મેડિક્લેમ આપવા માટે ફેરફુદરડી ફેરવતા બાબુઓ RTIની અરજી જોઈને ડાહીમાના દીકરા થઈ ગયા અને ક્લેમની રકમ ચૂપચાપ ખાતામાં જમા કરી નાખી

એક મહિનાની અંદર મેડિક્લેમની રકમ ચૂપચાપ ખાતામાં જમા કરાવનાર બાબુઓ સામેની લડાઈની આ કહાણી છે.

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

ડોમ્બિવલી (વેસ્ટ)માં રહેતા પૅરૅલિસિસની બીમારીથી ત્રસ્ત નિવૃત્ત સિનિયર સિટિઝન સૂર્યકાન્ત વિશનજી લોડાયાની ૧૫ મહિના સુધી થર્ડ પાર્ટી ઍડ્મિનિસ્ટ્રેટર (TPA) તથા વીમા-કંપનીના બાબુઓએ કરેલી સતામણી તથા રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI)  ઍક્ટ હેઠળની અરજીને કારણે

૨૦૧૪ના મે મહિનામાં જૈન ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન (JIO)ની મેડિક્લેમ પૉલિસી ખરીદી. ૨૦૧૫ની ૨૫ મેએ જામનગરમાં પૅરૅલિસિસનો અચાનક હુમલો થતાં સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ થયા. ૨૦૧૫ની ૩૦ મેએ ડિસ્ચાર્જ મળતાં મુંબઈ આવી ડોમ્બિવલી (વેસ્ટ)ની હૉસ્પિટલમાં સારવાર લીધી.

૨૦૧૫ની ૧૭ જુલાઈએ રાત્રે એક વાગ્યે દુખાવો ઊપડતાં ફરીથી હૉસ્પિટલમાં દાખલ થયા. તબિયત સુધરતાં બીજે દિવસે હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ૨૦૧૫ની ૨૧ ઑગસ્ટે કુરિયર મારફત ક્લેમનું ફૉર્મ ભરી જરૂરી પ્રિસ્ક્રિપ્શન, દવાનાં બિલો, હૉસ્પિટલના ડિસ્ચાર્જ-કાર્ડ સાથે વીમા-કંપનીના TPA પૅરેમાઉન્ટ હેલ્થ સર્વિસિસ પ્રાઇવેટ લિમિટેડને મોકલવામાં આવ્યું.

પરિવારમાં માત્ર પતિ-પત્ની જ હતાં અને બન્ને વૃદ્ધ હોવાથી તેમ જ સૂર્યકાન્તભાઈને પૅરૅલિસિસ હોવાથી ચાલવામાં અને બોલવામાં તકલીફ હતી. આવકનો કોઈ સ્રોત ન હોવાથી, હૉસ્પિટલનું બિલ ચૂકવવા મેડિક્લેમની રકમ મળ્યેથી પાછા આપવાની શરતે રિલેટિવ્સ પાસેથી હાથ-ઉછીની રકમ લીધેલી.

રિલેટિવ્સ પાસેથી લીધેલી રકમ સમયસર પરત કરી શકાય એટલે TPA કાર્યાલયમાં ક્લેમ ચુકવણીની સ્થિતિ જાણવા ફોન કરતા રહ્યા, પરંતુ TPAના બાબુઓ ઉડાઉ જવાબ આપતા રહ્યા. છેવટે કંટાળીને નાના ભાઈને લઈને TPAના થાણેસ્થિત કાર્યાલયમાં પહોંચ્યા. પૂછપરછ કરતાં જણાવવામાં આવ્યું કે ક્લેમ પ્રોસેસ કરવા ફલાણા-ફલાણા રિપોર્ટ્સની કૉપી સબ્મિટ કરો. શું આ વાત ફોન પર જણાવી ન શકાઈ હોત? ટાળાટાળ કરવામાં બાબુઓનો જોટો જડે નહીં. સૂર્યકાન્તભાઈએ રર્પિોટ મેળવી TPAના કાર્યાલયમાં સબ્મિટ કર્યો અને રિસીટ પણ મેળવી. હવે ક્લેમની રકમ ક્યારે મળશે એની પૃચ્છા કરતાં જણાવવામાં આવ્યું કે ક્લેમ મંજૂર થતાં આપને જાણ કરીશું. આવું રૂપકડું પરંતુ હળાહળ ખોટું બહાનું ધરી સૂર્યકાન્તભાઈને ભગાડી દીધા અને ક્લેમ ફાઇલ કોલ્ડ-સ્ટોરેજને હવાલે કરી.

સૂર્યકાન્તભાઈ અવારનવાર ફોન કરતા રહ્યા. એક તો ફોન જલદી લાગે નહીં, લાગે તો એન્ગેજ્ડ આવે અને નસીબ સારાં હોય તો ફોનની ઘંટડી સામે રણકે તો બાબુઓ ઉપાડવાની તસ્દી લે નહીં. સારા મુરતમાં ફોન કર્યો હોય, ઘંટડી વાગી હોય, બાબુઓએ ઉપાડ્યો પણ હોય તો સ્ટિરિયો-ટાઇપ જવાબ મળે કે ક્લેમ પ્રોસેસમાં છે અને હજી સમય લાગશે.

૨૦૧૬ના માર્ચ મહિનામાં ફોન કરતાં બાબુ મોશાયે બેશરમીથી જણાવ્યું કે ક્લેમ સબ્મિટ કર્યાને છ મહિનાથી વધુ સમય થઈ ગયો છે એથી આપની ક્લેમ-ફાઇલ બંધ કરી દેવામાં આવી છે. સૂર્યકાન્તભાઈને તો પગ હેઠળની જમીન સરકતી લાગી. હતાશાની ગર્તામાં ડૂબી ગયા. શું કરવું એની અસમંજસમાં હતા. હળવા થવાના ભાવથી પાડોશમાં રહેતાં બહેનને પોતાની વિટંબણાની વાત કહી. આવું છું એમ કહી બહેન પોતાના ઘરે ગયાં.

‘મિડ-ડે’ની કૉપી લઈ તેઓ પાછાં આવ્યાં. શનિવારના દિવસની એ કૉપી હતી. RTIની તાકાત કૉલમનું પાનું ખોલી વાંચવા જણાવ્યું. જોગાનુજોગ JIO સ્કીમ હેઠળ મેડિક્લેમની જ એ કથા હતી. પાડોશી બહેને લેખાંકમાં પ્રસિદ્ધ થયેલા સરનામે સર્વે પેપર્સ લઈ જવા કહ્યું. સેવાભાવીઓને ફોન કરી અપૉઇન્ટમેન્ટ મેળવી આપી, પાડોશી ધર્મ સુપેરે બજાવ્યો.

૨૦૧૬ના સપ્ટેમ્બર મહિનામાં સૂર્યકાન્તભાઈ તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-થાણે પહોંચ્યા, જ્યાં તેમની મુલાકાત કેન્દ્રના નિયામક રાજેન ધરોડ સાથે થઈ. રાજેનભાઈ તથા સાથીઓએ તેમની વિટંબણાની વાત શાંતિથી સાંભળી, લાવેલી ફાઇલનો અભ્યાસ કરી નૅશનલ ઇન્શ્યૉરન્સ કંપની પ્રાઇવેટ લિમિટેડ-ફોર્ટ કાર્યાલયના સરનામે વિગતવાર પત્ર લખી આપ્યો. જે હૉસ્પિટલના સર્વે રિપોર્ટ્સ, ક્લેમ-ઍપ્લિકેશનની કૉપીઓ જોડી વીમા-કંપનીમાં આપવામાં આવ્યો. પત્ર લેનાર બાબુને પૃચ્છા કરતાં જણાવ્યું કે પંદર-વીસ દિવસ બાદ તપાસ કરશો. વીસેક દિવસ બાદ તપાસ કરતાં જણાવવામાં આવ્યું કે તમારો ક્લેમ પાસ થઈ જશે, પરંતુ એકાદ મહિના જેવો સમય લાગશે.

સૂર્યકાન્તભાઈ રાજેનભાઈને બનતા ઘટનાક્રમ વિશે માહિતી આપતા રહ્યા. બાબુશ્રી પ્રથમ પંદર દિવસનો, ત્યાર બાદ એકાદ મહિનાનો વાયદો આપતા. રાજેનભાઈને બાબુશ્રીના વાયદા અગસ્ત્યના વાયદા લાગ્યા, જે આપવામાં આવે પણ પાળવામાં ન આવે. રાજેનભાઈએ તેમને કેન્દ્ર પર આવીને મળી જવા જણાવ્યું.

૨૦૧૬ની ૧૩ ઑક્ટોબરે સૂર્યકાન્તભાઈ RTI કેન્દ્ર-થાણે પહોંચતાં રાજેનભાઈ અને સાથીઓએ RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી, જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવી:

૧. ૨૦૧૫ની બાવીસ ઑગસ્ટે રજિસ્ટર્ડ થયેલા ક્લેમ-નંબર ૨૮૭૯૬૯૬ પર કરવામાં આવેલી કાર્યવાહીની ક્રમબદ્ધ માહિતી તથા ક્લેમની સાંપ્રત સ્થિતિ.

૨. જો ક્લેમ પર કાર્યવાહી કરવામાં ન આવી હોય કે અધૂરી કાર્યવાહી કરવામાં આવી હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૩. ક્લેમ પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો તથા સંપર્ક વિગતોની સંપૂર્ણ માહિતી.

૪. જો જવાબદાર અધિકારીએ પૂર્ણ જવાબદારી અદા ન કરી હોય કે કાર્યવાહી વિલંબથી કરી હોય તો તેના પર લેવામાં આવેલાં શિક્ષાત્મક પગલાંની વિગતવાર માહિતી.

૫. જો ઉપરોક્ત (૪) મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ન આવી હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૬. બેજવાબદાર અધિકારી પર પગલાં લેવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો તથા સરનામા, મોબાઈલ-નંબર, ડાયરેક્ટ તથા બૉર્ડના લૅન્ડલાઇન નંબરોની વિગતવાર માહિતી.

૭. આપણા વિભાગની નિયમાવલિ મુજબ ઉપરોક્ત નંબર(૧)માં જણાવેલા ક્લેમ પર પગલાં લેવાની મહત્તમ સમયમર્યાદા.

૮. આપના વિભાગના અપડેટેડ સિટિઝન-ચાર્ટરની પ્રમાણિત કૉપી આપશો.

૯. જો સિટિઝન-ચાર્ટર ન હોય કે અપડેટેડ ન હોય તો એના માટે કસૂરવાર અધિકારીનું નામ, હોદ્દો તથા સંપૂર્ણ સંપર્કની વિગતો જણાવશો.

૧૦. ઉપરોક્ત (૯) મુજબ કસૂરવાર અધિકારી સામે લેવામાં આવેલાં શિક્ષાત્મક પગલાંની વિગતવાર માહિતી.

૧૧. ઉપરોક્ત (૯) અને (૧૭) મુજબ શિક્ષાત્મક પગલાં લેવાની જવાબદારી ધરાવનાર વરિષ્ઠ અધિકારીનું નામ, હોદ્દો તથા સંપૂર્ણ સંપર્કની વિગતો.

૧૨. સિટિઝન ચાર્ટરની ફોટોકૉપી પર થનાર ખર્ચની રકમ જણાવશો, જેથી એ  રકમ ભરવાની જોગવાઈ કરી શકાય.

૧૩. આ RTI અરજીનો આપે આપેલ ઉત્તર સંતોષકારક ન લાગે તો RTI કાયદા અંતર્ગત નિમાયેલા પ્રથમ અપીલ અધિકારીનું નામ, હોદ્દો તથા સંપર્કની સંપૂર્ણ વિગતોની માહિતી આપશો.

૧૪. માહિતી અંગ્રેજીમાં આપશો તથા મારા ઉપરોક્ત સરનામે સ્પીડ પોસ્ટ કે રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલાવશો.

RTI કાયદા અંતર્ગતની આવી ધારદાર અરજી વાંચીને અરજીનો સ્વીકાર કરનાર બાબુના તો મોતિયા મરી ગયા. સૂર્યકાન્તભાઈને બેસાડી, RTI અરજી લઈ અધિકારી પાસે ગયા. અરજી વાંચી અધિકારી મહોદય પણ પરસેવે રેબઝેબ થયા હોવા જોઈએ. તેમણે સૂર્યકાન્તભાઈને બોલાવી અરજીની જરૂર નથી, આપનું કામ પંદર દિવસમાં પૂર્ણ થઈ જશે એ વચન આપું છું એવું કહ્યું.

રાજેનભાઈએ કહેલું કે ‘આવું કાંઈ બને તો પણ અરજી આપીને જ આવજો. એ લોકો ફોસલાવવાનો પ્રયત્ન કરે તો ફોસલાતા નહીં. તેમને ચોખ્ખું જણાવી દેશો કે બાર મહિના રાહ જોયા બાદ આપે જ મને આ પગલાં લેવા મજબૂર કર્યો છે.’

સૂર્યકાન્તભાઈએ આગ્રહ રાખતાં RTI કાયદા અંતર્ગતની અરજી સ્વીકારવાની ફરજ પડી. અરજીએ કટાયેલી મશીનરીમાં તેલ પૂરવાનું કાર્ય કર્યું. વગર મહેનતાણે બાબુઓ ઓવરટાઇમ કરવા લાગ્યા.

૨૦૧૬ની ૯ ડિસેમ્બરે સૂર્યકાન્તભાઈ માટે સોનાનો સૂરજ ઊગ્યો. બાબુઓએ ચૂપચાપ, ડાહીમાના ડાહ્યા-ડાહ્યા દીકરા થઈ ફરિયાદીના બૅન્ક-અકાઉન્ટમાં ૧૮,૫૩૬ રૂપિયા જમા કરી નાખ્યા.

રાજેનભાઈ તથા સેવાભાવીઓની કર્તવ્યનિષ્ઠાથી તથા RTI કાયદાની માત્ર છડી પોકારતાં સૂર્યકાન્તભાઈ તથા સાથીઓની ૧૬ મહિનાની યાતનાનો સુખદ અંત આવ્યો તથા વધુ એક વાર RTI કાયદાની તાકાત પુરવાર થઈ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK