સમયને પણ થોડો સમય આપો તો જરૂર સમય બદલી નાખશે

જયંતીલાલ, તમારા પોતાના અંગત અને એક્ઝૅક્ટ કહી શકાય એવા દીકરા કેટલા? નવા-નવા રહેવા આવેલા પાડોશી ચંપકલાલે પૂછયું.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર


‘તમારે કેટલા રાખવા છે એ બોલો?’ પછી આંગળીનાં વેઢાં ગણતાં-ગણતાં હસીને જયંતીલાલ બોલ્યા હતા, ‘એક જમાનામાં પાંચ, પણ હવે હાજર સ્ટૉકમાં ચાર બચ્યા છે. ૧૦ વર્ષ પહેલાં સૌથી નાનો સુભાષ...’

‘સૉરી જયંતીલાલ, વેરી સૉરી, વેરી બૅડ, વૅરી સૅડ. પણ એ બન્યું કઈ રીતે? બીમારી કે ઍક્સિડન્ટ? ખૂન કે પછી આપઘાત? એક્ઝૅક્ટ કઈ રીતે ગુજરી...’

‘ગુજરી નથી ગયો વહાલા, દાયકા પહેલાં તે હાસ્યલેખક બની ગયેલો. ઍક્ચ્યુઅલી તો તેને હાસ્યકલાકાર બનવું હતું, પણ ફાલતુ જોક કીધા પછી દર પ્રોગ્રામમાં કહેવું પડતું કે મિત્રો અહીં જોક પૂરો થયો, હવે હસો. છતાં કોઈના ચહેરા પર રૂપિયાના ટચૂકડા સિક્કા જેટલું પણ સ્માઇલ નહોતું આવતું અને ઉપરથી દર્શકો ક્રોધિત મુદ્રા ધારણ કરતા. એક વાર તો લાયન્સ ક્લબમાં શો કરતી વખતે બફાટ કર્યો કે તમે અહીં લાયન છો તો ઘરમાં કેમ બકરી જેવા થઈ જાઓ છો? આપણે માણસો જો ‘લાયન્સ ક્લબ’ ખોલીએ તો જંગલમાં સિંહનાં ટોળાં કેમ ‘મેન્સ ક્લબ’ નથી ખોલતાં અને તમને કોઈ પશુ-જનાવર કે ઢોર કહે તો ભડકી જાઓ છો, પણ ક્લબમાં લાયન તરીકે ઓળïખાવું કેમ ગમે... તો શું લાયન એ જાનવર નથી? લાયન્સ ક્લબ હોય કે બકરી ક્લબ... ત્યાં તો મેમ્બરોની ધીરજ ખૂટી અને છુટ્ટી બાટલીઓ મારીને ૧૦૮ બોલાવી ઘરે લાવ્યા. બસ એ તેનો છેલ્લો શો. આખી હાસ્યબૅન્ક ફડચામાં ગઈ અને હાસ્યલેખક બનવાનું તૂત ઊપડ્યું. મેં કેટલું સમજાવ્યું કે બેટા, કોઈ પણ અખબારમાં લખ, પણ જે એક પેપરની કિંમત સવારે ૬ રૂપિયા હોય છે એ જ પેપર સાંજે ૧૨ રૂપિયે કિલોના ભાવે વેચાય છે.

સમય-સમયની કિંમત છે બેટા. પણ મિસ્ટર ચંપકલાલ, તેનો કૉન્ફિડન્સ ગજબનો. મને કહે કે બાપુ જોજો તો ખરા મારી કલમની તાકાત. ઈશ્વરને પણ શનિવારે મારી કૉલમ વાંચવાની તાલાવેલી જાગે એવું લખીશ.’

‘જો બેટા...’ મેં કીધું, ‘ઈશ્વરને આપણા પરિવારના ચહેરાઓની મજબૂરી વાંચવાનો સમય નથી. એ તારા લેખ કંકોડામાંથી વાંચશે.’

‘કંકોડામાંથી નંઈ બાપુ, અખબારમાંથી - ‘મિડ-ડે’માંથી વાંચશે. થોડો સમય જવા દો બાપુ. સમયને પણ થોડો સમય આપીએ તો એ આપણો સમય બદલી નાખે બાપુ...’

‘થોડો એટલે કેટલો? એમાં તો જિંદગી પૂરી થઈ જાય. સારો સમય પણ સમયસર ન આવે તો આપણે મજબૂરિયાં લઈને ક્યાં ભટકવાનું બેટા...’

‘બાપુ, સારો સમય ન આવે ત્યાં સુધી હું તમારા દીકરા તરીકે રાજીનામું આપું છું.’

‘બસ એ દિવસથી હું પાંચને બદલે ચાર દીકરા સમજું છું.’ જયંતીલાલ ગળગળા થઈ ગયા.

‘ઍગ્રી, બાકીના ચાર દીકરા શું કરે છે?’ ચંપકલાલે વાતનો દોર આગળ ચલાવ્યો.

‘સૌથી મોટો કનુ MBA થયો. તેનાથી નાના અશોકે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ફાઇનલ એક્ઝામ આપી. પછીના ભરતે MBBS પૂરું કર્યું, હવે MDમાં...

(વા..આ..આ..આ..ઉ, વેરી ગુડ. અને ચોથો?’)

‘ચોથો ચંબુ, તેનું ખિસ્સાકાતરુનું કામ છે.’

‘બાપ રે.’ ચંપકલાલ ચમક્યા. ‘સાલું કહેવાય છે કે મોરનાં ઈંડાંને ચીતરવાં ન પડે, પણ એકાદ ઈંડું એવું આવી જાય કે મોરનું છે કે ઢેલનું એની ખબર જ ન પડે. અરે જયંતીલાલ, આટઆટલું સરસ ભણેલા ત્રણ દીકરા તેમનું ઊંચું સ્ટેટસ ધરાવતા હોય, ગામમાં તમારું ઊજળું નામ હોય ને એકાદ આવો કપાતર પાકે તો ઇજ્જતનો ફાલૂદો થઈ જાય. તમે તેને ભણાવ્યો નંઈ? હું તો કઉં કે કાઢી મૂકો તેને ઘરની બહાર... આ ખોટી નોટને ઘરમાં રખાય જ નંઈ.’

‘ન કઢાય, ચંપકલાલ. એ જ તો છે મારો લાલ જે ખિસ્સાકાતરુ બનીને અમારા બધાનું પૂરું કરે છે. ઘરનો બધો આધાર છે... તેને તો રાખવો જ પડે.’

‘શું વાત કરો છો, જયંતીલાલ!’ ચંપકલાલના ચહેરા પર કાન જેવું આર્ય પ્રગટ્યું. ‘એક ખિસ્સાકાતરુ ઘર ચલાવે છે, પકડાઈ જશે તો?’

‘અરે માય ડિયર ચંપકનંદન, ખિસ્સાકાતરુઓ આખો દેશ ચલાવે તો મારો દીકરો ચંબુ ઘર ન ચલાવી શકે... અરે વહાલા પેલા ટોપાઓ મોંઘવારીમાં આપણને અડ્યા વગર ભાવ વધારીને ખિસ્સાં કાપી જ લે છેને? યુ નો? અમારું કુટુંબ તો ગરીબાઈમાં રિબાઈ ગયેલું, પણ મોટા ત્રણ દીકરાઓ મને સમજાવતા કે પપ્પા ઈશ્વરે આપણને પેટ લઈને મોકલ્યા છે તો કંઈક બનવું તો પડશેને? બસ. મનમાં નક્કી કર્યું કે ઉછીના-પાછીના લઈ, દાગીના ગીરવી મૂકી તેમને ભણાવવા, પણ એમ છતાં રૂપિયા ખૂટ્યા એટલે બૅન્કની FD તોડવાનું નક્કી કર્યું; પરંતુ ચંપકલાલ, બૅન્કે રૂપિયા ન આપ્યા. બૅન્કનું ઉઠમણું થઈ ગયેલું. ૩૦૦૦ રૂપિયાથી વધુ રકમ ન ઉઠાવી શકાય. આપણા પૈસા આપણે જ ન વાપરી શકીએ (બોલો કપોળ બૅન્ક કી જય). આવી રીતે કો-ઑપરેટિવ બૅન્કો જ

કો-ઑપરેશન ન આપે તો જવું ક્યાં? ઓ ચંપકલાલ, બૅન્ક ઊઠી જાય તો ક્યારેક પાછી બેઠી થઈ જાય, પણ આપણે જો આ દુનિયામાંથી ઊઠી ગયા તો... જય શ્રીકૃષ્ણ ચંપકલાલ, મારા ખિસ્સાકાતરુ ચંબુએ જ મારા ત્રણેય દીકરાઓની ફી ભરી, ગીરવે મૂકેલા દાગીના છોડાવ્યા. આજે મારો દીકરો ખિસ્સાકાતરુ નંબર-વન છે. ઍક્ચ્યુઅલી તો અમારા વડવાઓ પણ સારા ખિસ્સાકાતરુ હતા. હાલતાં-ચાલતાં લોકોનાં ખિસ્સાં કાતરતાં ને ક્યારેક પકડાતા તો પોલીસ-ખાતાને તેનો ભાગ આપીને છૂટી જતા. અરે સરકારે સૌથી વધુ વંઠેલ દીકરામાં મારા દીકરાને મારા હસ્તકે જ પારિતોષિક અપાવેલું. એક સસ્પેન્સ કઉં? અમારા કુટુંબમાં ખિસ્સાકાતરુ તરીકેનો અવૉર્ડ મને થોડા વખત પહેલાં મળેલો, પણ મેં એ નકારી કાઢ્યો. જ્યાં લાકડાભેગા થવાની તૈયારી હોય ત્યાં કોના ખિસ્સાં કાપવાં? ચંબુ નાનો છે અને હજી ખિસ્સાકાતરુ તરીકેની લાંબી મજલ કાપવાની છે, પણ ચંબુ બાપદાદાનો વારસો જાળવશે એ નક્કી.’

મિત્રો, હવે તમારે શિક્ષણની જરૂર નથી. ચંબુ ટૂંક સમયમાં ‘ચંબુ ખિસ્સાકાતરુ ટ્રેઇનિંગ કંપની’ ખોલે છે જેમાં પૅન્ટનાં કે શર્ટનાં નાનાં-મોટાં ખિસ્સાં કેમ કાપવાં એ શીખવવામાં આવશે. હમણાં ભણવાની જાહેરાત વાંચી. ૧૦૦ એકરમાં પથરાયેલું સંકુલ અને ૫૦૦ એકરમાં પથરાયેલી યુનિવર્સિટી... સાલું છોકરાઓને ભણવા મૂકવાના છે કે ચરવા. જો ભૈ સ્કૂલમાં બરાબર શિક્ષણ મળે તો ટ્યુશનની ક્યાં જરૂર છે, પણ આ બધા હળીમળીને ધંધો કરી આપણાં ખિસ્સાં કાપી લે છે. માટે જ કહું છું કે શિક્ષણની ફી ઘટે, શિક્ષણનું ધોરણ ઘટે તો કોને કહેવું? બધું ભણ્યા પછી એ જ ખબર ન પડે કે જલેબી અને પકોડાને ઇંગ્લિશમાં શું કહેવાય?

€ € €

હવે મને ચંબુએ બોલાવી લીધો, ‘સુભાષ તું એક

બુક લખ. પ્રકાશિત હું કરીશ, પણ નામ આપજે ‘ખિસ્સાં કાતરવાની કળા.’

હવે મેં પણ દીકરા તરીકેનું રાજીનામું પાછું ખેંચ્યું છે.

હવે બાપુજી ફરી બોલતા થઈ ગયા કે ‘મારે ચાર નંઈ, પાંચ દીકરા છે.’

 લૂંટ બચાવવા પણ લૂંટ કરવી પડે છે.

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK