ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૪૬

‘સાચું કે’શ અલ્યા?’

નવલકથા - રશ્મિન શાહ

‘સાવ સાચું, હું શું કામ ખોટું કે’વાનો તને રવજી.’

મળવા આવેલા અલી ખાનના ચહેરા પર અચરજ આવી ગયું હતું.

‘આવી વાત કાંઈ કોઈ ખોટી થોડી ઉડાડે, જોયા છેને સાયબ, વારો નીકળી જાયને અત્યારે તો રવજી, ખોટેખોટા આંખે ચડવામાંયે માલ નથી. તને તો ખબર છે કે બધી ચળવળ એવી ભેગી થઈ છે કે...’

‘અત્યારે એ પડતું મૂકને તું, પહેલાં મને સરખી વાત કર.’

‘અરે, કીધું તો ખરું.’ અલી પોતાના મૂળભૂત સ્વભાવમાં પ્રવેશી ગયો અને તેણે વાત શરૂ કરી, ‘કાલ રાતની વાત છે.’

€ € €

આખી વાત સાંભળીને રવજીના હાંજા ગગડી ગયા. શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે પણ તેના શરીરમાં પરસેવો છૂટવા માંડ્યો હતો અને છૂટી રહેલા પરસેવા વચ્ચે તેના હૃદયની ધડકન પણ વધી ગઈ હતી.

સ્વાભાવિïક રીતે તેને સમજાઈ ગયું હતું કે પોતે જ્યારે ભૂપતસિંહને શોધી રહ્યો હતો ત્યારે ભૂપત પોતાના કામે લાગી ગયો હતો અને કામે લાગી ગયા પછી તે રવાના પણ થઈ ગયો હતો. એ સમયે આમ તો રવજીને એવો વિચાર આવવો જોઈએ કે ભૂપતે તેને પોતાની સાથે કેમ ન રાખ્યો, પણ એવો વિચાર તેને નહોતો આવ્યો. મનમાં એક ક્ષણ માટે એવો વિચાર આવી ગયો હતો ખરો કે સારું થયું કે આ આખી ઘટનામાં તે હાજર નહોતો. જો હાજર હોત તો અત્યાર સુધીમાં ગોરી સરકારના અધિકારીઓ અને પોલીસ બન્ને તેના ઘરે પહોંચી ગયા હોત અને અત્યારે તે છત પર ઊંધો લટકતો હોત.

રવજીના દિમાગમાં નવો પ્રશ્ન આવી ગયો જે વાજબી પણ હતો.

‘અલી, આવું બન્યા પછી હવે શું હાલત છે ન્યાં? પકડવાનું કામ તો ચાલુ થઈ ગ્યું હશેને?’

‘ના, એવું લાગતું નથી.’ અલીએ પૂરા આત્મવિશ્વાસ સાથે જવાબ આપ્યો, ‘બાકી તો ક્યારનું બધુંય બંધ કરાવી દીધું હોતને બધીયે ધર્મશાળામાં તપાસનું કામ ચાલુ થઈ ગ્યું હોત, પણ રામ જાણે, શું કામ ઈ બધાંય કામ હજી ચાલુ નથી થ્યાં?’

‘હંઅઅઅ...’

બીજી કોઈ વાત પૂછવાનું રવજીને યાદ નહોતું આવતું અને ખરું કહું તો એ તબક્કે રવજી આટલી વાત કરી શક્યો એ પણ દાદ દેવા જેવી વાત હતી, કારણ કે જે સમયે તેને ખબર પડી કે ભૂપતસિંહે રાજકોટના ગવર્નરની બૈરીનું અપહરણ કરી લીધું એ જ સમયથી તેની બુદ્ધિ બહેર મારી ગઈ હતી.

એવી જ હાલત આલ્બર્ટ ક્રિસ્ટોની હતી.

પોતાના ઘરમાં ઘૂસીને એક બહારવટિયો જો તેની બૈરીને લઈ જાય એ જ દેખાડે છે કે તેનું નાક કપાઈ ગયું છે અને તેણે રાજકોટને કે પછી આ વિસ્તારના કોઈને સુરક્ષિત હોવાની હૈયાધારણ હવે આપવાની નથી. એકલો માણસ અને સામે ૨૪થી વધુ સુરક્ષા-કર્મચારીઓ હોવા છતાં તે સહેલાઈથી અંદર આવે છે, જેનિફરને લઈ જાય છે અને ઉપરથી પાછો સંદેશો પણ મૂકતો જાય છે,

ટેલિફોનની રાહ જુઓ. જો એ પહેલાં કોઈ પગલાં લીધાં છે તો પછી જેનિફરની લાશ પણ જોવા નહીં મળે, ગીરના સાવજને અંગ્રેજી ખાણું ખાવા મળશે.

€ € €

‘અલ્યા, ભણવા જા’શ?’ રવજીના છોકરાએ હા પાડી એટલે ભૂપતે તેનો હાથ પકડ્યો, ‘ભણવા જ જા’શ કે પછી વાતું? દેખાડ તારું દફતર...’

બાપુના ભાઈબંધ અને એમાંય પાછા દેશભરમાં જાણીતું થઈ ગયેલું નામ.

રવજીના છોકરાએ દફતર ખોલી નાખ્યું અને ભૂપતે પણ એ દફતરમાં ખાંખાખોળા શરૂ કર્યા. એ સમય તો પાટીપેનનો સમય હતો પણ એમ છતાં એક નાનકડી ચોપડી અને સીસાપેન પણ અંદર હતી. સીસાપેન એટલે આજની પેન્સિલ પણ એ સમયે સૌકોઈ એને સીસાપેન કહેતા.

ભૂપતે દફતરમાં રહેલી ચોપડીમાંથી પાનું ફાડ્યું અને સીસાપેન હાથમાં લીધી.

ફાડેલા પાના પર ફટાફટ થોડા શબ્દો લખ્યા અને રવજીના છોકરાને કહ્યું પણ ખરું : ‘અલ્યા આ સીસાપેન તો મસ્તીની છેને?’

‘ચોથું પૂરું કર્યું એટલે બાપુએ ભેટમાં આપી.’

‘વાહ.’ ભૂપતે સીસાપેન ફરીથી દફતરમાં મૂકી દીધી, ‘સાચવજે, પાછો ખોઈ નહીં નાખતો.’

છોકરાએ દફતરનો બાકીનો સામાન ભરવાનું શરૂ કર્યું અને તેનું ધ્યાન એમાં દોરવાયું એટલે ભૂપતે પેલો કાગળ ગડી વાળીને બુશકોટના ઉપરના ખિસ્સામાં સેરવી દીધો.

€ € €

ભૂપત શરીરમાં સ્ફૂર્તિ ભરી રીતસર હવામાં ઊછળ્યો હતો અને બહાર આવેલી જેનિફર પર તે ત્રાટક્યો હતો.

પાછળથી થયેલો વાર અને એ વારમાં વાપરવામાં આવેલું બેહોશ કરી દેનારું હથિયાર.

બન્નેની અસર બરાબરની થઈ. જેનિફરની આંખ સામે અંધકાર પ્રસરવાનું શરૂ થયું અને છાતી પણ રૂંધાવા માંડી. પાયખાનામાં બોળેલા અને અમોનિયા ગૅસની વાસથી લથબથ થઈ ગયેલા રૂમાલની અસર તો શરૂ થઈ જ પણ સાથોસાથ ભૂપતની જેનિફરના ગળા પર વધી રહેલી ભીંસની અસર પણ શરૂ થઈ અને અડધીથી એક મિનિટમાં જેનિફર બેશુદ્ધિને હવાલે થઈ ગઈ.

મૂળ આયોજન મુજબ જેનિફરને ઉપાડી લેવાની હતી અને એ માટે જે વિચાર્યું હતું બધું એ જ મુજબ ચાલી રહ્યું હતું. જેનિફર ભૂપતસિંહના બન્ને હાથમાં બેહોશ થઈ ગઈ એટલે ભૂપતે તેને ખભા પર નાખી. ધાર્યું હતું એના કરતાં લગભગ ૩૦ ટકા જેટલું વજન વધારે હતું, પણ ચાલવાનું વધારે નહોતું એટલે ભૂપતને ત્રાસ છૂટ્યો નહીં. જેનિફરને ઊંચકીને ભૂપત પાછળના દરવાજેથી બહાર નીકળ્યો અને બહાર આવીને તેણે જેનિફરનો પાછળની સીટ પર રીતસરનો ઘા કર્યો.

ઘા કરીને ફરીથી ભૂપત દીવાલ ઠેકીને અંદર ગયો અને અંદર જ્યાંથી તેણે જેનિફરને ઉપાડી હતી એ જગ્યાએ જઈને તેણે પોતાના બુશકોટના ઉપરના ખિસ્સામાં રહેલો કાગળ જમીન પર ફેંકી દીધો. વાતાવરણમાં વહેતા પવનને લીધે એ કાગળ ક્યાંય ઊડી ન જાય એની કાળજીના ભાગરૂપે ભૂપતે પાસે પડેલો એક પથ્થર પણ એ કાગળ પર મૂકી દીધો અને પછી ફરીથી બહાર આવીને કાળુની સાથે જીપમાં ગોઠવાઈ ગયો.

રવાના થઈ ગયેલા ભૂપતને ખબર નહોતી કે તેણે કેવી મોટી ધાડ પાડી દીધી છે અને એ ધાડની અસર કયા સ્તર પર થવાની છે.

€ € €

બહાર નીકળેલી જેનિફર ઘરમાં પાછી આવી નહીં એટલે ઘરમાંથી તેના નામની બૂમ આવી.

‘જેનિફર... જેનિફર...’

બૂમ પછી પણ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં એટલે ઘરમાં જ રહેલા આલ્ફ્રેડ ક્રિસ્ટો ઊભા થઈને બહાર આવ્યા. બહાર આવતાં પહેલાં તેમણે પોલીસ-કમિશનરનાં વાઇફ જેનીને કહ્યું પણ ખરું : ‘એક્સક્યુઝ મી.’

કરેલી આવી ફૉર્માલિટી થોડી સેકન્ડમાં જ સાવ ભુલાઈ જવાની હતી.

આલ્બર્ટ બહાર આવ્યો. બહાર આવ્યા સુધી તો તેના મોઢામાં હજી પણ વાઇફ માટે રાડ જ હતી, પણ પાછળના ભાગમાં આવીને તેણે એ ભાગને ખાલી જોયો એટલે તેની આંખોમાં સહેજ અચરજ આવ્યું ખરું. તેણે આજુબાજુમાં નજર કરી. કહેવાય છે કે નસીબ જ્યારે સાથ આપતો હોય ત્યારે સમય આપોઆપ તમારા કાબૂમાં આવી જતો હોય છે. ભૂપતસિંહ સાથે એવું જ બન્યું હતું. નસીબ તેની સંગાથે હતું અને એ સંગાથને લીધે જ આકાશે પણ અંધકાર ઓઢી લીધો હતો. જો મોંસુઝણા જેવી પરિસ્થિતિ હોત તો પણ આલ્બર્ટને જમીન પર પડેલો ચોકીદાર દેખાઈ ગયો હોત પણ એવું થયું નહીં એટલે આલ્બર્ટે ધારી લીધું કે જેનિફર આગળના ભાગમાં ગઈ હશે. આલ્બર્ટે હવે મોટા અવાજે રાડ પાડી,

‘જેની...’

‘યેસ...’

જવાબ અંદરથી પોલીસ-કમિશનરની વાઇફ અને જેનિફરની ફ્રેન્ડ જેનીએ આપ્યો એટલે આલ્બર્ટ સહેજ છોભીલો થઈ ગયો. પોતે પણ પોતાની વાઇફને લાડમાં જેનિફરને બદલે જેની કહે છે એ વાત છતી કરવામાં તેને સહેજ સંકોચ થયો હતો.

‘આઇ ઍમ સૉરી, હું તમને નહીં, જેનિફરને બોલાવું છું.’

‘ઓહ, સો... તમે જેનિફરને જેની કહો છો.’

આલ્બર્ટે હસીને હા પાડી અને પાછળના ભાગ તરફ ખૂલતો દરવાજો અટકાવી તે અંદર આવ્યો. બીજી પાંચેક મિનિટ પસાર થઈ. આદરના ભાગરૂપે અને મર્યાદાના માનરૂપે આલ્બર્ટ ક્રિસ્ટો અને જેની વચ્ચે ખાસ વાતચીત થતી નહીં, પણ વાઇફની ગેરહાજરીમાં આલ્બર્ટે‍ એ કામ કરી લીધું અને થોડી આડીઅવળી વાતો કરી લીધી. જોકે એ વાતમાં પણ હેતુ માત્ર એટલો જ હતો કે કોઈ પણ હિસાબે જેનિફર આવી જાય તો પોતાનો એમાંથી છુટકારો થાય અને જેનીને પણ સંકોચ દૂર થાય.

‘જેનિફરને વાર લાગી. લેટ મી ચેક ઇન ફ્રન્ટ.’

આલ્બર્ટ ઊભો થયો અને ઊભો થઈને તે બહારની તરફ ગયો. બહાર ચોકીદાર અને અન્ય સિક્યૉરિટી ગાર્ડ્સ ડ્યુટી બજાવતા હતા. ઠંડી વાતાવરણમાં પ્રસરી ગઈ હતી એટલે રસ્તા પર ખાસ અવરજવર પણ નહોતી રહી, જેને લીધે મોટા ભાગના ચોકીદારો અંદરની બાજુએ ડ્યુટી બજાવતા હતા.

સાહેબ બહાર આવ્યા એટલે તેઓ સૌ સફાળા ઊભા થઈ ગયા.

‘રિલૅક્સ.’ આલ્બર્ટની આંખો હજી પણ જેનિફરને શોધતી હતી, ‘મૅડમ ક્યાં છે?’

‘સર, અંદર જ. બહાર કોઈ આવ્યું જ નથી.’

‘નો, સી ઇઝ નૉટ ઇનસાઇડ. ગો ઍન્ડ ચેક બૅકસાઇડ.’

બે ચોકીદાર દોડતાં પાછળના ભાગમાં જોવા ગયા.

ગવર્નરના આ મોટા બંગલાની ત્રણ દિશામાં ગાર્ડન હતું અને ચોથી દિશામાં બાજુના બંગલાની દીવાલ હતી. આ બંગલાઓની બાંધણી જ એ પ્રકારે કરવામાં આવી હતી. બે બંગલા એકબીજાના પ્રતિબિંબ હોય એ પ્રકારના હોય અને એકબીજાને સ્પર્શીને ઊભા હોય, જેને લીધે બન્ને બંગલાઓને ત્રણ દિશામાં ગાર્ડન મળે. આ ગાર્ડન મળે એ માટેનો હેતુ પણ સ્પષ્ટ હતો. આગળ કહ્યું હતું એમ, બ્રિટિશરોની વાઇફને હિન્દુસ્તાન આવવામાં ખાસ રસ પડતો નહીં. હિન્દુસ્તાનની ગંદકી, હિન્દુસ્તાનમાં સુવિધાનો અભાવ, દેશમાં ચાલી રહેલાં આઝાદીનાં આંદોલન અને એ બધા ઉપરાંત સૌથી મોટું કારણ હિન્દુસ્તાનની આબોહવા. ગરમી અને ધુળિયા વાતાવરણ વચ્ચે હિન્દુસ્તાનમાં રહેવા માટે મોટા ભાગની બ્રિટિશ મહિલાઓ માનતી નહીં જેને લીધે એવું પણ બનતું કે હિન્દુસ્તાન આવવા માટે સારા અધિકારીઓ પણ તૈયાર થતા નહીં અને જો ફરજિયાત આવવું પડે તો પણ અમુકતમુક સમય પછી તેઓ બદલી માટે વિનંતી કરવા માંડતા. આઝાદીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી એટલે હવે અધિકારીઓને પણ ખબર પડી ગઈ હતી કે એક કે બે વર્ષમાં પાછું બ્રિટન જવાનું બનવાનું જ છે એટલે તે આ જ વાત પર પોતાની વાઇફને પણ હિન્દુસ્તાન લાવવા માંડ્યા હતા.

આલ્બર્ટ ક્રિસ્ટોએ પણ જેનિફરને આ જ મુદ્દે પોતાની સાથે હિન્દુસ્તાન લીધી હતી. હિન્દુસ્તાન આવેલી આ મહિલાઓ બહાર ક્યાંય જઈ શકે નહીં એટલે તેમને ઘરમાં જ અવરજવર કરવા મળે અને મૉર્નિંગ-વૉક લેવી હોય તો એ પણ લઈ શકાય એવા હેતુથી ગાર્ડન આપવામાં આવતાં હતાં.

ગાર્ડન આખું જોઈ લેવામાં આવ્યું, પણ ક્યાંય જેનિફર નહોતી એટલે ચોકીદારો પાછા આવ્યા અને પાછા આવીને તેમણે આલ્બર્ટને જાણ કરી. હવે આલ્બર્ટને ટેન્શન આવ્યું. આ ટેન્શનમાં હજી પણ ક્યાંય ડાકુ કે બહારવટિયાનો વિચાર નહોતો આવ્યો, પણ હા, આલ્બર્ટને આઝાદીની ચળવળમાં સામેલ સ્વાતંhયસેનાનીઓ યાદ આવી ગયા હતા.

આલ્બર્ટે અહીં ત્રીજી ભૂલ કરી. તેણે હાજર રહેલા સૌકોઈને ઘરમાં જોવા જવા માટે મોકલ્યા અને સાથે પોતે પણ અંદર ગયો. આખું ઘર ફેંદી નાખવામાં આવ્યું, જેમાં આઠ મિનિટ પસાર થઈ. આ આઠ મિનિટ પછી ફરી સૌ ઘરના બેઠકખંડમાં આવ્યા.

‘સાહેબ, મૅડમ નથી. ક્યાંય બહાર જવાનાં...’

‘વૉટ નૉનસેન્સ. હમણાં, અહીં હતી. બહાર જવાની હોય તો કહે તો ખરાંને. જાઓ બહાર જઈને બધું ફરીથી જુઓ અને પાછળ કોણ ડ્યુટી પર છે. ગો કૉલ હિમ.’

એકથી દોઢ મિનિટ અને બહારથી રાડ આવી.

ઘરમાં રહેલા સૌ સિક્યૉરિટી ગાર્ડ રાડની દિશામાં ભાગ્યા. રાડ બંગલાના પાછળના ભાગથી આવી હતી. બધાની સાથે આલ્બર્ટ ક્રિસ્ટો પણ ભાગ્યા હતા. બધા બહાર આવ્યા ત્યારે ત્યાં પહોંચેલા બન્ને ચોકીદારના હાથની ટૉર્ચ ચાલુ હતું. બધાએ પ્રકાશની એ દિશામાં નજર ફેરવી અને તેઓ સૌ પણ સ્તબ્ધ રહી ગયા.

જે જગ્યાએ પ્રકાશ રેલાઈ રહ્યો હતો એ જગ્યાએ પાછળના દરવાજે ચોકી કરતો ચોકીદાર પડ્યો હતો. બેહોશ અવસ્થામાં પડેલો એ ચોકીદાર ભાનમાં આવતો હતો અને ઊંહકારા કરીને ફરી પાછો પોતાની આંખો બંધ કરી દેતો હતો.

‘લઈ જાઓ તેને અંદર અને અહીં બધી લાઇટ લઈ આવો.’

બે જણે બેહોશ પડેલા ચોકીદારને ઉઠાવ્યો અને અંદરની તરફ લઈ ગયા, જ્યારે બાકીના સૌ વધુમાં વધુ પ્રકાશ બંગલાની પાછળના આ બગીચાના ભાગ પર પડે એની વેતરણમાં જોતરાયા.

આમ તો એ ભાગમાં કંઈ પડ્યું નહોતું એટલે ત્યાંથી કંઈ મળે એવી શક્યતા હતી જ નહીં, પણ થોડી વાર પછી એક ચોકીદારને ભૂપતસિંહે લખેલી ચિઠ્ઠી મળી. તેણે ચિઠ્ઠી ખોલ્યા વિના જ એ ગવર્નરસાહેબને આપી.

‘ન્યાં પયડી’તી.’

આલ્બર્ટે ચિઠ્ઠી હાથમાં લીધી અને એ વાંચવાનું શરૂ કર્યું.

ગુજરાતીમાં લખાયેલી એ ચિઠ્ઠી વાંચવી આલ્બર્ટ માટે અઘરી હતી એટલે તેને માટે એ અક્ષર કાળા અક્ષરથી વધારે કંઈ નહોતા. આલ્બર્ટે ત્યાં ઊભેલા ઘેલાભાઈને પાસે બોલાવ્યા અને ચિઠ્ઠી તેના હાથમાં આપી,

‘વાંચો, શું લખ્યા છે આમાં?’

ઘેલાભાઈએ ચિઠ્ઠી ખોલી અને વાંચવાનું શરૂ કર્યું.

‘આમાં લયખું છે...’ ઘેલાભાઈના અવાજમાં સહેજ થોથવાટ ઉમેરાવા માંડ્યો, ‘ટેલિફોનની રાહ જુઓ. જો એ પહેલાં કોઈ પગલાં લીધાં છે તો પછી જેનિફરની... એટલે કે મૅડમની...’

‘આગળ વાંચ.’

આલ્બર્ટે આદેશ સાથે જ કહ્યું એટલે ઘેલાભાઈએ ફરીથી વાંચવાનું શરૂ કર્યું.

‘જેનિફરની લાશ...’ ઘેલાભાઈને ધ્રુજારી ચડી ગઈ, તેણે આલ્બર્ટ સામે જોયું, ‘સાહેબ, આમાં છે એટલે.’

‘તમે આગળ વાંચશો કે પછી?’

‘વાંચું, વાંચું સાહેબ. વાંચું.’ ઘેલાભાઈના અવાજમાં હવે ડર પણ હતો, ‘જેનિફરની લાશ પણ તમને ક્યારેય જોવા નહીં મળે, ગીરના સાવજને અંગ્રેજી ખાણું ખાવા મળશે.’

‘નામ શું લખ્યું છે નીચે?’

ઘેલાભાઈએ ચિઠ્ઠીની નીચે જોયું અને નામ ઉકેલ્યું,

‘ભૂપતસિંહ ચૌહાણના જા જા જુહાર.’

આલ્બર્ટના મોઢામાંથી નિસાસો નીકળી ગયો. તેને સમજાઈ ગયું કે આ આખી ઘટના શું કામ ઘટી છે. પોતાની વહાલસોયી પત્નીનું અપહરણ થયું હોવા છતાં આલ્બર્ટને એ સમયે ભૂપત પર માન થઈ આવ્યું હતું.

એ રાતે આલ્બર્ટે પોલીસ-કમિશનરને બધી વાત કરી. આ વાત કરવી પડે એમ હતી, એના વિના છૂટકો જ નહોતો. કારણ તેમની વાઇફ જેની ઘરમાં હતી અને જેનીની સામે જ આ આખી ઘટનાનો ફોડ પડ્યો હતો.

€ € €

‘આલ્બર્ટ ક્રિસ્ટો, રાજકોટના ગવર્નરની ઘરવાળીને ઉપાડી જવાનું કામ તારો દાદો કરી લેતો અને એ પછી પાછું પોતાનું કામ પૂÊરું કરીને આવીને નિરાંતે કોડો સૂઈ પણ જાય. બોલ, આવી તાકાત આજે કોઈ કરી શકે ખરું.’ કુતુબ પૂરેપૂરો કાળુના જ સ્વાંગમાં હોય એવા ટોન સાથે બોલતો હતો, ‘આવી હિંમત હતી તારા દાદુની, આવી મર્દાનગી હતી તારા દાદુની. કોઈના બાપની સાડીબારી રાખે નહીં અને કોઈના બાપથી તેની હાલત ખરાબ થાય નહીં.’

‘હા, વો તો સમઝ ગયા પર ફિર આગે ક્યા હુઆ?’

દાદાના ભૂતકાળમાં તણાઈ ગયેલા ઇબ્રાહિમને આગલી રાતે બનેલી ઘટના પણ ભુલાઈ ગઈ હતી. મર્દાનગીની વાતો સાંભળવાથી પણ મર્દાનગી શરીરમાં ઉમેરાતી હોય છે એનો તે અત્યારે સાક્ષાત અનુભવ કરી રહ્યો હતો. આ અનુભવ તેને બહુ નજીકના ભવિષ્યમાં જ કામ લાગવાનો હતો જેની તેને ખબર નહોતી.

‘તમે અત્યાર સુધીમાં અનેક વાતો આવી રીતે અધૂરી છોડી દીધી છે ચાચુ, યે કોઈ તરીકા નહીં હૈ. પ્લીઝ આગે ક્યા હુઆ બતાઓ.’

‘બતાતા હૂં, પર પહેલે એક કપ ચાય કા બોલ દો. ચાય પીતે હહં ઔર ફિર બહાર જા કર સબ બાત કરતે હૈં.’

€ € €

એ રાતે પણ આવું જ થયું હતું. બધી વાત કરવાનું કાળુએ પૂછ્યું ત્યારે ભૂપતે ચા પીવાના બહાને વાત ટાળી દીધી હતી અને કહ્યું હતું, ‘પહેલાં ચા પીવડાવ. પછી બધી વાત કરીએ.’

‘તેલ પીવા ગઈ તારી ચા.’

‘વાહ, શું વિચાર આવે છે તને, ચા અને એ પણ પાછી ગઈ ક્યાં તો કહે તેલ પીવા.’ ભૂપતસિંહે ભાઈબંધીની દાદાગીરી યથાવત રાખી અને કહ્યું, ‘કોઈક બરાબર ઠેકાણે ચા માટે ઊભી રાખ, પછી નિરાંતે વાત કરીએ.’

‘સિંહ, જીવતોજાગતો બૉમ્બ આપણી ભેગો છે હોં. આવામાં ક્યાંય ઊભા રહેવું છે આપણે? મારું મન તો ના પાડે છે.’

‘હંઅઅઅ... વાત તો તારી સાચી છે, પણ આપણે તારા મનનું નહીં, મારા મનનું સાંભળીએ અને ચા પી લઈએ પહેલાં.’ ભૂપતે પાછળ જોયું, ‘લાગતું નથી કે આ જાડી હજી એકાદ કલાક જાગે.’

ભૂપતે જીપની બહાર નજર કરી આજુબાજુમાંથી પસાર થતા વિસ્તારને ઓળખવાની કોશિશ કરી.

‘એલા, જૂનાગઢ આવી ગ્યું લાગે છે.’ કાળુએ હા પાડી કે તરત જ ભૂપતે કહ્યું, ‘તો આળખ ખંખેરી નાખ. આ ગાંડીને પાછી મૂકવાની થાશે.’

(વધુ આવતા શનિવારે)

€€€€€€

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK