ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૫૭

થોડી ક્ષણો માટે વાતાવરણમાં સન્નાટો પથરાઈ ગયો.

નવલકથા - રશ્મિન શાહ

રાતના અંધકારમાં બોલી રહેલાં તમરાંનો અવાજ કાનમાં તાંડવનું કામ કરતો હતો. કાંડાઘડિયાળના કાંટામાં રાતે પ્રકાશ આપે એવું રેડિયમ નવું-નવું હતું. ગડુભાના કાંડામાં રહેલી ઘડિયાળના કાંટા પણ ચમકવા માંડ્યા હતા. માણસ જ્યારે ગભરાટ વચ્ચે હોય ત્યારે નાનામાં નાની વાત પણ તેને અકળામણ આપવાનું કામ કરી જતી હોય છે. અત્યારે એવી જ અકળામણ ગડુભાને કાંડાઘડિયાળના રેડિયમવાળા કાંટાથી થઈ હતી. અંધકાર વચ્ચે, પથરાયેલી ખામોશી વચ્ચે જાણે કે રેડિયમનો આ પ્રકાશ ઘોંઘાટ કરતો હોય એવી અનૂભુતિ તેને થઈ અને તેણે તરત જ પોતાનો બીજો હાથ કાંડાઘડિયાળ પર મૂકી દીધો. મુકાયેલા આ હાથે રેડિયમના પ્રકાશને ઢાંકવાનું કામ કરી લીધું. જોકે હાથ મૂકતી વખતે અનાયાસ જ કેટલા વાગ્યા છે એ વાતની પણ નોંધ પણ તેનાથી લેવાય ગઈ.

રાતના ૧૨.૪૫ વાગ્યા હોવાનું કાંડાઘડિયાળ દેખાડતી હતી.

પોણો વાગી ગયો હતો અને હજી તો જંગની શરૂઆત પણ નહોતી થઈ. જે કોઈ ખેલ પડ્યો હતો એ ખેલમાં સંપૂર્ણપણે ભૂપતનો હાથ ઉપર રહ્યો હતો. ભૂપતે હેડલાઇટ ફોડી નાખી હતી અને જે પ્રકાશ વચ્ચે ભૂપતસિંહને શોધવાનો હતો એ પ્રકાશ પર ભૂપતે અંધકારનું સામ્રાજ્ય પાથરી દીધું હતું.

સવાર પડે અને મોંસૂઝણું થાય એ પહેલાં કાં તો ભૂપતસિંહ સૌકોઈની ઉપર હાવી થઈને નીકળી જાય અને કાં તો એ સમય સુધી ટકીને દેશના સૌથી ખતરનાક બહારવટિયાને પકડીને જેલના હવાલે કરવામાં આવે.

આ બે જ શક્યતા અત્યારના તબક્કે ઊભી થઈ હતી અને આ બન્ને શક્યતાઓની પૂરી તૈયારીઓ બન્ને પક્ષે કરી લેવામાં આવી હતી. ભૂપતસિંહ નીકળી જવાની વેતરણમાં હતો, પણ એ વેતરણ વચ્ચેય તેને ખબર હતી કે જો તે ભાગવાનો જ રસ્તો વાપરશે તો ચોક્કસપણે પોલીસ-પલટન તેના પર હાવી થઈ જશે અને જો તે સામનો કરતાં-કરતાં પોતાનો રસ્તો બનાવીને નીકળી જશે તો કદાચ સફળતાપૂર્વક અહીંથી નીકળવાનું કામ કરી શકશે. ભૂપત માટે આવું દૃશ્ય સર્જાયું હોય એવી આ પહેલી ઘટના નહોતી અને તેણે પોતાના એ ભૂતકાળના અનુભવને જ કામે લગાડ્યો હતો તો ગડુભાએ અગાઉ આ રીતે સામનો કરવાનું બન્યું હોય એવું ખાસ બન્યું નહોતું એટલે તેણે નવા ખેલાડી તરીકે જ આ આખી રમતને ધ્યાનમાં લેવાની હતી અને કેટલીક રમતમાં નવા ખેલાડીના પક્ષે રહેલો બિનઅનુભવ હિતકારી બની જતો હોય છે.

ગડુભાનો આત્મવિશ્વાસ પણ એ જ સ્તર પર હતો અને સામા પક્ષે ભૂપતસિંહની માનસિક તૈયારી પણ એ જ સ્તરની હતી. એ સમયે જે વાતાવરણ હતું અને વાતાવરણમાં જે પ્રકારે બધું પથરાયેલું હતું એ સમજવાની જરૂર છે.

કોટડા સાંગાણી પાસેના વિસ્તારમાં આવેલી સીમમાં આ ઘટના સર્જાઈ હતી. સીમથી લગભગ આઠેક કિલોમીટર દૂર ગામ હતું. જોકે ગામ દૂર હોવા છતાં ખેતરો બહુ દૂર નહોતાં. ખેતર વચ્ચેથી પસાર થતી કેડી પરથી જ્યારે ભૂપત પસાર થતો હતો ત્યારે જ તે ગડુભા અને તેની પલટનના ધ્યાનમાં આવ્યો હતો અને ધ્યાનમાં આવ્યા પછી જ ભૂપતે કેડી પડતી મૂકીને સીમની ઝાડીમાં છુપાઈ જવાનું કામ કર્યું હતું.

આ કેડી પર ગડુભાનાં ત્રણેત્રણ વાહનો રોકાઈ ગયાં હતાં અને એ વાહનોની હેડલાઇટ ભૂપતસિંહે ફોડી નાખી હતી. આ વાહનો પર લગાવવામાં આવેલી વધારાની લાઇટ પણ ભૂપતે ફોડી નાખી હતી, જેને લીધે થોડી વાર પહેલાં જે વાહનોએ પ્રકાશ પાથરી દીધો હતો એ પ્રકાશ પર અંધકારનું રાજ પ્રસરી ગયું હતું.

ભૂપતસિંહ અને જવાબમાં ગડુભાની પલટને કરેલી ગોળીબારી વચ્ચે આજુબાજુનાં ખેતરોમાં રહેલા ખેડૂતો અને તેમના પરિવારજનો પણ જાગી ગયા હતા. ફફડાટ વચ્ચે કોઈએ તો ખેતરના શેઢા પાસે જઈને જોઈ પણ લીધું હતું અને વાતાવરણ પારખી પણ લીધું હતું કે બહાર અચાનક શું શરૂ થઈ ગયું.

પોલીસ-પલટન અને સામસામે થતો ગોળીબાર જોઈને ખેડૂતોને સમજાઈ ગયું હતું કે બહારવટિયા અને પોલીસ આમને-સામને આવી ગઈ છે.

‘પણ કયો બહારવટિયો છે ભૂપતસિંહ?’

એક ખેડૂતે શેઢેથી પાછા આવીને ઘરનાં બારણાં બંધ કર્યાં ત્યારે ઘરવાળીએ સવાલ કર્યો. જવાબમાં ખેડૂત ભડકી ગયો : ‘તું કહેતી હોય તો મોઢું જોવા જાઉં? બધાયને જઈને કહીશ કે હમણાં બંદૂક નહીં ફોડતા, હું બહારવટિયો જોઈ લઉં. મારે શું મારી બૈરીને જવાબ દેવાનો છે.’

‘ઊંહું...’

છણકો કરીને ઘરવાળી ઘોડિયામાં સૂતા છોકરાને કાખમાં લઈને અંદરના ઓરડામાં પહોંચી ગઈ અને ખેડૂતે દરવાજો બંધ કરી દીધો. બહાર બંધાયેલી ગાય અને ભેંસ ભાંભરવાનો અવાજ ધીમે-ધીમે મોટો થતો જતો હતો. જ્યારે ગોળીબાર થતો ત્યારે ભાંભરવાનો અવાજ મોટો થતો અને સાથોસાથ બન્ને પગથી ખીલો ખોલવાનું કામ પણ ગાય-ભેંસ કરતી, પણ એમાં એમને નિષ્ફળતા મળતી.

ખેડૂતે જે સમયે ઘરનાં કમાડ બંધ કર્યાં એ સમયે ઝાડીની પાછળ રહેલા ભૂપતે રાજવીની સામે મૂંગા રહેવાનો ઇશારો કરીને પોતાની જગ્યા બદલાવી હતી. સો ફલાંગ જેટલું દબાયેલા પગલે ચાલીને ભૂપતે નવી ઝાડીની આડશ શોધી અને ત્યાંથી તેણે ગડુભાને આહ્વાન આપ્યું.

‘સાહેબ, લગન થઈ ગ્યા હોય તો નીકળી જાઓ. ખોટેખોટી બૈરીએ વિધવાનાં કપડાં પહેરવાં પડશે ને પાછું કહેવાશે કે વર બાયલો હતો.’

‘ભૂપત...’

ગડુભા અકળાયા અને તેણે હવામાં જ પહેલું ફાયરિંગ કરી દીધું.

ધાંય...

આ ધડાકો નિશાનીરૂપ હતો કે હુમલો કરી દેવાનો છે.

ગડુભાના ગોળીબારની સાથે જ પાછળ રહેલી બાકીની બે જીપમાં ગોઠવાયેલા પોલીસકર્મીઓએ પણ ઝાડીમાં ગોળીબાર શરૂ કરી દીધો.

એકસાથે ત્રીસ-ચાલીસ ગોળીઓ ઝાડીમાં ઘૂસી ગઈ, પણ ભૂપત સલામત રહ્યો. ખોટી ઝાડી પર ગોળીબાર કરનારી ગડુભા આણિ મંડળી હવે રઘવાઈ થઈ હતી. જોકે આ રઘવાટ વચ્ચે પણ ગડુભાએ ભૂપતને ચેતવણી આપવાનું ચાલુ રાખ્યું.

‘ભૂપત, હજી રસ્તો છે. પાછો વળી જા. માન હારે લઈ જાશું તને.’

‘માનની માસીનો ટાંટિયો.’

ધાંય...

ભૂપતની ગોળી ગડુભાના કાન પાસેથી પસાર થઈ ગઈ અને ગડુભા સમસમી ગયા.

ભૂપતને ઝાડી પાછળથી આ દૃશ્ય પણ દેખાતું હતું અને એટલે જ તેને વિકૃત આનંદ પણ મળતો હતો. ભૂપતે પહેલી વખત પોતાની અવસ્થાની નોંધ લીધી. તે અને પોલીસ બન્ને સમાન સ્તર પર હતા અને યુદ્ધનો નિયમ છે કે જે પક્ષ ઊંચાઈ પર હોય એ આસાનથી જીતને વરી શકે.

ભૂપતે આજુબાજુમાં નજર કરી. ક્યાંય કોઈ ઝાડ દેખાય જાય તો એ ઝાડની ઉપર ચડી જવામાં સાર હતો.

ભૂપત જે જગ્યાએ હતો એ જગ્યાથી પાંચસો ફુટ દૂરી પર એક ઝાડ હતું. ભૂપત સરકતો રાજવી પાસે આવ્યો અને રાજવીના કાન પાસે પોતાનું મોઢું મૂક્યું.

‘બેટા, ઝાડ પાસે પહોંચી જા. અવાજ વિના. ન્યાં જ આવું છું.’

રાજવીએ બેઠેલી અવસ્થામાં જ સરકવાનું શરૂ કર્યું.

€ € €

ઇબ્રાહિમ અને કુતુબ બન્નેની વાતો ચાલી રહી હતી ત્યારે પાકિસ્તાનનું વાતાવરણ પણ હવે ગોરંભાઈ ગયું હતું. ઓખી સાઇક્લોનની અસર વચ્ચે કાળાં ડિબાંગ વાદળો લાહોરના માથે મંડરાઈ ગયાં હતાં અને કોઈ પણ ઘડીએ વરસાદ આવે એવા સંજોગો ઊભા થઈ ગયા હતા.

લાહોરના ફાર્મહાઉસની બહાર પહેરો ભરી રહેલા ઇરફાનના જમણા હાથસમા સૈયદનું ધ્યાન પણ આકાશ તરફ વારંવાર જતું હતું. કાળું ડિબાંગ આકાશ અને એમાં પણ વ્યાજસમો ભારે પવન. થોડી વાર સુધી બહાર રહ્યા પછી ઠંડી લાગવા માંડતાં સૈયદે જઈને ગાડીમાં બેઠક લીધી હતી. ગાડી ફાર્મહાઉસના દરવાજાની બરાબર ડાબી બાજુએ લગભગ બસો ડગલાં દૂર પાર્ક કરવામાં આવી હતી. સવારથી ફાર્મહાઉસનો દરવાજો ખૂલ્યો નહોતો અને એ દરવાજો ખૂલે એની રાહ જોવાની હતી. બપોરે દોઢ વાગ્યા સુધીમાં તો કમિશનર ઇરફાનના છ ફોન આવી ગયા હતા, જેમાં છેલ્લા ફોનમાં તો તેણે બરાડા પણ પાડી લીધા હતા.

‘ડફોળ, તારું ધ્યાન બરાબર હતુંને?’

‘એકદમ, તમે સર...’

‘સર કી માં કી આંખ, દેખ કોઈ ભી ગલતી કી તો તૂ જાન સે જાએગા.’ ઇરફાને બે-ચાર ગંદી ગાળ પણ આપી દીધી, ‘તારી એક ભૂલ આપણી આટલાં વષોર્ની મહેનત પર પાણી ફેરવી દેશે.’

‘જનાબ, આપ ફિક્ર મત કરે.’ સૈયદને ગુસ્સો તો ખૂબ આવતો હતો, પણ તેણે પોતાના ગુસ્સા પર કન્ટ્રોલ કર્યો હતો, ‘કોઈ ભી નહીં નિકલા યહાં સે. આપ મેરી બાત પે ભરોસા કરો, પરિંદા ભી હિલેગા તો આપ કો ઇત્તલા કરુંગા.’

‘પરિંદા નહીં, વો સાલ્લા કુતુબ, વો નિકલે તો તુરંત બતાઓ આૈર ઉસકા પીછા કરો, ઉસે ઉઠાના ઝરૂરી હૈ.’

‘જી હુઝૂર.’

સૈયદે ફોન મૂક્યો અને એ જ સમયે ફાર્મહાઉસનો દરવાજો ખૂલ્યો. સૈયદની આંખો પહોળી થઈ. હવામાં ઊડી રહેલી ધૂળ વચ્ચે તેણે આંખો ઝીણી કરીને દરવાજા પર એ ખોડી દીધી. જોકે બહારની તરફ ખૂલી રહેલા દરવાજાને લીધે તેને બહાર કોણ આવ્યું એ વિશે હજી સુધી ખબર પડી નહોતી અને ધીમે-ધીમે ખૂલી રહેલા દરવાજા સિવાય તેની નજરે કંઈ ચડતું નહોતું.

સૈયદના મોઢામાંથી ગાળ સરી પડી અને એ ગાળની સાથે જ પાકિસ્તાનનું આકાશ પણ વરસી પડ્યું.

€ € €

- સાલ્લુ આ ઠોલિયાઓને ખબર કેમ પડી કે હું રાજકોટમાં છું? કેવી રીતે એ લોકોની પાસે માહિતી પહોંચી?

ભૂપતનું ભેજું આમ અંદરોઅંદર એક જ સવાલ પૂછી રહ્યું હતું અને પુછાઈ રહેલા એ સવાલો વચ્ચે જ ભૂપતે રાજવીને ઝાડ પાસે જવાની સૂચના આપી દીધી હતી.

- રવજી તો આવું કામ કરે નહીં અને રવજી કોઈ પાસે બકે એવું પણ બને નહીં. તો પછી એવું તે શું બન્યું કે પોલીસ સુધી સમાચાર પહોંચ્યા? કેવી રીતે પોલીસ પકડવા માટે રવાના પણ થઈ ગઈ?

ભૂપતના મગજમાં એકધારા વિચારો ચાલી રહ્યા હતા અને તેની આંખો પણ કેડી પર ધ્યાન રાખવાનું કામ કરતી હતી. ગાડીઓમાં કોઈ જાતનો સળવળાટ નહોતો. ભૂપતે પોતાની આગળ વધવાની પ્રક્રિયાને અટકાવી અને સળવળાટ વિનાની ગાડી તરફ નજર કરી. જ્યારે વાહનમાં સળવળાટ ન થાય ત્યારે સૌથી પહેલાં સાવચેત થવું. બહારવટાનો આ પહેલો નિયમ અનેક વખત તેણે કાળુને સમજાવ્યો હતો અને હવે આજે તેના ભાગે એ સમજવાનો આવી ગયો હતો.

ગાડીઓમાં જાણે કે સાપ દંશ મારી ગયો હોય એવી પરિસ્થિતિ હતી. ભૂપતે આગળ વધવાની દિશા બદલી અને કેડી તરફ આવેલી ઝાડી તરફ તે આગળ વધ્યો.

એક, બે, ચાર અને છ ડગલાં આગળ જઈને ભૂપતે બહાર નજર કરી.

અનાયાસ ભૂપતને પહેલી જીપના આગળના ભાગમાં લીલા રંગનો પ્રકાશ દેખાયો. સહેજ અમસ્તો પ્રકાશ દેખાયો અને પછી અચાનક જ એ પ્રકાશ અલોપ થઈ ગયો. ભૂપતે આંખો ઝીણી કરી અને ઝીણી આંખે તેણે દેખાયેલા પ્રકાશની દિશામાં નજર માંડી રાખી.

ભૂપતને લાંબો સમય રાહ જોવી ન પડી.

બેથી અઢી મિનિટના અંતરે ફરીથી એ પ્રકાશ અચાનક વાતાવરણમાં આવ્યો અને જેવો એ પ્રકાશ દેખાયો કે બીજી જ ક્ષણે ભૂપતે હાથમાં રહેલી બંદૂક આંખે લગાવી.

પ્રકાશ નિશાન પર આવ્યો અને ફરીથી એ પ્રકાશ હવામાં ઓગળી ગયો.

હવે?

ભૂપત એક ક્ષણ માટે અટક્યો, પણ પછી તેણે અનુમાનના આધારે પ્રકાશની દિશામાં ગોળી છોડી.

ધાંય.

એક મોટા ધડાકા સાથે ગોળી છૂટી અને પહેલાં કાચ ફૂટવાનો અને એ પછી તરત જ માણસની રાડનો અવાજ વાતાવરણમાં ગુંજી ગયો.

ધડાકો કર્યા પછી, ગોળીબાર કર્યા પછી ક્યારેય એ જગ્યા પર ઊભા રહેવું નહીં.

બહારવટાનો આ સૌથી મહત્વનો નિયમ હતો અને એ જ નિયમનું પાલન ભૂપતે તરત જ કર્યું હતું.

ગોળી છોડ્યા પછી ગોળી ક્યાં ગઈ, કોને લાગી અને કોણ ઓછું થયું એની ચિંતા કર્યા વિના કે પછી એનું શ્રેય લેવાનું કામ કર્યા વિના ભૂપતે પહેલું કામ પોતાનું સ્થળ બદલવાનું કર્યું અને તેણે ઝાડી બદલીને ફરીથી આગળ વધવાની વાટ પકડી લીધી.

રાજવી પહેલેથી જ આગળ નીકળી ગયો હતો, પણ એ મૂંગા પ્રાણીમાં પણ એટલી દરકાર હતી કે રાતના અંધકારમાં ક્યાંક માલિક પાછળ ન રહી જાય એટલે એ પણ પાંચેક ડગલાં આગળ વધીને પાછળ ફરીને માલિકને જોઈ લેતો હતો, માલિક આવે છે કે નહીં એની ખાતરી કરી લેતો હતો.

ભૂપત આવતો રોકાયો એટલે રાજવી પણ અટકી ગયો હતો, પણ ફરીથી ભૂપતને પાછળ આવતો જોઈને રાજવીએ પણ પગલાં આગળ માંડી દીધાં હતાં. એ જ્યાં હતો ત્યાંથી લગભગ ચારસો ડગલાં દૂર વડનું એક ઝાડ હતું. રાજવીને સૌથી નજીકનું ઝાડ એ જ દેખાયું એટલે એ ઘૂંટણભેર ત્યાં સુધી પહોંચ્યો અને પછી ઝાડની નીચે જ બેસી રહ્યો. ઘૂંટણભેર સરકવામાં રાજવીના ચારેય પગના ઘૂંટણમાંથી લોહી નીકળવા માંડ્યું હતું અને એની ખરીમાં પણ ઈજા થઈ હતી, પણ અત્યારે ઊંહકારો કરવાનો સમય નહોતો એની એને ખબર હતી એટલે એ ચૂપચાપ વડના ઝાડ નીચે બેસી રહ્યો.

રાજવી પહોંચ્યાની થોડી વાર પછી ભૂપત પણ ત્યાં પહોંચ્યો. તેણે દૂરથી જ જોયું કે પોલીસ-પલટનનાં વાહનો હજી પણ ત્યાં જ હતાં, જે દેખાડતું હતું કે તેમને કોઈને ભૂપત સરકી રહ્યો છે એનો અણસાર આવ્યો નથી. અલબત્ત, કેટલીક વખત ધારણાઓ ખોટી પણ પુરવાર થતી હોય છે.

અત્યારે એવું જ થયું હતું.

€ € €

ધાંય...

લીલા રંગના રેડિયમવાળા કાંટા જોઈને ભૂપતે ગોળીબાર કર્યો અને એ ગોળી જીપના આગળના ભાગના કાચને તોડીને સીધી ડ્રાઇવરના પડખામાં ઘૂસી ગઈ. ગડુભાને આ રેડિયમના કાંટા અત્યારે ખૂંચી રહ્યા હતા, પણ તેણે ધાર્યું નહોતું કે તેના મનનો ડર આટલો ઝડપથી અસર દેખાડશે. બે-ત્રણ વખત હાથમાં પહેરેલી કાંડાઘડિયાળ આંખ સામે આવી ગઈ એટલે ગડુભાએ નક્કી કર્યું કે ઘડિયાળ કાઢી નાખવી.

ઘડિયાળ કાઢવાનું કામ ચાલતું હતું એ દરમ્યાન જ ભૂપતે ગોળી છોડી હતી, જે જીપના ડ્રાઇવરના પડખામાં ઘૂસી ગઈ અને ડ્રાઇવર ચિત્કારી ઊઠ્યો. ડ્રાઇવરની રાડ ભૂપતે પણ સાંભળી હતી. ગોળી એ રીતે આવી હતી કે જાણે ભૂપતે ડ્રાઇવરને જ નિશાન પર લીધો હોય. ગડુભાનું ગણિત અહીં ખોટું પડ્યું અને તેણે એવું માની લીધું કે ભૂપત આજુબાજુમાં જ છે અને પલટન આખીને ધ્યાનથી જુએ છે. યુદ્ધના મેદાનનો એક નિયમ છે. જો તમે ધારણા મૂકીને આગળ વધવા માંડો તો આ જ ધારણા તમને હારના ઉંબરે ઊભા રાખી દે. યુદ્ધના મેદાનમાં ધારણા નહીં પણ આકરાં પગલાં જરૂરી હોય છે અને આ પગલાં લેવાનું કામ સૌથી પહેલાં જે કરે એ આગળ નીકળી જાય.

ભૂપતે આ કામ કર્યું હતું અને તે આગળ પણ વધવા માંડ્યો હતો.

ડ્રાઇવરની કમરમાંથી લોહીનો છૂટેલો ફુવારો ગડુભાને પણ ઊડ્યો હતો અને તેના ચહેરા પર પણ લોહીના છાંટા ઊડ્યા હતા. ઊડેલા એ છાંટા અને લોહીમાં રહેલો ગરમાવો ગડુભાને અકળાવી ગયો. આ અકળામણમાં વધારો કરવાનું કામ ડ્રાઇવરની ચીસ અને એ ચીસ પછી દુખાવાને કારણે નીકળી રહેલા ઊંહકારાઓએ કર્યું.

ગડુભાએ પોતાના હાથમાં રહેલી પિસ્તોલનાં છ ખાનાં ભર્યાં અને બધાને નીચે ઊતરવાનો આદેશ પણ આપી દીધો.

‘બધાય નીચે આવી જાવ. આ વખતે હવે નવરીનાની લાશ ભેગી લેતા જાવી છે.’

ગડુભા સૌથી પહેલાં બહાર આવ્યા.

સાહેબ બહાર આવે એટલે સ્વાભાવિક રીતે તેના સાથીઓએ પણ એ જ પગલું ભરવું પડે. આખી પલટને એ જ કામ કર્યું અને બધા બહાર આવ્યા. આગળની જીપ પહેલાં ખાલી થઈ. ખાલી થયેલી જીપમાંથી એક કૉન્સ્ટેબલ દોડીને પાછળની જીપમાં રહેલા પોલીસકર્મીઓને પણ બહાર આવવા માટે કહી આવ્યો એટલે એ બન્ને જીપ પણ ખાલી થઈ ગઈ. જોકે એમ છતાં પણ માધવ હજીયે જીપમાં જ બેસી રહ્યો હતો.

એક પોલીસકર્મીએ બહાર આવવા માટે તેને કહ્યું, પણ તે બહાર આવ્યો નહીં એટલે તેણે જઈને ગડુભાને વાત કરી. ગડુભાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો.

‘એ નવરીનાને કહે કે તેનો બાપ જરાય સંબંધ નહીં રાખે, પહેલાં તેને ઉડાડશે...’ અકળામણ વચ્ચે ગડુભાના મોઢામાંથી મા અને બહેનસમાણી ગાળો પણ બહાર આવતી હતી, ‘જીવ બચાવવો હોય તો બહાર નીકળીને તમારી પાછળ રહે, બાકી અહીંથી તેની લાશ જશે, બીજું કંઈ નહીં.’

ઉપરીનું મન જાણીને પાછા આવેલા પોલીસકર્મીએ હવે શરમ રાખ્યા વિના જ સીધા જીપ પાસે જઈને માધવનો હાથ ખેંચ્યો. ગમાર માણસનો સાથ કે પછી ગમારની દોસ્તી હંમેશાં હેરાન કરી મૂકવાનું કામ કરે છે. અત્યારે પણ એવું જ થયું હતું. માધવ માટે આ સમય જીવનમાં પહેલી વાર આવ્યો હતો. આવા સમયે કેવી રીતે રહેવું અને કેવું વર્તવું એની કોઈ સમજ ન તો તેનામાં હતી કે ન તો તેને એની સૂચના આપવામાં આવી હતી.

પોલીસકર્મીએ માધવનો હાથ ખેંચ્યો એટલે માધવે ચીસ પાડી અને માધવે ચીસ પાડી એટલે ભૂપતના કાન ચમક્યા. અવાજ જાણીતો હતો, સ્વર અગાઉ સાંભળેલો હતો.

- છે તો મારો ગટીડો જાણીતો.

ઝાડ પર ચડતા ભૂપતના હાથ અને પગ બન્નેની ઝડપ વધી ગઈ અને તે વડના ઝાડની પહેલી જ ડાળ પર જઈને જીપની દિશામાં અવાજ કરનારા માણસને જોવા માટે ઊભો રહી ગયો.

(વધુ આવતા શનિવારે)

€€€€€€

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK