ડાકુ : વટ, વચન અને વેર - પ્રકરણ ૨૬૫

‘પૈસા? પૈસા છેને તેની પાસે?’

નવલકથા - રશ્મિન શાહ

ભૂપતસિંહે કાળુને પૂછી લીધું અને કાળુએ પણ પૂરી ત્વરા સાથે જવાબ પણ આપી દીધો હતો.

‘હા સિંહ, પૈસા તો પાછા મોકલાવી દીધા ને અત્યાર સુધીમાં...’

કાળુ ગણતરીમાં લાગ્યો. તેની ગણતરી પૂરી થાય એ પહેલાં જ તો ભૂપતસિંહની કમાન છટકી ગઈ.

‘રૂપિયા ગ્યા તેલ લેવા, જેટલા મોયકલા એટલા... આંકડાની લપમાં પડવાની જરૂર નથી, વાત ખાલી એટલી છે કે પૈસાના વાંકે છેલભાઈને કાંય થાવું નો જોઈ.’

લાહોરમાં શુદ્ધ કાઠિયાવાડી લહેકા સાથે ભૂપતસિંહે કાળુને આદેશ આપ્યો અને એ આદેશની સાથોસાથ ચોખવટ સાથે કહી પણ દીધું, ‘ડીન બિચારાએ સારી દોડધામ કયરી છે. તેને પણ રાજી કરજે. કંઈક સારી ભેટ કે પછી તેના છોકરા કે બૈરી માટે કાંયક મોકલાવી દે. ના પાડે કે આનાકાની કરે તો સમજાવજે, કહેજે તેને દીકરા જેવું જ કામ કર્યું છે તેણે મારા.’

‘જી...’

કાળુ વધારે વાત કર્યા વિના બહાર નીકળી ગયો અને ભૂપતસિંહે નાછૂટકે મોહમ્મદ ખાનના સ્વાંગમાં આવવું પડ્યું. ન ગમતું રૂપ અને ન ગમતી વ્યક્તિ હંમેશાં અળખામણાં રહેતાં હોય છે. અત્યારે પણ એવું જ થયું હતું. મહોમદને નાછૂટકે પોતાનાં રોજિંદાં કામો શરૂ કરવાં પડ્યાં અને શરૂ થયેલાં એ કામોમાં તેનું મન લાગતું નહોતું. આંખ સામે એ ઘટના વાંરવાર ફર્યા કરતી હતી જેનાથી દૂર રહેવા તે માગતો હતો.

€ € €

‘સિંહ હજી છે સંપર્કમાં?’

છેલશંકર દવેએ પૂછેલો સવાલ હજી પણ ડીનના કાનમાં ઘૂમરાયા કરતો હતો. જવાબ આપ્યા વિના એ સમયે તો તે બહાર આવી ગયા અને સિવિલ હૉસ્પિટલમાં પણ પહોંચી ગયા, પરંતુ મનમાં આ જ પ્રશ્ન એકધારો ધમણની જેમ ઠોકાયા કરતો હતો. છેલભાઈએ કેવી રીતે અનુમાન બાંધી લીધું હશે એ વાત તેને સમજાતી નહોતી. તેને માત્ર એટલું જ સમજાયું હતું કે છેલભાઈના પ્રશ્નમાં ક્યાંય અનુમાન નહોતું પણ સીધો આક્ષેપ હતો અને એ આક્ષેપ પણ તેમણે કર્યા વિના સીધું બીજું જ પગથિયું ચડી લીધું હતું અને સીધું જ પૂછી લીધું હતું : ‘સિંહ હજી છે સંપર્કમાં?’

શું જવાબ આપવો આ જ પ્રશ્ન જો ફરી પુછાય તો?

આ જ વાતની ગડમથલ એકધારી ડીનના મગજમાં ચાલતી હતી. અંદરખાને આશા હતી કે કાળુનો ફોન આવી જાય તો તેના ધ્યાન પર આ વાત મૂકવી અને આ આશા ફળી પણ ખરી.

કાળુનો સાંજે ચાર વાગ્યે

ફોન આવ્યો.

કાળુ બીજી કોઈ વાત કરે એ પહેલાં જ ડીને સીધું ચાલુ કરી દીધું, ‘એક વાત કરવાની છે. છેલભાઈને ખબર લાગે છે કે તેમને જે કોઈ આર્થિક મદદ મળી એ તમારા તરફથી મળી છે. શું કરું?’

પુછાયેલા પ્રશ્ન પછી પહેલાં તો કાળુ તાડુકી ઊઠ્યો હતો, ‘શું ગાંડા જેવી વાત કરશ ને શું આમ અધૂરી માહિતી આપશ?’ બોલી લીધા પછી કાળુને સમજાયું હતું કે તે તુંકારા પર આવી ગયો છે એટલે તેણે જાતને ભયાનક મહેનત સાથે કાબૂમાં કરી, ‘સૉરી સાહેબ, પણ જરાક સરખી વાત કરો તો ખબર પડે.’

ડીને માંડીને તો નહીં પણ શક્ય હોય એટલી વિગત ટૂંકાણમાં આવરી લઈને વાત કરી એટલે કાળુ પણ મૂંઝાયો.

‘આ અનુમાન મૂક્યું છે તેણે, બીજું કંઈ નહીં.’

‘પણ આવું અનુમાન? તમે નીકળી ગયા એને આજે ત્રીસ-પાંત્રીસ વર્ષ થઈ ગયાં અને એ પછી પણ તે સીધું મને જ આવું પૂછે.’

‘બીક રાખવાની જરૂર નથી.’

‘ના, બીક નથી પણ મને એમ થાય છે કે તે વધારે કંઈ પૂછે તો શું કહું? સાચું કહું કે પછી એમ જ વાતને...’

‘ઉડાડી દેવાની.’ કાળુએ બાકીના શબ્દો પૂરા કર્યા, ‘ખોટો કોઈ રસ લેવાની જરૂર નથી આ બધામાં અને તમારો હેતુ તો સારો જ છે. તમે તો મદદ કરી. તમારી પાસે પૈસો ક્યાંથી આવ્યો એનાથી મદદ લેનારાને શું લાગેવળગે.’

કાળુએ વાતનો વિષય બદલાવ્યો અને તબિયત વિશે પૂછપરછ કરી લીધી.

પૂછપરછ પૂરી થઈ એટલે કાળુએ ફોન મૂકી દીધો અને ડીને પણ દ્વિધામાં એ જ કામ કર્યું. જે વાતનો જવાબ મેળવવાનો હતો એ વાતનો કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં એટલે તેમના મનમાં ચાલતી મૂંઝવણ યથાવત્ રહી. અહીં પાકિસ્તાનમાં પણ એ જ માનસિક અવસ્થા કાળુની હતી. ડીન સાથે વાત થયા પછી કાળુએ પહેલું કામ ભૂપતને આ વાત કરવાનું કર્યું હતું.

‘છેલભાઈને ખબર પડી ગઈ લાગે છે કે મદદ તું કરશ સિંહ.’

‘તો? તેણે ના પાડી દીધીમદદ લેવાની?’

‘ના, હજી તો એવું કંઈ થ્યું નથી, પણ આગળ જતાં બની શકે ખરું, તું ક્યાં છેલભાઈને નથી ઓળખતો.’

‘હા, છે તો વાયડું પ્રાણી.’ ભૂપતને પણ આછોસરખો ડર મનમાં જન્મ્યો. જોકે એ પછી પણ તેણે આ વાતને બહુ ભાવ આપવાનું ટાળ્યું, ‘થાય ત્યારની વાત ત્યારે. રજા ક્યારે આપે છે છેલભાઈને?’

‘આજે સાંજે.’ કાળુને હજી પેલા વિષય પર જ વાત કરવી હતી અને એટલે જ તેણે ધીમેક રહીને કહ્યું, ‘કાળિયા તું છે તો સાચો. જો ફોજદારને ખબર પયડી તો તેની ડાગળી હલી જાશે એ તો નક્કી છે ને મારો બેટો ભામણ દવાબવા બધુંય પડતું મૂકી દેશે ને હેરાનગતિ જાતે કરીને ઊભી કરશે.’

‘તો હવે?’

‘તે કોઈ જાતની ખણખોદ કરે એ પહેલાં આપણે જ સામે ચાલીને તેની હારે વાત કરી લઈ. પછી જે થાવું હોય એ ભલે થાતું.’

ભેજું જ્યારે કામ ન કરે ત્યારે હૈયાનો આદેશ માની લેવાનો હોય.

અત્યારે ભૂપતે એવું જ કર્યું હતું. દિમાગ કામ કરતું નહોતું અને દિલ તો ક્યારનું કહેતું હતું કે છેલભાઈ સાથે વાત કરવી.

€ € €

‘પછી, આપ લોગોં ને ઉનસે બાત કી ક્યા?’

ઇબ્રાહિમના અવાજમાં ઉત્કંઠા આવી ગઈ હતી, જે કુતુબ ખૂબ જ સારી રીતે અને સ્વસ્થતા સાથે અનુભવી શક્યો હતો.

‘હા, બાત ભી કી ઔર ગાલિયાં ભી ખાયી.’

‘ક્યા બાત હૈ, સચ મેં?’

‘હાં, સચ મેં ઔર તેરે દાદુ કી તો બોલતી બંધ હો ગયી થી.’

‘ક્યા બાત કરતે હો, પૂરી બાત બતાઓ આપ.’ ઇબ્રાહિમ અકળાયો, ‘આપ હર બાત અધૂરી છોડ દેતે હો.’

કુતુબને હસવું આવી ગયું.

દખલ કરવા માટે પોતે જ જાગ્યો અને એ પછી પણ તે બીજા પર વાંક ઢોળતો હતો એ વાતનું હસવું કુતુબને આવ્યું હતું. કુતુબના ચહેરા પર સ્મિત જોઈને ઇબ્રાહિમમાં કુતૂહલ વધારે માત્રામાં ઉમેરાયું.

‘આપ હસ ક્યૂં રહે હો?’

‘તેરે મેં તેરા દાદુ આજ ભી ઝિંદા હૈ. તેરી તરહ હી ના હી ઉસમેં ધીરજ થી ઔર ના હી ઉસમેં શુÊકૂન થા ઔર ફિર વો ચિલ્લાના દૂસરોં પે શુરૂ કર દેતા થા.’

‘સૉરી ચાચુ, પણ...’

‘શાંતિ રાખ. બધી વાત થશે અને વાત કર્યા પહેલાં હું અહીંથી ક્યાંય નહીં જાઉં.’

કુતુબે ઊંડો શ્વાસ લીધો અને શ્વાસ લઈને તેણે વાતનું અનુસંધાન જોડવાનું કામ કર્યું.

‘આપણે વાત કરતા હતા છેલભાઈની. છેલભાઈને એ દિવસે સાંજે રજા મળી ગઈ. રજા મળે એ પહેલાં ડીન પણ હૉસ્પિટલે પોતાની ગાડી લઈને પહોંચી ગયા હતા. ડીન ગાડી લઈને રવાના થયા ત્યારે તેના ઘરે નવું ટીવી અને ફ્રિજ તારા દાદુએ મોકલાવી દીધાં, જેની ડીનને છેક મોડેથી રાતે ખબર પડી હતી.’

€ € €

‘બધા રેડી?’

ડીને રૂમમાં આવીને હર્ષભેર પૂછ્યું અને પુષ્પાની આંખમાં ફરી એક વખત પાણી આવી ગયાં. આંખમાં આવી ગયેલાં આ પાણીમાં ખુશી તો હતી જ, પણ સાથોસાથ ડીન પ્રત્યેનો અહોભાવ પણ એમાંથી નીતરતો હતો.

‘હા, તમારે લીધે હવે ઘરે જાઈ છીએ.’

‘મારે લીધે કાંય નહીં બેન, આ ડૉક્ટર પટેલને લીધે. પટેલસાહેબના હાથ જ એવા પાવરધા છે કે ભલભલાને દોડતા કરી દે.’

‘પાવરધા હાથને આપણા કરવા માટે પૈસા પણ હોવા જોઈને સાહેબ.’

ડીનને એ સમયે ખરેખર પુષ્પાને એક ફડાકો ચોડી દેવાની ઇચ્છા થઈ આવી હતી. જે વાતથી તે દૂર ભાગે છે એ જ વાતને પુષ્પા એટલી ખેંચતી હતી કે હવે ગુસ્સો જ આવે અને આ ગુસ્સામાં પણ પાછો છેલભાઈએ આપેલો ઉકળાટ પણ ઉમેરાયેલો હતો.

- આનું કાંયક મારે કરવું પડશે.

ડીને મનોમન નક્કી કર્યું અને નક્કી કરીને તે રૂમની બહાર નીકળી ગયા. પહેલાં તો તે જઈને સીધા ડૉક્ટર પટેલ પાસે પહોંચી ગયા. એક જ પ્રોફેશન અને એમાં પણ સિવિલ હૉસ્પિટલના ડીન હોવાના મામલે સ્વાભાવિક રીતે ડીનને કોઈ રોકવાની હિંમત કરે નહીં. જોકે એ પછી પણ ડીને હંમેશાં ઔચિત્ય જાળવ્યું હતું, પણ એ દિવસે તે એવા કોઈ ઔચિત્યની પરવા કર્યા વિના સીધા જ ડૉક્ટર પટેલની ચેમ્બરમાં ગયા. અનાયાસ ડૉક્ટર પટેલ પણ એ સમયે નવરાશમાં જ હતા.

‘આવો સર, શું થયું?’

‘નથિંગ, પણ એક નાનકડી હેલ્પ જોઈએ છે.’

‘ઑર્ડર કરો સર, શું કરવાનું છે?’

‘છેલભાઈની રૂમમાંથી તેની દીકરીને બોલાવી આપોને. જરાક કડક થઈને થોડી વાત કરવાની છે.’

ડૉક્ટર પટેલે ઇન્ટરકૉમ હાથમાં લેતાં પૂછ્યું, ‘શું થયું?’

ડીન જવાબ આપે એ પહેલાં સામા છેડેથી ઇન્ટરકૉમ ઊપડી ગયો હતો એટલે ડૉક્ટર સૂચના આપે ત્યાં સુધી ડીને રાહ જોઈ અને સૂચના અપાઈ ગઈ એ પછી તેણે સ્પષ્ટતા કરતાં જવાબ પણ આપી દીધો.

‘આખો દિવસ છેલભાઈની સામે પૈસા-પૈસા કરે છે જેની કંઈ જરૂર નથી. પેલો માણસ ખોટેખોટો ઉપકાર નીચે દબાયેલો રહે એના કરતાં કહી દઉંને તેની દીકરીને કે બહુ મન થતું હોય તો ખાનગીમાં મને ફોન કરીને આભાર માની લેવાનો, પણ આમ તેની હાજરીમાં એક ને એક વાત પકડીને બેસવાની જરૂર નથી.’

‘સાચી વાત છે, એવું હોય તો હું કહી દઉં?’

‘હા, તમારે પણ બોલવાનું જ છે. કહેજો જરાક કે આ રીતે છેલભાઈની હાજરીમાં એવી કોઈ વાત નહીં કરવાની જે છેલભાઈના હાર્ટને ખોટું પ્રેશર આપે.’

‘શ્યૉર, એમાં શું મોટી વાત છે.’ ડૉક્ટર પટેલે અજાણતાં જ પુષ્પાનો પક્ષ પણ લીધો, ‘જોકે તેની ડૉટર પણ ખરેખર તમારાં બહુ વખાણ કરે છે. બહુ માને છે તમને. આખો દિવસ બધાને તમારી વાત કરતી હોય અને કહેતી હોય કે મેં ભગવાન જોયો નથી, પણ જો એ હોત તો તમારા જેવો જ દેખાતો હોત. ગઈ કાલે જ હજી મને પણ કહેતી હતી...’

ડૉક્ટર પટેલ બોલતા રહ્યા અને ડીન પોતાને થઈ રહેલા અફસોસની ખાઈમાં ઊતરી ગયા. આજે પહેલી વખત ડીનને અફસોસ થતો હતો. આ અફસોસ એ વાતનો હતો કે કોઈને મળવી જોઈએ એ દુઆ તે કમાઈ રહ્યો હતો, કોઈકને મળવા જોઈએ એવા આર્શીવાદ અજાણતાં જ બીજા લોકો તેના ખાતામાં જમા કરતા હતા.

‘... અને સાહેબ, ખોટું પણ નથીને. તમે જેટલું કર્યું છે એટલું તો કોઈ તેના સગા બાપ માટે પણ આજકાલ ક્યાં કરે છે. હૅટ્સ ઑફ ટુ યુ.’

ડૉક્ટર પટેલને અટકાવવાનું ડીનને બહુ મન થતું હતું, પણ તેણે તસ્દી લેવી નહોતી પડી. ડૉક્ટર પટેલ આગળ કંઈ બોલે એ પહેલાં જ ચેમ્બરનું ડોર ખૂલ્યું અને પુષ્પાએ સહેજ મોઢું દેખાડ્યું.

‘સાયબ, તમે બોલાયવી?’

‘હા બેન, આવો-આવો.’

પુષ્પાએ જોયું કે ડીન પણ ત્યાં જ બેઠા હતા એટલે તે બાજુમાં જઈને ઊભી રહી.

‘અરે, બેસો બે મિનિટ.’

‘હા સાયબ.’

પુષ્પાએ દલીલ વિના ખુરસી ખેંચી લીધી અને ખુરસી ખેંચીને તેણે જગ્યા લીધી.

‘બોલોને સાયબ, આમ પણ રજા લેતા પેલા પરેજીનું પૂછવા આવવાની જ હતી હું.’

‘એ બધું તો ઠીક છે બેન પણ...’ ડીન વચ્ચે બોલ્યા, ‘આ તમે આખો દિવસ શું પૈસા અને તમારો ઉપકાર અને તમારો આભાર એવુંબધું બોલ-બોલ કરો છો. નહીં બોલવાનું એવું. એવું જરાય નથી.’

‘જે હોય એ તો કેવાનું જ હોયને સાયબ.’

ડૉક્ટર પટેલે બરાબર સમયસર સોગઠી મારી દીધી.

‘બેન, પણ આવીબધી વાત પેશન્ટ દેખતા શું કામ કરવી છે તમારે? ખોટી તેને ચિંતા થાય એના કરતાં શાંતિ રાખોને.’

‘હા, સાચી વાત છે. ખોટેખોટું પછી એ વિચાર્યા કરે એના કરતાં હવે નઈ બોલું.’

પુષ્પાએ તરત જ શરણાગતિ સ્વીકારી લીધી જે ડીનને ગમી હતી. જ્યારે ગમતું થાય ત્યારે માણસ વધારે છૂટ લેતો હોય છે, વાતને વધારે ખેંચતો હોય છે.

ડીને પણ એ જ કર્યું હતું.

‘જુઓ, છેલભાઈ હવે એકદમ સ્વસ્થ છે, પણ અહીંથી નીકળ્યા પછી તેમની તબિયત આવી જ રહે અને વધારે સારી થતી જાય એ જોવાનું કામ આપણું છે. એક વખત તબિયત ફરી બગડી તો ખોટેખોટા તે હેરાન થશે અને...’

‘ના, ના, એવું કંઈ નહીં થાય. હું કહું છુંને, હવે હું બોલવામાં ધ્યાન રાખીશ.’

દીકરીની આંખમાં આંસુ આવી ગયાં, જે જોઈને ડીન થોડા પીગળી પણ ગયા. તેમણે કરડાકી છોડીને વાત કરી.

‘હું સમજું છું તમારી લાગણી, પણ મારું ખાલી એટલું કહેવું છે કે જે થઈ ગયું એ પતી ગયું. હવે આગળ વધવાનું છે અને છેલભાઈને આપણા કારણે કોઈ વાતનો ભાર ન રહે એનું ધ્યાન રાખવાનું છે. રાઇટ?’ પુષ્પાએ હા ભણી, ‘બસ, તો હવેથી એવી કોઈ વાત નથી કરવી જે રૂપિયા સાથે જોડાયેલી હોય. કોણે મદદ કરી ને શું કામ મદદ કરી એ બધું હું અને તમે જાણીએ. તમને મન થાય તો એક ફોન કરીને મને થૅન્ક યુ કહી દેજો, પણ છેલભાઈની હાજરીમાં એની કોઈ વાત નહીં. બરાબર?’

પુષ્પાએ ફરી હા પાડી એટલે ડૉક્ટર પટેલે ઘરે જઈને કઈ-કઈ વાતનું ધ્યાન રાખવાનું છે એ કહી દીધું અને પરેજી વિશે પણ સૂચના આપી દીધી. સાથોસાથ હવે ક્યારે-ક્યારે દેખાડવા આવવાનું છે એના વિશે પણ કહ્યું.

ડૉક્ટર પટેલની આ સૂચના પૂરી થઈ એટલે ડીને પુષ્પાની હાજરીમાં જ ડૉક્ટર પટેલને પણ સૂચના આપી દીધી, ‘પટેલસાહેબ, જ્યારે પણ આવે ત્યારે એક રૂપિયો ફી નથી લેવાની અને બીજું, જો કોઈ મેડિસિન લખી આપો તો એ મેડિસિન...’

‘ડોન્ટ વરી, અહીંથી મેડિકલ સ્ટોરમાંથી લઈને જ આપી દઈશ. તમારે હવે કહેવાની જરૂર નથી.’

ડીને પુષ્પાની સામે જોયું.

‘હવે ધરપત થઈ?’

પુષ્પાએ આંખથી જ હા પાડી. તેની આંખમાં આંસુ તગતગતાં હતાં. તેણે તગતગતી આંખે ડીન અને ડૉક્ટર પટેલ સામે હાથ જોડ્યા.

‘આજે છેલ્લી વાર. બરાબર?’

પુષ્પાના ચહેરા પર સહેજ અમસ્તું સ્માઇલ આવ્યું.

મનમાં પ્રશ્નો તો અઢળક થતા હતા, પણ ડીનના છેલ્લા શબ્દો પછી એ પૂછવાની પણ તેનામાં હિંમત રહી નહોતી.

‘મોટો ભાઈ માનો મને. બીજી કોઈ વાતની ફિકર પણ નથી કરવાની અને આ જે કંઈ થઈ રહ્યું છે એનો જરાસરખો પણ ભાર નથી રાખવાનો તમારે.’ ડીને વાત્સલ્યભાવ સાથે પુષ્પાના માથા પર હાથ મૂક્યો, ‘જાઓ, તૈયારી કરો નીકળવાની એટલે તમને લોકોને ઉતારતો જાઉં.’

પુષ્પા રવાના થઈ એટલે ડીન અને ડૉક્ટર વચ્ચે થોડી આડીઅવળી વાત થઈ. થોડી વાર પછી વૉર્ડબૉય આવીને કહી ગયો કે છેલભાઈ નીકળવાની તૈયારીમાં છે એટલે ડૉક્ટર પટેલ તેમને છેલ્લી વાર મળવા માટે રૂમમાં ગયા અને ડીને પોતાની ગાડી બહાર લેવડાવી. ફાઇનલ ચેકઅપ પૂÊરું થયું એટલે છેલભાઈ અને પુષ્પા નીચે આવ્યાં અને ડૉક્ટર પટેલ પણ તેમની સાથે બહાર સુધી આવ્યા.

છેલભાઈને પ્રેમપૂર્વક ગાડીમાં બેસાડ્યા અને ગાડી રવાના થઈ ત્યાં સુધી પટેલસાહેબ પણ ત્યાં જ ઊભા રહ્યા.

રવાના થયેલી ગાડી ડ્રાઇવ ડીન પોતે કરતા હતા.

‘મંદિરે જવું છે કે પછી સીધા ઘરે જ જવું છે?’

પુષ્પાએ બાપુજી સામે જોયું.

બાપુજીની આંખો બંધ હતી એટલે પુષ્પાએ જ જવાબ આપી દીધો.

‘ઘરે જ લઈ લ્યોને સાયબ, કદાચ બાપુજી થાકી ગ્યા છે.’

ખોટો જવાબ આપ્યા પછી થાક લાગતો હોય છે.

પુષ્પાને પણ અત્યારે થાક લાગ્યો હતો.

કહેવું તો તેણે એમ જ હતું કે મંદિરે ન જઉં તો પણ શું ફરક પડે છે. મારો ભગવાન તો અત્યારે સારથિ બનીને અમને ઘર સુધી મૂકવા આવે છે.

(વધુ આવતા શનિવારે)

€€€€€€

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy