બુલેટ ટ્રેનની બારાખડી

બસો કિલોમીટરથી વધારે ગતિએ દોડતી ટ્રેનનો સમાવેશ હાઈ સ્પીડ શ્રેણીમાં થાય.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

૨૦૧૪ની લોકસભા ચૂંટણી પછી નવી સરકારે જાહેર કરેલી બુલેટ ટ્રેનનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. જપાન અને ભારતના વડા પ્રધાનની ઉપસ્થિતિમાં થયેલું ભૂમિપૂજન નક્કર સંકલ્પશક્તિનો માહોલ દર્શાવે છે. રાજીવ ગાંધીએ શરૂ કરેલી કમ્યુનિકેશન ક્રાન્તિ પછી ભારતમાં સ્પીડ ક્રાન્તિનાં મંડાણ થવા જઈ રહ્યાં છે. પારંપરિક રાજકીય આદત મુજબ વિરોધ તો થવાનો કે જે હાજર છે એ રેલવે ચલાવવાનાં ઠેકાણાં નથી ને બુલેટ ટ્રેનના ફાંકા મારવા છે. અકસ્માતો રોકી નથી શકતા ને મોટા ભા થઈ બુલેટનાં બાવડાં દેખાડે છે. પ્રત્યેક શરૂઆતને એક વિરોધ હોય છે, પણ એમાં ઈર્ષા છે કે ચિંતા છે એ પારખવું જરૂરી છે. પંકજ વખારિયાના શેર સાથે નવી ક્રાન્તિના પ્રારંભિક પગલાને વધાવીએ...

પિત્તળનો છે કે હેમનો રહેવા દો ચર્ચા એ

કેવો ઊઠે છે ઘંટથી અનુઘોષ જોઈએ

ગતિમાન રહેવા જોઈએ પગ તો તલાશમાં

પણ, દૃષ્ટિ સાફ રાખવા સંતોષ જોઈએ


પાંચ દાયકાથી જપાનમાં ચાલતી બુલેટ ટ્રેન વનપ્રવેશની ઉંમરે ભારતમાં પ્રવેશી ફરી શૈશવને ઊજવશે. વિશ્વમાં કોઈ પણ દેશની પ્રગતિમાં ટેક્નૉલૉજીનો ફાળો વધી રહ્યો છે. વિચાર કરો, ઇસરોની શરૂઆત ૧૯૬૯માં થઈ પછી ભારતે અવકાશક્ષેત્રે કેટલી સિદ્ધિ હાંસલ કરી. એક મક્કમ શરૂઆત ભવિષ્યનો નકશો દોરવા સક્ષમ થતી જાય છે. ૨૦૧૨માં જન્મીને હવે બોલતાં માંડ શીખેલું ભારતીય હાઈ સ્પીડ રેલ નિગમ ભાંખોડિયાં ભરી દોડવા ઉત્સુક છે. પંચાવન કિલોમીટરની ગતિએ સુપરફાસ્ટ ગણાતી આપણી એક્સપ્રેસ ટ્રેનને ૧૬૦ની સ્પીડે ચાલતી ગતિમાન એક્સપ્રેસ સુધી પહોંચાડવાનું એક પગલું સફળ થયું છે. ટેલ્ગો ટ્રૅક પર ઊતરવા ઉતાવળી છે. હવે બુલેટ ટ્રેનના માધ્યમથી મોટી છલાંગ મારી ૩૨૦ કિલોમીટરની ગતિ હાંસિલ કરવાની છે. ઉર્વીશ વસાવડાની પંક્તિઓ સાથે ટીમ ઇન્ડિયાએ ઝીલેલા પડકારને બિરદાવીએ. 

કરીને લાખ કોશિશ કેદ ના થઈશું કદી પણ

ઉઘાડી બારણાં, કળથી અમે નીકળી જવાના

ગતિ ખુશ્બૂ સમી છે ઊર્ધ્વગામી એટલે તો

પવન સંગાથ ભૂતળથી અમે નીકળી જવાના


મહારાષ્ટ્રમાં વરસો પહેલાં કોંકણ રેલવે કૉર્પોરેશને પહાડો કોતરી કપરી જવાબદારી પાર પાડી હતી. બુલેટ ટ્રેન શરૂ કરવાની કવાયતમાં અનેક બુલેટ પડકારો ઊભા થશે. જપાનનું કૌશલ્ય અને આર્થિક સહાય બન્ને હોવાથી આ પડકારોની પૂર્ણાહુતિ થશે એવી આશા નિર્માણ થઈ છે. અવરોધો તો આવવાના જ. જમીન સંપાદનની પ્રક્રિયા પરસેવો પડાવશે. આવા અનેક વ્યત્યય દેશહિતને બદલે જો વ્યક્તિગત વિચારસરણી ધરાવતા હશે તો કામમાં કંકાસ થવાના. બાબુલાલ ચાવડા આવા અવરોધોની નિષ્ઠાનો એક્સ-રે કાઢે છે... 

પ્રગટે ન કોઈ ઠોકરમાંથી નવી દિશા તો

અવરોધતું ગતિ એ, વ્યવધાન પણ નિરર્થક


રેલવેએ દેશના વિકાસમાં અપ્રતિમ ફાળો આપ્યો છે. મુંબઈગરાઓ માટે તો લોકલ ટ્રેન લાઇફલાઇન છે. ભારતનાં અનેક શહેરોમાં મેટ્રો ટ્રેનનાં કામ ચાલી રહ્યાં છે. વિકાસની ગતિ માટે પરિવહનની ગતિ આવશ્યક છે. કાર્યશૈલી, વિલંબ, વિફળતા વગેરે મુદાઓ બાબતે સરકાર પર માછલાં ધોતા વિરોધ પક્ષને ગુણવંત ઉપાધ્યાયનું આ સત્ય સાદર અર્પણ છે.  

ગતિ-અવગતિ એ તમારી સમજ

લગોલગ ઊભો છું ને રફ્તાર છું


યુરોપમાં દોડતી હાઈ સ્પીડ ટ્રેન AGV ઇટાલો, સ્પેનમાં દોડતી સિમેન્સ વેલારો, મૅડ્રિડમાં દોડતી ટેલ્ગો, પૅરિસમાં દોડતી TGV વગેરે પીઢ અનુભવી ટ્રેનો સાથે પાંચેક વર્ષ પછી ભારતની નવજાત બુલેટ ટ્રેન જોડાશે ત્યારે દેશવાસી તરીકે આગોતરો હરખ તો થવાનો જ. વિચાર જ્યારે આચારમાં પલટાય ત્યારે પરિણામનો જન્મ થાય છે. ગુંજન ગાંધી ધારણાને વાસ્તવિકતા સાથે જોડી આપે છે... 

સ્વપ્ન છે એ રાતથી લંબાય તો?

ધારણાનું આ જગત બદલાય તો?

તું સફર, રસ્તા વગર પહોંચી શકે

જો વિચારોની ગતિ સંધાય તો!


એકવીસમી સદીના ભારતની ઓળખ તરીકે મોબાઇલ ક્રાન્તિ, ઇસરોની અવકાશી હરણફાળ, લચકલાંબા હાઇવે, એક્સપ્રેસ વે, મેટ્રો ટ્રેન, બુલેટ ટ્રેન અને પા-પા પગલી ભરી રહેલી જળમાર્ગ વહન સિસ્ટમનું નામ આદરથી લેવાશે. ઉંમરની દૃષ્ટિએ ભારતમાં સરાસરી ઉંમર ૨૭ વર્ષ છે. જો ભ્રષ્ટાચારનો ભોરિંગ ન નડે તો યુવાધન પાસે એટલી અમાપ શક્તિ છે કે દેશનો ચહેરો ફેર ઍન્ડ લવલી બનાવી દે. જરૂર છે તકની અને અવકાશની. મસાલા ચાની ચૂસકી મારી ટીવી પર બુલેટ ટ્રેનના ન્યુઝ જોતાં-જોતાં જવાહર બક્ષીનો શેર યાદ આવે છે...

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે

શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે


ક્યા બાત હૈ


We cannot stop the bullet train.

It speeds along on tracks ordained.

Through fire of day

and fog of night

nothing can deter its might.

It coils around hills of green

snaking by lakes and rivers blue serene.

The cities are but winks;

the tracks iron fashioned links

between a past that always is

and a future that always was.

- Kendall Thomas

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK