રૂપ તો રોજ મેલું થાય, પણ સ્વરૂપ ક્યારેય મેલું ન થાય

આમ તો જ્યારથી સુરુને ખબર પડી કે બદામ ખાવાથી યાદશક્તિ વધે ત્યારથી તે યાદ રાખી બાય મિસ્ટેક પણ મારા ખાવા-પીવામાં ક્યાંય બદામનો નાનકડો ટુકડો પણ ન આવે એની સતત કાળજી રાખતી.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


પણ મિત્રો, ઈશ્વર તો બધાનો છેને? એક વાર તેની જ યાદશક્તિએ ધોખો ખાધો ને મારા પીવાના દૂધમાં ભૂલથી બદામ નાખી ને જેવું દૂધ પેટમાં પહોંચ્યું ને તરત જ મારા મગજમાં LEDની બત્તી થઈ ને ‘વો ભૂલી દાસ્તાં લો ફિર યાદ આ ગઈ નઝર કે સામને ઘટા સી છા ગઈ..’ ને મારા મને જિંદગીની રિવર્સ યાત્રા કરી ને પહોંચ્યું મન અતીતની અટારીએ. હવે જો તમે બદામ ખાઈને બેઠા હશો તો યાદ હશે કે ગયા શનિએ ‘સાધના મને નાનપણથી બહુ ગમતી ને એ જમાનામાં સાધના પર લાઇન મારવા લાઇન લાગતી’ ત્યાં અટકેલા. યાદ આવ્યું? ધેન નાઓ કમ વિથ મી...

જો ભૈ, આમ તો સાધનાને મળ્યો નથી ને દૂર-દૂર સુધી આપણો નહાવા-નીચોવવાનો પણ સંબંધ નહોતો, પણ જેવી ‘રાજકુમાર’ પિક્ચરમાં જોઈ ને મારું દિલ પાણી-પાણી થઈ ગયું. માય ગૉડ. ને બાય ગૉડ તે એવી કાચની પૂતળી કે તે પાણી પીતી હોય તો તેના કંઠમાંથી નીચે ઊતરતું પાણી આરપાર એવું દેખાય કે જાણે ગંગોત્રીમાંથી ખળખળ વહેતી ગંગાનું ઝરણું વહેતું હોય. આ દૃશ્ય જોઈ માત્ર હું નઈ, તમે પણ પોકારી ઊઠો OMG સાચું ગંગા સ્વરૂપ તો આને કહેવાય ને મેં જ્યારે ઈશ્વરની વેબસાઇટ ચેક કરી ત્યારે ખબર પડી કે તેણે ચોવીસ કલાકમાંથી સાડાબાવીસ કલાક તો બહેન સાધુને ઘડવામાં જ ગાળ્યા હશે. ફરી બાય ગૉડ, તેના ઢંકાયેલા કપાળ પરની લટ જુઓ તો પૂર્ણિમાના ચાંદની કોર હોય એવી ગોળમટોળ ને બોનસમાં તેના સપાટ લિસ્સા ગાલ પર ખીંટીમાં ફિટ કરેલા વળેલા હુક જેવી ચાર-પાંચ લટોના જથ્થાઓ ધામા નાખીને પડ્યા હોય. મને એમ થાય કે મારું દિલ એ હુક જેવી લટ પર લટકાવી દઉં. ને જેવું પિક્ચરમાં એના મુખમાંથી ‘આ આ આ જા, આઇ બહાર દિલ હૈ બેકરાર ઓ મેરે રાજકુમાર તેરે બિન રહા ન જાય...’ ગાતી જોઈ ત્યારે આહાહાહા-ઓહોહો હું અંદરથી તરબતર થઈ ગયો. નથી માનતા? તો અહીં વાંચવાનું અટકાવી યુ-ટયુબ પર ગીત જોઈ પાછા આવી જાઓ... ચાલો, આવી ગયા તો હવે તમને નથી લાગતું કે સાધનાએ રાજકુમારને બદલે ‘સુભાષ તેરે બિન રહા ન જાય’ ગાવું જોઈએ? જોકે તમને નઈ લાગે. જેલસી બીજું શું? પછી એ જ સાધનાને મેળવવા પેલો રાજેન્દ્રકુમાર ‘આરઝૂ’ પિક્ચરમાં દાણા વેરતો જોયો. એક જ ગુલાબનું ફૂલ અઢી મિનિટ સુધી હાથમાં પકડી શરૂ થઈ ગયો ‘અય ફૂલોં કી રાની, બહારોં કી મલિકા તેરા મુસ્કુરાના ગજબ હો ગયા.’ હવે આખી વાતમાં ગજબ શું થઈ ગયું એ રાજેન્દ્ર અને ભગવાન જ જાણે. પણ હવે આ ડોબીને ઉછીની અક્કલ કોણ આપે કે બહેન સાધુ (સાધના), આ રાજિન્દર એક નાનકડું ગુલાબ આપી તારો આખો બગીચો લૂંટી લેશે. પછી તું મારું ઍડ્રેસ ગોતીશ, પણ હું દાદ નઈ આપું. પણ યુ નો ઈશ્વર રૂપ આપે એટલે બુદ્ધિ પણ આપે એવું થોડું છે?

મૂળ વાત એ કે જ્યારે ભઈ દેવુ આઇ મીન દેવ આનંદ સાથે ‘અસલી-નકલી’ પિક્ચરમાં આંસુ સાથે ગાતી સાંભળી, ‘તેરા મેરા પ્યાર અમર, ફિર ક્યૂં મુઝકો લગતા હૈ ડર..’ મેં તો બીજા દિવસે જસ્ટ ડાયલમાંથી સાધનાનો નંબર મેળવી ફોન કર્યો. ‘હેલ્લો સાધુ આઇ મીન સાધનાબહેન, હમણાં ‘અસલી-નકલી’માં ‘તેરા મેરા પ્યાર..’ સાંભળ્યું. જો બહેન, જે કામમાં ડર લાગે એવાં કામ કરાય જ નઈ અને આ તો પ્યાર અને એ પણ ‘પ્યા...ર અમર.’ પ્યારમાં વળી ડરવાનું કેવું? આ કંઈ તેં ઇન્ડિયામાં કરેલું કૌભાંડ થોડું છે? છાશ લેવા જવું ને દોણી સંતાડવી? એવું કરાય? જો બકા, પ્યાર એવો સંબંધ છે કે કોઈ પણ શરત વગર એકબીજાને ખુશી આપે. એટલે ડરવા-બરવાનું નઈ. લોચો દેવમાં આઇ મીન દેવ આનંદમાં નીકળ્યો. તેં પેલા રાજ કપૂરે જેમ નર્ગિસને કીધું, ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ હૈ, પ્યાર સે ફિર ક્યૂં ડરતા હૈ દિલ..’ એમ ન પૂછ્યું અને તુંયે એવી ડોબી કે પેલી ‘મુગલ-એ-આઝમ’ની મધુબાલાની જેમ બોલી ન શકે, ‘પ્યાર કિયા તો ડરના ક્યા.. પ્યાર કિયા કોઈ ચોરી નહીં કી..’ તારા અને દેવ કરતાં પેલાં રિશી કપૂર ને નીતુ સિંહની હિંમત જો, બિન્દાસ કઈ દીધું કે ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોં...

મિત્રો, ત્યાં તો મારી આંખ ખૂલી ને ખબર પડી કે આ તો સપનું હતું. આમ તો અંદરની ઝંખના તો સાધનાને મેળવવાની હતી. એ માટે હે વાચકમિત્ર, યુ નો વિશ્વામિત્ર? યસ હી ઇઝ ગ્રેટ ઋષિ ઑફ ઇન્ડિયા. પણ મેનકા અપ્સરાએ નૃત્ય કરી સાધનામાં ભંગ પાડ્યો ને તપનું પડતું મૂક્યું. મોહ લાગ્યો મેનકાનો. બસ, એમ જ હું સાધનાને મેળવવા જ સાધનામાં બેઠો, પણ મારી સ્ટાઇલ જરા જુદી. મેં તો પ્રભુને કીધું, ‘ભૈ પ્રભુ, પેલી મેનકાની જેમ મારી સાધનામાં ભંગ પાડવાવાળી સાધના ક્યાં ખોવાઈ ગઈ? (તૂ છુપી હૈ કહાં, મૈં તડપતા યહાં..) મિત્રો, તમે જેટલા ધ્યાનથી આ લેખ વાંચી રહ્યા છો એટલા જ ધ્યાનથી મેં સાધનાનુ ધ્યાન ધર્યું ને નૃત્ય કરતી સાધના પ્રગટી ને મનમાં મનસૂબો ઘડ્યો કે આ શરીર શબ બને ને મારો આત્મા પરમાત્મા પાસે પહોંચી જાય ને ઉપરથી આ સાધનાને સાધનાભાભી કહેવાનો વારો આવે એ પહેલાં આ પીસ જો મારા ઘરમાં કાયમી ધોરણે વાસ કરશે તો હું ચાલીસ પાઠ હનુમાન ચાલીસાના કરીશ ને હનુમાન પાસે નારિયેળ વધેરતાં બોલીશ, ‘હે વીર બજરંગ, જો તમે રામની સીતા લાવી શકતા હો તો મને સાધના મેળવવા હેલ્પ કરો પ્લીઝ.’ ને મનમાં ગાંઠ વાળી,

હવે તો જેમ ગોળ વિના મોïïળો કંસાર એમ સાધના વિના મોળો સંસાર. કવિ મકરંદ દવે ભલે બોલ્યા: ગમતું હોય તો ગૂંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. પણ સૉરી, સાધનાની બાબતમાં હું બાંધછોડ કરવા તૈયાર નહોતો.

પણ હવે દુ:ખ એ થયું કે જ્યાં મારી સાધના ફળી તો તેને મેળવવાના મારા ક્રાન્તિકારી વિચારો સામે મારા ઘરવાળાઓ જ મારી વિરુદ્ધ. બાપુજી બોલ્યા, ‘જો બેટા, અમે અમારા જમાનામાં કિશોરકુમાર, અશોકકુમાર જેવા ચૉકલેટી હોવા છતાં નિરૂપા રૉયો, મીનાકુમારીઓ કે લલિતા પવારોને નજર ઉઠાવી માતૃભાવે જોતા. ને તારું થોબડું જોયું? એ. કે. હંગલ જેવી દાતણની સોટી જેવી બૉડીમાં સાધના મેળવવાના ધખારા ઊપડ્યા? જો બકા, પોતાની આંખ કરતાં મોટાં સપનાં ન જોવાય. ને આ વહીદા રહેમાનો કે વૈજયંતીમાલાઓ, મુમતાજો કે આશા પારેખો હોય; જગતની કોઈ સ્ત્રી સૌંદર્યનો અમરપટો લખાવી નથી આવી. રૂપ તો રોજ મેલું થાય, પણ સ્વરૂપ ક્યારેય મેલું ન થાય. ’

પછી મને પણ થયું કે બાપુજી સાચા છે. ‘વો અફસાના જિસે અંજામ તક લાના ના હો મુમકિન ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા, ચલો એક બાર...’

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK