ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૫૦

‘સંગાથ આંય પૂરો થાય છે, મારા વતી તમારા ઘરવાળાને નમસ્કાર કે’જો અને કે’જો ભૂપતસિંહ હજી એકાદ દિવસ રાજકોટમાં જ રે’વાનો છે. પકડાય તો પકડી લ્યે.’


નવલકથા - રશ્મિન શાહ

જેનિફરે પાછળ ફરીને એક પણ વખત જોયું નહીં, તે સીધી જ પોતાના બંગલા તરફ આગળ વધી ગઈ. ધાર્યું હોત તો તે બંગલાના આગળના ભાગથી જ દાખલ થઈ શકી હોત, પણ એવું કરીને તરત જ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં જોખમ ભૂપતસિંહ પર હતું અને તે એવું કરવા માગતી નહોતી.

‘તેરે દાદુ કી યે હી એક ખાસિયત થી ઇબ્રાહિમ.’ કુતુબે ઇબ્રાહિમ સામે જોયું, ‘પ્રભાવ, તેનો પ્રભાવ જ એવો હતો જેમાં સામેવાળો આવ્યા વિના, એમાં ખેંચાયા વિના રહી ન શકે. માણસમાં આ ગુણ હોય એ ખૂબ સારી વાત કહેવાય, પણ આ ગુણનો દુરુપયોગ કરવાની નીતિ પોતાના સ્વભાવમાં ન હોય એ ઉત્તમ વાત કહેવાય. ભૂપતમાં આવી નીતિ હતી, તેને પોતાને પણ ખબર પડતી જ કે સામેની વ્યક્તિ હવે તેનાથી પેલું શું કહેવાય ઇમિપ્રીસ...’

ઇબ્રાહિમે સુધારો કર્યો અને સાચો શબ્દ યાદ કરાવ્યો,

‘ઇમિપ્રીસ નહીં, ઇમ્પ્રેસ.’

‘હા, ઈ જ. ઇમ્પ્રેસ. તારા દાદુને ખબર પડતી કે સામેની વ્યક્તિ હવે તેનાથી ઇમ્પ્રેસ થઈ ગઈ છે અને તોયે તે એનો કોઈ જાતનો ગેરલાભ લેતો નહીં. ભૂપતની આ લાક્ષણિકતાએ જ તેને લોકો વચ્ચે વધુ ને વધુ લોકચાહના લેતો કરી દીધો હતો. ઇબ્રાહિમ, તને એક વાત કહીશ તો નવીનતા લાગશે, પણ એ સમયના હીરોથી માંડીને એ સમયની જે ઓ’લી પિક્ચરમાં કામ કરવાવાળી નટી હોયને એ નટી સુધ્ધાં ભૂપતસિંહને મળવા માટે પોતાના સાથી અને માણસોને કહેતી અને તેના સાથીઓ આવું કામ પણ કરતા.’

‘શું વાત કરો છો ચાચુ.’ ઇબ્રાહિમને નવાઈ લાગી હતી, ‘દાદુ પછી એ લોકોને મળતા કે નહીં?’

‘હંઅઅઅ...’ કુતુબે યાદ કરવાનું શરૂ કર્યું, ‘આમ તો કોઈને નહીં પણ હા, એક હતી એવી જે બહુ પાછળ પડી હતી તેને મળવાનું બન્યું હતું.’

‘શું વાત કરો છો, કોણ હતું એ?’

‘ગુણસુંદરી.’ કુતુબને નામ પણ યાદ હતું, ‘એ સમયની બહુ મોટી નટી હતી. અત્યારે પેલી કોણ કહેવાય, અનુષા શર્મા...’

‘અનુષ્કા, અનુષ્કા શર્મા.’

‘હા, એનું જેવડું નામ છે એવડું જ નામ ગુણસુંદરીનું હતું. ભવાઈ અને નાટકમાં તો આ નામ રાખીને છોકરાઓ છોકરીનો રોલ કરતાં અને પ્રેક્ષકોને મજા પણ બહુ આવતી.’ કુતુબે મૂળ વાત પર આવતાં પહેલાં ચોખવટ કરી લીધી, ‘ગુણસુંદરીનું સાચું નામ તો મીનાબાઈ હતું, મુસ્લિમ હતી. તેની મા તો મુજરા કરતી, પણ છોકરીને તેણે એ રસ્તે લઈ જવાને બદલે આ રીતે પિક્ચરમાં દાખલ કરી અને પછી તેનું નામ ખૂબ મોટું થયું. આ મીનાબાઈ ભૂપતને મળવા માટે એક વખત ભાગીને જંગલમાં આવી ગઈ અને પછી ધમાલ થઈ ગઈ હતી.’

‘શું વાત કરો છો?’

ઇબ્રાહિમના અવાજમાં અચરજ ભળી ગયું હતું.

‘હા, પણ એ વાત પછી કરીએ, પહેલાં તને જેનિફરે કરેલા ત્રાગાનું કહી દઉં.’ કુતુબે અનુસંધાન જોડી દીધું, ‘નહીં તો પાછી એ વાત અધૂરી રહી જશે અને થોડા વખત પછી પાછું તારું ચાલુ થાશે કે તમે વાત અધૂરી મૂકી દીધી.’

‘હા, એ પણ છે.’ કુતુબે ચાચુ પાસે લાડ કરી લીધા, ‘અધૂÊરું રાખી દેશો તો પણ હું એમ જવા થોડો દેવાનો છું. બધી વાત પૂરી થશે એ પછી જ તમને અહીંથી બહાર નીકળવા મળશે એટલું યાદ રાખજો.’

‘એ દિવસે જેનિફર સીધી બંગલામાં જવાને બદલે બંગલાના પાછળના ભાગ તરફ આગળ વધી ગઈ. તેં તો એ સમયનું રાજકોટ જોયું નહીં હોય પણ એ સમયે આ બંગલાઓ બધા ગામની બહારની બાજુએ હતા. અંગ્રેજોને અવાજની ભારે કનડગત અને પાછા ચોખલિયા પણ ઢગલાબંધ એટલે બને ત્યાં સુધી આપણા લોકોથી છેટા રહેવાનું પસંદ કરે અને એવું પણ કરે કે પોતાના જ માણસોની આજુબાજુમાં રહે.

€ € €

જેનિફર રેસકોર્સની પાછળના ભાગમાં આવેલા બધા બંગલાની પાછળના ભાગથી પસાર થઈ ત્યારે તેનું ધ્યાન ગયું કે તેના બંગલાની પાછળના ભાગમાં ચોકીદારી કરનાર વ્યક્તિ બદલાઈ ગયો હતો. જેનિફરની આંખ સામે ચોવીસ કલાક પહેલાંનો આખો પ્રસંગ તરવરવા માંડ્યો. તે બેઠકખંડમાંથી ઊભી થઈને કિચનના ભાગમાં આવી અને ત્યાંથી બહારની બાજુએ આવી. બહારના ભાગમાં આવી અને જેવી બહાર નીકળી કે તેના મોઢા પર કોઈનો પહાડી હાથ આવ્યો. આવેલા એ હાથે તેનું મોં દબાવી દીધું અને તેણે શ્વાસ લેવાનો પ્રયાસ કર્યો કે તરત જ તેની આંખ સામે અંધકાર છવાઈ ગયો હતો. ત્યાર પછી એ જાગી ત્યારે સીધી જૂનાગઢમાં હતી.

- માણસ ખાનદાન હતો, પ્રામાણિક હતો અને સિદ્ધાંતોને પાળનારો હતો.

જેનિફરની આંખ સામે ભૂપત આવી ગયો અને દિમાગમાં પણ ભૂપત પ્રસરી ગયો.

- નારી સાથે કેવી રીતે રહેવું એની જેનામાં આવડત હોય, જેના લોહીમાં એ સંસ્કાર હોય એ પુરુષ કાયદાની દૃષ્ટિએ ગમેએટલો મોટો ગુનેગાર હોય, પણ સમાજ માટે જરા પણ હાનિકારક નથી અને જે સમાજ માટે હાનિકારક નથી એને ખોટું નુકસાન પહોંચાડવાનો અર્થ પણ નથી, હક પણ નથી. નક્કી કંઈ એવું બન્યું હશે જેને લીધે તેણે આવું કૃત્ય કર્યું પણ એ ભૂલ સુધરી કે તરત જ એ માણસ પોતે માણસાઈના રંગમાં આવી ગયો અને તેણે પણ સામે ચાલીને પોતાનું વણકહ્યું વચન પૂÊરું કરી લીધું. ના, જરાય નહીં, મારાથી ભૂપતને નુકસાન થાય એવું કોઈ સ્ટેપ લેવાવું ન જોઈએ.

આવા જ વિચારો સાથે જેનિફર લગભગ એક કલાક એમ જ ભટકતી રહી. મનોમન તેને વિશ્વાસ આવ્યો કે હવે ભૂપત સલામત અંતરે નીકળી ગયો હશે એ પછી તે ફરી રેસકોર્સ પાસે પાછી આવી અને પોતાના બંગલામાં દાખલ થઈ.

જેનિફરે ધાર્યું હતું એવું જ બન્યું. જેવી તે ઘરની નજીક પહોંચી કે તરત જ ત્યાં હાજર રહેલા સિક્યૉરિટી ગાર્ડનું ટોળું આજુબાજુમાં વિખેરાઈને તપાસમાં લાગી ગયું. જેનિફર સમજી ગઈ હતી કે એ લોકો તેને મૂકવા માટે જેકોઈ આવ્યું હોય તેને પકડવા માટે ભાગી રહ્યા છે. જોકે તેને આત્મસંતોષ એ વાતનો હતો કે તે જે ધારી રહી હતી, જે વાત તેના મનમાં આવી હતી એ મુજબનું જ વર્તન આ ગાર્ડ્સે કર્યું હતું અને એટલે જ તે ખુશ પણ હતી કે તેણે ઘરે પહોંચવામાં વાર લગાડી.

ઘરમાં દાખલ થતાં પહેલાં તેણે મનોમન ભૂપત માટે દુઆ પણ માગી લીધી અને ભગવાન તેને સલામત રીતે પોતાની જગ્યાએ પહોંચાડી દે એ માટે વિનંતી પણ કરી લીધી.

‘આર યુ અલોન?’

‘નો.’ જેનિફરે સોફા પર પડતું મૂક્યું, ‘ભૂપત મને મૂકી ગયો.’

મનોમન ખુશ પણ થયા હતા આલ્બર્ટ ક્રિસ્ટો તો સાથોસાથ આલ્બર્ટને પોતાની જાત પર ખીજ પણ ચડી હતી. પહેલી વાર. અત્યાર સુધીમાં સાવ પહેલી વાર એ વાતની ખીજ તેને ચડી હતી કે તેણે એક ડાકુ સામે ઝૂકવું પડ્યું હતું અને ડાકુએ પોતાનું ધાર્યું કરીને દેખાડી પણ દીધું અને સાથોસાથ તેણે મર્દાનગી સાથે, આલ્બર્ટનું નાક કાપીને હાથમાં પણ મૂકી દીધું. જેનિફરની તેણે પૃચ્છા શરૂ કરી ત્યારે જેનિફરના મનમાં એમ હતું કે ભૂપત નીકળી ગયો. આલ્બર્ટ એવું ધારીને બેઠો હતો કે જે માણસ છેક ઘરના દરવાજા સુધી આવીને મૂકી જાય એ માણસે સરકી જવાનું પણ પૂÊરું આયોજન કર્યું હોય અને ભૂપત, ભૂપત એ જ ઘરની અગાસી પર હતો.

‘વૉટ?’ ઇબ્રાહિમનું મોઢું ફાટી ગયું, ‘દાદુ, સચ મેં વહી પર થે?’

‘હા, તારા દાદાએ નક્કી કર્યું હતું કે જેનિફર ઘરમાં પહોંચે એ પછી જ ત્યાંથી રવાના થવાનું એટલે તેણે એવું જ આયોજન કર્યું હતું.’ કુતુબે કહ્યું, ‘સમજાવું તને. જેનિફરથી છૂટો પડ્યા પછી આગળ જઈને ભૂપત પાછો વળ્યો અને પાછા વળ્યા પછી તેણે મોઢા પર જ ફાળિયું બાંધીને બહારગામનો માણસ હોય એમ ત્યાંથી ચાલવાનું શરૂ કરી દીધું. તેને એમ હતું કે જેનિફર દોડીને ઘરમાં જશે અને કદાચ બધાને પાછળ દોડાવે પણ ખરા. જો એવું થાય તો તેનો રસ્તો બદલાઈ જાય અને એ ક્ષેમકુશળ રીતે ત્યાંથી રવાના થઈ જાય અને એવું ન થાય, જેનિફર સીધી રીતે ઘરમાં જતી રહે તો ત્યાંથી પસાર થઈને સીધા રવજી પટેલના ઘરે જવું, પણ બન્યું અવળું અને જેનિફર તો ઘરથી આગળ નીકળી ગઈ.’

€ € €

- મારી બેટી, આ ક્યાં ભટકવા નીકળી હવે?

ભૂપતે જોયું કે જેનિફર ઘરથી આગળ નીકળી ગઈ એટલે તેના મનમાં પહેલો વિચાર તો એ જ આવ્યો અને સાથોસાથ તેને ક્ષણભર માટે એવો વિચાર પણ આવ્યો કે હવે તે સીધી પોલીસચોકીએ જશે, પણ એ વિચાર તેણે પોતે જ મનમાંથી કાઢી નાખ્યો.

- જેનો ઘરવાળો ગવર્નર હોય તેની બૈરીએ પોલીસચોકીએ ન જવું પડે, એટલી બુદ્ધિ તો આ ધોળી બાઈમાં હોય જને. નક્કી આ પોલીસચોકીએ તો નથી જ જતી, હવે જોવાનું એ છે કે તે ક્યાં ભટકવા જાય છે?

ભૂપત ચૂપચાપ અને સલામત અંતર સાથે જ્યાં-જ્યાં જેનિફર ફરતી રહી ત્યાં-ત્યાં તેની પાછળ ફરતો રહ્યો. જેનિફર દિશાવિહીન હતી. તે માત્ર સમય પસાર કરવા માગતી હતી, જે થોડી વાર પછી ભૂપતને પણ સમજાઈ ગયું. એમ છતાં તેણે જેનિફરની પાછળ ફરવાનું ચાલુ રાખ્યું. એકાદ કલાક એમ જ ફરીને જેનિફર ફરી પાછી બંગલા તરફ વળી એટલે ભૂપત પણ તેની પાછળ બંગલા તરફ વળ્યો. પાછી ફરતી જેનિફર માટે તેને હવે અહોભાવ જન્મવો શરૂ થઈ ગયો હતો. જેનિફરને આમ ફરવા માટે બીજું કોઈ કારણ હતું જ નહીં, સિવાય કે ભૂપતસિંહ સલામત અંતરે નીકળી જાય અને જો ભૂપતને સલામત અંતરે મોકલવો હોય તો એનો અર્થ એક જ થયો કે જેટલી પ્રામાણિકતા તેણે દાખવી હતી એટલી જ, કદાચ એનાથી બે ડગલાં આગળની પ્રામાણિકતા અત્યારે જેનિફરે દાખવી હતી.

બંગલાના પાછળના ભાગથી જેનિફર આગળના ભાગ તરફ વળી કે તરત જ પાછળ આવતા ભૂપતસિંહે દોટ મૂકી હતી. આ વખતે તેણે આલ્બર્ટના બંગલામાં જવા માટે આલ્બર્ટના બંગલાનો ઉપયોગ કરવાને બદલે તેની બાજુમાં આવેલા બંગલાનો ઉપયોગ કર્યો હતો અને પિમ દિશામાં આવેલી બંગલાની દીવાલ ચડીને તે સીધો અંદર દાખલ થયો. બંગલાની ઉપરના ભાગમાં જવા માટેની સીડી ઘરની અંદરના ભાગમાં હતી, પણ ભૂપતને એની જરૂર નહોતી.

બંગલાના ભોંયતળિયાના ભાગે આવેલા દરવાજાના ઉપરના છજ્જાને પકડીને ભૂપતે છલાંગ લગાવી અને દીપડો જે રીતે દીવાલ પર ચડી જાય એ રીતે તે સીધો ઉપર ચડી ગયો. ભોંયતળિયાના છજ્જાનો સહારો લઈને ઉપર ચડ્યા પછી ભૂપતે પહેલા માળની બારીની બારસાખને પકડીને ફરીથી ઉપરની દિશામાં પ્રયાણ કર્યું અને તે ત્યાંથી અગાસીમાં દાખલ થયો. જમીનથી અગાસી સુધી પહોંચવામાં ભૂપતને રોકડી એક મિનિટ લાગી હતી. આ એક મિનિટ દરમ્યાન જો કોઈકે ઉપરની તરફ જોયું હોત તો ચોક્કસ ભૂપત નજરે ચડી ગયો હોત અને જો એવું બન્યું હોત તો ભૂપતને બચવા માટે કોઈ આડશ પણ મળવાની નહોતી.

જીવનું જોખમ એવું હતું જેમાં બચવાની કોઈ અપેક્ષા રહે નહીં અને એ વાતની ખબર ખુદ ભૂપતને પણ હતી. આ કૃત્ય જો કોઈ બીજાએ જોયું હોય તો તેને ૧૦૦ ટકા એમાં ભૂપતની મૂર્ખામી દેખાય પણ ભૂપત માટે આ વાત જરાય નવી નહોતી અને એની તેને નવાઈ પણ નહોતી.

અગાસી પર ગયા પછી ભૂપત સીધો દોડીને બાજુમાં આવેલા આલ્બર્ટના ઘરની અગાસીમાં કૂદી ગયો. આ બન્ને અગાસીઓ એકમેકને સ્પર્શીને જ હતી, બન્ને વચ્ચે માત્ર એક નાનકડી ત્રણ ફુટની દીવાલ હતી, જેને કૂદવામાં ભૂપતને કોઈ કષ્ટ થયું નહોતું. આલ્બર્ટની અગાસીમાં આવીને ભૂપત સીધો દોડતો આગળના ભાગ તરફ પહોંચ્યો અને ત્યાંથી તેણે નીચે નજર કરી.

તેને જેનિફર આવતી દેખાઈ. જેનિફર બંગલાના દરવાજામાંથી અંદર દાખલ થઈ એ પણ તેણે જોયું અને જેનિફર જેવી આવી કે તરત જ બધા ગાર્ડ્સ રેસકોર્સની દિશામાં ભાગ્યા એ પણ ભૂપતે પોતાની સગી આંખે જોયું. ઘરમાં દાખલ થયેલી જેનિફરને જોયા પછી ભૂપતને કામ પૂરું કર્યાનો સંતોષ થયો, પણ અહીંથી હવે કેવી રીતે નીકળવું એના વિશે તેને કોઈ ચિંતા હતી નહીં. તેને ખાતરી હતી કે જો સાંજ સુધી તે અહીં જ રહી જાય તો રાતના અંધકારમાં તેને અહીંથી નીકળતાં કોઈ રોકી શકે નહીં.

ભૂપતે કમરે હાથ મૂકીને રિવૉલ્વર તપાસી લીધી. બુશકોટના કાપડ પરથી જ મળેલા લોખંડના સ્પર્શે ભૂપતમાં આત્મવિશ્વાસ ભરવાનું કામ કર્યું, જેને બેવડો કરવાનું કામ પણ ભૂપતે પાટલૂનના ખિસ્સાને ચકાસીને કરી લીધું.

ખિસ્સામાં રહેલી કારતૂસના આછાસરખા રણકારે ભૂપતના આત્મવિશ્વાસને બેવડાવ્યો તો ખરો પણ સાથોસાથ એ રણકારે ભૂપતના ચહેરા પર સ્મિત પણ પાથરી દીધું. કારતૂસનો જથ્થો કેટલો હતો એનો તો કોઈ અંદાજ ભૂપતને નહોતો અને એની તેને જરૂર પણ નહોતી.

€ € €

‘અલ્યા, તું આવ્યો કેવી રીતે અહીં?’

બચીને પાછા આવેલા ભૂપતને જોઈને કાળુએ પૂછ્યું હતું. કાળુ અને બીજા સાથીઓ નીકળવાની તૈયારીમાં જ હતા. ધાડ પાડીને પાછા ફરતી વખતે બધા સાથીઓ છૂટા પડી ગયા અને ભૂપત ભૂલથી ગામના રસ્તે ચડી ગયો, જ્યાં તેને પોલીસે ઘેરી લીધો અને એના પર હુમલો કર્યો.

સામસામા ગોળીબાર શરૂ થયા અને શરૂ થયેલા એ ગોળીબારોની વાત થોડી વાર પછી સાથીઓ પાસે પણ પહોંચી. બીજો કોઈ તબક્કો હોત તો ચોક્કસપણે ખાસ ચિંતા કરવામાં ન આવી હોત પણ એ રાતે કારતૂસનો આખો જથ્થો સાથીઓ સાથે પાછો આવી ગયો હતો અને ભૂપત પાસે માત્ર એક પટ્ટો જ રહ્યો હતો, જેમાં પણ કારતૂસ કેટલી હતી એના વિશે કોઈને ખબર નહોતી.

કાળુએ તરત જ બધા સાથીઓને તૈયાર કરવાનું કામ શરૂ કર્યું અને ઘોડા નવેસરથી તૈયાર કરવામાં આવ્યા. કાળુ અને સાથીઓ રવાના થતા હતા ત્યાં જ એક સાથીનું ધ્યાન દૂર ઊડી રહેલી ધૂળની ડમરીઓ પર ગયું,

‘કાળુભાઈ, ન્યાં જુઓ, કો’ક આવતું લાગે છે.’

કાળુએ ચીંધાયેલી આંગળીની દિશામાં જોયું. અંધકાર વચ્ચે પણ ઊડી રહેલી ધૂળ દેખાવાનું શરૂ થઈ ગયું હતું. ઘોડાની દિશા અડ્ડા તરફની જ હતી. બે-ચાર મિનિટ પછી તો ઘોડાના ડાબલાનો અનુભવ પણ શરૂ થઈ ગયો. જે પ્રકારે જમીન પર થડકાર પડતા હતા એ અનુભવીને કાળુ એટલું તો પારખી ગયો હતો કે એક જ અસ્વાર અત્યારે આવે છે અને એટલે જ તેને કોઈ અગમચેતી લેવા જેવું લાગ્યું નહીં. અધૂરામાં પૂÊરું, તૈયાર કરવામાં આવેલા ઘોડાઓમાં પણ કોઈ ચહલપહલ હતી નહીં એટલે કાળુ એટલું પામી ગયો કે નક્કી આ ભૂપત જ આવે છે.

ઘોડાઓ કે પછી બીજાં ઘરઘરાઉ પાલતુ પ્રાણીઓની એક ખાસિયત હોય છે કે એ અજાણી વ્યક્તિઓને ઘરમાં પેસવા ન દે અને અજાણ્યાં પ્રાણીઓને આજુબાજુમાં ફરકવા ન દે. આવી રહેલો ઘોડો પોતાના જ જૂથનો છે એ ગંધ પરથી પારખી લીધું હતું એટલે જ એ લોકોએ કોઈ જાતનો દેકારો નહોતો કર્યો. જો અજાણ્યો ઘોડો હોત તો એ બધા ઘોડા આકુળવ્યાકુળ થવા માંડ્યા હોત અને કાબૂમાં લેવાનું કામ અઘરું કરી નાખ્યું હોત, પણ નાતનો જ સાથી આવ્યો હોવાથી એવું કોઈ વર્તન તેમની બાજુએથી થયું નહીં અને એ થયું નહીં એટલે જ કાળુએ પણ મનોમન ધારી લીધું કે આવનારો ભૂપત જ છે.

ધારણા અને અનુમાન સાચાં નીકળ્યાં અને ભૂપત દેખાવા લાગ્યો.

નજીક આવ્યા પછી ભૂપતે ઘોડો ધીમો કર્યો અને કાળુ પાસે આવીને તેણે લગામ ખેંચી લીધી.

‘અલ્યા, ક્યાં રોકાઈ ગ્યો તો?’

ભૂપત નીચે ઊતર્યો કે તરત જ કાળુ તેની સામે આવી ગયો,

‘ઓછા કર્યા કોઈને કે પછી...’

‘રામ જાણે હોં. આજની તો ખબર નથી કે એકેય ગ્યા કે પછી એમ જ ટકી ગ્યા એ લોકો.’

‘હા, વાંધો નહીં, આમ પણ તારી પાસે માલ ક્યાં હતો કે તું કામ ઉતારી શકે?’ કાળુને હજી પણ નવાઈ લાગતી હતી કે ભૂપત કેવી રીતે ત્યાંથી સરકી શક્યો અને એ પણ નહીંવત હથિયારો વચ્ચેથી.

‘કેટલા હતા ઠોલા?’

‘૫૦થી વધારે.’

‘તો તું આવ્યો કેવી રીતે?’

ભૂપતને નવાઈ લાગી,

‘એ’લા, તું માણસ છો કે કોણ છો? પાછો આવ્યો એનો હરખ કરવાને બદલે એવી રીતે બોલે છે જાણે તને ગમ્યું નો હોય.’

‘અરે, એવું નથી અને તનેય ખબર જ છે, શું કામ આવું પૂછ્યું તને.’ કાળુએ ભૂપતના ખભા પર હાથ મૂક્યો, ‘આટલા કૂતરા સામે હતા અને તારી પાસે સામાન પૂરો નહોતો તો પછી કેવી રીતે તું ત્યાંથી બહાર આવ્યો એમ મારું પૂછવું છે.’

‘તો એમ બોલને...’ ભૂપતે કાળુને ધબ્બો માર્યો અને પછી ખભાના ભાગથી પકડીને એને જરા આગળ કર્યો, ‘જીવવા માટે શ્વાસ જોઈએ અને એવી જ રીતે બચવા માટે પણ શ્વાસ જ જોઈએ કાળુ... લડવું હોય તો સાધનસામગ્રીનો જથ્થો મોટો જોઈએ, પણ જો નીકળવું હોય તો એક ગોળી અને એક રિવૉલ્વર પણ બસ પડી જાય, દોસ્ત.’

‘વાહ...’

‘અત્યારે ભલે મઝાક સૂઝતી તને પણ યાદ રાખજે, જે સમયે આવી પરિસ્થિતિમાંથી પસાર થઈશ એ સમયે તને મારા આ શબ્દો યાદ આવશે.’

€ € €

ભૂપતને અત્યારે આલ્બર્ટ ક્રિસ્ટોની અગાસી પર પણ આ વાત યાદ આવી અને ચહેરા પર સ્મિત, તો છાતીમાં જુસ્સો ભરાઈ આવ્યો.

(વધુ આવતા શનિવારે)

€€€€€€


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK