કેવું ચાલે છે ઉંદરમુક્ત મુંબઈનું અભિયાન?

આ ન્યુઝ આવ્યા એ પહેલાં જ મંત્રાલયમાં લગભગ સવાત્રણ લાખ ઉંદર માર્યાની વાત અને પછી એ સંખ્યા ઉંદરોની નહીં પણ ઉંદરોને મારવા માટે ઉપયોગમાં આવતી ઝેરી ગોળીઓની હતી જેવી ચર્ચાએ ઉંદરો માટે આકર્ષણ જગાવવાનું કામ કર્યું છે. તમને યાદ હોય તો થોડા સમય પહેલાં મુંબઈની શતાબ્દી હૉસ્પિટલમાં ઉંદરોના આતંકનો ઘણા દરદીઓ ભોગ બન્યાના બનાવો સામે આવ્યા હતા. શું કામ ઉંદરો માટેની ચર્ચા આટલી ગરમ છે? શું છે મુંબઈમાં ઉંદરોનું સ્ટેટસ અને કઈ રીતે એમની સંખ્યા ઘટાડવાની બાબતમાં BMC સક્રિય છે? આવા તમામ પ્રશ્નોના જવાબ આજે મેળવીએ

rat1

રુચિતા શાહ

કુદરતનો નિયમ છે સંતુલનનો, પરંતુ છેલ્લા કેટલાક અરસામાં પ્રકૃતિનાં ઘણાં સંતુલનો ખોરવાયાં છે. હવામાનથી લઈને જીવોના અસ્તિત્વને લીધે પણ અનેક અસંતુલનો નિર્માણ થયાં છે. કેટલાંક પશુપંખીઓ અને વનસ્પતિની પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે તો કેટલાંક પ્રાણીઓની સંખ્યા અકલ્પનીય રીતે વધી છે. એમાં જ નંબર આવે છે ઉંદરોનો. અલબત્ત, આપણા દેશમાં તો ઉંદર પણ એક પૂજનીય પ્રાણી છે. ગણપતિબાપ્પાનું વાહન હોવા ઉપરાંત રાજસ્થાનના બિકાનેરથી ત્રીસ કિલોમીટરના અંતરે આવેલા કરણી માતા ટેમ્પલ વિશે પણ તમે સાંભળ્યું જ હશે. ટેમ્પલ ઑફ રૅટ્સ તરીકે પ્રખ્યાત આ મંદિરમાં હજારોની સંખ્યામાં સફેદ અને કાળા ઉંદરોનો મેળાવડો મુક્તમને પ્રસાદ ખાતો દેખાશે. ૨૫,૦૦૦થી વધુ કાળા ઉંદરો ઉપરાંત અહીં રહેલા સફેદ ઉંદરોને તો દૈવી અવતાર માનવામાં આવે છે.

આ જ ઉંદરો અત્યારે માથાનો દુખાવો બન્યા છે. આખા વિશ્વના દરેક ખૂણામાં અત્યારે ઉંદરોની પ્રજાતિઓ અકલ્પનીય ધોરણે વધી રહી છે જેમણે સામાન્ય જનજીવનમાં ઉત્પાત મચાવવાની સાથે રોગચાળો ફેલાવવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ઉંદરોની જીવનશૈલી અને એમની પ્રજનનને લગતી બાબતો પર મહિનાઓ સુધી અભ્યાસ કરીને એના પર ડૉક્ટરેટની પદવી હાંસલ કરનારા ટોક્યોના એક રિસર્ચર તો અભ્યાસ કરીને એ કહી ચૂક્યા છે કે ઉંદરો કોઈ પણ વાતાવરણમાં અને દરેક પ્રકારના આહારમાં સર્વાઇવ કરી શકે છે એટલે એમની સંખ્યા પર કાબૂ રાખવાનું કાર્ય અઘરું છે.

આ જ કારણ છે કે આખા વિશ્વમાં ઉંદરોના આક્રમણની બાબતને ગંભીરતાથી લેવામાં આવી રહી છે. મુંબઈ પણ એમાંથી બાકાત નથી. BMC દ્વારા છેલ્લાં ઘણાં વર્ષોથી ઉંદરોની વધતી સંખ્યાને કાબૂમાં રાખવા માટે એમનો ખાતમો બોલાવવાનાં વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવ્યાં છે અને એના માટે BMC પાસે ઑફિશ્યલ ટીમ પણ દાયકાઓથી સક્રિય છે. BMCના કીટકનાશક વિભાગે ચોમાસામાં ઉંદરોના પૉપ્યુલેશન પર કન્ટ્રોલ રાખવા અને ઉંદરોને કારણે પણ ફેલાઈ શકનારા લેપ્ટોસ્પાઇરોસિસ નામના રોગથી શહેરના નાગરિકોનું રક્ષણ કરવા માટે ઉંદરોની સાથે એમના દરોનો નાશ કરવાની જાહેરાત કરી છે.

આ એ જ ઉંદરો છે જેમને લઈને હજી બે અઠવાડિયાં પહેલાં જ આપણે ત્યાં મંત્રાલયમાં જોરદાર વિવાદ થયો હતો. મંત્રાલયમાં રહેલા ઉંદરોને નાબૂદ કરવાનો કૉન્ટ્રૅક્ટ સરકારે એક કંપનીને આપ્યો હતો. એ પછી માહિતી અધિકાર દ્વારા એવો રિપોર્ટ બહાર આવ્યો કે આ કંપનીએ ૨૦૧૬માં સાત દિવસમાં મંત્રાલયમાંથી લગભગ ૩,૧૯,૪૦૦ ઉંદરોનો ખાતમો બોલાવ્યો છે. એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીના નેતા એકનાથ ખડસેએ જાહેરમાં સ્ટેટમેન્ટ આપ્યું કે આ આંકડામાં કોઈ મોટા ગોટાળાની ગંધ આવે છે. સાત દિવસમાં જો સવાત્રણ લાખની આસપાસ ઉંદરો મરાયા હોય તો એનો અર્થ એવો થાય કે આ કંપનીએ એક દિવસમાં ૪૫,૬૨૮ ઉંદરો માર્યા ગણાય અને પ્રત્યેક મિનિટે ૩૧ ઉંદરોનો ખાતમો બોલાવ્યો હોય. એક હિસાબ એવો પણ લાગે કે એ કંપનીએ રોજના નવ ટન ઉંદરો માર્યા એટલે કે લગભગ એક ટ્રક ભરીને. આ મરેલા ઉંદરોને ડમ્પ ક્યાં કરવામાં આવ્યા એની વિગતો પણ આ નેતાએ સરકાર અને BMC પાસે માગી હતી. ૨૦૧૫ અને ૨૦૧૬ના વર્ષમાં BMCએ આખા શહેરમાંથી છ લાખ ઉંદરો માર્યા હોવાનો ડેટા આપ્યો છે. પ્રત્યેક ઉંદરદીઠ કૉન્ટ્રૅક્ટ લેનારી કંપનીને દોઢ રૂપિયા ચૂકવવામાં આવેલા. જોકે પાછળથી સવાત્રણ લાખનો આંકડો ઉંદરોનો નહીં પણ ઉંદરોને મારવા માટે મંત્રાલયમાં મૂકવામાં આવેલી ઝેરની ગોળીઓનો હતો એવી જાહેરાત કરીને ઉંદરકાંડની વાતનું સમાપન કરવામાં આવ્યું.

આ પહેલાં પણ ઉંદરોને મારવાની બાબતમાં કેટલાક વિવાદોનો સામનો BMCએ કરવો પડ્યો છે જેમાં દરેક વખતે ઉંદરોને મારવાની આડમાં પૈસાની મોટી ઉચાપતના કૌભાંડનો મામલો જ સામે આવ્યો છે. ઉંદરોના ઉત્પાતના કિસ્સાઓ અવારનવાર બહાર આવતા રહે છે. ગયા મહિને શતાબ્દી હૉસ્પિટલમાં એક દરદીની આંખને ઉંદર કરડવાને કારણે નુકસાન થયું હતું. એ સિવાય પણ ઉંદર કરડવાને કારણે ઘણા દરદીઓને નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. ઉંદરોના અતિક્રમણનાં આવાં જોખમો ટાળવા અને એના દ્વારા ફેલાતા રોગચાળાને કારણે પણ એની સંખ્યા કાબૂમાં રહે એવા પ્રયત્નો માટે BMCના કીટકનાશક વિભાગના સતત પ્રયત્નો ચાલુ છે. કઈ રીતે ઉંદરોની સંખ્યા પર લગામ રાખવામાં આવે છે અને એ શું કામ અનિવાર્ય છે એ વિશે આજે થોડીક વાત કરીએ.

BMCના કીટકનાશક અધિકારી રાજન નારિંગ્રેકર કહે છે, ‘ઉંદરોની સંખ્યા ઘટાડવાની વાત કરતાં પહેલાં ઉંદરોને સમજવા ખૂબ જરૂરી છે જેનો પ્રયત્ન અમે છેલ્લાં ત્રીસ વર્ષથી કરી રહ્યા છીએ. માનવવસ્તી સાથે ગમે એ વાતાવરણમાં ઢળી જવા માટે ટેવાયેલું આ જનાવર ખૂબ સ્માર્ટ છે. દીવાલો પર ચાલવાની અને કૂદકા મારવાની કળા સાથે એના આગળના દાંત સતત વધતા રહે છે જેથી એને સતત દાંત ભરાવવાનું, કંઈક કાતરવાનું મન થયા કરે છે. એટલે જ એનું પેટ ભરેલું હોય તો પણ એનું મોઢું કાતરવા માટે તો ચાલુ જ રહેવાનું. લાકડાથી લઈને પ્લાસ્ટિકના થેલા, કાગળ, વાયર એમ બધું જ એ આસાનીથી કાતરી શકે છે. આ જ કારણ છે કે ઉંદરોને કારણે થતું ડૅમેજ-પોટેન્શિયલ એટલે કે સંભવિત નુકસાન ખૂબ વધારે હોય છે. ઘણાં વષોર્ પહેલાં ધ્ચ્પ્ હૉસ્પિટલમાં ઍડ્મિનિસ્ટ્રેશન વિભાગમાં ઉંદરો વધી ગયા હતા અને ત્યાં એમણે ઘણાં કમ્પ્યુટરના વાયરો કાપી નાખેલા. એ જમાનામાં કમ્યુટરની કિંમત લાખોમાં હતી. હવે તમે વિચારો કે એ ઉંદરે કરેલું નુકસાન કેટલા રૂપિયે ગયું હશે? ઉંદરોની ચપળતા અને એમની સમજશક્તિનો વિચાર કર્યા વિના ક્યારેય કોઈ ઍક્શન-પ્લાન નક્કી કરી જ ન શકાય.’    

rat

ઉંદરોની સાઇકોલૉજી અને બિહેવિયર-પૅટર્નને ધ્યાનમાં રાખીને જ BMCના કીટકનાશક વિભાગે મુંબઈમાં ઉંદરોને નાથવા માટે ૪D ફૉમ્યુર્લા અમલમાં મૂકી છે. એમાં પહેલી એટલે ડિનાય એન્ટ્રી. ઉંદરો તમારા ઘરમાં કે અન્ય કોઈ પણ સંસ્થાનોમાં પ્રવેશી જ ન શકે એવી રીતે એની રચના હોવી જોઈએ. એ માટેનાં પ્રીકૉશન સાથેનું કન્સ્ટ્રક્શન થાય એ જરૂરી છે. બીજા Dનો અર્થ છે ડિનાય શેલ્ટર. ઉંદરોને રહેવા માટે અનુÊકૂળ વાતાવરણ ન મળે તો પણ એમનો સર્વાઇવલ-રેશિયો ઓછો થઈ જશે. ત્રીજો D છે ડિનાય ફૂડ અને ચોથો D છે ડિસ્ટ્રક્શનનો. રાજન નારિંગ્રેકર અહીં ઉમેરે છે, ‘ત્રીજા D માટે આપણે ત્યાંના લોકો ખૂબ જ ઉદાસીન છે. સ્ટ્રીટ-ફૂડના વધતા સ્ટૉલ્સે ઉંદરોને ઇનફ ખાવાનું પૂરું પાડ્યું છે. એ સિવાય લોકો પણ ખાવાનું જેમ-તેમ ફેંકી દેતા હોય છે. ખાવાનો પૂરતો પુરવઠો હોય અને રહેવાની પણ અનુÊકૂળ જગ્યા હોય તો ઉંદરોની સંખ્યા વધતી જ જવાની. ઉંદરો મેટિંગ પછી ૨૧ દિવસમાં આઠ-આઠ અને દસ-દસ બાળકોને જન્મ આપે છે. આ બાળકો દોઢ મહિનામાં ઍડલ્ટ બની જાય છે અને પછી તેઓ મેટિંગ માટે તૈયાર થઈ જાય છે. ઉંદરોની આ બાયોલૉજિકલ સિસ્ટમ અને લોકોની બેદરકારીઓને કારણે ઉંદરોનું પૉપ્યુલેશન અકલ્પનીય રીતે વધ્યું છે જેને અનેક પ્રયત્નો પછી પણ કાબૂમાં લાવવાનું અઘરું બની રહ્યું છે.’

ઉંદરોની હૅબિટ્સ, ઉછેર અને આતંક ઉપરાંત એમના પ્રકાર વિશે પણ BMCના આ વિભાગે ખાસ્સું રિસર્ચ કર્યું છે. એ વિશે વાત કરતાં રાજનભાઈ કહે છે, ‘અમારે મોટા ભાગે આઉટડોર ઉંદરોને કન્ટ્રોલમાં રાખવા પર ધ્યાન આપવાનું હોય છે, પરંતુ ધારો કે કોઈકના ઘરમાં પણ ઉંદરોનો ત્રાસ વધી ગયો હોય અને અમારી પાસે ફરિયાદ લઈને આવે તો એમને પણ અમે મદદરૂપ થઈએ છીએ. આઉટડોરમાં ખૂબ જ વિશાળ પ્રમાણમાં જોવા મળતા ઉંદરો એટલે ઘૂસ. એમનું વજન લગભગ દોઢ કિલોનું હોય છે અને એમની લંબાઈ કરતાં એમની પૂંછડીની લંબાઈ અડધી હોય છે. ઉંદરોનો બીજો એક પ્રકાર છે જેઓ સાઇઝમાં નાના હોય અને એમની લંબાઈની તુલનાએ તેમની પૂંછડીની લંબાઈ લગભગ ડબલ હોય છે. આ ઉંદરો વધુ ચપળ અને ઝડપથી પકડમાં ન આવનારા હોય છે. આ વિગતો એટલે આપી કે દરેક પ્રકાર મુજબ અમારે એમને મારવાની પદ્ધતિ બદલવી પડતી હોય છે.’

BMCના કીટકનાશક વિભાગમાં અત્યારે ૧૩૭ રૅટ-લેબર છે અને ૨૭ નાઇટરાઇડ કિલર છે. આઉટડોર ઉંદરોની સંખ્યા કાબૂમાં રાખવા માટે એમને મારવાનું કામ કરનારા આ કર્મચારીઓએ ત્રણ મુખ્ય પદ્ધતિઓ અપનાવેલી છે. એમાં પહેલી પદ્ધતિમાં સેલ્ફોસ એટલે કે ઍલ્યુમિનિયમ ફૉસ્ફેટ નામના પૉઇઝનવાળી લોટ તથા તેલ ઉમેરેલી ગોળીઓ ઉંદરોના દરો પાસે મૂકીને એમનો ખાતમો બોલાવવામાં આવે છે. બીજી પદ્ધતિમાં ઝિન્ક ફૉસ્ફેટ નામના કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ હવામાં રહેલા ભેજ સાથે ભળીને એક ગૅસ બનાવે છે જે ઝેરી હોય છે. આ બન્ને મેથડનો ઉપયોગ કરવો શક્ય ન હોય ત્યારે આ વિભાગના ૨૭ લોકો પોતે રોજ રાતે ઉંદરોનું સર્ચ-ઑપરેશન કરે છે. તેમની સાથે એક ટૉર્ચ અને લાકડી હોય છે. અંધારી ગલીઓમાં ઉંદરો પર અચાનક ટૉર્ચનો પ્રકાશ નાખીને લાકડીની મદદથી એમનો જીવ લેવામાં આવે છે. આ અતિશય ક્રૂરતાભરી મેથડનો ઍનિમલ વેલ્ફેરનું કામ કરતી સંસ્થાઓએ વિરોધ પણ કયોર્ છે, પણ BMCના અધિકારીઓ પાસે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. તેમનું કહેવું છે કે ઉંદરોને જીવતા રાખીને તેઓ શહેરના નાગરિકોનો જીવ જોખમમાં મૂકી શકે એમ નથી. નાઇટરાઇડ કિલિંગ કરતા કર્મચારીઓને રોજના ત્રીસ ઉંદરોને મારવાનો ટાર્ગેટ આપવામાં આવે છે. એની ઓછાવત્તી સંખ્યા પર તેમનો પગાર નક્કી થાય છે. રાજન નારિંગ્રેકર કહે છે, ‘અત્યારે મુંબઈના ૨૪ વૉર્ડમાંથી આઠ વૉર્ડમાં જ અમારા કર્મચારીઓ પહોંચી શકે છે. અમને આ કામ માટે યોગ્ય માણસો નથી મળી રહ્યા. ઘણા લોકો આ કામ કરવામાં નિષ્ફળ ગયા છે એટલે અમે એક સ્કીમ પણ બહાર પાડી છે જેમાં ઉંદરદીઠ ૧૮ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. બે વર્ષથી સક્રિય આ સ્કીમ માટે સ્વચ્છ મુંબઈ પ્રબંધ અભિયાન નામની સામાજિક સંસ્થા અંતર્ગત પાંચ વૉર્ડમાં એનું કામ શરૂ થયું છે, પણ એથી વધુ સફળતા અમને નથી મળી.’

ઉંદરોને માર્યા પછી બધા જ ઉંદરોને એલ્ફિન્સ્ટન રોડ પાસેની એક જગ્યાએ ભેગા કરવામાં આવે અને એમાંથી દસ ટકા ઉંદરોનો અભ્યાસ કરવામાં આવે કે એમનામાં લેપ્ટોસ્પાઇરોસિસ કે પ્લેગના જીવાણુ તો નથીને. એમની સ્કિન પર કેટલાક જીવાણુઓ હોય છે જેઓ પણ રોગચાળો ફેલાવી શકે છે એ રિસર્ચ-રિપોર્ટ રોજેરોજનો તૈયાર થાય અને પછી એમને દેવનારમાં ડમ્પ કરવામાં આવે છે. ચોમાસામાં રોગચાળો ન ફાટે એ માટે શું વિશેષ તૈયારી કરી છે એ વિશે વાત કરતાં રાજન નારિંગ્રેકર કહે છે, ‘દર વર્ષે અમે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગ પાસેથી સૌથી વધુ પાણી ભરાતું હોય એવા વિસ્તારોનું લિસ્ટ મેળવીને ત્યાંના ઉંદરો અને ઉંદરોના દરને પણ નેસ્તનાબૂદ કરવાની કામગીરી બજાવીએ છીએ. આ વર્ષે પણ ગયા મહિને એવા વિસ્તારો આઇડેન્ટિફાય કરીને અમે કામ શરૂ કરી દીધું છે. એમાં સૌથી પહેલાં તો અમે ઉંદરોના દર પૂરી દઈએ છીએ. બીજે દિવસે ચેક કરીએ કે કયા દર પાછા ખૂલી ગયા છે. જે દર ખૂલી ગયા હોય એને લાઇવ રૅટ હોલ કહીએ છીએ અને એમાં ઍલ્યુમિનિયમ ફૉસ્ફેટની ગોળીઓ મૂકી દઈએ છીએ. ધારો કે સો દર પૂર્યા પછી ત્રીસ દર પાછા ખૂલી ગયા તો એનો અર્થ એવો થાય કે આ ત્રીસ દરમાં ઉંદરોનો વસવાટ છે એટલે એમાં ગોળી મૂકવાથી એમાં રહેતા ઉંદરો ખતમ થઈ જશે. નેક્સ્ટ દિવસે એ ચેક કરીએ અને પછી પાછા એ ત્રીસ દર પણ પૂરી દઈએ. ચોથા દિવસે પાછું ચેક કરીએ કે ફરી કોઈ દર ખૂલ્યા છે કે કેમ. જો ખૂલ્યા હોય તો ફરી એમાં પૉઇઝનવાળી ગોળી મૂકીએ. આ રેશિયો દસ ટકાની નીચે ન આવી જાય ત્યાં સુધી આ પ્રોસેસ કરતા રહીએ જેથી ઉંદરો અને ઉંદરોના દર બન્ને નાબૂદ થાય. સાથે જ બિનજરૂરી ગોળીનો વ્યય ન થાય.’

BMCના આ વિભાગ ઉપરાંત પ્રાઇવેટ પેસ્ટ કન્ટ્રોલ કંપનીઓ પણ ઉંદરોનો નાશ કરવા માટે કાર્યરત છે. પ્રાઇવેટ સંસ્થાઓ, બિલ્ડિંગો, સરકારી ઑફિસો આ કંપનીઓ પાસે આ કાર્ય કરાવતી હોય છે જેમનો કરોડો રૂપિયાનો બિઝનેસ છે. BMCના આ વિભાગ દ્વારા ઉંદરોને મારવા માટે વપરાતા કેમિકલનો ખર્ચ બહુ નથી, પણ એમાં વપરાતા મેનપાવરની સંખ્યામાં વધુ ખર્ચ થાય છે. રાજન નારિંગ્રેકર કહે છે, ‘ઝિન્ક ફૉસ્ફેટની કિંમત લગભગ ૫૦૦ રૂપિયાની આસપાસ છે અને વર્ષે એની ૨૦૦ કિલો જરૂર પડે છે. એવી જ રીતે ઍલ્યુમિનિયમ ફૉસ્ફેટની કિંમત ૯૦૦ રૂપિયાની આસપાસ છે અને વર્ષે એની ૧૦૦૦ કિલો જરૂર પડે છે. એ સિવાય ઘરમાં ઉંદર પકડવા માટે પાંજરાઓ બનાવવામાં આવે છે જેની કિંમત લગભગ ૧૦૦૦ રૂપિયા હોય છે. અમારી પાસે ફરિયાદ આવે તો અમે સામાન્ય નાગરિકોને પાંજરા આપીને એનું પ્રશિક્ષણ પણ આપીએ છીએ જેથી ઉંદરોને ટ્રૅપ કરી શકાય. ગયા વર્ષે લગભગ અઢી લાખ ઉંદરો અમે પકડ્યા હતા.’

અહીં ઉલ્લેખનીય છે કે જેમ ડેન્ગ્યુ અને મલેરિયા ફેલાવતા મચ્છરોને નાબૂદ કરવાનું શહેરના નાગરિકોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે એમ ઉંદરોને કારણે ફેલાતા રોગથી રક્ષણ મેળવવા માટે એમની વધતી સંખ્યા પર કાબૂ જરૂરી છે. જોકે ગણપતિબાપ્પાના વાહન મૂષકને આ રીતે ક્રૂરતાપૂર્વક મારી નાખવામાં આવે એ બાબત ઠેસ પહોંચાડનારી છે, પરંતુ એમાં પણ ક્યાંક ને ક્યાંક આપણે જ નિમિત્ત છીએ. BMCની થોડી ફૉમ્યુર્લાનું જો બરાબર પાલન થાય તો ડિસ્ટ્રક્શનની જરૂર છેલ્લે પડે. પહેલાં જો એમની એન્ટ્રી અટકાવીને એમને ખોરાક અને અનુÊકૂળ રહેવાલાયક વાતાવરણ ન મળે એટલી સભાનતા આપણે કેળવીએ અને એમની સતત ગુણાકાર થઈ રહેલી સંખ્યા પર કાબૂ લાવી દઈએ તો આટલી વિશાળ સંખ્યામાં હિંસા અટકાવી શકાય એમ છે. ગમે ત્યાં ખાવાની વસ્તુઓ ન ફેંકીને તેમ જ ફેરિયાઓ પણ કચરામાં વધેલું-ઘટેલું ખાવાનું ન રાખે તો આ બિલકુલ શક્ય છે. કોઈને પણ બ્લેમ કરતા રહેવાને બદલે થોડીક સતર્કતા આપણે કેળવવાની છે અને આપણા કારણે થઈ રહેલી ઉંદરોની હિંસા અટકાવવાની છે.

સ્ટ્રીટ-ફૂડના વધતા સ્ટૉલ્સે ઉંદરોને ઇનફ ખાવાનું પૂરું પાડ્યું છે. એ સિવાય લોકો પણ ખાવાનું જેમ-તેમ ફેંકી દેતા હોય છે. ખાવાનો પૂરતો પુરવઠો હોય અને રહેવાની પણ અનુÊકૂળ જગ્યા હોય તો ઉંદરોની સંખ્યા વધતી જ જવાની. ઉંદરો મેટિંગ પછી ૨૧ દિવસમાં આઠ-આઠ અને દસ-દસ બાળકોને જન્મ આપે છે. આ બાળકો દોઢ મહિનામાં ઍડલ્ટ બની જાય છે અને પછી તેઓ મેટિંગ માટે તૈયાર થઈ જાય છે. ઉંદરોની આ બાયોલૉજિકલ સિસ્ટમ અને લોકોની બેદરકારીઓને કારણે ઉંદરોનું પૉપ્યુલેશન અકલ્પનીય રીતે વધ્યું છે જેને અનેક પ્રયત્નો પછી પણ કાબૂમાં લાવવાનું અઘરું બની રહ્યું છે

રાજન નારિંગ્રેકર, કીટનાશક અધિકારી, BMC

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK