ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૬૧

છેલભાઈ રાજકોટમાં દાખલ થયા ત્યારે સાંજ પડવા આવી ગઈ હતી.

નવલકથા - રશ્મિન શાહ

ઉનાળાની શરૂઆતના દિવસો હતા અને એ પછી પણ એ દિવસે આકાશે વાદળ ઓઢી લીધાં હતાં. રાજકોટમાં છેલભાઈ રાબેતા મુજબના કામે નહોતા આવ્યા પણ સત્તાવાર કામે આવ્યા હતા અને એટલે જ તેમણે કાયદેસર તો પહેલાં જઈને રાજકોટના પોલીસ-કમિશનરને મળવું જોઈએ અને પોતાની હાજરી નોંધાવવી જોઈએ, પણ એવું કરવા જાય તો આખી બાજી હાથમાંથી સરકી જાય એવું બની શકે એવી પૂરી શક્યતા લાગતી હોવાથી છેલભાઈએ એવું પગલું ભરવાને બદલે આ આખી બાજીને પોતાની જાતે જ હાથવગી કરવાનું નક્કી કર્યું અને તેમણે જીપ સીધી ધર્મશાળામાં લેવડાવી. ધર્મશાળામાં જઈને તેમણે પોતાની ખાખી વર્દી ઉતારી નાખી અને સ્મશાનયાત્રામાં જવા માટે જરૂરી હોય એવાં સફેદ કપડાં પહેરી લીધાં. આટલું ઓછું હોય એમ તેમણે ચહેરા પર સાબુ ઘસ્યો અને સામાનમાંથી અસ્ત્રો કાઢીને અરીસા સામે ઊભા રહી ગયા અને ધીમે રહીને હિંમત એકઠી કરી અસ્ત્રો પોતાની મૂછ પર પણ ફેરવી દીધો.

સરરર...

પાતળી તલવાર જેવી છેલભાઈની મૂછ કપાઈને જમીન પર પડી. એ મૂછ જમીન પર પડી જે આવવાની શરૂ થયા પછી છેલભાઈએ ક્યારેય એ ઉડાડી નહોતી, એ મૂછ તેમણે ઉતારી નાખી જે મૂછ તેમણે પોતાના પિતાના અવસાન પછીની વિધિમાં પણ ઉતારવાની ના પાડી દીધી હતી.

‘મુંડન મંજૂર છે પંડિત, મૂછ નહીં નીકળે.’

‘પણ ભૂદેવ, એ વિધિની રીત છે અને આપ તો એ જાણો જ છો.’ બ્રાહ્મણે દલીલ કરી હતી, ‘એ ઉતારવાનું કામ તો ભલભલા ચમરબંધી પણ કરે છે.’

દ્વારકાના દરિયા પરથી આવતી ખારી હવા છેલભાઈએ શ્વાસમાં ભરીને બ્રાહ્મણ સામે જોયું.

‘કરતા હશે પંડિત, ના નહીં એની; પણ હું નહીં ઉતારું.’ છેલભાઈએ ચોખવટ પણ કરી, ‘આ મૂછ તો પુરુષોનું ઘરેણું છે. કુદરત આપે ને કુદરત જીવ લ્યે ત્યારે એના ભેગી જાય. મૂછ નહીં, મુંડન મંજૂર છે. અબઘડી ચાલુ કરાવી દઉં.’

પંડિત પાસે બીજી કોઈ દલીલ રહી નહીં એટલે તેમણે ચૂપચાપ વિધિ આગળ વધારી ને વાળંદે છેલભાઈના માથા પર અસ્ત્રો ફેરવી દીધો હતો. એવી જ રીતે જેવી રીતે અત્યારે છેલભાઈએ અસ્ત્રો મૂછ પર ફેરવી દીધો હતો.

કડક હાથે અને પૂરા વજન સાથે.

મૂછનો એકેએક વાળ મૂળ સાથે બહાર આવ્યો અને આખી મૂછ, સળંગ મૂછ હોઠ પર રહેલું પોતાનું સ્થાન છોડીને જમીનદોસ્ત થઈ ગઈ. છેલભાઈએ જમીન પર પડેલી મૂછ જોઈ. ઘડીભર તેમને પોતાનો ચહેરો અરીસામાં જોવાનું મન નહોતું થયું, પણ એ સાફ કરવાનો હતો એટલે અરીસા સામે જોયા વિના બીજો કોઈ છૂટકો પણ નહોતો. છેલભાઈએ અરીસામાં નજર કરી અને નજર પડતાંવેંત તે એક ડગલું પાછળ હટી ગયા. સાવ નવો ચહેરો લાગતો હતો અરીસામાં. ક્યારેય કલ્પના ન કરી હોય એવું રૂપ જોઈને તે હેબતાઈ ગયા હતા. કાયમ હોઠ અને નાક વચ્ચેનો ભાગ મૂછને લીધે ભરાયેલો લાગતો એટલે કોઈ દિવસ નાક પર તેમનું ધ્યાન ગયું નહોતું, પણ આજે મૂછ નીકળી જવાને લીધે પહેલી વાર નાક પર તેમનું ધ્યાન ગયું. નાક પ્રમાણમાં મોટું લાગતું હતું અને હોઠ, એ પણ હતા એના કરતાં મોટા દેખાવા લાગ્યા હતા.

છેલભાઈએ અરીસામાંથી નજર હટાવી લીધી અને મોઢા પર પાણીની છાલક મારી. ઠંડા પાણીની છાલકે હૈયે સાંત્વન આપ્યું હતું.

- તારે લીધે ભૂપત તારે લીધે આજે મર્દાનગીનું આ આભૂષણ પણ પડતું મૂક્યું છે, પણ આ મર્દાનગીના આભૂષણની મજા ત્યારે જ હવે રાખીશ જ્યારે તને જેલમાં પાછો લઈ જઈશ. તું જેલમાં આવશે એ દિવસથી હવે આ મૂછ ઉગાડવાનું શરૂ કરીશ; એ પહેલાં નહીં, ક્યારેય નહીં.

મનોમન આવી પ્રતિજ્ઞા લેનારા છેલભાઈને ક્યાં ખબર હતી કે હવે તેમણે આખી જિંદગી વગર મૂછે જ જીવવું પડશે. છેલભાઈને તો એ પણ નહોતી ખબર કે પોતાના આખરી સમયમાં, બુઢાપામાં ભૂપતસિંહ સાથે ફોન પર મેળાપ થશે અને એ મેળાપ પછી પોતાનો જીવ જશે.

€ € €

‘ચાચુ, એ શું હતું? દાદુ પછી ક્યારેય તેને મળ્યા?’

ઇબ્રાહિમની જિજ્ઞાસા નવેસરથી જાગી અને તેણે કુતુબને મૂળ વાત પર જ અટકાવી દીધો. કુતુબે આંખો ખોલી. ભૂતકાળમાં જવા માટે જાણે આંખ બંધ કરવી જરૂરી હોય એ પ્રકારનું કુતુબનું વર્તન હતું. જેટલી વાર તે વાત કરવાની શરૂ કરતો એટલી વાર તેની આંખો બંધ થઈ જતી.

‘આવશે, બધી વાત આવશે. જરા શાંતિ રાખ ભાઈ.’

‘હાં, માનતા હૂં કિ મુઝ મેં સબ્ર કમ હૈ; પર ચાચુ, હોતા ક્યા હૈ, ફિર બાત ભૂલ જાતા હૂં. મૈં ભી ઔર આપ ભી.’

‘ઠીક હૈ...’ કુતુબે નમતું જોખ્યું, ‘ચલ પહલે વો બાત બતા દેતા હૂં.’

આંખો ફરી બંધ થઈ અને ૧૯૯૯નો સમયકાળ શરૂ થયો.

€ € €

ઈસવી સન ૧૯૯૯.

રાજકોટથી બાર દિવસે આવેલા ‘ફૂલછાબ’ દૈનિકનાં પાનાંઓ પર નજર કરતી વખતે પણ મહોમદના ચહેરા પર રોનક આવી ગઈ હતી. આ રોજિંદું કામ હતું અને આ રોજિંદું કામ છેલ્લાં લગભગ વીસ વર્ષથી ચાલતું હતું. બપોરના સમયે પોસ્ટમૅન આવીને ન્યુઝપેપર આપી જાય એટલે એ ન્યુઝપેપર ટિફિન સાથે ઑફિસે જાય અને ઑફિસે ગયા પછી એ પેપર વાંચવાનું અને જમવાનું કામ બન્ને લગભગ એકસાથે થાય. જો જમવામાં વાર હોય કે પછી જમવાની ઇચ્છા ન હોય તો પહેલાં પેપરને ન્યાય આપી દેવામાં આવે. પેપરમાં આવેલા સમાચારોમાંથી જરૂરી સમાચાર હોય તો એ સમાચારને લાલ રંગની માર્કર પેનથી માર્ક કરીને રાખવામાં આવે અને પછી જ્યારે પણ કુતુબ આવે ત્યારે તેને દેખાડવામાં આવે.

‘કુતબા, ક્યાં છો તું?’

એ દિવસે બપોરે ૨.૨૨ વાગ્યે મહોમદે કુતુબને ફોન કર્યો હતો. કુતુબ હજી પોતાની ખોલીમાં જ હતો એટલે તે તેને મળી પણ ગયો. મહોમદે તેને તરત જ ઑફિસે આવવાનું કહ્યું. કારણ પૂછ્યું તો એનો જવાબ આપવાને મહોમદે ચોપડાવી દીધી, ‘તું એલા બૈરા જેટલા સવાલો કરશ. આવ જલ્દી, દેશના સમાચાર છે.’

તૈયાર થઈને કુતુબ મહોમદને મળવા તેની ઑફિસ પહોંચી ગયો. કુતુબ આવ્યો ત્યારે મહોમદની ચેમ્બરમાં તેની સેક્રેટરી અને અકાઉન્ટન્ટ પણ બેઠાં હતાં, પણ જેવો કુતુબ દાખલ થયો કે તરત જ મહોમદે એ બન્નેને રવાના કરી દીધાં અને કુતુબની સામે ન્યુઝપેપર ધર્યું. ચોવડ કરેલા એ ન્યુઝપેપરના એક ખૂણામાં લાલ રંગની નિશાની જોઈને કુતુબ સમજી ગયો અને તેણે એ જ ન્યુઝ વાંચવાનું શરૂ કર્યું.

જાંબાઝ ફોજદાર છેલભાઈ હૉસ્પિટલમાં દાખલ.

સમાચારનું મથાળું હતું, જે વાંચીને કુતુબે મહોમદ સામે જોયું. મહોમદની નજર તેના પર જ હતી. તેણે તરત જ કુતુબને કહ્યું : ‘પહેલાં વાંચ ધ્યાનથી.’

કુતુબે નજર નીચી કરીને પેપર વાંચવાનું શરૂ કર્યું.

‘ભૂપત બહારવટિયાથી માંડીને અનેક ગુનેગારોને કાબૂમાં લેવાનું કામ કરનારા અને ભૂપત ઉપરાંત અનેક ગુનેગારોને જેલના હવાલે કરનારા આઝાદી સમયના હોનહાર તથા જવાંમર્દ ફોજદાર એવા છેલશંકર જાનીની બન્ને કિડની કામ કરતી અટકી જતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભાવનગરની સરકારી હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા છેલભાઈને જો ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો સારી સારવાર વચ્ચે તેમનું જીવન લંબાઈ શકે છે, પણ જીવનપર્યંત ક્યારેય પ્રામાણિકતા ન છોડનારા છેલભાઈની નબળી આર્થિક પરિસ્થિતિને લીધે તેમની પાસે પૂરતા પૈસા ન હોવાથી ખાનગી હૉસ્પિટલમાં સારવાર શક્ય નથી. આ કામ હવે સૌકોઈએ ઉપાડી લેવાનું છે અને અત્યારે એ જ વાતની ટહેલ મૂકવામાં આવે છે કે જે કોઈ છેલભાઈને આર્થિક મદદ કરવા ઇચ્છતું હોય તે તેમને આર્થિક મદદ પહોંચાડે અને પ્રામાણિકતાના આ દીવાને ટમટમતો રાખે, જેથી આજે જ્યારે ભ્રષ્ટાચારે સીમાડા ઓળંગ્યા છે ત્યારે પોલીસ ખાતું તેમની પાસેથી પ્રેરણા લે અને પ્રામાણિકતાથી પોતાની ફરજ નિભાવે.’

વિગત આગળ લખવામાં આવી હતી, પણ એ વિગતમાં તો છેલભાઈના બૅન્ક-અકાઉન્ટનો નંબર અને અન્ય વિગતો હતી જેમાં કુતુબને કોઈ રસ નહોતો. જોકે તે એટલું સમજી ગયો

હતો કે મહોમદે તેને શું કામ અત્યારે બોલાવ્યો છે.

‘અહીંથી તેના ખાતામાં પૈસા જમા થાય ખરા?’ કુતુબનો પ્રશ્ન વાજબી હતો, ‘મને ખબર નથી એટલે પૂછું છું.’

‘હં, મેં પણ પૂછ્યું નથી ને આપણે તો હિન્દુસ્તાન સાથે એવો કોઈ વ્યવહાર પણ ક્યારેય કર્યો નથી.’ મહોમદે જવાબ આપ્યો, ‘થાય તો ખરો, પણ પછી પાછળથી તપાસ નીકળે તો હિન્દુસ્તાનમાં જેણે પૈસા લીધા હોય તે મરી જાય, ખોટો ધંધે પણ લાગી જાય. આ ત્રાણુંના બૉમ્બબ્લાસ્ટ પછી બધુંય બગડી ગ્યું છે.’

‘હં...’

‘કાળુ, પહોંચાડીએ મદદ. જરૂરી છે ભાઈ. માણસ પ્રામાણિક અને હોશિયાર પણ એટલો જ.’ મહોમદે પોતાનું મૂળ રૂપ ધારણ કરી લીધું હતું, ‘જો ધાર્યું હોત તો તે મારી શક્યો હોત આપણને; પણ ના, તેણે એવું કરવાને બદલે પોતાની મર્દાનગી દેખાડી. નીકળતી વખતે પણ જો ધાર્યું હોત તો તેણે આપણને નીકળવા ન દીધા હોત, પણ આપણો જીવ કાઢી લીધો હોત... ના કાળુ, મદદ પહોંચવી જોઈએ. તું કંઈક વિચાર.’

‘હા સિંહ, જોઉં છું. કોઈક રસ્તો તો મળી જાશે, ચિંતા ન કર.’

‘બધો ખર્ચો, બધેબધો ખર્ચો આપણા તરફથી. જરૂર હોય તો કહેવડાવી દે ત્યાં કે આવી કોઈ ટહેલ મૂકવાની જરૂર નથી. બધું આપણી બાજુથી પતી જશે અને બેસ્ટ રીતે પૂÊરું થશે. આપણે આ દિવસ માટે જ કમાણા છીએ એવું માન પણ તું...’ અચાનક ભૂપતને વિચાર આવ્યો, ‘તું એક કામ કર. ગમે એમ કરીને છેલભાઈનો નંબર શોધ. આપણે વાત પણ કરી લઈ અને તેમને કહી પણ દઈએ કે ગભરાવાની જરૂર નથી.’

કાળુએ સધિયારો આપ્યો અને સધિયારો આપીને કાળુ ત્યાંથી રવાના થયો, પણ ભૂપતના દિલોદિમાગ પર આ એક જ વાત છવાયેલી રહી. રાતે ઘરે જતા પહેલાં પણ તેણે કાળુની રૂમ પર ફોન કર્યો હતો, પણ કાળુ ઘરે પહોંચ્યો નહોતો એટલે તે મળ્યો નહીં અને ભૂપતે એમ જ નીકળી જવું પડ્યું. ઘરે મળવું નહીં એવો નિયમ કાળુએ લીધો હતો અને એટલે જ એ રાતે વાત આગળ વધી નહીં, પણ એ રાતે કાળુએ બે કામ કરી લીધાં હતાં.

પહેલું કામ કે પૈસા કેવી રીતે પહોંચાડવા અને બીજું કામ છેલભાઈનો ફોન-નંબર મેળવવાનું.

‘પણ કાળુ, અત્યારે તો તે ઘરે નહીં મળેને? કાંયક બીજો રસ્તો...’

ભૂપત વાત પૂરી કરે એ પહેલાં જ કાળુએ ચબરખીમાંથી બીજો નંબર વાંચવાનો શરૂ કર્યો.

‘લગાડ, આ નંબર... ૦૨૮...’

‘આ ક્યાંનો નંબર છે?’

‘ભાવનગરની સિવિલ હૉસ્પિટલનો. ડૉક્ટર સાથે વાત થઈ ગઈ છે અને ડૉક્ટરને કૉર્ડલેસ ફોન પણ પહોંચી ગયો છે. કૉર્ડલેસ ફોન પહોંચાડીને છેલભાઈ સાથે વાત કરાવી દેશે આપણી.’

વાહ...

બોલાયેલા શબ્દો કરતાં ન બોલાયેલા શબ્દોની તાકાત જુદી હોય છે. કાળુએ કરેલા કામથી આફરીન થઈ ગયેલા ભૂપતના મોઢામાં એ સમયે કોઈ ઉદ્ગાર નહોતો આવ્યો, પણ ઉદ્ગાર સાથે જોડાયેલી લાગણી તેની આંખમાં આવી ગઈ હતી અને એ અત્યારે ઝળકી રહી હતી. જોકે એ ઝળકાટને વ્યક્ત કરવા માટે ભૂપતસિંહ પાસે શબ્દોનો દુકાળ સર્જાઈ ગયો હતો. સર્જાયેલા એ દુકાળને લીધે જ તે માત્ર કાળુ સામે જોઈ રહ્યો અને પછી કાળુએ કહ્યો એ નંબર તેણે ડાયલ કરી લીધો.

ટ્રિન... ટ્રિન...

બે રિંગ વાગી અને સામેથી ફોન ઊંચકાયો.

‘ભાવનગર સિવિલ હૉસ્પિટલનો ડીન વાત કરું.’

‘છેલભાઈ, છેલભાઈ સાથે વાત કરવી છે.’

સામેના છેડે સન્નાટો છવાઈ ગયો. ISD કૉલમાં પુષ્કળ ધાંધિયા રહેતા હોવાથી ભૂપતસિંહે માન્યું કે લાઇન કટ થઈ ગઈ એટલે તેણે ફરીથી હેલો કહ્યું અને એ જ સમયે સામેથી પણ અવાજ આવ્યો.

‘ભૂપતસિંહ, આપ...’

ભાવવિભોર અને અદબ સાથે કરવામાં આવેલું સંબોધન.

‘હા, છેલભાઈને આપો.’

‘હા બાપુ, મોકલાવું ફોન. પણ બાપુ, તમારી વાતો પુષ્કળ સાંભળી છે. મારા દાદા પાસેથી, નાના પાસેથી, બીજા બધા પાસેથી પણ.’ હૉસ્પિટલના ડીનના અવાજમાં ખુશી હતી, ‘તમે, તમે, તમારી સાથે વાત કરીને બહુ આનંદ થયો સાહેબ. આપ, આપ કેમ છો?’

‘બસ, એકદમ મજામાં. આવવાનું મન બહુ થાય છે, પણ હવે શરીરે જવાબ આપી દીધો છે ને આમ પણ બે દેશોની શિયાસતોએ પણ હવે આવવા-જવાનું અઘરું કરી નાખ્યું છે એટલે જોઈ ક્યારે માભોમ બોલાવે છે ને ક્યારે ચાંમુડા માનો સાદ આવે છે.’

‘હા બાપુ. પણ બાપુ સાંભળો, જો અહીંનું કંઈ કામ હોય તો વિના સંકોચે કહેજો. દીકરો માનીને હુકમ કરજો, બધાંય કામ પૂરાં થઈ જાશે. મારી જવાબદારી.’

ભૂપતસિંહને ઝબકારો થયો અને તેણે તરત જ પેલા ડૉક્ટરને અટકાવ્યો.

‘એ ભાઈ, છેલભાઈ સાથે...’

‘હા બાપુ, ત્યાં જ જાઉં છું. આપું તેને ફોન પહોંચીને. શું આ અમારી હૉસ્પિટલ મોટી છે અને ત્ઘ્શ્ સામેના બિલ્ડિંગમાં છે તો જાતે જઈને...’

‘ઊભો રહે, જાવાની જરૂર નથી.’ ભૂપતસિંહના અવાજમાં બહારવટિયાપણું આવી ગયું હતું, ‘છેલભાઈ સાથે વાત નથી કરવી હમણાં. પેલાં તારી હારે વાત કરી લઉં.’

કાઠિયાવાડી લહેકો પણ મોઢામાં આપોઆપ આવી ગયો ભૂપતસિંહને અને એ લહેકા વચ્ચે અવાજમાં દાદાગીરી પણ આવી ગઈ. આપોઆપ જ, કોઈ જાતના પ્રયાસ વિના સાવ એમ જ.

‘તું અત્યારે ક્યાં છો?’

‘હૉસ્પિટલમાં જ.’ ડીને પોતાનો જવાબ સુધાર્યો, ‘એટલે એમ કે તમારો ફોન આવ્યો તો ફોન આપવા માટે જતો હતો. રસ્તામાં જ છું. પણ આપ બોલોને, શું થયું?’

‘ભાઈ, પાછો પહોંચી જા અંદર. બહાર તડકામાં ઊભા રહીને વાત કરવાની જરૂર નથી ને અત્યારે છેલભાઈને પણ હેરાન નહીં કર. તારા થકી જ એક કામ કરાવવાનું છે. નાનું ને સેવાનું કામ છે. પણ પહેલાં તું અંદર જા, અંદર બેસીને વાત કર.’ ભૂપતે દેશના હાલહવાલ પણ એમ જ પૂછી લીધા, ‘કેવો છે તડકો, હજીયે આગ ઓકે છે કે પછી જરાતરા રાહત હોય છે હવે?’

‘ના બાપુ, બહુ ખરાબ હાલત હોય છે. ઉનાળો હજી શરૂ નથી થ્યો ત્યાં તો કાળઝાળ તાપ પડવા માંડ્યો છે. અત્યારે બપોરે બાર વાગ્યા, પણ બાર વાગ્યે વૈશાખનો તાપ લાગે છે.’

‘હં...’ ભૂપતની આંખ સામે જૂના દિવસો આવી ગયા હતા, ‘ક્યાં બનાયવી આ સિવિલ હૉસ્પિટલ સરકારે?’

‘કેવી રીતે તમને કહું બાપુ હું પણ...’ ડીન જરા મૂંઝાયા અને તેની મૂંઝવણ સાચી હતી, ‘તમે ભાવનગર જોયું છેને? હા, હુંય ગાંડો છું. તમે જોયું છે. મને દાદાએ કરી હતી એ બધી વાત યાદ આવી ગઈ. તમને યાદ છે રાણીવાસ ક્યાં હતો. નીલમબાગ પૅલેસથી સીધા આગળ જતાં...’

‘ગોહિલવાડનો મહેલ..’ ભૂપતસિંહે કહ્યું, ‘અમે એને આ નામથી ઓળખતા. એની જ વાત છે કે પછી...’

‘એ જ બાપુ, ગોહિલવાડનો મહેલ. નીલમબાગ પૅલેસ બન્યો એ પહેલાં જે રાજાનો પૅલેસ હતો એ જ. આઝાદી પછી આ મહેલ પોતાની પાસે લઈને એને જ સરકારી હૉસ્પિટલમાં ફેરવી નાખ્યો સરકારે.’ ડીન ત્યાં સુધીમાં ફરીથી પોતાની ઑફિસમાં પહોંચી ગયો હતો, ‘બાપુ આવી ગ્યો હું મારી ઑફિસમાં. આપ કહો, શું વાત હતી?’

ભૂપતસિંહે ઊંડો શ્વાસ લીધો અને કાન પરથી રિસીવર હટાવીને કાળુની સામે જોયું : ‘ભાવનગરમાં ગમે ત્યાં...’

‘થઈ જાશે.’

સાથીઓની સાચી મજા આ જ હોય કે પૂછવામાં કે કહેવામાં આવતી વાત બે-ચાર શબ્દોમાં જ સમજી જવામાં આવે. આનું નામ સંબંધો, આનું નામ લાગણીઓનો વ્યવહાર. એ સમયે ભૂપતને પોતાના જ જૂના શબ્દો યાદ આવી ગયા હતાં : ‘પાણી અને તેલ વચ્ચે જે હોય એ વ્યવહાર કહેવાય, પણ પાણી અને દૂધ વચ્ચે જે હોય એને સગપણ કહેવાય કાળુ. તેલની જેમ જીવનમાં આવીને ટકી રહેનારા ઘણા છે, પણ તારી સાથેની દોસ્તી એ મારા માટે પાણી અને દૂધના સંબંધો સમાન છે. આ સંબંધને આમ જ અકબંધ રાખજે.’

બહુ મોટા ઝઘડા પછી મોઢું ચડાવીને કાળુ બહાર નીકળી ગયો ત્યારે ભૂપત તેને સમજાવવા ગયો હતો અને એ સમજાવતી વખતે તેણે આ વાત કહી હતી. સવારે બ્લડ-પ્રેશરની દવા લીધી હતી કે નહીં એ યાદ ન રહેતું હોય, પણ એવા સમયે જે યાદ રહે એ શબ્દો સુવર્ણ અક્ષરો બની જતા હોય છે. કહેલી આ વાત ગોલ્ડન વર્ડ્સ હતા અને એટલે જ ભૂપતને અત્યારે પણ એ યાદ હતા.

કાળુએ જવાબ આપ્યો કે તરત જ ભૂપતસિંહે ફોન ફરીથી કાને મૂક્યો.

‘આપણે છેલભાઈની બેસ્ટ ટ્રીટમેન્ટ કરાવવાની છે. જે કાંય ખર્ચો થાય એ મંજૂર છે અને એ ખર્ચો પણ તને પહેલાં મળી જશે. ભાઈ, મારી એટલી વિનંતી છે કે એ કામ તારા થકી થાય. હું તો છેક અહીં બેઠો છું, પણ તું પોતેય ભણેલો-ગણેલો છે તો બરાબર ધ્યાન આપી શકાશે. જો તારાથી આ થાય તો બધા પૈસા તને ત્યાં મળે એવી વ્યવસ્થા કરાવી દઉં.’

(વધુ આવતા શનિવારે)

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK