યાર, રોકાઈ જાઓ

સાંજ આથમી રહી હોય, વરસાદ જોર પકડી રહ્યો હોય, પ્યાલીમાં તરસ હજી તો જામી હોય, અનેક વાતો કરવાની રહી ગઈ હોય એવી મહેફિલમાં મિત્ર કે પ્રિયજનને કહેવું જ પડે : યાર, રોકાઈ જાઓ.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

એક સમયે મુંબઈમાં મુશાયરાઓનો દબદબો હતો એટલું જ નહીં, ડ્રૉઇંગ-રૂમ બેઠકોમાં પણ કવિતાનો દોર હોંશપૂવર્કં જામતો. આ બધું હવે ઇતિહાસ બનવા જઈ રહ્યું છે. એ દિવસ દૂર નથી જ્યારે કહેવું પડે, અમારા જમાનામાં તો શું મુશાયરા થતા દોસ્ત! આ વાક્ય ગમે ત્યારે મુંબઈની જીભ પર અતિક્રમણ કરવા તત્પર છે. કેટલાક અણસાર ભવિષ્યની ટાપશી પૂરતા હોય છે. બેફામસાહેબના શેરથી ઓગળતી મહેફિલનો આગાઝ કરીએ.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ

તમે જો રોકશો, રોકાઈ જાવાનું મને ગમશે


બે-ત્રણ દાયકા પહેલાં કોઈ મિત્ર કે સ્વજનને ત્યાં રોકાવું હોય તો સંકોચ થતો નહીં. બહારગામથી આવતા મહેમાનો ઘરે રોકાય એ સ્વાભાવિક હતું. આજે સમય નોકિયાના ખડતલ હૅન્ડસેટમાંથી સૅમસંગનો સ્માર્ટફોન બની ગયો છે. નગરજીવનની પોતાની વ્યાખ્યા હોય છે. શહેરીજનો એ પ્રમાણે વિચારતા થઈ જાય. નાના નગર-ગામના લોકો હજી પણ આવકારો દેવા ઉત્સુક જણાય. રશીદ મીર આતિથ્યનાં ઓવારણાં પાથરે છે...

બને તો સાંજના રોકાઈ જાજો,

ઘણાં વરસે સદનનું ભાગ્ય ફરશે

ઉદાસી સાંજની બોલી રહી છે

ઠરે જો રાત તો દીવાઓ ઠરશે


એક સારા મહેમાનના આવવાથી ઘર ભર્યું-ભર્યું લાગવા માંડે. એની સાથે વાતોનો જલસો જામે અને ભાવપ્રદેશોમાં વિચારવિહાર થાય. મોટા સર્જકો સાથે બેસવાનો ફાયદો એ કે તેમના સમૃદ્ધ અનુભવવિશ્વનો લાભ આપણને મળે. કેટલીક વાર જે વાત વર્ષો સુધી ન સમજાય એ અંતરંગ ગોષ્ઠિમાં સમજાઈ જાય. ચમકારો ગમે ત્યારે થઈ શકે. એ માટે આંખ ને કાન ખુલ્લાં રાખવાં પડે. ખલીલ ધનતેજવી પ્રેમાળ અને બંધનમુક્ત આમંત્રણ આપે છે...

ક્યાંક મળો તો રોકી લેજો બીજું શું?

તબિયત બબિયત પૂછી લેજો બીજું શું?

આપ અમારી જોડે રહેજો - ના ફાવે તો


વળતી ગાડી પકડી લેજો બીજું શું?


કેટલીક વાર કશું બનવા જઈ રહ્યું હોય અને બનતા-બનતા રહી જાય. બે પ્રેમીઓ વચ્ચે પ્રારંભિક તબક્કે સંકોચ નામનો વિલન સદૈવ હાજર હોય છે. શરમ અને સંકોચ બન્ને સાથે મળીને લોઢી પર ભાખરી શેકતાં હોય એમ મનસૂબાને ઊથલાવે. મનમાં ઓરતા ઝંકૃત થતા હોય, પણ જીભ પર આવું-આવું કરતા શબ્દો મીંદડીની જેમ નિમાણા થઈ જાય. માંડ-માંડ મળતી તકમાં આવું સંકોચ-પ્રદર્શન થાય ત્યારે બાપુભાઈ ગઢવીની પંક્તિ જેવો નિ:શ્વાસ સરી પડે.

તમને સમય નથી અને મારો સમય નથી

કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી

રોકી રહી છે તમને તમારી શરમ અને

મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી


પ્રિયતમાને રોકાઈ જવા માટે વિનંતી કરવી પડે. પત્ની આપણને ન રોકે એ માટે આજીજી કરવી પડે. બાળક કમ્પાઉન્ડમાં રમવા જવા ઊછળકૂદ કરતું હોય ત્યારે ગરમાગરમ નાસ્તો બનાવી રહેલી મમ્મીએ તેને સ્વાદિક્ટ લાંચ આપવી પડે. ઇન્કમ-ટૅક્સ રિટર્ન ભરવાની ડેડલાઇન આવી ગઈ હોય ત્યારે અકાઉન્ટ્સ વિભાગવાળાએ રોકાઈને પણ કામ પૂરું કરવું પડે. ધોધમાર વરસાદ પડતો હોય અને કોઈ છત્રીની લિફ્ટ ન મળે ત્યારે દુકાનના છાપરા નીચે રોકાઈ જવું પડે. લિફ્ટમાં દસ જણની કૅપેસિટી હોય અને આપણો અગિયારમો નંબર હોય ત્યારે મોં વકાસીને રોકાવું પડે. જિંદગી વિવિધ મુકામે રોકાતી હોય છે, પણ વાત મોતની આવે ત્યારે શું કરવું? સૈફ પાલનપુરી અફસોસભર્યું આકલન કરે છે...

થોડીક શિકાયત કરવીતી

થોડાક ખુલાસા કરવાતા

ઓ મોત જરા રોકાઈ જતે-

બેચાર મને પણ કામ હતાં


મોત રોકાવામાં માનતું નથી. એ એની નીયત પ્રમાણે નિયત સમયે આવી જ પહોંચે. દવાઓ અને મેડિકલ સાધનો ખૂટતા શ્વાસ લંબાવી શકે, પણ જિંદગીને લગભગ સ્ટૅચ્યુ કરી નાખે. જિંદગી પાસે પ્રશ્નોની ભરમાર પણ છે અને ઉત્તરોની અપેક્ષા પણ છે. બધી મુશ્કેલીઓમાં ગણતરીઓથી માર્ગ નથી મળતો. કેટલીક પેચીદી સમસ્યા ઉકેલવા અંતરના અવાજને અનુસરવો પડે. ઘોંઘાટ અને કોલાહલોની દુનિયામાં આ અવાજ દબાઈ ગયો છે. રુસ્વા મઝલૂમી એની મહત્તા દર્શાવે છે...

છું એક મુસાફર, નર્ભિય થઈ

હું સાંજ સવારે ચાલું છું

બુદ્ધિનું ગજું શું રોકે મને

અંતરના ઇશારે ચાલું છું


જિંદગી ચાલવાનું નામ છે. પ્રત્યેક સવારે અંતે રાત તરફ ગતિ કરવાની છે. જન્મની ફળશ્રુતિ સફળતા-નિષ્ફળતા હોઈ શકે, પણ એનું પરિણામ મરણ છે. સૃષ્ટિનાં બે બિંદુ વચ્ચે આપણે સાર્થક થવાનું છે. યામિની વ્યાસ વાસ્તવિકતા તરફ નિર્દેશ કરે છે...

ભલે ને રમ્ય છે પણ સાંજ રોકાઈ નથી શકતી

હથેળીમાં લઈ એ ડૂબવાની ઘાત આવી છે


ક્યા બાત હૈ


ચંદ્ર ઝાંખો થાય છે, રોકાઈ જાવ

હમણાં વાણું વાય છે, રોકાઈ જાવ

એક ઘડીભરની રાતની છે શી વિસાત?

વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ

અપશુકન છે રોકવામાં, શું કરું?

મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ

ચીબરી બોલી રહી છે આંગણે

વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ

વાટમારુ છે નિરાશા માર્ગમાં

કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ

હોઠ ઉપર છે ખુદા હાફિઝ છતાં

દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ

આજ સાબિર વારે વારે શું કહું?

હોઠે આવી જાય છે, રોકાઈ જાવ

 - સાબિર વટવા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK