ક્યાં મળશે મુંબઈમાં મસ્ત ચા

ગઈ કાલે જ વિશ્વભરમાં ઊજવવામાં આવેલા ઇન્ટરનૅશનલ ટી ડે નિમિત્તે મુંબઈની ખાસંખાસ ચાય પીરસતી મૉડર્ન ચાય કી દુકાનોમાં એક લટાર મારીએ

tea

રુચિતા શાહ

કૉપોર્રેટ-કલ્ચરના એક અત્યંત રમૂજભર્યા કિસ્સાથી જ વાતની શરૂઆત કરીએ. એક દિવસ એક બહુ મોટી કૉપોર્રેટ ઑફિસમાં એક ટાઇગર ભૂલો પડ્યો અને ત્યાંના વૉશરૂમમાં સંતાઈ ગયો. ત્યાંથી ભાગી છૂટવાની કોઈ તક ન મળી અને ભૂખથી માથું ભમવા લાગ્યું એટલે તેણે વૉશરૂમમાં આવતા એક પછી એક લોકોને ખાવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં તેની ભૂખનો શિકાર કંપનીનો ચૅરપર્સન બન્યો, એ પછી કંપનીનો CEO, એ પછી સુપરવાઇઝર. જોકે આ ત્રણ લોકો ગાયબ થયા અને સમય વીતતો ગયો, પણ કંપનીના લોકોને કોઈ ફરક ન પડ્યો. બધું જ નૉર્મલી ચાલી રહ્યું હોવાથી ટાઇગરભાઈને તો મજા પડી ગઈ. વગર મહેનતે ખાવાપીવાનું મળવા માંડ્યું અને રિસ્ક પણ કોઈ નહોતું એટલે એની હિંમત ઓર વધી ગઈ. જોકે એક દિવસ એણે ચાવાળાને પોતાનો શિકાર બનાવી દીધો. હજી તો એ તેના પર હુમલો કરે અને તેને મારે એના પહેલાં જ આખી ઑફિસમાં હાહાકાર મચી ગયો. ‘ચાવાળો ક્યાં છે, ચાવાળો ક્યાં છે’ની બુમરાણમાં સર્ચ-કમિટી બની અને છેલ્લે તેને વૉશરૂમમાં જતો જોવાયો હતો એવું CCTV કૅમેરાના ફુટેજમાંથી ખબર પડી એટલે બધા વૉશરૂમ પહોંચ્યા. ત્યાં ટાઇગર અને ચાવાળા વચ્ચે સ્ટ્રગલ ચાલી રહી હતી એ જોઈને બધા જ અવાચક થઈ ગયા. છેલ્લે ટાઇગર પકડાઈ ગયો અને ચાવાળો બચી ગયો.

આમ તો આ વાર્તામાંથી શીખ એ મળે છે કે વ્યક્તિ તેની પોઝિશનથી નહીં પણ ઉપયોગિતાથી લોકોને યાદ આવતી હોય છે. જોકે એમાંથી એ પણ સાબિત થાય છે કે આપણા દેશમાં ચાનું મહત્વ કેટલું છે. ચા ન હોય તો જાણે અડધી દુનિયા અટકી જાય એ બાબત તો આમાંથી સાબિત થાય જ છે. હકીકત પણ છે કે ચાવાળા સાથે આપણો લોહીનો સંબંધ તો નથી, પણ ચાનો સંબંધ તો છે જ અને આજના જમાનામાં લોહીના સંબંધ કરતાં ચાનો સંબંધ અનેકગણો ચડિયાતો છે.

ચાનું ચલણ અત્યારે દુનિયાભરમાં કલ્પનાતીત રીતે વિસ્તયુર્ર઼્ છે. ચાની શોધ ચીનાઓએ કરી છે અને આજે પણ ચીન વિશ્વમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કરતો દેશ છે. જોકે એમાં બીજો નંબર ભારતનો પણ છે. ભારતમાં ચાનો વ્યાપ વધારવામાં બ્રિટિશરોનો બહુ મોટો હાથ છે. તેમણે આસામ, દાર્જીલિંગ અને દક્ષિણ ભારતમાં ભારતીયો પાસે કાળી મજૂરી કરાવીને ચાના બગીચાઓને ધમધોકાર ચલાવ્યા હતા. અલબત્ત, એ પહેલાંથી જ આપણે ત્યાં ચાનો ઉપયોગ થતો હતો એવા ઉલ્લેખો બારમી સદીના કેટલાક ડચ લેખકોએ કરેલી નોંધમાં મળે છે. જોકે આજે આલમ એ છે કે ભારતની બહાર અને ભારતની અંદર ચાની તુલના કોઈ કરી શકે એમ નથી. લગભગ દરેકેદરેક ભારતીયના ઘરમાં ચા તો હોય જ. મોટા ભાગના લોકોની સવાર ગરમાગરમ ચાની ચૂસકી પછી જ થતી હોય છે. આપણા માટે તો ચા દુનિયાના કોઈ પણ જરૂરી હેલ્થ-ટૉનિકથી વધારે મહત્વપૂર્ણ છે. સારી ચા મળે એટલે જાણે જીવતેજીવ સ્વર્ગ મળ્યું હોય એવી લાગણી તમારામાંના ઘણાને થતી હશે. ચા ન મળે તો માથું ચડે અને ચા મળે તો મૂડને કિક મળે, ચા વિના ઊંઘ આવે અને ચા મળે એટલે ઊંઘ ભાગે જેવી કંઈકેટલીયે આપણી જાતે નિર્માણ કરેલી માન્યતાઓ આપણો રોજબરોજનો હિસ્સો બની ચૂકી છે. ચાનું આ જ વળગણ દેશના ખૂણે-ખૂણે ચાની ટપરીઓનું જન્મદાતા છે. ખાસ કરીને મુંબઈમાં તો ચાનો ઠેલો ન હોય એવી એકેય ગલી તમને નહીં મળે. રહેવાસી વિસ્તાર હોય કે પછી ઇન્ડસ્ટ્રિયલ એરિયા, ચાવાળો તો તમને મળી જ જશે. અત્યાર સુધી ચાનું સ્ટેટસ કટિંગ ચાયથી ગલી ચાય પૂરતું મર્યાદિત હતું. છેલ્લા કેટલાક અરસામાં આ કૉસ્મોપૉલિટન પીણાનું લેવલ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

ગલી-ગલીમાં વિસ્તરેલી ચાની ટપરીઓ સાથે હવે સ્પેશ્યલ ચાની કૅફે શરૂ થઈ ગઈ છે. કૉફીની જેમ જ ચામાં અનેક નવાં ઇનોવેશન અને ઍડ્વાન્સમેન્ટ સાથે એની સર્વિંગ સ્ટાઇલથી લઈને એની ક્વૉલિટીની અઢળક વરાઇટી મુંબઈમાં ફેલાયેલા ટી-બારમાં તમને મળી રહેશે. એવાં જ કેટલાંક ટી-હાઉસિસ, ટી-કૅફે, ટી-બાર, ટી-પાર્લર અને સાદી ભાષામાં ચાની મસ્ત મજાની રેસ્ટોરાં વિશેની વિગતો અહીં પ્રસ્તુત છે.

ચાય પે ચર્ચા

ક્યાં આવી? : લોઅર પરેલ, અંધેરી, ફોર્ટ, પ્રભાદેવી, ચાંદિવલી


અનિલ કોહલી અને અનુપ કટારિયા આ બે નવજુવાનોએ મળીને ‘ચાય પે ચર્ચા’ નામની યુનિક ટી-શૉપ બે વર્ષ પહેલાં શરૂ કરી હતી. એક ચાયની આટલી ફન્કી સ્ટાઇલની દુકાન તમે ક્યારેય નહીં જોઈ હોય. આ ટી-હાઉસની ચા જેટલી યુનિક છે એટલું જ યુનિક એનું ઍમ્બિયન્સ છે. સુકૂન કી ચાય, તુલસી ચાય, ચર્ચા ચાય, હાજમોલા ચાય જેવી કેટલીક ઑફબીટ ચા આ શૉપની ખૂબી છે. આ શૉપના ફાઉન્ડર ક્લિયરલી માને છે કે ‘ચાય તો સર્ફિ બહાના હૈ, આપકો સાથ લાના હૈ’ જ અમારો ફન્ડા છે. આજુબાજુ આકર્ષક મેસેજિસ સાથેનાં ચિત્રોની સાથે દરેક ચાના ટેબલ પર સાપસીડી, લુડો, ચેસ જેવી ગેમ્સનાં બોર્ડ મૂકવામાં આવ્યાં છે જેથી ચા પીતાં-પીતાં તમે ગેમ રમી શકો, ચર્ચા તો કરી જ શકો અને એ બહાને તમે ક્વૉલિટી-ટાઇમ પણ પસાર કરી શકો. ચાની સાથે પરાઠાં, વડાપાંઉ, સમોસા, પૌંઆ, ખીચડી જેવી નાસ્તાની આઇટમ પણ મળી જશે; જેથી તમારી ચર્ચાને થોડો વધુ અવકાશ મળે.

મસ્ટી

ક્યાં આવી? : અંધેરી


અંધેરીના ચકાલામાં આવેલી આ કૅફે સાડાત્રણ વર્ષ પહેલાં શરૂ થઈ હતી. મજાની વાત એ છે કે આ ટી-કૅફે શરૂ કરી છે એક ગુજરાતી ગર્લે. મસ્ટીની ફાઉન્ડર રચના પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘ભારતમાં ભરી-ભરીને ચાપ્રેમીઓ છે અને છતાંય ચાને ગલીના નુક્કડ પર ઓછામાં ઓછા દરે પીનારા લોકોની સંખ્યા જ મોટી હતી. અમે શરૂ કર્યું ત્યારે અમને પણ ખરેખર ડાઉટ હતો કે લોકો ચા પીવા માટે હોટેલ સુધી લાંબા થશે કે? જોકે થઈ રહ્યા છે. આજે કૉફીની જેમ જ ચાની માર્કેટ-વૅલ્યુ ઊંચી થઈ ગઈ છે. ચા પીનારા લોકો હવે એ પીવામાં સહેજ સ્ટાઇલ ઉમેરવા માટે તૈયાર છે.’

અહીં લગભગ પચાસ પ્રકારની ચા મેનુકાર્ડમાં તમને મળી રહેશે. દૂધવાળી, દૂધ વગરની અને આઇસ-ટી આ ત્રણ મુખ્ય કૅટેગરી ચામાં છે; જેમાં ભિન્ન વરાઇટીઓ ઉપલબ્ધ છે. ૭૦ રૂપિયાથી લઈને ૧૫૦ રૂપિયા સુધીની રેન્જમાં ચા અહીં સર્વ કરવામાં આવે છે. ફુદીના ચા, ગોળની ચા, ડાયાબિટીક ટી, સિલ્વર નીડલ ટી, ઇંગ્લિશ બ્રેકફાસ્ટ ટી જેવી કેટલીક એની વરાઇટી છે. જોકે લોકોને તો મસાલા ટી જેવી મજા એકેયમાં નથી આવતી.

હાઈ ઑન ટી

ક્યાં આવી?: કાંદિવલી, બાંદરા - પાલી હિલ


સૌથી પહેલાં એટલે કે ૨૦૧૫માં ગુજરાતીઓના ગઢ ગણાતા કાંદિવલીમાં અને થોડાક સમયમાં બાંદરામાં પોતાની વધુ એક બ્રાન્ચ શરૂ કરનારા ગુજરાતી કપલ નીરજ અને રાખી સોનેજીના આ વેન્ચર માટે તેમનો પોતાનો ચા માટેનો પ્રેમ જ નિમિત્ત બન્યો છે. ટી-લવર્સ એક ચા પાસેથી સર્વોપરી જે પણ અપેક્ષા રાખે એ અમારે ત્યાં આવીને પૂરી થશે એવા વિચાર સાથે જ અમે અમારી કૅફેને ‘હાઈ ઑન ટી’ નામ આપ્યું છે એમ જણાવીને રાખી કહે છે, ‘અમારી દરેક ચા ફ્રેશ હોય છે. વ્યક્તિની પર્સનલ જરૂરિયાત પ્રમાણે અમે અમારી સામગ્રી પસંદ કરીએ છીએ. બીજું ફ્રૂટ્સની ફ્લેવર હોય કે ફ્લાવર્સની ફ્લેવર, દરેકમાં ફ્રેશ ઇન્ગ્રીડિયન્ટ તમને મળશે. જેમ કે રોઝ પેટલ ટી તમે માગો તો એમાં તમને ગુલાબની પાંદડીઓ મળે. આજે ચા વેચનારા ઘણા છે, પરંતુ ચાની સાથે ફ્રેશનેસ અને હાઇજીન બધે નથી મળી શકતી. અમે આ બાબતને વળગી રહ્યા છીએ. કેટલાંક કૉમ્બિનેશન અમે પોતે જ ઇન્વેન્ટ કર્યાં છે, જેમ કે અદરક-ફુદીના. અમારી એક ચા છે મલ્ડ વાઇન ટી જેમાં અમે તાજો દ્રાક્ષનો રસ ઍડ કરીએ છીએ.’

ટી ઍન્ડ કૉન્વર્સેશન્સ

ક્યાં આવી? : મુલુંડ


એકલા-એકલા ચા પીવાની મજા ન આવે જો ચાની ચૂસકી સાથે થોડીક વાતચીતનો તડકો ન હોય. ટી ઍન્ડ કૉન્વર્સેશન્સ શરૂ કરનારા ચાર મિત્રોએ આનાથી પ્રેરાઈને અનોખી ચાની દુકાન શરૂ કરી ગયા વર્ષે. ચારેય મિત્રોએ પોતાનાં કામ પણ વહેંચી લીધાં છે. ટી ઍન્ડ કૉન્વર્સેશન્સમાં આનંદ જોશી ફૂડ અને ક્વૉલિટી કન્ટ્રોલ કરે છે. કાર્તિક મોમાયા ચીફ પ્રોડક્ટ ઑફિસર છે, ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર ઝિશાન કુરેશી પ્લાનિંગ અને આઇડિયા જનરેટ કરે છે અને સાંઈનાથ કાશીકેદારે માર્કેટિંગ ઑફિસર તરીકેની જવાબદારી ઉપાડી લીધી છે. આનંદ જોશી કહે છે, ‘અમે ચારેય કૉલેજમાં સાથે હતા ત્યારથી નક્કી કરી રાખેલું. સ્લોલી કામ વધારતા ગયે. રિસર્ચ કરતા ગયા. એક મિત્ર લંડનનાં ટી-હાઉસિસ વિઝિટ કરી ચૂક્યો હતો. કેવી ચા હોવી જોઈએ, કેવું વાતાવરણ હોવું જોઈએ. એ એક્સ્પીરિયન્સ ઊભો કરવાનું અમે આ કૅફેમાં શરૂ કર્યું. અમારું એટલું જ માનવું હતું કે કૉફી બ્રૅન્ડવાળા જો કૉફીની ડિમાન્ડ ઊભી કરી શકે અને જો કૉફીનેસિગ્નેચર-સ્ટેટસ બનાવી શકાય તો ચાને શું કામ નહીં? નૉર્મલ ચા પીવાવાળો પણ એટલો જ સ્ટેટસવાળો છે. ૨૦૧૬ના માર્ચમાં અમે આ શૉપ શરૂ કરી.’

અહીં તમને ચામાં ૨૫ પ્રકારની વરાઇટી મળી રહેશે. અહીંની નવાબી ચા હોય તો એમાં ડ્રાયફ્રૂટ્સ છે. શક્કરટેટીની ચા પીઓ તો એમાં શક્કરટેટીના ટુકડાઓ પણ મળે. કેસર અને ક્રીમની ચા પણ અહીંની સ્પેશ્યલિટી મનાય છે. દરેક ચા સાથે બન મસ્કા અને ખારી સર્વ કરાય છે. ૪૦ રૂપિયાથી લઈને ૧૦૦ રૂપિયા સુધીની રેન્જ ચામાં ઉપલબ્ધ છે. અહીં પણ ચા સાથે તમે ટેબલ પર બોર્ડ-ગેમ્સ રમી શકો છો.

ચાયશાય

ક્યાં આવી? : મીરા રોડ


ચાર મહિના પહેલાં નરેશ જાંગડ નામના યુવાને પોતાના એરિયાના લોકોને પણ સ્ટાઇલિશ ટીનો સ્વાદ માણવા મળવો જોઈએ એ આશયથી આ ટી-કૅફે શરૂ કરી છે. નરેશ કહે છે, ‘હું અને મારા ફ્રેન્ડ એક વાર સાથે બેસીને ચા પી રહ્યા હતા ત્યાં એક ફૅમિલી આવી. હસબન્ડ, વાઇફ અને બે બાળકો સાથે તેમને ઊભાં રહીને ચા પીવાનું ફાવે એમ નહોતું. ફૅમિલી માટે ટી-હાઉસ અમારા એરિયામાં એકેય નથી. લોકો ચા પી શકે અને સમય પસાર કરી શકે એવી જગ્યા અમે ડેવલપ કરી છે. ઍમ્બિયન્સ પાછળ બહુ ખચોર્ નથી કર્યો છતાં તમે અંદર આવો તો તમને કંઈક હટકે લાગે એ નક્કી છે.’

અહીં લગભગ બાવીસ વરાઇટીની જુદી-જુદી ફ્લેવર્સની કસ્ટમાઇઝ્ડ ચા મળે છે. ૩૫ રૂપિયાથી ૧૨૦ રૂપિયાની રેન્જમાં આમપાપડ ચાય, મર્ચિીવાલી ચાય, સિનૅમન ચા જેવી ઘણી પ્રકારની ચા તમને અહીં મળશે.

ચાયોસ

ક્યાં આવ્યું? : જુહુ, બાંદરા, પવઈ, કુર્લા, લોઅર પરેલ, અંધેરી, થાણે, વિલે પાર્લે, નવી મુંબઈ, કાંદિવલી, મુલુંડ મળીને કુલ ૧૨ આઉટલેટ્સ


૨૦૧૨ના નવેમ્બરમાં દિલ્હીમાં ચા-પાર્લરની અનોખી ચેઇન ‘ચાયોસ’ શરૂ થઈ હતી જે હવે દિલ્હી સાથે મુંબઈ અને બૅન્ગલોરમાં પણ ફેલાઈ ગઈ છે. મુંબઈમાં ૧૧ ઠેકાણે ચાયોઝની બ્રાન્ચ છે. જોકે એને શરૂ કરનારા બે યુવાનો નીતિન સલૂજા અને રાઘવ વર્મા પાસેથી તેમના ફાઉન્ડેશનની કથા જાણવા જેવી છે. IIT-મુંબઈનો વિદ્યાર્થી નીતિન કહે છે કે ‘નાનપણમાં જ મમ્મી પાસેથી ચા બનાવતાં શીખી ગયો હતો. ત્યારથી દરેક વખતે મારા મનમાં પ્રશ્ન જન્મતો કે ‘મેરીવાલી ચાય’ કોઈ બનાવી આપે તો કેવી મજા પડે.’

બસ, આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને તેમણે વિચાર્યું, કૉફીનું સ્ટારબક્સ છે એમ જ ચાની પણ કોઈક ખાસ જગ્યા હોવી જોઈએ. પરિણામ તમારી સામે છે. આજે દેશનાં ત્રણ મહત્વનાં શહેરોમાં ચાયોસની થોકબંધ દુકાનો શરૂ થઈ ગઈ છે.

૭૦ રૂપિયાથી લઈને ૧૭૦ રૂપિયા સુધીની ચા ચાયોસમાં તમને મળશે, જેમાં તમારા સ્વાદને અનુરૂપ નૉર્મલ મસાલા ટીથી લઈને ભગવાનની ચા પણ મળે છે. ગુડવાલી ચાય, સુલેમાની નિંબુ ચાય, પહાડી ચાય, આમ પાપડ ચાય જેવી કેટલીક યુનિક ચાનો સમાવેશ થાય છે.

વાઘ બકરી ટી-લાઉન્જ

ક્યાં આવી? : બાંદરા-વિલે પાર્લે


મુંબઈ ઉપરાંત અમદાવાદ, દિલ્હી અને ગોવામાં પણ વાઘબકરી ટી-લાઉન્જ છે. પોતાની પહેલી ટી-કૅફે તેમણે ૨૦૧૦માં શરૂ કરી હતી. વાઘબકરી ચાનો પ્રોડક્ટ ડેવલપમેન્ટ મૅનેજર પ્રતીક ગોર કહે છે, ‘અમે હેલ્થ-સેગમેન્ટમાં વધારે છીએ. ગ્રીન ટીમાં એટલાં વેરિયન્ટ્સ ઉપલબ્ધ છે કે તમે કલ્પના ન કરી શકો. અઢી હજારથી સાડાસોળ હજાર સુધીની રેન્જની ચાનો ઉપયોગ અમે અમારે ત્યાંના ટી-પાર્લરમાં કરીએ છીએ. ઇન્ડિયા, શ્રીલંકા, આફ્રિકા, ચીન જેવા દેશોની સ્પેશ્યલ રૉ ટી પણ અમે અહીં ઉપલબ્ધ કરી છે જેણે અમારા ટી-પાર્લરને ચાર ચાંદ લગાડ્યા છે. આગળ કહ્યું એમ ઘરમાં દેશી પદ્ધતિથી ચા બને એવી જ રીતે અમે ચા બનાવીએ પણ સાથે એમાં થોડાંક હેલ્થ-એલિમેન્ટ પણ ઉમેરીએ. એટલે કે મિલ્ક પાઉડર કે ટેટ્રાપૅકનું દૂધ નહીં વાપરવાનું, પણ તાજું દૂધ જ વાપરવાનું. અમે પોતે ટીના બ્લેન્ડ બનાવીએ છીએ એટલે એ પણ અમારી સ્પેશ્યલિટી છે. દેશી ઘરની પદ્ધતિથી ચા બને. જે સ્વાદ છે એનાથી તમે વાઘબકરીની મજા માણી શકશો.’

લગભગ ત્રીસેક પ્રકારની ચા અહીં ઉપલબ્ધ છે જે તુલસી, ફુદીનો, લેમનગ્રાસ, લીંબુ, ખસખસ, લવિંગ, આદું જેવાં નૅચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી બને છે. 

ટી પી

ક્યાં આવી? : બોરીવલી, દહિસર, અંધેરી


૨૦૧૪ના ઑક્ટોબરમાં પાર્થ પટેલ અને અંકિત ઉપાધ્યાયે પોતાને બહાર જોઈએ એવી ચા નહોતી મળતી એટલે પોતે જ એવી જગ્યા શરૂ કરી જ્યાં મનભાવતી ચા મળી જાય. પાર્થ કહે છે, ‘ચા પીવાની જગ્યાઓ તો આપણે ત્યાં ઘણી છે, પણ શાંતિથી બેસી શકાય અને ચાની ચૂસકીની મજા લઈ શકાય એવી એકેય જગ્યા અમને નહોતી મળતી. કૉફી બહુ જગ્યાએ મળતી હતી, પણ ચા ક્યાંય નહીં. અમે પોતે જ આવો કન્સેપ્ટ શરૂ કરવાનું નક્કી કર્યું જ્યાં ચા પીતી વખતે તમને ઘર જેવું લાગે.’

મુંબઈમાં ત્રણ ઠેકાણે આવેલી આ ટી-કૅફેમાં અઢળક પ્રકારની ચા સાથે ટાઇમપાસ માટે ગેમ્સ, બુક્સ, મૅગેઝિન પણ રાખવામાં આવ્યાં છે. આ દુકાનમાંથી ‘માં કે હાથ કી ચાય’ સૌથી વધારે જાય છે. જૅગરી ટી, રશિયન ટી, ઑરેન્જ ટી પણ લોકપ્રિય છે. ૪૯ રૂપિયાથી લઈને ૩૦૦ રૂપિયાની રેન્જની ટી સાથે બેસવાની જગ્યા, સારું ઍમ્બિયન્સ અને પ્રત્યેક ટેબલ પર ચાર્જિંગ કરી શકાય એવાં સૉકેટ પણ આપવામાં આવ્યાં છે.

સેવન્ટીન ટી-રૂમ

ક્યાં આવી?: બાંદરા પાલી હિલ


મેહુલ ઠક્કર અને  સાહિલ ભણસાલીએ ૨૦૧૪ના ઑક્ટોબરમાં સેવન્ટીન ટી-રૂમ નામની ટી-કૅફે શરૂ કરી છે. સાહિલ ભણસાલીની આગળની ચાર પેઢી ચાનું જ કામ કરી રહી છે. મેહુલ કહે છે, ‘મને પર્સનલી ટીનું કોઈ નૉલેજ હતું નહીં, પણ ચા પ્રિય હતી. એટલે મુંબઈમાં એક યુનિક ટી-કૅફે શરૂ કરવાના

૯૦ રૂપિયાની મસાલા ચાથી બસો રૂપિયા સુધીની ચા અહીં અવેલેબલ છે. વાઇટ ટી પીવા પણ લોકો અહીં આવે છે. અતરંગી અને યુનિક ટી વચ્ચે પણ મસાલા ટી અહીંના લોકોની મોસ્ટ ફેવરિટ છે.

ધ તાજ મહલ ટી-હાઉસ

ક્યાં આવ્યું : બાંદરા


આ ટી-હાઉસમાં તમને મુંબઈની પરંપરાગત ઓળખ બની ગયેલી કટિંગ ચા નહીં મળે પણ સાવ જુદી જ દુનિયાની અનોખી ચાની અહીં ભરમાર છે. પારસી બંગલોને ટી-હાઉસમાં કન્વર્ટ કરવામાં આવ્યો છે જેથી એક અલગ જ પ્રકારનો રૉયલ ટચ તમને અહીં મળશે. અહીંનું ઇન્ટીરિયર અને ઍમ્બિયન્સ તમને બ્રિટિશરોના સમયની યાદ તાજી કરાવી શકે એમ છે.

કુલ્ફી ડિઝર્ટ ચાય, જિંજર સ્પાઇસ ડિઝર્ટ ચાય, ટૅન્જી પાનીપૂરી ટી, અલગ-અલગ પ્રકારની ટી-સ્મૂધી, સ્મોકી માઉન્ટન ટી, મલબારી વૅનિલા કોકોનટ ટી જેવી પાર વગરની મોઢામાં પાણી આવે એવી ચાની વરાઇટી ૧૪૦થી ૨૪૦ રૂપિયાની રેન્જમાં ઉપલબ્ધ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK