કદાચ એ આવશે!

કેટલીક વાતોમાં આપણે શ્યૉર નથી હોતા.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

આમ થશે કે નહીં થાય એનો નક્કર ખ્યાલ ન હોય. વાત કદાચ બને પણ ખરી અથવા અધૂરી વાર્તાની જેમ ખિન્ન બનીને રહી જાય. કદાચ શબ્દ આશા શબ્દની નજીકનું ગોત્ર ધરાવે છે. આશા હકારાત્મક વલણની છડી પોકારે છે, જ્યારે કદાચ એક અસમંજસ સૂચવે છે. રાજકીય ભાષામાં સમજવું હોય તો આ બન્ને શબ્દો વચ્ચે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી જેવો ફરક છે. અનાયાસ આ સરખામણી થઈ જ ગઈ છે તો કૉન્ગ્રેસમાં ઉચ્ચ સ્તરે નેતાગીરીના છલકાતા અભાવને ડૉ. કેતન કારિયાનો આ શેર બંધબેસતો લાગે છે...

તમે ચુપકીદીને ખૂબી તો ગણો છો

કદાચેય વાચા મળે તો કરો શું?


દેશમાં વિરોધ પક્ષ પણ મહત્વનો હોય છે. એનું કામ રોડા નાખવાનું નહીં, દેશના હિતમાં પસાર થતા ઠરાવોમાં સુધારા-વધારા કરાવીને દેશને મજબૂત બનાવવાનું છે. વિકાસના હવનમાં હાડકાં નાખીને પોતાની પિપૂડી ટકાવવા થતો વિરોધ સારા મનોચિકિત્સક માટેનો સુવાંગ અને ઇમર્જન્સી દરદી છે. ભાવિન ગોપાણી ઉભય પક્ષે સમરસતાની આશા જગવે છે...

પડે જો સૂર્યનાં કિરણ અવાજ સાંભળી શકો

જો ધ્યાન દઈને સાંભળો સવાર સાંભળી શકો

તમારી સાથ એટલે સફર વિતાવવી હતી

હું જે કહી શકું નહીં, કદાચ સાંભળી શકો


આપણે સામાન્ય રીતે જે ઇચ્છીએ એ જવાબ સાંભળવા જ ટેવાયેલા હોઈએ છીએ. એવું ન હોય. નકારાત્મક જવાબમાંથી પણ જો એક સારો મુદ્દો મળે તો ગૃહિણી ચીપિયાથી રોટલી પકડે એમ પકડીને ઉઠાવી લેવો જોઈએ. જિંદગી આજીવન શિક્ષક છે અને પળેપળ આપણને શીખવતી જાય છે. એની પાસે અપાર અનુભવોની તાસક છે. કેટલાકના ભાગે સારા અનુભવો આવે તો કેટલાકના ભાગે નરસા. પ્રેમનો અનુભવ સફળ થાય કે નહીં એ જુદી વાત છે, પણ આ અનુભવ એકમેકને એકમેકની તો જરૂર રહેવાની એ સત્ય પ્રતિપાદિત કરે છે. રાજેન્દ્ર શુક્લ એનો નજાકતથી સ્વીકાર કરતાં કહે છે...

ઝાકળ વિશે મળ્યો છે મને પત્ર એકદા

ઊકલે કદાચ તારાં નયનના ઉજાસમાં


કેટલાકને પોતાનો ઉજાસ મળી ગયો હશે તો કેટલાકનો ઉજાસ કદાચ નામની કુંજગલીમાં અટવાઈને ટેરવાઈ ગયો હશે. ચીનના સૈન્યની જેમ વરસો ગમે ત્યારે આપણી ઉંમર પર ધસી આવે છે. અચાનક અરીસામાં ચહેરો જોઈએ ત્યારે ખ્યાલ આવે કે પામવાની ઉંમર તો જતી પણ રહી. આધેડ બની ગયેલા ઓરતા પાસે દીપક બારડોલીકરનો આ સંદેશ પાઠવવા સિવાય કોઈ છૂટકો નથી...

તમને કદાચ દેશમાં મળશે એ ગુલબદન

પૂછે તો કહેજો એમને દીપક મજામાં છે


ભુલાઈ ગયેલી ગલીઓમાં માંડેલા પગરવ કદાચ ભૂંસાઈ જાય, પણ ભણકારા ભૂંસાતા નથી. એ ગલીઓમાંથી આવતો સાદ નૂર ભલે ગુમાવી ચૂક્યો હોય, પણ સૂર તો આછા-આછા અકબંધ રહેવાના. આ સૂરને જગાડવાનો એક પ્રયાસ રિષભ મહેતા કરે છે...

તમે કદાચિત ભૂલી ગયા છો, કદી આપણે કાગળ ઉપર

ચીતર્યુંતું જળ ખળખળ વહેતું, ને તરતી મૂકીતી હોડી

સ્થિર ઊભેલી એ હોડીને તરતી કરવા, સરસર સરવા

ઝરમર ઝરમર સાદ લઈને મારે તમને મળવું છે


એક જણ પાસે રહી ગયેલો વરસાદ બીજા જણની તરસ બનતો હોય છે. બીજા ઘણા વરસાદ મળી પણ જાય, છતાં જે ઓરિજિનલ ચૂકી ગયા હોઈએ એ ટીપાંની ભીતર સમાયેલો આપણો દરિયો ગયો એ ગયો. હા, ઊછળતાં મોજાં શમી ભલે જાય છતાં એ નિષ્પ્રાણ થતાં નથી. સમય આવે ત્યારે ફરી એમનામાં સ્મરણો પ્રાણ પૂરે છે. બેફામસાહેબ તરસ અને હૃદયની પરિભાષામાં અનુભવને મૂકી આપે છે...

હું ધારું છું - સુકાઈ ગઈ હશે સાચી તરસ મારી

કદાચ એથી જ મારા ભાગ્યમાં મૃગજળ પીવાનું છે

જગા એમાં મને મળતી નથી એમાં નવાઈ શી?

હજી મારા હૃદય કરતાં જગત આ બહુ જ નાનું છે

હૃદય હોય મુઠ્ઠીભર છતાં એમાં આખું વિશ્વ સમાઈ શકે. એક અહેસાસ આપણને વારંવાર થતો હોય છે કે કોઈ આપણો દોરીસંચાર કરી રહ્યું છે. કદાચ એ કાળ હોઈ શકે, કદાચ એ આપણાં કર્મો હોઈ શકે, કદાચ એ ઈશ્વર હોઈ શકે. રબરસ્ટૅમ્પ મારીને નક્કરપણે કહી શકાય એવા કોઈ તારણ પર પહોંચી નથી શકાતું. અણસાર આવ્યા કરે પણ અંદાજ ન આવે. વિવકે કાણે નૃત્યની ભાષામાં એને સમજાવે છે...

આ તારું નૃત્ય એ મારી જ કોરિયોગ્રાફી

નચાવું જેમ તને એમ નાચ કઠપૂતળી

સહજ નચાવે મને કોક ગુપ્ત દોરીથી

ને તારી જેમ છું હું પણ કદાચ કઠપૂતળી


નાચ કરતી વખતે સંતુલન રાખવું પડે. જિંદગી એક સમતોલ અભિગમ માગે છે. ગીતામાં સ્થિતપ્રજ્ઞનો મહિમા થયો છે.

સુખ મળે ત્યારે છકી ન જવું અને દુ:ખ આવે ત્યારે છળી ન મરવું. પ્રત્યેક જણ પાસે એક અદૃશ્ય લાકડી હોય છે. એ લાકડીનો ઉપયોગ કોઈને ફટકારવા માટે નહીં, કોઈને ટેકો

આપવા માટે કરવાનો છે. એ ટેકો સ્વજનને, સમાજને પણ હોઈ શકે અને જાતને પણ. લક્ષ્મી ડોબરિયા શાંત દરિયે ઠરેલ મોતી ઉપાડીને આપણી સમક્ષ મૂકે છે...

દર્પણને અવગણ્યું અને ચાહ્યું પ્રમાણસર

આ સાદગીનું તેજ નિખાર્યું પ્રમાણસર

ઊંચે જવાનો મોહ કદાચિત થઈ જશે

પલ્લું મેં નમતું એટલે રાખ્યું પ્રમાણસર


ક્યા બાત હૈ


એ ફૂલોની પાસે લખાવે કદાચિત

પવન સાથે ખત મોકલાવે કદાચિત

તને એમ છે કે એ ભૂલો પડ્યો છે

બને, એ જ રસ્તો બતાવે કદાચિત

ઉદાસી, વ્યથા, આંસુઓ, યાતનાઓ

છે સઘળુંય તારા અભાવે કદાચિત

અમે ઘર બનાવ્યું છે એકાંત મધ્યે

આ શબ્દો હવે ઘર સજાવે કદાચિત

કરી છે અમે દોસ્તી સાંજ સાથે

હવે રંગ જીવનમાં આવે કદાચિત

- જિત ઠાડેચકર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK