુદો રસ્તો, અલગ નકશો, સતત ચીતરી ગયો છું

હું મારા સ્વપ્નની આગળ, ઘણો નીકળી ગયો છું

મને સાગર, ધરા, પુષ્પો, શશી, સૂરજ પિછાણે

અજાણ્યા માનવો વચ્ચે, સહજ વિકસી ગયો છું


તૈયાર વાતાવરણ કોઈને નથી મળતું. વાતાવરણ સાથે ઍડ્જસ્ટ થવું પડે અથવા તો નવું વાતાવરણ નિર્માણ કરવું પડે. દેશ પરિવર્તનના નાજુક વળાંક પર છે. ટ્રિપલ તલાકનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં અત્યંત ગંભીરતાથી ચર્ચાઈ રહ્યો છે. ૧૪૦૦ વર્ષ જૂની પ્રથા જો નાબૂદ થઈ જાય તો શોષિત સ્ત્રીત્વને કાયદાનો સધિયારો મળે. છાશવારે વિકૃત ફતવા જાહેર કરતા કટ્ટર મૌલવીઓ અને ધર્મને નામે સ્ત્રીનું શોષણ કરતા કામી બાબાઓથી આપણે ગ્રસ્ત અને ત્રસ્ત છીએ. મનહર ગોહિલ એક્સ-રે ઝડપે છે...

દોરા ધાગા જંતરમંતરનો ઇજારો રાખ્યો છે

દુનિયા સમજે બાબાએ ઈશ્વર ગજવામાં રાખ્યો છે

ઈશ્વર, મનમાં ના લેતો શાયરના કડવા શબ્દોને

મંદિર મસ્જિદના ગોટાળે કૂંડાળામાં રાખ્યો છે


અઢારમી સદીની માનસિકતા સાથે એકવીસમી સદીમાં જીવવાની વાત ગળે નથી ઊતરતી. મૂલ્યો યુગોપર્યંત શાશ્વતી લઈને ઊભાં હોય છે; પણ માન્યતા, ધર્મ અને કાયદા સ્થળ-કાળ પ્રમાણે ફેરફાર માગે છે. સ્ત્રી-સમાનતા આદર્શ છે, પણ સ્ત્રી-અત્યાચાર વાસ્તવિકતા છે. વિજય રોહિતનો શેર આજના સંદર્ભે તપાસો તો મૅગ્નિફાઇડ સત્ય દેખાશે...

હો ભલે રાધા, સીતા કે ઊર્મિલા

સ્ત્રી થવાની આપદા તો એ જ છે


સ્ત્રીનું નામ બદલાય છે, પરિસ્થિતિ નહીં. પુરુષપ્રધાન સમાજને અહંકારનો અંચળો ઉતારતાં હજી બે-ચાર સદી લાગશે. એ પછી પણ કોઈ ગૅરન્ટી નથી. પરેશ પંડ્યા મુક્ત દેખાતા જગતની વિડંબના વર્ણવે છે. 

શું કહું, કોને કહું, આ કેદખાનાની વ્યથા

આમ તો ખુલ્લા જગતમાં કૈંક કારાગાર છે


કળિયુગ કૂદકે ને ભૂસકે પાંગર્યો છે. આંકડાઓ તપાસો તો બળાત્કાર, લૂંટફાટ, આતંકવાદ, માઓવાદ લોહિયાળ ગરબા ખેલે છે. ઘણી વાર તો એમ થાય કે આપણા જેવા નશ્વર જીવોને આ કૃત્યો દેખાય છે તો ઈશ્વર શું કામ ચૂપચાપ બેઠો છે? તખ્તસિંહ સોલંકી આપણી આશાને ડર સાથે જોડે છે...

હું એ સમયને કરગરી શકતો નથી

કે જે કદી પાછો ફરી શકતો નથી

દુ:ખો અહીંનાં જોઈને ઈશ્વર હવે

માનવ સ્વરૂપે અવતરી શકતો નથી


ઈશ્વરને પણ ઘણી વાર અફસોસ થતો હશે ને વિચારતો હશે : યાર, આ લોકોને શું કરવા પૃથ્વી પર મોકલ્યા હતા ને શું કરી રહ્યા છે આ બધા. આખી જીવસૃષ્ટિ કુદરતના નિયમ પ્રમાણે ચાલે છે, પણ મનુષ્ય હજાર ફાંટાઓમાં ફંટાયો છે. ફળમાં અટવાઈને મૂળ ભૂલી ગયો છે. ડૉ. વિરંચી ત્રિવેદી પાસેથી એ મૂળ સમજવાની કોશિશ કરીએ...

દુનિયાની શાળામાં જીવનગ્રંથ ઉઘાડી

ઘટનાઓનો વાચક, ભાવક, અભ્યાસી છું

એક અનુભવ મારો કહે છે ભીતર દેખો

હું જ હવે તીરથ છું, કાબા ને કાશી છું

ક્યા બાત હૈ


એક બટકું રોટલો ને છાશ મારા ગામમાં

તોય મારે મન હતાં એ ખાસ મારા ગામમાં

રાસ ના આવી મને આ શહેરની આબોહવા

કેટલી મોહક હતી સુવાસ મારા ગામમાં

એક ટૌકો શોધવા આખું નગર ફેંદી વળ્યો

ગુંજતા સંભળાય છે ચોપાસ મારા ગામમાં

વાત કરવાનો સમય પણ ક્યાં મળે આ લોકને

વ્યસ્તતા વચ્ચેય છે હળવાશ મારા ગામમાં

ને નર્યા અંધારમાં આળોટતું લાગે નગર

સામટો સો સૂર્યનો અજવાસ મારા ગામમાં

એક છત પણ છે અહીં? આપી શકે જે આશરો

હોય છે આવાસના આવાસ મારા ગામમાં

ચાર સ્કંધો શોધવા મુશ્કેલ છે આ શહેરમાં

છે પરસ્પર કેટલો સહવાસ મારા ગામમાં

- રતિલાલ બી. સોલંકી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK