અલવિદા મુંબઈ

પૈસા આપીને આ આર્થિક રાજધાનીએ ક્વૉલિટી ઑફ લાઇફ છીનવી લીધી છે. ચોમાસામાં મુંબઈકરના માથે તકલીફોનો પણ ભરપૂર વરસાદ પડી રહ્યો છે ત્યારે આ શહેરની માયા છોડીને બીજે રહેવા ગયેલા કેટલાક એક્સ-મુંબઈકર સાથે વાત કરીએ

mumbai

રુચિતા શાહ

સમય કરતાં પણ વધુ ઝડપથી ભાગી શકે તે મુંબઈમાં રહી શકે, ગમેતેવી ભીડમાં પણ પોતાની જગ્યા બનાવી શકે તે મુંબઈમાં રહી શકે, ગમેતેવી પરિસ્થિતિમાં પણ રફતાર જાળવી શકે તે મુંબઈમાં રહી શકે. માયાનગરી મુંબઈમાં રહેવું દરેકના બસની વાત નથી. છેલ્લા થોડાક દિવસોના વરસાદે મુંબઈ અને મુંબઈકરની રફતારને બહુ મોટો ઝાટકો આપ્યો છે છતાં મુંબઈકરની ઝડપને ચોટ પહોંચી નથી. વરસાદ સિવાય પણ મુંબઈકર ભરપૂર પડકારોનો સામનો કરતો રહે છે. ઠેર-ઠેર વિખેરાયેલા કચરાના ઢગલા, ગંદકી અને બદબૂથી ખદબદતા વિસ્તારો વચ્ચે પણ આપણે રહી જાણીએ છીએ. મુંબઈનો મોહ છે જ એવો. જોકે આજે આપણે કેટલાક એવા લોકો સાથે વાત કરવાના છીએ જેમણે મુંબઈમાં જ જન્મ લીધો, જીવનના તમામ સંઘષોર્નો સામનો મુંબઈમાં જ કર્યો, વિકાસની ડગર પણ મુંબઈમાં જ કાપી અને પછી એક વાર મુંબઈને, મુંબઈની હાડમારીને અલવિદા કહીને બીજે સ્થાયી થવાનો નર્ણિય લીધો. મુંબઈમાં રહેલી વ્યક્તિ બીજે ક્યાંય રહી ન શકે એ ધારણાને પત્તાના મહેલની જેમ હવામાં ઉડાવી દેનારા કેટલાક ભૂતપૂર્વ મુંબઈગરાઓ સાથે ગુફ્તગૂ કરીએ અને જાણીએ મુંબઈ વિના તેમની લાઇફ કેવી છે, ખરેખર તેઓ મુંબઈને મિસ કરે છે કે નહીં?

જન્મથી રિટાયરમેન્ટ સુધી મુંબઈમાં જીવ્યા, પણ હવે બરોડામાં : જ્યોતીન્દ્ર અને વર્ષા દલાલ


‘પચાસ વર્ષ ટ્રેનમાં ધક્કા ખાધા છે હવે કેટલુ કરવાનું. એક દિવસ નક્કી કર્યું રિટાયર્ડ થાઉં એના પહેલા મુંબઈ છોડીને જતા રહેવું છે અને મેં નક્કી કર્યું કે નિવૃત થાઉં એ પહેલાં એક જગ્યા લઈ લેવી.’

ઇલેક્ટ્રિક માર્કેટમાં કામ કરતા જ્યોતીન્દ્ર દલાલના આ શબ્દો છે. તેમનો જન્મ મુંબઈમાં, અભ્યાસ મુંબઈમાં, કારકર્દિી મુંબઈમાં, લગ્ન મુંબઈમાં, બાળકો મુંબઈમાં અને એ સિવાય જે પણ કંઈ તમને વિચાર આવે એ બધું જ તેમણે મુંબઈમાં કર્યું છે, પરંતુ ત્રણ વર્ષ પહેલાં તેઓ બરોડા શિફ્ટ થઈ ગયા છે. ના, બરોડામાં તેમનું કોઈ પૂર્વજોએ ખરીદેલું ઘર હતું નહીં. બાકાયદા તેમણે ઘર ખરીદ્યું છે. શું કામ? તો એના જવાબમાં જ્યોતીન્દ્રભાઈ કહે છે, ‘હું મુંબઈના ટ્રાફિકથી લઈને મુંબઈની આખો દિવસ દોડતા રહેવાની જીવનશૈલીથી થાકી ગયો હતો. બહુ ભાગી લીધું અને તક મળે ત્યારે મુંબઈ છોડી દેવું છે એવું મનમાં છેલ્લાં ઘણાં વર્ષોથી ચાલતું હતું. મૂળત: અમારા સમાજનો મોટો વર્ગ સુરત રહે છે એટલે નિવૃત્તિ પહેલાં જ સુરતમાં ઘર શોધ્યું, પણ બજેટમાં મેળ નહીં પડ્યો એટલે છેલ્લે બરોડામાં લઈ લીધું. છેલ્લાં ત્રણ વર્ષ જાણે ખરેખર જીવન જીવી રહ્યા હોય એવી લાગણી થાય છે બાકી તો આખી જિંદગી માત્ર ભાગમભાગ સિવાય કંઈ કર્યું જ નથી.’

જ્યોતીન્દ્રભાઈનો દીકરો મુંબઈમાં જ રહે છે એટલે જ્યારે પણ પરિવારને તેમની જરૂર હોય ત્યારે તેઓ મુંબઈ આવી શકે છે. તેમ જ મોબાઇલ ફોનને કારણે આમ પણ વિશ્વ એટલું નાનું થઈ ગયું છે કે ગમેતેવા ડિસ્ટન્સ પછી પણ બધા એકસાથે જ રહી શકે.

શુદ્ધ હવા, સારી અને ફ્રેશ શાકભાજી અને શાંતિનું જીવન જ્યોતીન્દ્રભાઈ અને તેમનાં પત્નીને માફક આવી ગયું છે. બેશક, મુંબઈની કેટલીક બાબતો છે જેને તેઓ મિસ કરે છે. તેઓ કહે છે, ‘વાહનવ્યવહારની સગવડ મુંબઈમાં સારી છે. તમે ઘરની નીચે ઊતરો એટલે તમારી પાસે કોઈ ને કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ હોય. એ બાબતમાં ગુજરાતમાં અગવડ પડે છે. અહીં તમારે સંપૂર્ણ રિક્ષા પર અથવા તો પોતાના વેહિકલ પર નિર્ભર રહેવું પડે. એમાં પણ સાવ અગવડ પડી રહી છે એવું નહીં કહું. અહીં જેટલી શાંતિની કલ્પના મુંબઈમાં તમે કરી જ ન શકો. કંઈ જ ન કરતા હો તો પણ. બીજું એ પણ કહીશ કે નાનાં શહેરોમાં પૈસો ન કમાઈ શકો એ વાત સાવ ખોટી છે. તમે જો ક્વૉલિફાઇડ હો તો મુંબઈ કરતાં વધુ પૈસા અહીં કમાઈ શકો એવા લોકો અમારી આસપાસ રહે જ છે જેમનાં પૅકેજ મુંબઈકર કરતાં પણ વધુ મોટો હોય. બરોડામાં કૉસ્ટ ઑફ લિવિંગ ઓછી છે, પગાર સારો અને શુદ્ધ જીવનશૈલી સાથે અનેક પરિવારો અમારી જેમ રહી જ રહ્યા છે.’

મુંબઈમાં રહેતો છોકરો નહીં જ ચાલે એ માટે ત્રીસેક પ્રપોઝલ રિજેક્ટ કરી છે : પૂજા જોગી

મુંબઈમાં જ જન્મેલી અને મુંબઈમાં જ વિકસેલી લેડી બાઇકર પૂજા જોગીએ લગ્ન તો મુંબઈના છોકરા સાથે નહીં જ કરવાં એવી મનમાં ગાંઠ વાળી લીધી છે. આ જ કારણ છે કે અત્યાર સુધીમાં તેણે ત્રીસેક પ્રપોઝલ ફગાવી દીધી છે. બધી રીતે સુખી હોય, સારો હોય અને ભણેલોગણેલો છોકરો હોય; પણ જો મુંબઈનો હોય તો લગ્ન નથી કરવાં. લગ્ન પછી ગામડામાં સ્થાયી થવાની તેની અદમ્ય ઇચ્છા પાછળનું કારણ જણાવતાં તે કહે છે, ‘અત્યારે હું રોજ પાંચ કલાકનું ટ્રાવેલ કરું છું. સવારે કાંદિવલીથી કુર્લા મારી ઑફિસમાં ગાડી લઈને જાઉં ત્યારે અઢી કલાક ટ્રાફિકમાં પસાર કરવા પડે છે. કાંદિવલીથી કુર્લા ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું તો એથીયે વધુ અગવડભર્યું છે. ન મારાં ખાવાનાં ઠેકાણાં છે ન હું પૂરતું પાણી પી શકું છું, કારણ કે વધુ પાણી પી લીધા પછી ડ્રાઇવ કરતી વખતે તમે ક્યાંય બ્રેક લઈને ફ્રેશ થઈ શકો એવી શક્યતા નથી. તમે માનશો નહીં, પણ આખો સમય ટ્રાફિકમાં ગાડી ચલાવીને અને ખાવા-પીવાની બાબતમાં ખરાબ જીવનશૈલીને કારણે મને અનેક ફિઝિકલ પ્રૉબ્લેમ શરૂ થઈ ગયા છે. કિડની સ્ટોન થયું અને એની સર્જરી કરાવવી પડી. પગના દુખાવા શરૂ થઈ ગયા. શું કામ અને શેના માનમાં આટલું આપણે ભોગવવું જોઈએ. આજે મુંબઈમાં ન તમે શ્વાસમાં સારી હવા લઈ શકો છો ન પેટમાં સારું ભોજન નાખી શકો છો. કોઈ પણ શાકભાજી પાંચ દિવસે તમારા સુધી પહોંચે છે. તમને એમ થાય કે શેના માટે તમે જીવો છો, શું પૈસા આપણે કમાઈ લઈએ છીએ કે આપણે આવો સૅક્રિફાઇસ કરીને જીવીએ. મેટ્રો સિટીના આપણા પ્રશાસને મેટ્રો બનાવવા માટે આખા મુંબઈને ખોદી નાખ્યું છે. કોઈ પ્લાનિંગ નહીં, કોઈ પ્રૉપર મૅનેજમેન્ટ નહીં. એક પછી એક પ્રૉપર પ્લાનિંગ સાથે પણ કામ થઈ શક્યું હોતને. પણ ના, ગમેતેમ બધું ચાલ્યા કરે છે. કોણ માનશે કે આટલી ગંદકીનો ઢગલો પડ્યો હોય એ જ આપણું ઇકૉનૉમિકલ કૅપિટલ છે.’

પૂજા જોગીનો આક્રોશ શબ્દોમાં ન સમજાવી શકાય એ સ્તરનો છે. પૂજાએ એટલે જ લગ્ન કરીને મુંબઈની બહાર કોઈ નાના ગામડામાં સેટલ થવાનો નિર્ણય લીધો છે. નસીબજોગે તેને એ પ્રકારની પ્રપોઝલ મળી પણ છે જેમાંથી ઉપયુક્ત પાત્રની પસંદગીની જાહેરાત તે કરશે. બાઇકિંગનો શોખ ધરાવતી પૂજા જોગી અત્યાર સુધીમાં લગભગ અઢી લાખ કિલોમીટરનો પ્રવાસ બાઇક પર કરી ચૂકી છે. ઘાટ-ઘાટનાં પાણી પીધા પછી તેનો અનુભવ એવો રહ્યો છે કે ગામડાના લોકો પૂરતા પૈસા કમાય છે અને આપણા કરતાં હજારગણી બહેતર લાઇફ જીવે છે. પૂજા કહે છે, ‘જીવન જીવવા માટે છે, ભાગતા રહેવા માટે નહીં. મુંબઈની કમાણી મુંબઈમાં જ ખર્ચાઈ જાય છે એ સાવ સાચી વાત છે તો પછી કયું ગ્લૅમર છે જે મુંબઈમાં રહેવા માટે ઉત્સુક બનાવે. મને તો એવું કંઈ જ અહીં દેખાતું નથી. બસ, લોકોની બાંધેલી ભ્રમણાઓ છે. એક ફ્રેન્ડને ત્યાં લુધિયાણામાં હું હમણાં જ ગઈ હતી તો મેં જોયું કે કેટલો સરસ જીવનસ્તર છે એ લોકોનો. મહિનાની લાખ-દોઢ લાખની આવક સાથે એ લોકો ચોખ્ખું ઘી, શુદ્ધ દૂધ અને ફ્રેશ શાકભાજી ખાઈ શકે છે. સમયસર જમે છે, સમયસર ઊંઘે છે. મુંબઈમાં તો ખાવાપીવાનાં કોઈ ઠેકાણાં જ નથી. મેં મારું મન એકદમ ક્લિયર બનાવી નાખ્યું છે કે હું મુંબઈની આ કૂતરા જેવી લાઇફને રિજેક્ટ કરું છું અને ગામડાની ક્વૉલિટી લાઇફ જીવીશ. આઇ ઍમ વેરી શ્યૉર કે બહુ જલદી મને મારો મિ. રાઇટ મળી જશે જે મને મુંબઈથી દૂર લઈ જશે.’

વાપીમાં એવું ફાવી ગયું કે મુંબઈ સાવ ભુલાઈ જ ગયું છે : મહેશ અને છાયા સંગોઈ

મુંબઈથી બસો કિલોમીટરના રેડિયસમાં સારી જગ્યાએ ઘર મળે એવી શોધ અસલ મુંબઈકર મહેશ સંગોઈએ કરી હતી. મુંબઈના આઉટસ્કર્ટમાં ઘણી જગ્યાઓ તેમણે જોઈ, જેમાંથી વાપી પર પસંદગી પાડી અને છેલ્લાં પાંચ વર્ષથી તેઓ વાપીનું વાલકેશ્વર કહેવાય એવા વિસ્તારમાં પૂરી સુખસાહ્યબી અને સગવડો વચ્ચે તેઓ જીવી રહ્યા છે. મહેશભાઈ કહે છે, ‘મારી પત્ની છાયા અમેરિકન છે. ૨૫ વર્ષ તે અમેરિકામાં રહી છે અને લગ્ન પછી મારી સાથે મુંબઈમાં રહી. મારા જન્મથી લઈને બિઝનેસ અને બાકી બધો વિકાસ મુંબઈમાં થયો છે. જોકે એ પછી પણ કહીશ કે લાલબાગમાં આવેલા મારા ઘરથી વડાલા મારી દુકાને જવા માટે મારે એક કલાક ટ્રાફિકમાં ગુજારવો પડતો હતો. આટલી હાઈ કૉસ્ટ ઑફ લિવિંગ આપીને પણ સારી રીતે જીવવું જેને કહેવાય એ મુંબઈમાં શક્ય જ નથી. હવે વાપીમાં પાંચ વર્ષના વસવાટ પછી તો આ વાત હું વધુ દૃઢતા સાથે કહી શકું છું. એક સમયમાં વાપી વિશ્વનું મોસ્ટ પૉલ્યુટેડ સિટી તરીકે કુખ્યાત થયું હતું, પણ એ પછી વાપીને ગ્રીન ઝોન બનાવવા માટે ભરપૂર મહેનત થઈ છે. ઇન્ડસ્ટ્રિયલ ઝોન અહીંથી ઓછા થઈ ગયા. એટલુંબધું લીલુંછમ છે કે અહીં ઑક્સિજનની માત્રા મુંબઈની હવા કરતાં દસગણી વધારે હશે. અમે અત્યારે વાપીનું વાલકેશ્વર કહેવાય એવા વિસ્તારમાં રહી છીએ, પણ મુંબઈ કરતાં અડધાથી પણ ઓછી કૉસ્ટમાં. અમારા બિલ્ડિંગની સામે ૫૦ એકરની કેરીની વાડી છે. સવારે ઊઠીને બાલ્કનીમાં જુઓ તો સાતથી આઠ મોર તમને ગુડમૉર્નિંગ કહી રહ્યા હોય. અમારા જ વિસ્તારમાં લગભગ ૨૯ બૅન્ક છે, સાતથી આઠ મૉલ છે. જેટલી પણ મોટી બ્રૅન્ડ તમારા મગજમાં હોય એ બધી જ બ્રૅન્ડની વસ્તુઓ અહીં મળે છે. કપડાં અને બૅગ્સ જ નહીં, પણ ફૂડ આઉટલેટ્સ પણ બધી જ બ્રૅન્ડનાં છે. અમારે કોઈ કૉન્ટિનેન્ટલ આઇટમ બનાવવી હોય તો એની સામગ્રી પણ અમને વાપીના આ મૉલ્સ અને ફૂડની સુપર માર્કેટમાં મુંબઈ કરતાં વધુ વરાઇટીમાં મળી જાય છે. ટૂંકમાં મુંબઈમાં રહેતા હતા એના કરતાં સોગણી બહેતર લાઇફ ઓછા ખર્ચમાં મુંબઈથી માત્ર બસો કિલોમીટરના અંતરે અમે જીવી રહ્યા છીએ.’

મહેશભાઈએ નક્કી કર્યું હતું કે તેમને મુંબઈની હાડમારી નથી જોઈતી, પણ મુંબઈથી એટલા પણ દૂર નથી થવું કે પરિવારને જરૂર હોય ત્યારે તેઓ પહોંચી ન શકે. એટલે જ મુંબઈથી બાય રોડ કે ટ્રેનમાં વધુમાં વધુ ત્રણ કલાકના અંતરે હોય એવી જગ્યા તરીકે તેમણે વાપીની પસંદગી કરી છે. અહીં તેઓ ભગવાનની મૂર્તિની દુકાન ચલાવે છે અને એમાં પણ તેમને ભરપૂર સારો રિસ્પૉન્સ મળ્યો છે. તેઓ કહે છે, ‘એ ભ્રમણા તો ભાંગી જ નાખવા જેવી છે કે મુંબઈ સિવાય ક્યાંય પૈસો નથી. અમારા જ બિલ્ડિંગમાં એવા પ્રોફેશનલ્સ છે જેમનો મહિનાનો બે લાખનો પગાર હોય. એટલે પૈસા નથી એ વાત ખોટી છે.’

મુંબઈ છોડીને સુરત આવ્યા પછી એમ લાગે છે કે હાશ છૂટ્યા : નરશી અને શિલ્પા સવાણી

૨૦૧૧માં સહપરિવાર મુંબઈમાં મહાવીરનગરના પોતાના ફ્લૅટને ભાડા પર આપીને સુરત શિફ્ટ થઈ ગયેલાં નરશી સવાણી કે તેમની પત્નીને ત્યારથી લઈને આજ સુધી પાછા મુંબઈ જવાનો વિચાર ક્યારેય નથી આવ્યો. આ પરિવાર બાવીસ વર્ષ મુંબઈમાં રહ્યો હતો અને છતાં એકઝાટકે મુંબઈ છોડવાની તેમની ઇચ્છા શું કામ આટલી પ્રબળ થઈ ગઈ એ વિશે વાત કરતાં નરશીભાઈ કહે છે, ‘હું હીરાબજારમાં હતો. રોજ લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનું, ધક્કામુક્કીવાળી જિંદગી જીવવાની. એક દિવસ નક્કી કર્યું જોઈતું જ નથી આ. તમે માનશો નહીં, પણ મેં નવી લાઇન શોધવાનું શરૂ કર્યું. પાંચેક વર્ષ હું રોજ મુંબઈથી સુરત અપડાઉન કરતો અને ધીમે-ધીમે રિયલ એસ્ટેટમાં સ્ટેબલ થયો એટલે ફૅમિલીને પણ બોલાવી લીધી. ત્યાં સુધીમાં બન્ને બાળકોની સ્કૂલ પણ પૂરી થઈ ગઈ હતી.’

નરશીભાઈનો મોટો દીકરો ટ્વેલ્ફ્થમાં હતો અને દીકરીએ ટેન્થની એક્ઝામ આપી એટલે તેમણે સુરતમાં પરિવારને શિફ્ટ કરી દીધો. તેઓ કહે છે, ‘મને અને મારી પત્નીને ક્યારેય મુંબઈની યાદ નથી આવી. હાશ છૂટ્યા જેવી જ લાગણી થઈ છે. બાળકો ક્યારેક મુંબઈને યાદ કરે છે, પણ તેમનેય મુંબઈની હાડમારી નથી જોઈતી. આજે જ્યારે વરસાદના અને એના જેવા બીજા સમચારો સાંભળીએ છીએ ત્યારે એમ જ લાગે કે અમે સુરતમાં ખૂબ સેફ છીએ. પૈસે ટકે શરૂઆતમાં બે વર્ષ તકલીફ પડી, પણ હવે તો એમાં પણ સેટલ થઈ ગયા. પૈસા કમાવા માટે મુંબઈ જ જોઈએ એ માન્યતામાંથી હવે લોકોએ બહાર આવવાની જરૂર છે.’

૨૮ વર્ષ પહેલાં મુંબઈ અને એની માયા છોડી દીધી : પરેશ નાયક

સંગીતની ભરપૂર સેવા કરનારા અને પંડિત જસરાજના સિનિયર શિષ્ય પરેશ નાયકે ૧૯૯૦માં મુંબઈ છોડી જવાનો નર્ણિય લીધો હતો. તેઓ ભરુચથી ૧૮ કિલોમીટર દૂર આવેલા નર્મદા નદીને કિનારે વસેલા મંગલેશ્વર ગામમાં છેલ્લાં ૨૮ વર્ષથી રહે છે. પરેશભાઈ કહે છે, ‘મુંબઈની માયા તો ક્યારેય હતી જ નહીં. હું ૧૯૬૬માં મુંબઈ આવ્યો ત્યારે મેટ્રિક પાસ હતો. અહીં આવીને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બન્યો. એક વાત તો સૌને ખબર જ છે કે ન અહીં ચોખ્ખી હવા છે, ન ચોખ્ખું પાણી છે કે ન ખાવાનું શુદ્ધ મળે છે. ૧૯૬૬થી ૧૯૯૦ સુધી મુંબઈમાં ખૂબ કામ કર્યું છે. જોકે અહીંની હવા માફક નહોતી આવી રહી. ઘણોબધો સમય બિનજરૂરી જગ્યાએ પસાર થઈ જતો હતો. મને મારી ગમતી પ્રવૃત્તિ કરવાનો સમય નહોતો મળતો. મારે સંગીતમાં જે ચાર-પાંચ કલાકનો રિયાઝ કરવો હતો એ હું નહોતો કરી શકતો. સૌથી પહેલાં તો મેં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકેની મારી જૉબ છોડી દીધી. હું ફ્રીલાન્સિંગ લેવલ પર જરૂરિયાત મુજબની કમાણી થઈ રહે એવું કામ કરવા લાગ્યો અને બાકીનો સમય મ્યુઝિકને આપતો. જોકે એ પછી પણ અહીંનું ઘોંઘાટિયું અને પ્રદૂષણયુક્ત વાતાવરણ મનને માફક નહોતું આવતું એટલે જુહુનો મારો ફ્લૅટ વેચીને ગુજરાતમાં જગ્યા લઈને ત્યાં પોતાનું નિવાસસ્થાન ઊભું કર્યું. ૧૯૯૦માં મારાં સંતાનો ખૂબ નાનાં હતાં એ સમયે હું મુંબઈ છોડીને ગુજરાત સેટલ થઈ ગયો. બન્ને સંતાનો પ્રાઇમરી અભ્યાસ કરીને પછી મુંબઈ જ ભણવા આવ્યાં, પણ અમે અહીં જ રહ્યા. શરૂઆતમાં કામ માટે હું અઠવાડિયે એકાદ વાર મુંબઈ આવતો, હવે તો એ પણ બંધ થઈ ગયું છે. ક્યારેક દીકરાઓને મળવા માટે આવી જઈએ છીએ.’

મુંબઈની લાઇફમાં મજા નથી એ સમજ્યા પછી મ્યુઝિક-કમ્પોઝર પરેશભાઈ અને સુગમ સંગીતનાં જાણીતાં ગાયિકા માલિની નાયકે પાછાં ફરીને મુંબઈ સામે જોયું નથી. તેમણે પોતાની સંગીતની યાત્રાને મુંબઈમાં ન રહેતાં હોવા છતાં ખૂબ સારી રીતે આગળ વધારી અને સાબિત કર્યું કે એકેય ક્ષેત્રમાં આગળ વધવા માટે મુંબઈ મસ્ટ નથી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK