માલૂમ તો થા યહી થી મંઝિલ મેરી, મગર ઝિંદગી ગુઝર ગઈ યહાં આતે આતે ક્યા મિલા તુઝે ઇસ દુનિયા સે, જલા ડાલા તુઝે જાતે જાતે

દુ:ખ તો મને એ બાબતનું છે કે આપણું અવસાન, આપણી શ્રદ્ધાંજલિ, આપણો જ હાર ચડાવેલો ફોટો આમાંથી કશું જ આપણે જોઈ ન શકીએ તો તેલ લેવા ગયો આ જન્મારો, સાલું આપણો જ પ્રસંગ ને આપણે જ ગેરહાજર?

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

ઍન્ડ યુ માર્ક? શ્રદ્ધાંજલિમાં જેના હાથમાં માઇક આવ્યું કે ખીસામાંથી ચપતરી બહાર કાઢે ત્યાં સુધી શરૂ થઈ જાય, ‘મિત્રો, જવાનું તો બધાએ છે, પણ આ રીતે?’ તારી ભલી થાય ચમના તો તું રીત બતાવ, આમાં ઍડ્વાન્સ બુકિંગ નથી થતું. ઈશ્વર પેદા થવાનાં નવ મહિના પહેલાં અંેધાણ આપી દે છે, પણ ઉપર ઊપડી જવા નવ સેકન્ડ પહેલાં પણ અણસાર નથી આપતો. પછી ચીલાચાલુ અંજલિના ઉધાર શબ્દો ‘સદ્ગત સરળ મિલનસાર સ્વભાવના હતા (તો શું અમારા ઝઘડાળુ સ્વભાવના હતા?), જે પરિવારને એક તાંતણે બાંધી રાખતા (તો શું અમારા વડવાઓ દસ-બાર તાંતણે બાંધતા?), મૃત્યુ વખતે તેમની આંખોનું તેજ અકબંધ હતું (એ જ આંખો કાયમી બંધ થઈ ગઈ) એવા ફલાણાભાઈ વિશાળ પરિવારને વિલાપ કરતો મૂકી ગયા છે (જાણે અમારા બાપદાદા અમને ડિસ્કો ડાન્સ કરતા મૂકી ગયા ન હોય). સ્વર્ગીય પરોપકારી જીવ હતા (જાણે સ્વર્ગમાં તું મળીને આવ્યો હોય). આવા પરોપકારી માનવો ક્યારેય મરતા નથી (તો આ સ્મશાનમાં સળગાવી દીધા એ તેમનું ભૂત હતું?). તમે પણ ખોટેખોટી હાએ હા ન કરો, મને નક્કર જવાબ આપો. આ બધું કેટલું સાચું એ તમે જાણતા નથી? નગ્ન સત્ય એ છે કે જેમ ભરનિદ્રામાં કુકરની સીટી જેવાં પોતાનાં નસકોરાં પોતે સાંભળી શકતો નથી એમ ફાંટામાંના બાપુજી પોતાના માટે બોલાયેલા શબ્દો સાંભળી શકતા નથી. ધૅટ્સ ઑલ. તો પછી આ બધા ડખા કોના માટે? દંભ શું કામ? ડોન્ટ ફીલ બૅડ, પણ જીવતો હતો ત્યારે અંદરથી સળગતો હતો. ત્યારે તમે ક્યાં હતા કે હવે સ્મશાનમાં સળગાવવા આવી પહોંચ્યા. પછી તો એ જ છાપેલા કાટલા જેવા શબ્દો - જેનો જન્મ તેનું મૃત્યુ. આ બન્ને એક સિક્કાની બે બાજુ છે. સૂર્યોદય છે તો સૂર્યાસ્ત છે...

આવી ચીલાચાલુ પીસ્તાળીસ શ્રદ્ધાંજલિ અટેન્ડ કર્યા પછી મારી ખચકી. શેના માટે? અરે જે જિંદગીમાં શાંતિથી તેમની જોડે બે મિનિટ ન બેઠા હોય તે બે કલાક બેસવાના.

શ્રદ્ધાંજલિ તો એવી હોવી જોઈએ કે સાંભળનારને એક વાર મરવાનું મન થાય અને મરનારને બે-ચાર વાર મરવાનું મન થાય... બસ, મેં શ્રદ્ધાંજલિનો ર્કોસ કર્યો. એને લગતાં કેટલાંય થોથા ઊથલાવ્યાં ને શ્રદ્ધાંજલિ સ્પેશ્યલિસ્ટ બનવાનું નક્કી કર્યું. ધીરે-ધીરે હું તૈયાર થઈ ગયો. મને એવી ફાવટ આવી ગઈ કે મારા બોલવાથી સ્વર્ગીય ફોટોમાંથી થોડી-થોડી વારે બહાર નીકળી સામે બેસી થોડું સાંભળી પાછો ફોટોમાં ગોઠવાઈ જાય. હવે મને બરાબર ખૂજલી ઊપડી. મરવાના અનુભવ વગર બોલવું અઘરું પડે અને સામે કોઈ મરવા પણ તૈયાર હોવો જોઈએ. ન મળે તો મારી મહેનતનું શું? મારી આ અદ્ભુત આવડતનો શુભારંભ કોની શ્રદ્ધાંજલિથી કરવો એ મૂંઝવણ સતાવતી હતી. પછી તો શર્મ આતી હૈ મગર આજ યે કહના હોગા કિ મને કોઈ સવારે ઊઠે નઈ પણ કાયમી ઊઠી જાય તો કેવું સારું એવો ખતરનાક વિચાર આવે. મારું કામ થઈ જાય. પૈસો ને પ્રતિષ્ઠા બન્ને મળે. ત્યાં મારો મોબાઇલ ટહુક્યો, ‘હેલો ઠાકર, બાપુજીની શ્રદ્ધાંજલિ રાખવી છે. તો મળી જા.’ હું અંદરથી હરખાઈ ઊઠuો. આમેય ચંપકલાલને શરીર બદલવાનો સમય થઈ ચૂક્યો હતો.

હું ઝડપથી પહોંચ્યો. ચહેરા પર થોડા કરુણ ભાવ લાવી, ‘ચંબુડા, બાપુજી ગયા જાણી...

‘અરે ડોબા હજી ગયા નથી. જઉં-જઉં કરે છે, પણ જતા નથી. પહેલાં તો તેમને ન કાઢવા પડે એટલે ચાલીની રૂમ કાઢી નાખી, શૅર કાઢી નાખ્યા, દાગીના-બચત બધું કાઢી નાખ્યું; પણ તેમને કાઢવાનો વારો ન આવ્યો. સવારે એમ થાય કે આજે તો કાઢવા જ પડશે પછી એમ થાય કે હવે આજની રાતથી વધુ નઈ કાઢે. સાલું એમ કરતાં બે વર્ષ કાઢી નાખ્યાં. એ તો જેને આવા બાપા મળે તેને ખબર પડે. ટપકી પડ્યા હોત તો આજે પોતે જ કાગડો બની અગાસી પર બા જોડે ખીર ખાતાં-ખાતાં શ્રાદ્ધની ઉજવણી કરતા હોત. હવે બન્યું એવું કે મારાથી એક વાર ભૂલથી બોલાઈ ગયું, ‘ડૅડ, હવે આ બધું મારા નામે કરી દો.’ તો મને કહે, ‘યસ માય ડિયર સન, બટ સ્ટિલ આઇ ઍમ નૉટ ડેડ. હું મર્યો નથી ને હમણાં કોઈ મરવાનો પ્લાન નથી.’

‘પ્લાન નથી? અરે તમે ગ્રહણ ટાણે સાપ ન કાઢો.

હમણાં ડૉક્ટર પોતે જ તમારા માટે કહી ગયા ‘હી ઇઝ નો મોર’ ને તમે...’

‘અરે એ તારો ડાક્ટરિયો પેલાં ભૂંગળાં કાનમાં ભરાવ્યા વગર જ ‘મને તમારા હૃદયના ધબકારા સંભળાતા નથી, તમે ગુજરી ગયા છો.’ એટલું બોલી નીકળી જ ગયેલા...

‘ઍગ્રી, પણ મેં તરત જ બધાને વૉટ્સઍપ કરી દીધા. જમાઈને કપાત પગારે તેડાવી લીધા. બહેન તેની બહેનપણી પાસેથી સફેદ સાડી લઈ આવી. સાઢુભાઈ ચિંચપોકલીથી નીકળી ગયા. બધાં સગાંને જણાવી દીધું ને હવે હું કહું કે બાપુજી જીવે છે. મારું કેટલું ખરાબ લાગે? સ્મશાન જવા ઍમ્બ્યુલન્સ બોલાવી લીધી, ફૂલહાર મગાવી લીધાં,

ડેથ-સર્ટિફિકેટ લઈ લીધું, ક્રિયાનો બધો સામાન આવી ગયો, કફન આવી ગયું, ઠાકરને પ્રાર્થના માટે શ્રદ્ધાંજલિનું કીધું. અચ્છા બાપુજી, તમે મને એ સમજાવો કે હવે જીવીને કરશો શું? પથારીમાં પડ્યા-પડ્યા બચપણમાં મેળવેલા આર્શીવાદ આપ્યા તમારી પાસે એ સિવાય કોઈ કામ પેન્ડિંગ પડ્યાં છે? હવે તમે જીવી જાઓ તો મારે બધાને જવાબ શું આપવો? પણ નથી માનતા. જીવવાની જીદે ચડ્યા છે.’

મેં પૂછ્યું, ‘અરે પણ તેમને જો થોડા દિવસ દવા આપી હોત તો...’

‘દીકરો છું તેમનો. ખબર નઈ પડતી હોય? પણ બકા, દવામાં જ જો બધી બચત ખર્ચી કાઢું તો કારજ વખતે મારે કરજ કરવું પડે. દવા ન થાય તો ઘરનાને જ ખબર પડે, પણ કારજ જો બરાબર ન થયું તો ગામમાં ઇજ્જતના ધજાગરા. દવાનો ખર્ચો કદાચ ટ્રસ્ટ આપે, પણ કારજનો તો કરવો પડે...’

મેં કીધું, ‘પણ સ્મશાનમાં લઈ જવા ચોખ્ખું ઘી,

કફનનું કપડું...’

‘અરે મર્યા પછી ક્યાં તે જોવાના છે? ચાર ખભા જોઈશે, ડાલડા ઘી અને જૂનું કપડું.

તું હવે ખોટો ખર્ચ ન કરાવ. અત્યાર સુધી...’

‘અરે બેટા મારા,’ બાપુજી સાંભળી ગયા. ‘ચંપલ

આપ, હું ચાલતો જ સ્મશાને જઈશ. આ ગંદવાડ અને મંદવાડમાંથી મુક્તિ.’

બાપુજી તો નીકળી ગયા. હું તેમની પાછળ સ્મશાનમાં...

‘બાપુજી તમે...’

‘બસ બેટા, બહુ થયું. મને નનામી થવાનો મોકો પણ ન આપે એવો દીકરો હોય તોયે શું ને ન હોય તોયે શું? મને આજે સમજાયું કે આ શરીર, આ નામ, આ પ્રતિષ્ઠા બધું બીજાએ જ આપ્યું. સ્મશાન પણ બીજા ચાર ઊંચકીને લઈ આવે છે. એટલે કંટાળી હું નીકળી ગયો. જો બેટા, સાંભળ. ઘર સે તો સોચકે નિકલા કિ મર જાના હૈ, રાસ્તે મેં કિતને લોગોંને પૂછા કિધર જાના હૈ, મૈં તો મયખાને કી દુનિયા મેં ડૂબ ગયા, જબ હોશ આયા તો માલૂમ પડા મુઝે તો અપને ઘર જાના હૈ. આ જ સાચું કાયમી રહેઠાણ છે.’

પછી બાપુ સ્મશાનના મંદિરમાં બોલ્યા, ‘સૉરી પ્રભુ, માલૂમ તો થા યહી થી મંઝિલ મેરી, મગર ઝિંદગી ગુઝર ગઈ યહાં આતે આતે.’

પ્રભુ બોલ્યા, ‘અંત મે ક્યા મિલા તુઝે ઇસ દુનિયા મેં, અપનોંને હી જલા ડાલા, તુઝે જાતે જાતે.’

‘બેટા, હવે કાયમ પ્રભુ પાસે જ રહેવાનું. પણ તને કહું અંત સુધી કશું જ આપણું હોતું નથી ને કોઈ આપણું હોતું નથી. અંતે તો તું રાખ, બસ એટલું જ યાદ રાખ...’

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK