પિંડથી બ્રહ્માંડ

અમરેલીમાંથી અનેક સશક્ત કલમો કવિતાને સાંપડી છે.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

રમેશ પારેખ, હર્ષદ ચંદારાણા, ભરત વિંઝુડા, સ્નેહી પરમાર, પ્રણવ પંડ્યા  જેવા  સર્જકોની ભૂમિ અમરેલીમાં એક નામનો ઉમેરો થયો છે : હાર્દિક વ્યાસ. ચલાલામાં રહેતા આ કવિ અંગ્રેજી ભાષાના શિક્ષક છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પિંડથી બ્રહ્માંડ’ તાજેતરમાં પ્રગટ થયો એનું હાર્દિક સ્વાગત કરી ઇર્શાદ ફરમાવીએ... 

માંસ, મજ્જા, પ્રાણ, વાયુ, અગ્નિ ને ભૂમિ બધું

કો તિલસ્મી તીરથી બસ ક્ષણમહીં છેદાય છે

પિંડથી બ્રહ્માંડની વ્યાપક ગતિ આ છે બધી

એ જિજીવિષા કરોડો ક્યાં કદી પરખાય છે?


પંચતત્વનું બનેલું આ શરીર ખરેખર અપાર વિસ્મયથી ભરેલું છે. બાળશરીરથી વૃદ્ધશરીરની યાત્રા સૂર્યોદયથી સૂર્યાસ્તનો અનુભવ કરાવે છે. આપણે અખિલાઈના અંશ છીએ. જો અખિલાઈ સત્ય હોય તો અંશ પણ સત્ય છે અને જો અંશ સત્ય છે તો અખિલાઈ પણ સત્ય છે. ટૂંકમાં શ્વાસનો ખેલો યુગો-યુગોથી રમાય છે. આ આખી ઘટમાળમાંથી શાયર એક રસપ્રદ સાર શોધી આપે છે... 

જે સ્થૂળ છે એ સૂક્ષ્મ છે ને સૂક્ષ્મ સ્થૂળથી પરે

ન કેદ છે ન એ ફરાર, સ્થિરતા રહી જશે

ન શંખ, ચક્ર, પદ્મ કે ગદા ધરી છે હસ્ત પર

શું મોક્ષનો હશે વિચાર? સ્થિરતા રહી જશે


ગંગાસતીનું ભજન અચૂક સાંભળ્યું હશે : સ્થિરતાએ રહેજો ને વચનમાં ચાલજો. સ્થિરતા એટલે કંઈ સ્ટૅચ્યુ થઈ જવાની વાત નથી. ચંચળ મનને કાબૂમાં રાખવાની કવાયત છે. ગતિ તો સંસારનો નિયમ છે. આપણે સૂતા હોઈએ ત્યારે પણ આપણી ભીતર લોહી તો ફરતું જ હોય છે, હૃદય ધબકતું જ હોય છે, વિવિધ ક્રિયાઓ ચાલતી જ હોય છે. સારું અને નરસું એમ બંને તત્વ આપણી અંદર વિલસે છે. એમાંથી કયા તત્વને રાજ કરવા દેવું એ આપણી ઉપર નિર્ભર છે.

હું સતત શોધ્યા કરું છું વિક્રમી એ સ્વાંગને

આજ પાછો જીવ આ ચોંટી ગયો વેતાળમાં

વાઘ ને પારેવું બન્ને ઊછરે છે ભીતરે

રાખવી છે કાળજી બહુ એમની સંભાળમાં


પારેવાનો ફફડાટ વાઘનખ સામે હારી જાય. નિર્દોષ લોકો પર પાશવી અત્યાચારો થયા કરે છે અને પહોંચેલી માયાઓની જોહુકમી મંડરાતી રહે છે. સત્ય પાસે શક્તિ હોય છે, જ્યારે અસત્ય પાસે રાક્ષસી તાકાત હોય છે. ભોપાલમાં ૧૯ વર્ષની નિર્દોષ છોકરી કોચિંગ ક્લાસમાંથી પાછી ફરી રહી હતી ત્યારે હબીબગંજ સ્ટેશન પાસે ચાર નરાધમોએ તેને પીંખી નાખી. દેહ અને આત્મા લોહીલુહાણ થયા હોય એવા આ કિસ્સામાં નીંભર ભેંસ જેવી પોલીસે ફરિયાદ લેવાની પણ ના પાડી દીધી. આવાં નિઘૃણ કૃત્યોથી ધરતી લાજે છે અને બેજવાબદાર સત્તાધારીઓથી સમાજ કણસે છે. પ્રસન્ન રાસ ક્યારે પ્રચ્છન્ન તાંડવ બની ગયો  એની જ ખબર નથી પડતી. 

શોધવાને ક્યાં કદી આવે છે પેલો કાનજી?

નથ સમયની કેટલી ખોવાય છે આ રાસમાં

કૈં યુગો વીતી ગયા રાવણ-જટાયુ યુદ્ધના

તે છતાં ચીસો હજી પડઘાય છે આકાશમાં!


રોજ અખબાર વાંચો અને થાય કે કૃષ્ણને અવતરવાનો સમય થઈ ગયો છે. ઊલટું એમ થાય કે કૃષ્ણ ફરીથી અવતરવામાં બ....હુ લેટ થઈ ગયા છે. પાપની પરાકાષ્ઠા સુધી પ્રભુ રાહ જોશે ત્યાં સુધી તો ગેમ પતી ગઈ હશે. અધ્યાત્મથી લઈને આકાશ સુધી ખેલાતા મહાભારતમાં વાંસળીના સૂર નંદવાઈ ગયા છે.

ભીતરે ગૌતમ વસે છે કે અહલ્યા શું ખબર?

નીકળી પણ ક્યાં શક્યું છે એનું કંઈ તારણ હજી

ધૂળની ડમરી અને ચીસો હજારો અશ્વની

આંખમાં ખૂંચ્યા કરે કુરુક્ષેત્રની રજકણ હજી

રણભૂમિ પર ખેલાતાં યુદ્ધો હવે મનભૂમિ અને તનભૂમિ પર વિશેષ લડાય છે. ઇસ્લામિક સ્ટેટના કબજામાં રહીને બરબાદ થયેલા સિરિયન શહેર રક્કાની હાલત જુઓ તો ખ્યાલ આવે કે રણભૂમિ હવે શહેરોની ગલીઓમાં આળોટતી થઈ ગઈ છે. દિવાળીમાં બંદૂકથી ટીકડી ફોડતા હોઈએ એટલી સહજતાથી મશીનગનમાંથી મોત છોડતા આતંકીઓથી ઇરાક, અફઘાનિસ્તાન, ભારત, નાઇજિરિયા, યમન વગેરે દેશો પરેશાન છે. ગાઓ ઓમ અશાંતિ ઓમનું ગીત બધે પડઘાય છે.

શાંતિને ઝંખે હવે આખ્ખું જગત

બંદૂકો ધડધડ લઈને ક્યાં જવું?

રોજ શોધે છે શ્રવણ સરયૂ તટે

એકલી કાવડ લઈને ક્યાં જવું?

ક્યા બાત હૈ


સાયુજ્ય

હૉસ્પિટલમાં

બાટલામાંથી ટપકતાં ટીપાંઓ

છેક સાતમા માળે

ઈંટ પહોંચાડતા મજૂરના

કપાળમાંથી જમીન પર

પડતાં પ્રસ્વેદ બિંદુઓ

અને

પુષ્પ પર વહેલી સવારે

જોવા મળતાં

ઓસબિંદુઓ...

આ ત્રણેયની વચ્ચે

કંઈક તો સાયુજ્ય હશે જ

ત્રણેય જિવાડે છે મૃત થતા જતા

કોષોને

અને

કરાવી આપે છે મહાપ્રયાણ

નવી દિશા તરફ...

- હાર્દિક વ્યાસ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK