શું કહે છે મુંબઈની હવા?

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ૨૦૧૬માં કરેલા એક સર્વેમાં જાહેર કર્યું કે વિશ્વમાં પ્રદૂષણની બાબતમાં મુંબઈ પાંચમા નંબરે છે. જોકે નિષ્ણાતોના મતે મુંબઈની ભૌગોલિક સ્થિતિને કારણે હવાના પ્રદૂષણમાં એ દિલ્હી કરતાં પાછળ રહી શક્યું છે. પણ ક્યાં સુધી? જે હવા તમે શ્વાસમાં ભરી રહ્યા છો એ મુંબઈની હવા ખરેખર સુરક્ષિત છે કે કેમ એનો એક્સ-રે રિપોર્ટ પ્રસ્તુત છે

air

રુચિતા શાહ

આજથી ત્રણ દિવસ પહેલાં એટલે કે ગયા મંગળવારે મુંબઈની ઍર-ક્વૉલિટી ‘વેરી અનહેલ્ધી’ કૅટેગરીમાં હતી. ‘સિસ્ટમ ઑફ ઍર ક્વૉલિટી વેધર ફોરકાસ્ટિંગ ઍન્ડ રિસર્ચ’ (SAFAR) દ્વારા મુંબઈની હવાની ગુણવત્તાનો ક્ષણ-ક્ષણનો રિપાર્ટ રાખવામાં આવે છે. મુંબઈમાં કોલાબાથી લઈને વરલી, વિલે પાર્લે, ભાંડુપ, બોરીવલી, મલાડ, ચેમ્બુર, ધારાવી, સાયન, વસઈ, નવી મુંબઈ એમ કુલ દસ જગ્યાએ ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ માપવાનાં મશીનો મૂકવામાં આવ્યાં છે. જે મુંબઈની પળેપળ મુંબઈની હવાની ગુણવત્તા માપવાનું કામ કરે છે. એક અભ્યાસ મુજબ દેશમાં દર વર્ષે લગભગ બાર લાખ લોકો ઍર-પૉલ્યુશનને કારણે મૃત્યુ પામે છે. તમાકુના સેવનથી થતાં મૃત્યુના પ્રમાણ કરતાં આ પ્રમાણ સહેજ ઓછું છે, પરંતુ બાકી બધી તુલનામાં મહત્વનું પણ છે. લોકોના મૃત્યુ પાછળ પણ હવાનું પ્રદૂષણ ચોથા નંબરનું મુખ્ય કારણ છે. દિલ્હીની સ્થિતિ આપણી આંખ સામે છે. હવાના પ્રદૂષણે ત્યાંના લોકોનું જીવવું દુષ્કર કરી દીધું છે. જોકે માત્ર દિલ્હી જ નહીં, આ દિશામાં બીજાં બધાં રાજ્યો પણ જો ધ્યાન નહીં રાખે તો દિલ્હી જેવા દિવસો તેમના માટે પણ દૂર નથી એવું નિષ્ણાતો માને છે. ઍર-ક્વૉલિટી વિશે દેશમાં હવે જાગૃતિ આવી રહી છે ત્યારે મુંબઈના શું હાલચાલ છે આ દિશામાં અને પૂર આવે એ પહેલાં પાળ બાંધવી હોય તો આપણે શું કરવું પડશે એ દિશામાં આપણે ચર્ચા કરવાના છીએ.

પ્લસ પૉઇન્ટ કયો?

હવાની ગુણવત્તા એટલે કે ઍર-ક્વૉલિટીનું મહત્વ આપણા જીવનની અતિમહત્વપૂર્ણ ક્રિયા સાથે સંકળાયેલું છે. એ છે શ્વસન. જે હવા આપણે શ્વાસમાં ભરીને જીવનની ડગર કાપી રહ્યા છીએ એ જ હવા જો દૂષિત હોય તો એનું પરિણામ શું આવે એ બાબતની ગંભીરતાને શબ્દો આપવાની જરૂર પણ નથી. જોકે આપણે ત્યાં લોકોને એની ગંભીરતા નથી સમજાતી, કારણ કે એમાં બધા સંકળાયેલા છેને. જે ગામનું થશે એ જ આપણું થશે એટલે આપણે એકલા શું કામ ચિંતા કરીએ જેવી માનસિકતાએ આપણે બેજવાબદાર બની રહ્યા છીએ. અત્યારે સફર ઉપરાંત દેશભરમાં સેન્ટ્રલ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ, સ્ટેટ પૉલ્યુશન કન્ટ્રોલ બોર્ડ જેવી બીજી ઘણી સંસ્થાઓ વર્ષોથી તમામ પ્રકારના પ્રદૂષણને કાબૂમાં રાખવાના પ્રયત્ન કરી રહ્યા છે. આજે દિલ્હીમાં જે સ્થિતિ છે એના માટે દિલ્હીવાસીઓ જેટલા જવાબદાર છે એટલી જ એ સ્ટેટની આજુબાજુના લોકોની હરકતો પણ જવાબદાર છે. દિલ્હીનું ભૌગોલિક સ્થાન એવું છે કે ત્યાં આમ પણ પવનનું પ્રમાણ ઓછું છે. બીજું, આજુબાજુમાં હરિયાણા અને પંજાબના ખેડૂતો દ્વારા પાક લઈ લીધા પછી વધતો કચરો બાળવામાં આવે છે, જેનો ધુમાડો વાતાવરણમાં ભળે છે. આ ઉપરાંત ફૅક્ટરીઓ અને ટ્રાન્સપોર્ટેશનને કારણે બીજો ધુમાડો-કાર્બન હવામાનમાં ભળે છે. શિયાળામાં ખાસ કરીને ઠંડીને કારણે જામતું ધુમ્મસ અને ધુમાડો ભેગો થઈને હવાને દૂષિત કરે છે. ધુમ્મસ એટલે કે ફૉગ અને ધુમાડો એટલે કે સ્મોક આ બન્ને ભેગા થઈને દૂષિત હવાને સ્મૉગ શબ્દ આપવામાં આવ્યો છે. આ હવામાં શ્વસન માટે ઝેરી કહી શકાય એવાં કાર્બન, સલ્ફર જેવાં કેટલાં ઝેરી તkવો ભળેલાં હોય છે, જે માનવો સાથે ઝાડ-પાન અને પશુસૃષ્ટિ માટે પણ જોખમી છે. હવે પ્રશ્ન એ છે કે મુંબઈમાં એની શું સ્થિતિ છે. તો એનો જવાબ આપતા મુંબઈ, દિલ્હી અને ગુજરાતમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ આપવાની જવાબદારી લેનારા સફરના પ્રોજેક્ટ ડિરેક્ટર ગુફરાન બેગ કહે છે, ‘મુંબઈમાં અત્યારે હવાની ગુણવત્તા કાબૂમાં છે એવું કહી શકાય. હવાના પ્રદૂષણમાં સીઝન, તહેવાર અને અકસ્માતોની વિશેષ અસર પડતી હોય છે. જેમ કે ચોમાસામાં હવાની ગુણવત્તા સારી હોય છે પણ શિયાળા અને ઉનાળામાં એની ગુણવત્તા ડાઉન થાય છે. દિવાળીમાં ફટાકડા ફૂટતા હોય છે એનો ધુમાડો હવામાનમાં ભળે એટલે સ્વાભાવિક રીતે જ એની ગુણવત્તા નબળી પડે. કોઈક જગ્યાએ આગ લાગે અથવા કોઈ ડમ્પિંગ ગ્રાઉન્ડ પર જાણીજોઈને આગ લગાડવામાં આવે જેવી દુર્ઘટનાઓ અથવા માનવસર્જિત હરકતો પણ હવાની ગુણવત્તા બગાડવાનું કામ કરતા હોય છે. મુંબઈની સ્થિતિ એ પછી પણ સારી છે, કારણ કે મુંબઈને દરિયો મળ્યો છે જે દિલ્હી પાસે નથી. દરિયાને કારણે ફૂંકાતા પવનો આપણા હવાના પ્રદૂષણને અહીં ટકવા નથી દેતા એટલે પ્રદૂષણનું પ્રમાણ દિલ્હી જેમ જ હોવા છતાં અહીં હવાનું પ્રદૂષણ ટકતું નથી એ હકીકત છે.’

અનહેલ્ધી તો છે જ

આપણે ત્યાં પણ એવી પુષ્કળ ઍક્ટિવિટી થાય છે જે આપણી આસપાસ સતત રહેતી હવાને બગાડવાનું કામ કરે છે. એ સંદર્ભે વાત કરતાં ભારતીય હવામાન ખાતાના મુંબઈ રીજનના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ કે. એસ. હોસાલિકર કહે છે, ‘મુંબઈમાં સતત ઇન્ફાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ ઉપરાંત મોનોરેલ, ફ્લાયઓવર, મેટ્રો આ બધામાં ઊડતી ધૂળના રજકણો હવામાનમાં ભળતા હોય છે. એની સાથે જ મુંબઈમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ વધતાં જાય છે, જ્યાં કચરાના પહાડ ઊભા થયા છે. આ કચરામાં પ્લાસ્ટિકનું પ્રમાણ પણ ખૂબ વધારે છે. આમાં દુર્ગંધ ઉત્પન્ન થાય તેમ જ ક્યારેક કેાઈક દુર્ઘïટનામાં જો એમાં આગ લાગી તો એ મુંબઈ માટે અન્ય પ્રદૂષણ સહિત હવાના પ્રદૂષણનો બહુ મોટો હિસ્સો બની શકે છે. મુંબઈની વધી રહેલી જનસંખ્યાને કારણે ટ્રાન્સપોર્ટનો વિસ્તાર પણ વધી રહ્યો છે. ટ્રાન્સપોર્ટને કારણે હવામાં ઉત્સર્જિત થતો કેમિકલયુક્ત ઝેરી ધુમાડો હવાને દૂષિત કરી રહ્યો છે. મુંબઈની વધી રહેલી વસ્તીને કારણે પ્રદૂષણ પણ વધી રહ્યું છે અને એની સામે હવાના પ્રદૂષણથી આપણું જે રક્ષણ કરે છે એવાં વૃક્ષો અને હરિયાળીનો ડેવલપમેન્ટ માટે આપણે નાશ કરી રહ્યા છીએ. આ બધાં કારણોથી ધીમે-ધીમે મુંબઈનું પ્રદૂષણ વધી જ રહ્યું છે. અહીંના આંકડાઓ મૉડરેટ લેવલના છે. કદાચ આપણે દિલ્હીની જેમ વેરી પુઅર ક્વૉલિટીમાં નથી આવતા, પણ આ જ પ્રકારની આપણી પ્રદૂષણ કરવાની પ્રક્રિયા વધતી રહી તો દિલ્હી જેવી સ્થિતિ આવતાં સમય નહીં લાગે.’

સત્યથી આપણે દૂર

ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ અંતર્ગત મુંબઈની ઍર-ક્વૉલિટી માપવાનું કામ જે રીતે થઈ રહ્યું છે એ રીતે કદાચ એની સ્થિતિ બહેતર છે, પરંતુ આ સ્થિતિ ઉપરાંતની પણ એક સ્થિતિ છે જેની તરફ નેચર ઍક્ટિવિસ્ટ અને મહારાષ્ટ્ર નેચર પાર્કના ડેપ્યુટી ડિરેક્ટર અવિનાશ કુબલ આપણું ધ્યાન દોરે છે. તેઓ કહે છે, ‘મુંબઈ સમુદ્રથી નજીક છે એટલે રોજ સવાર-સાંજ પવન ફુંકાવાને કારણે પ્રદૂષણ હોવા છતાં એ મુંબઈમાં ટકતું નથી. વિસ્તરી જાય છે અથવા તો ડાઇલ્યુટ થઈ જાય છે એમ કહો તો ચાલે. એનો અર્થ એવો નથી કે મુંબઈમાં હવાનું પ્રદૂષણ આપણી આસપાસ છે જ નહીં. તમે જ વિચાર કરોને કે આટલી મોટી જનસંખ્યા દ્વારા વપરાતું ઈંધણ, ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા ગૅસ, માનવ દ્વારા થતું પૉલ્યુશન ક્યાં છે? અહીં જ આપણી આસપાસ જ છે. એ કંઈ તરત જ હવામાં ભળીને દરિયાના પ્રતાપે ગાયબ નથી થઈ જતું. એની અસર આપણને વરતાતી નથી. અત્યારે પણ તમે નિરીક્ષણ કરજો કે જ્યારે પવન ન ફૂંકાતો હોય ત્યારે કેવી અકળામણ થવા માંડે છે. મુંબઈની હવા તો ઊલટાની વધુ ભેજવાળી છે એટલે ગંદકી, ગૅસ અને ઝેરી કેમિકલ ભેજ સાથે હવામાં ભળે ત્યારે ઑટોમૅટિકલી એ વ્યક્તિના શ્વાસમાં જાય છે અને શ્વસનની ક્રિયાથી લઈને શરીરના તમામ અવયવ પર અવળી અસર પાડતા હોય છે. દુ:ખની વાત એ છે કે આપણે ત્યાં હવાનું પ્રદૂષણ સતત આપણી સાથે આપણા શ્વાસમાં ભળી જ રહ્યું છે. આ જ કારણ છે કે વાઇરલ ઇન્ફેક્શન પહેલાં કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યાં છે. સાઇનસના અને અસ્થમાના પેશન્ટની સંખ્યા મુંબઈમાં વધી છે. નવજાત શિશુઓ અને સિનિયર સિટિઝનોની તકલીફો વધી છે. મોટે ભાગે મશીન દ્વારા હવામાનમાંથી થોડીક હવાનું સૅમ્પલ લઈને એની જ ચકાસણી થાય છે જેના આધારે ટોટાલિટી પર ન આવી શકાય. તમે જ કહો છેલ્લાં દસ વર્ષમાં મુંબઈમાંથી એક પણ ઍથ્લીટ નૅશનલ કે ઇન્ટરનૅશનલ ચૅમ્પિયનશિપ સુધી પહોંચ્યો છે? મુંબઈનું હવાનું પ્રદૂષણ અત્યારે આપણી હેલ્થ પર પોતાની આડઅસર આપી જ રહ્યું છે, પણ આપણે એને સમજી નથી રહ્યા.’

સંશોધકોના મતે પાણી અને જમીનના પ્રદૂષણ કરતાં પણ હવાનું પ્રદૂષણ વધુ જોખમી છે. સતત કથળી રહેલી હવાની ગુણવત્તા વચ્ચે આપણે એની ગંભીરતા સમજી શકીએ અને એ દિશામાં કંઈક નક્કર પગલાં લઈએ એ જરૂરી છે.

air

ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ

હવાની ગુણવત્તાને ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ અંતર્ગત વૈશ્વિક સ્તરે એકથી લઈને ૫૦૦ અંકથી પાંચ કૅટેગરીમાં વહેંચવામાં આવી છે અને પ્રત્યેક કૅટેગરીને એક રંગ આપવામાં આવ્યો છે. શૂન્યથી પચાસ એટલે સૌથી શુદ્ધ હવા અને ૩૦૧થી ૫૦૦ની વચ્ચે હોય એટલે હવાની અશુદ્ધિની પરાકાષ્ઠા. મુંબઈની ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ અત્યારે ૨૦૦ની આસપાસ છે. હવે તમે જ નીચેના ચોકઠામાંથી અંદાજ લગાવી લો કે આપણી હવાની શું સ્થિતિ છે.

આપણે શું કરી શકીએ આમાં?

ગ્રીન સિટી આપણને જોઈએ છે કે નહીં એ સૌથી પહેલાં આપણે નક્કી કરવાનું છે. જો આપણી ઇચ્છા અને જીદ પ્રબળ હશે તો સરકાર એને અનુરૂપ બનશે.

ડેવલપમેન્ટના નામે વૃક્ષો કપાઈ રહ્યાં છે એ તમે જોતા હો તો ખરેખર સરકારે અને આપણે એવો નિયમ લેવો જોઈએ અને પાળવો પણ જોઈએ કે એક વૃક્ષ મારા લાભ માટે કાપીશ તો બીજાં દસ નવાં વૃક્ષ વાવીશ અને એને ઉછેરીશ પણ.

બિનજરૂરીપણે વાહનોનો ઉપયોગ ટાળો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ તમારા ખિસ્સાને અને પ્રકૃતિને પણ બચાવશે.

રેફ્રિજરેટર અને ઍર-કન્ડિશનર હવામાં સૌથી વધુ કાર્બન વધારવાનું કામ કરી રહ્યાં છે. એમાંથી નીકળતો ગૅસ સતત આપણી આસપાસ છે. આ ગૅસ એટલો ખતરનાક છે કે કૅન્સર, અસ્થમા કે ફેફસાના રોગ જ નહીં; પણ તમારા જિનેટિક બંધારણને ખોરવી શકવાની એની તાકાત છે. એનો ઉપયોગ કદાચ સાવ બંધ ન કરી શકો તો પણ એના ઉપયોગ પર મર્યાદા લાવવાના પ્રયત્ન કરવા જોઈએ. એને સામૂહિક રીતે કઈ રીતે યુઝ કરી શકાય એના ઉપાયો પણ શોધી શકાય એમ છે.

સફાઈ - હા, હવાના પ્રદૂષણને અટકાવવા માટે સફાઈ રાખવી પણ જરૂરી છે. ગંદકીને કારણે હવામાં ચેપી અને શરીર માટે ઘાતકી બૅક્ટેરિયા ભળતા હોય છે, જે આપણા માટે જોખમી છે.

તહેવારોની ઉજવણીમાં પણ શક્ય હોય ત્યાં સુધી પ્રદૂષણયુક્ત વ્યવહાર ટાળો.

સ્મોકિંગ તમારા શરીરનું અને સાથે જેના પર પ્રત્યેક જીવનો અધિકાર છે એવી હવાનું પ્રદૂષણ વધારે છે. એ વ્યસનમાંથી બહાર નીકળવાના પ્રયત્ન કરો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK