મેઇન રોડ પર ૬ વર્ષથી ભરાતી ગટરનો અસહ્ય ત્રાસ ૩ મહિનામાં ગાયબ

પેવર બ્લૉક્સની બદલી બેજવાબદારી તથા નિષ્કાળજીથી કરવાના કારણે માટી, રેતી, કંકર અને કાંકરીથી SV રોડ પરની મુખ્ય ગટર રૂંધાઈ-ભરાઈ ગઈ. લાખો રાહદારીઓ, વાહનચાલકો, રહેવાસીઓ, દુકાનદારો તથા ધંધાર્થીઓને થતો અસહ્ય ત્રાસ RTIએ દૂર કરી આપ્યો

rti

RTIની તાકાત - ધીરજ રાંભિયા

૨૦૧૧માં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉપોર્રેશને બાંદરાથી બોરીવલીના વેસ્ટર્ન વિભાગને જોડતો ધોરી માર્ગ સ્વામી વિવેકાનંદ રોડ, જે ટૂંકાક્ષરે SV રોડ તરીકે જાણીતો છે એના સાંતાક્રુઝમાંથી પસાર થતા ભાગને સમથળ કરવાનું કાર્ય હાથમાં લીધું.

બાબુશ્રીઓએ ટેન્ડર કાઢ્યાં, મળતિયાઓ સાથે સાંઠગાંઠ કરી, કટકી પડાવીને કામ સોંપ્યું. બાબુઓને ટેન્ડર મેળવવા આપેલી રકમ તથા પોતાના નફાની રકમ અંકે કરવા કામની તથા વપરાતા માલની ગુણવત્તામાં ઓગણીસ-વીસ કરી બાંધછોડ કરતા હોવાનું જગજાહેર છે. વાપરવામાં આવનાર માલ-મટીરિયલની ચકાસણી તથા કામ દરમ્યાન ગુણવત્તાની નિગરાની કરવાની જવાબદારી ધરાવનાર એન્જિનિયરો પોતાના કાર્યાલયમાં / કૅબિનોમાં આરામ ફરમાવતા હોય છે અને એના કારણે કૉન્ટ્રૅક્ટરને મોકળું મેદાન મળે છે.

રસ્તાને સમથળ કરવા જૂના રસ્તાને ખોદવામાં આવ્યો અને એના કારણે નીકળેલાં માટી, પથ્થર, કંકર, કાંકર અને કાટમાળના ઢગલાઓ જ્યાં ઓછી મહેનત લાગે ત્યાં મજૂરો કરતા ગયા. રસ્તાની વચ્ચે આવેલી ગટર પર કે એની નજીક કાટમાળનો ખડકલો ન કરાય કે ન કરવો જોઈએની સાદી સમજને માળિયા પર ચડાવી દેનારાઓ ગટરની ઉપર તથા આજુબાજુ ખડકલો કરતા ગયા, કારણ કે એમ કરવામાં જહેમત ઓછી પડતી હતી. રોજેરોજ નહીં તો એ અઠવાડિયામાંબે-ત્રણ વખત નિરીક્ષણ કરવાની જવાબદારી ધરાવનારાઓ પોતાની ફરજ પ્રત્યે સકારણ અત્યંત ઉદાસીન રહ્યા.

ઉદાસીનતાની હદ તો એટલી બેહદ થઈ કે ગટરના ઢાંકણા પર પણ સિમેન્ટ-કૉન્ક્રીટ બિછાવી દેવામાં આવ્યાં. નીચેની ગટરનો પ્રવાહ રૂંધાવાના કારણે અવારનવાર ગટર ઊભરાતી રહી તથા આજુબાજુના પરિસરને જળબંબાકાર બનાવતી રહી.

SV રોડ પર સ્થિત, ધી સાંતાક્રુઝ ત્રિવેણી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના તત્કાલીન સેક્રેટરીએ ૨૦૧૧ની ૨૧ ડિસેમ્બરે MCGM (મ્યુનિસિપલ કૉપોર્રેશન ઑફ ગ્રેટર મુંબઈ)ના H-નૉર્થ વૉર્ડના ડ્રેનેજ ઍન્ડ સિવરેજ વિભાગના અસિસ્ટન્ટ એન્જિનિયરને વિગતવાર પત્ર લખી ફરિયાદ નોંધાવી તથા ઘટતું ત્વરાથી કરવા વિનંતી કરી, જે બહેરા કાને તથા બંધ નયનો પર અથડાઈ.

નાગરિક-ફરિયાદનો પ્રત્યુત્તર ન આપવાની તથા એને કચરાપેટીને/પેન્ડિંગ ફાઇલને આધીન કરવાની પરંપરા બાબુઓએ સુપેરે જાળવી.

કુદરતના અકળ અને અફર નિયમોમાં પણ અપવાદો દૃષ્ટિગોચર થાય છે એમ અકર્તવ્યશીલ, બેજવાબદાર બાબુઓની ફોજમાં કાળેરી વાદળીને સોનેરી ભાતની જેમ કર્તવ્યનિષ્ઠ અસિસ્ટન્ટ એન્જિનિયરની પધરામણી થઈ. ઑફિસમાં આવતા પત્રોની નોંધ સામાન્ય રીતે દરેક સરકારી કાર્યાલયમાં રાખવામાં આવતા ઇન્વર્ડ રજિસ્ટરમાં થતી હોય છે, જે તપાસતાં સિરિયલ-ક્રમાંક ૬૩૫૫ પર ધી સાંતાક્રુઝ ત્રિવેણી CHS

(કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી) લિમિટેડનો પત્ર રજિસ્ટરમાં જ પડેલો સાંપડ્યો. પત્ર વાંચીને સાંતાક્રુઝ (વેસ્ટ)નો SV રોડ વાપરતા અને ત્યાં રહેતા/ધંધો કરતા નાગરિકોની અગવડ તથા તેમને પડતા ત્રાસની માહિતી મળતાં તેમણે પોતાના વિભાગના કર્મચારીઓને ફરિયાદમાં જાણાવેલી જગ્યા પર નિરીક્ષણ કરવા મોકલ્યા. કર્મચારીઓએ નિરીક્ષણ-રિપોર્ટમાં જણાવ્યું કે ગટરલાઇનનો પ્રવાહ રૂંધાઈ રહ્યો છે, એ વાત સત્ય છે અને આથી ત્યાંની ગટરલાઇન સાફ  કરવાની કે બદલાવવાની જરૂર છે.

કમભાગ્યે ગટરલાઇન બદલાવવાનું કાર્ય કરવાની અને એની જવાબદારી અંધેરી (વેસ્ટ) સ્થિત એક્ઝિક્યુટિવ એન્જિનિયર, મેકૅનિકલ, વેસ્ટ-સાઉથ કાર્યાલયના ક્ષેત્રમાં આવી હોવાથી અસિસ્ટન્ટ એન્જિનિયર (મેઇન્ટેનન્સ), એચ-વેસ્ટએ વિગતવાર ઑફિસ-નોટ તથા ગટરલાઇનનાં લોકેશન પ્લાન્સ બનાવી યથાયોગ્ય કરવા ૨૦૧૨ની ૧૩ માર્ચે તેમને મોકલાવી આપ્યા. એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું કાર્યાલય વરિષ્ઠ ગણાય, પરંતુ ત્યાંના બાબુઓ કર્તવ્યનિષ્ઠામાં કનિષ્ઠ નીકળ્યા.

ઑફિસ-નોટ શીતગૃહમાં દફનાઈ ગઈ. આ તરફ સોસાયટીના પદાધિકારીઓ બદલાયા હોવા જોઈએ, આથી સોસાયટી તરફથી MCGM બાબુઓ પરનું દબાણ અને પત્રવ્યવહાર બંધ થઈ ગયા. કદાચ કોઈ અગમ્ય કારણના કારણે વિટંબણાની તીવþતા ઓછી થઈ હોવી જોઈએ. જે થયું હોય તે, પાંચ વર્ષ અને આઠ મહિનાનો સમય સુષુપ્તાવસ્થામાં પસાર થઈ ગયો.

સમયે પડખું ફેરવ્યું. સોસાયટીના એક સભ્ય નામે નવીન ખંભાતી તેમની એક અંગત આપદા માટે મદદ-સહાય અને માર્ગદર્શન મેળવવા તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-ફોર્ટની મુલાકાતે ગયા, જેના કારણે વિટંબણાનો સુખદ અંત આવતાં ભાવવિભોર થઈ સેવાભાવ અર્થે કેન્દ્રમાં જોડાયા. ૨૦૧૭ના ઑક્ટોબરમાં ફરીથી ગટર ઊભરાવાના કારણે તેમની સોસાયટીનો રસ્તો જળબંબાકાર થવા લાગ્યો. યોગાનુયોગ નવીનભાઈ પણ કેન્દ્રના અન્ય સેવાભાવીઓના સહવાસના કારણે RTI કાયદાથી સુપરિચિત થઈ ગયા હતા. કેન્દ્રના જ્યેષ્ઠ સેવાભાવીઓ જોડે વિટંબણાની વાત કરી, ચર્ચા કરી તેમ જ MCGM બાબતોના માહિર તથા મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-દાદરના નિયામક મહેન્દ્ર ધરોડનું પણ માર્ગદર્શન મેળવી ૨૦૧૭ની ૭ નવેમ્બરે RTI કાયદા હેઠળની પ્રથમ અરજી એચ-વેસ્ટ વૉર્ડના ડ્રેનેજ અને સિવરેજ ડિપાર્ટમેન્ટના અસિસ્ટન્ટ એન્જિનિયરના નામે બનાવી ૨૦૧૭ની ૧૦ નવેમ્બરે તેમના કાર્યાલયમાં સુપરત કરી, જે દ્વારા અન્ય માહિતી સાથે મુખ્યત્વે તેમને સોસાયટી દ્વારા લખવામાં આવેલો ૨૧-૧૨-૨૦૧૧નો પત્ર તથા એના પ્રત્યુત્તરમાં લખાવેલી ૨૦૧૨ની ૨૨ ફ્રેબ્રુઆરીની ઑફિસ-નોટની ઉપર કરવામાં આવેલી કાર્યવાહી, એની સાંપ્રત સ્થિતિ વિશે માહિતી માગવામાં આવી.

૨૦૧૭ની ૮ ડિસેમ્બરના પ્રત્યુત્તરમાં અસિસ્ટન્ટ એન્જિનિયર (મેઇન્ટેનન્સ) એચ-વેસ્ટ વૉર્ડ દ્વારા જણાવવામાં આવ્યું કે આપે માગેલી માહિતી તથા એના પર કાર્યવાહી કરવાની જવાબદારી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મેકૅનિકલ-વેસ્ટ સાઉથ પાસે હોવાથી આપની RTIની અરજી તેમને યથાયોગ્ય કરવા મોકલવામાં આવી છે. એક મહિનાની કાયદાકીય સમયઅવધિ દરમ્યાન એક્ઝિક્યુટિવ એન્જિનિયર મેકૅનિકલ તરફથી ન તો કોઈ કાર્યવાહી દૃષ્ટિગોચર થઈ કે ન તો RTI અરજીનો કોઈ જવાબ આવ્યો. આથી ૨૦૧૮ની ૮ જાન્યુઆરીએ RTI કાયદા હેઠળ પ્રથમ અપીલ અપેલેટ ઑથોરિટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર એચ-વેસ્ટ વૉર્ડના કાર્યાલયમાં ફાઇલ કરવામાં આવી.

RTI કાયદા અન્વયે અપેલેટ અધિકારીએ અપીલ મળ્યાની તારીખથી એક મહિનાની અંદર બન્ને પક્ષકારોને લેખિત નોટિસ આપી સુનાવણીમાં બોલાવવા જોઈએ તથા બન્ને પક્ષકારોની મૌખિક અથવા અને લેખિત રજૂઆતો વાંચી/સાંભળી તથા તેમની સમક્ષ બન્ને પક્ષકારો દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો, પત્રવ્યવહાર વગેરેનો અભ્યાસ કરી લેખિત ચુકાદો આપવાનો હોય છે. 

નવીનભાઈ સુનાવણીની નોટિસની કાગડોળે રાહ જોતા રહ્યા. SPIO (સ્ટેટ પબ્લિક ઇન્ફર્મેશન ઑફિસર) અને FAA (ફર્સ્ટ અપેલેટ ઑથોરિટી) સામાન્યપણે એક જ વિભાગમાં કાર્યરત હોય છે. SPIO સંબંધિત વિભાગમાં કનિષ્ઠ અધિકારી, જ્યારે FAA એ જ વિભાગમાં જ્યેષ્ઠ અધિકારી હોય છે. આથી વધતે અંશે તેમની વચ્ચે મિલીભગત તો રહેવાની; પરંતુ જો નાગરિકની અડચણ, વિટંબણા કે ફરિયાદનો સંતોષકારક રીતે નિવેડો ન આવે તો પ્રથમ અપીલની તારીખના ૩૦ દિવસ બાદ દ્વિતીય અપીલ કરી શકાય અને દ્વિતીય અપીલની અરજી તથા સુનાવણી રાજ્ય માહિતી આયુક્ત સમક્ષ થતી હોવાથી અને તેમને ક્વૉઝી જુડિશ્યલ પાવર હોવાથી બહુધા પ્રથમ અપીલ દરમ્યાન નાગરિકની ફરિયાદનો નિવેડો આવી જાય છે. જ્યારે SPIO અને FAA વચ્ચે સાઠગાંઠ હોય છે ત્યારે પણ FAA, SPIOને ફરિયાદનો સંતોષકારક નિવેડો તરત લાવવાનું કહે છે અને ત્યાર બાદ સુનાવણીની તારીખ નક્કી કરે છે.

૨૦૧૮ની વીસ જાન્યુઆરી અર્થાત પ્રથમ અપીલ કર્યાના બરાબર બારમા દિવસે વહેલી સવારે MCGMની ફોજ ફરિયાદ-સ્થળે પહોંચી તથા સૂર્યાસ્ત પહેલાં ગટર તથા ગટરલાઇન ખોલી સાફ કરી નાખી ફરિયાદનો સંતોષકારક ઉકેલ લાવી દીધો.

લુચ્ચા બાબુઓએ સુનાવણી-તારીખની નોટિસ એવી રીતે મોકલાવી જેથી એ  ૨૦૧૮ની ૨૦ જાન્યુઆરી બાદ મળે અને છતાંય ૩૦ દિવસના કાયદાકીય સમયની અંદર મળે.

સામાન્ય રીતે ફરિયાદી નાગરિક પણ ફરિયાદનું સંતોષકારક નિવારણ થઈ ગયું હોવાથી વાતનું વતેસર કરતો નથી.

નવીનભાઈની જાગૃતિ અને કર્તવ્યદક્ષતાના કારણે લાખો નાગરિકોની ૬ વર્ષની વિટંબણાનો સુખદ અંત ત્રણ મહિનામાં આવ્યો તથા RTIની તાકાત વધુ એક વાર પ્રસ્થાપિત થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK