મુકામ પોસ્ટ ગઝલ

વડોદરામાં રહેતા શાયર કીર્તિકાન્ત પુરોહિત વ્યવસાયે મેકૅનિકલ એન્જિનિયર છે, છતાં તેમની ખરી કીર્તિ તેમના કાવ્યસંગ્રહોને કારણે સ્થાપિત થઈ છે. તેમના ગઝલસંગ્રહ ‘મુકામ પોસ્ટ ગઝલ’માંથી લાગણીના મુકામ તરફ જવાની સફરનો આરંભ કરીએ.
અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

વડોદરામાં રહેતા શાયર કીર્તિકાન્ત પુરોહિત વ્યવસાયે મેકૅનિકલ એન્જિનિયર છે, છતાં તેમની ખરી કીર્તિ તેમના કાવ્યસંગ્રહોને કારણે સ્થાપિત થઈ છે. તેમના ગઝલસંગ્રહ ‘મુકામ પોસ્ટ ગઝલ’માંથી લાગણીના મુકામ તરફ જવાની સફરનો આરંભ કરીએ.

એ શરણનો છે અવર ઉપાય ક્યાં!

ભક્ત પણ ભગવાન છોડી જાય ક્યાં?

શાંત થઈને સાંજ ઝાંખપ લઈ ઢળી

રાત ઓઢી સૂર્ય પણ ઢંકાય ક્યાં?


જેમ બાળકને મા વગર ચાલે નહીં એમ ભક્તને ભગવાન વગર ચાલે નહીં. આપણે અખિલાઈમાંથી છૂટા પડેલા અંશ છીએ. એક જિંદગી જીવી જઈને પાછું અખિલાઈમાં જ ભળી જવાનું છે. આ શ્વાસો ઈશ્વરની સોગાદ છે. સૂર્યાસ્તની શરત હોવા છતાં ઉદયનો ઉત્સાહ નાનીસૂની ઘટના નથી. નદીની જેમ વહેતી જિંદગીમાં અનેક મુકામો આવશે. ક્યાંક અવરોધ હશે તો ક્યાંક વિરામ હશે. શાયર લક્ષ્યને નજર સામે રાખવાની શીખ આપે છે...

કેડી ભલે બદલ, નક્શા બદલતો નહીં

દૃશ્યો ભલે બદલ, સપનાં બદલતો નહીં

કાંતી શકે અગર, બારીક ચાદર વણ

પૂણી ભલે બદલ, ચરખા બદલતો નહીં


જેનું લક્ષ્ય નર્ધિારિત ન હોય એની શક્તિ આડેધડ વપરાતી જાય. કેટલાક જણ દર બે-પાંચ વરસે વ્યવસાય બદલે અને કોઈમાં ઠરીઠામ ન થાય. વેરાઈ જવું જુદી વાત છે અને વિસ્તરણ જુદી વાત છે. બન્નેના અભિગમ અને પરિણામમાં ફરક હોવાનો. કુદરત પાસેથી મૅનેજમેન્ટના અનેક સિદ્ધાંતો ભણી શકાય. એક સિદ્ધાંત આ રહ્યો...

ફણગો બનીને ફૂટવું હોય ત્યારે

ધરતીની સામે બીજ માથું ઉપાડે


કોઈ પણ સામ્રાજ્ય એમનેમ ઊભા નથી થતા. એમાં દાયકાઓની મહેનત હોય છે. માત્ર પુરુષાર્થ નહીં, દૂરંદેશી પણ મહત્વનો ભાગ ભજવે. કુશળ ઉદ્યોગપતિ આજનું નહીં એક દસકા પછીનું વિચારતો હોય છે. કારકિર્દીમાં ક્યાં કોમા મૂકવું, ક્યાં ફુલસ્ટૉપ મૂકવું અને ક્યાં અસ્ખલિત આગળ વધવું એ માટે ભણતરની સાથે કોઠાસૂઝ પણ જરૂરી છે. કૉન્ગ્રેસીઓ માફ કરે, પણ શાયરના આ શેર સાથે રાહુલ ગાંધીને કંઈ લાગતુંવળગતું નથી.

બહુ થયું, ત્રિજ્યા હવે લંબાવ નહીં

કેન્દ્રબળ વિસ્તારવાલાયક નથી


કેટલાકને નેતૃત્વ વારસામાં મળતું હોય છે અને કેટલાક એ દાયકાઓની તપસ્યા બાદ મેળવે છે. કોઈ પણ કંપની, સંસ્થા, રાજ્ય કે દેશની પ્રગતિ એના સુકાની પર નર્ભિર હોય છે. કાગળ પર ઉત્તમ આદર્શો ચીતરવાથી વાંચવાનો આનંદ જરૂર આવે, પણ અમલીકરણ વગરના આદર્શોનું રૂપાંતર આઘાતમાં થઈ જાય. રાજકારણમાં તો વાયદાઓ દાયકાઓ વળોટી જતા હોય છે. છેતરાતી જનતા ચૂંટણી વખતે એનો જવાબ આપે છે. 

વાતને લાંબી કરો નહીં એટલી

કોઈ પરખાવે પછી તો રોકડું


મુંબઈ જેવા શહેરમાં એક રોકડી ને ખણખણતી વાસ્તવિકતા માતૃભાષાના મૃત્યુઘંટની છે. ભાષા મરવાની નથી એવી ધાડશ આપનારા સામે સંશોધકોના આંકડાઓ કંઈક જુદું કહે છે. વર્ષ ૨૦૦૦ પછી ૧૯ ભાષા ભૂંસાઈ ગઈ છે. એક અનુમાન પ્રમાણે વિશ્વમાં બોલાતી લગભગ ૭૦૦૦ ભાષામાંથી પચાસ ટકા આ સદીના અંત સુધીમાં રામશરણ થઈ જશે. નવી પેઢી ગોવર્ધનરામ ત્રિપાઠી, મેઘાણી, ધૂમકેતુ કે રમેશ પારેખ જેવા સર્જકોને વાંચે એવી કોઈ જાજરમાન અપેક્ષા નથી, પણ કમસે કમ ગુજરાતી અખબાર વાંચે એટલી ટબૂકડી આશા તો ખરી જ. 

ચુપકીદી ઓઢી બધે ધરતી સૂતી

તટ કથા ખળખળની કરે તો ક્યાં કરે?

કીર્તિ ગુજરાતી પણ ન સાચું આવડે

રઢ અખા શામળની કરે તો ક્યાં કરે?

મા અને માતૃભાષાનું વહાલ ભેગાભેગ વહે છે. આ શેર જેટલો માતૃત્વ માટે છે એટલો જ માતૃભાષા માટે પણ યથાર્થ છે.

મા હતી બસ ત્યાં સુધી તો ઘર હતું

મા જતાં, રહેવાની એ સગવડ હતી

ક્યા બાત હૈ

એ ચબરખી ભૂલથી ખોયા પછી

બે નજર મળવા છતાં મળતી નથી

સ્ટૉપ પર બસ રોજ આવે જાય પણ

સીટ ખાલી એક થઈ, ખાલી રહી

જે વળગણી પર સૂકવતી ફ્રૉક તું

ત્યાં હવે સાડી મને ખટકી જતી

દીકરી છોને ગરીબની છોકરી

આયનાથી દોસ્તી તોય ઘણી

રોડના પહોળા થવાની જીદમાં

એક ટહુકાએ ગુમાવી ડાળખી

લાખ રૂપિયા લાશને ગજવે મળ્યા

નોટમાં ફુટપાથ સરનામું લખી

શહેરમાં આવી હવા મૂંઝાઈ ગઈ

શ્વાસ લેવાને દવા લેવી પડી

ગામ એની નોંધ પણ લેતું નથી

કીર્તિ જો ગજવે કદી ના ખણખણી

- કીર્તિકાન્ત પુરોહિત

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK