મેં બનાવ્યા તમને ઇન્સાન ને તમે એના બનાવ્યા હિન્દુ-મુસલમાન

પૃથ્વી, વાયુ, જળ, અગ્નિ અને આકાશ આ પાંચ તત્વોનો એક પિંડ બનાવ્યો ને પછી અંદર મૂક્યો જીવ.

મનોરંજનથી મનોમંથન - સુભાષ ઠાકર

ને પછી તે બોલ્યો, ‘જો બકા, દૂરબીનથી નીચે જો. ધરતી પર પેલો ભારત નામનો રંગમંચ દેખાય છે? જો-જો પેલા મોદી, અજિત, લાલુ, કેજરી, મુલાયમ, માયા, મમતા, પપુ જેવા ઊભરાયેલા કલાકારો જોયા? બધાં અલગ-અલગ પાત્રોને અલગ-અલગ અભિનય કરવા મોકલ્યાં છે. તું પણ હવે નીચે જઈ શરૂ કર તારો અભિનય.’

પછી પ્રભુ મૂછમાં હસી બોલ્યા, ‘ર્ચોયાસી લાખ ફેરે મેં સુન લે એક બાર, અગલી બાર માનવ અવતાર. ચાલો ઊપડ હવે આપકા સમય શરૂ હોતા હૈ અ...’

‘તંબૂરો સમય શરૂ હોતા હૈ. જુઓ પ્રભુ, મને કોઈ અભિનયના અભરખા નથી. અને તું તો જાણે છે કે અવતાર લે તે ભગવાન ને જનમ લે તે માણસ. ને હું માણસનો પિંડ છું. પણ સૉરી, મારે તને છોડીને ક્યાંય જવું નથી. તું મને માયાના ખોટા ડખામાં નઈ પાડ ધૅટ્સ ઑલ.’

 ‘અરે? વૉટ ડૂ યુ મીન બાય ખોટા ડખા.’ પ્રભુ મીઠું ભડક્યા, ‘અને અભિનયના અભરખા નથી. નીચે બધાને નાટક કરવા જવું જ પડે. જો બકા, મેં કેટલી મહેનત કરી આકાર આપી તારો પિંડ બનાવ્યો. જીવ મૂક્યો ને હવે જવાનો ઇનકાર કરે છે? ટ્રાય ટુ અન્ડરસ્ટૅન્ડ મી. મારે અહીં ઉપર પણ ગિરદી ઓછી કરવાની કે નઈ? મેં હવે તારી અંદર જીવ મૂકી...’

‘અરે તેલ પીવા ગયો મારો જીવ. કાઢી લે અંદરથી બસ? નીચે જઈશ ત્યારે તું એક દિવસ કાઢી તો લેવાનો જ. તારી પાસે તો મારો જીવ ન હોય તોય જીવન જિવાય.’

મારી હટી ગઈ હતી. ‘હું તારી પાસે બૅકસ્ટેજમાં બરાબર છું. ડોન્ટ ર્ફોસ મી. નો એટલે નો પ્લીઇઇઝ...’

‘અરે મેરે બાબુલ પ્યારે, પ્લીઝ (ખુશ) તો તારે નીચે જઈ બધાને કરવાના છે. ને બૅકસ્ટેજમાં હું છું. હું અહીં બેઠાં-બેઠાં તારું ધ્યાન રાખીશ. તું મારું ટીવી ને હું તારું રિમોટ બસ.’

‘નો બસ, નો રિક્ષા, નો ટૅક્સી. પછી તું ધ્યાનમાં જ બેઠો જ રહે છે. ખોટી અંચઈ નઈ કરવાની. તું સાલું મને નીચે મોકલી એવો છટકી જાય છે કે પછી નથી ઉપર દેખાતો કે નથી મંદિરમાં.’

‘ચાલ, કોઈને ખબર ન પડે એમ તારી અંદર બેસીને આવીશ બસ, હવે ખોટી જીદ ન કર...’

‘ઓકે ધેન નો પ્રૉબ્લેમ. બટ માય ડિયર પ્રભુ, બિફોર ગો ટુ ધેર કૅન આઇ આસ્ક યુ અ કવેન રિગાર્ડિંગ ધ પ્રોડક્શન ઑફ અવર બૉડી?’

‘યસ, વાય નૉટ? પરમિશન ગ્રાન્ટેડ. બોલ શું પૂછવું છે? ઍની કન્ફ્યુઝન?’

‘કન્ફ્યુઝન? અરે કન્ફ્યુઝન જ કન્ફ્યુઝન છે. પ્રભુ પ્લીઝ ટેલ મી કે તું કરોડો અબજો વર્ષોથી માણસો, પશુ, પંખી, જંતુ શું કામ ઘડે છે? શું ફાયદો છે? આ એકના એક પ્રકારના ઢાંચાવાળાં શરીર, એક જ પ્રકારના માણસોનાં એવાં જ અંગો ને એ જ અવયવો મૂકી થાકી નથી ગયો? બોર નથી થઈ ગયો? આ ઘડતરમાં હવે કંઈક તો બદલાવ લાવ. સાલું એ જ બે હાથ, બે પગ, બે આંખ, કાન, બે નસકોરાં એ જ ગળું, એક જીભ, બત્રીસ દાંત, એ જ પેટ-છાતી વગેરે -વગેરે એ જ જગ્યા ને એ જ માપ. શું માંડ્યું છે આ બધું? ક્યારેક કંઈક નવીનતા તો લાવ. ક્યારેય તને એ વિચાર ન આવ્યો કે પેટની સાથે જ ડાયરેક્ટ જીભ અને દાંત ફિટ કરી દીધા હોત તો આ અન્નનળીની પાઇપલાઇનની જરૂર જ ન પડે. તારો અન્નનળીનો માલ બચે. આ ચહેરાની આજુબાજુ સાંભળવા બે કાન આપ્યા એ બદલ આભાર. પણ એ જગ્યાએ ખાલી કાણાં મૂક્યાં હોત તો ચાલત. અને અંદર પડદા છે એવા આંખની પાંપણની જેમ કાન બહાર પડદા મૂક્યા હોત તો? પણ પ્રશ્નાર્થ ચિહ્ન જેવા ડિઝાઇનવાળા બે લોચા વળગાડી ખોટો માલ બગાડતો હોય એવું નથી લાગતું? ડિયર ગૉડ, આવા ૫૦૦-૭૦૦ કાનના બૂટિયાના માલમાં એક ફુલ સાઇઝનું બાળક ઘડી શક્યો હોત. સમજ્યો? અને આ બત્રીસ દાંતની જગાએ વતુર્ળના ભાગ કરી ચાર ટુકડા ગોઠવી શક્યો હોત. બત્રીસ દાંતની જગ્યાએ વતુર્ળના ભાગ કરી ચાર ટુકડા ગોઠવી શકયો હોત. બત્રીસ દાંત બનાવવાની મજૂરી શું કામ? અને ચાલો આ બધાં અંગ કંઈ ને કંઈ કામ કરે છે એટલે તારી મહેનત વસૂલ. પણ-પણ-પણ આ ધોળા નખ ને કાળા વાળ કંઈ કામ નથી કરતા તો મૂકવાનું પ્રયોજન શું? અમારે તો કારણ વગર જ બન્નેને સંભાળવાનાને? હું ભગવાન હોઉં ને માણસને ઘડું તો આવો ન ઘડું. કંઈક નોખું કંઈક અનોખું કર. જોકે હું તો કઉં પ્રભુ બાકી માલ તારો, વિચાર તારો, ઘડામણ તારું ને બુદ્ધિ પણ...’

‘હા, એ પણ મારી. બદલાવ છે મારા બાબલા બદલાવ છે, પણ તને બહુ ધ્યાનમાં ન આવ્યું; કારણ કે બહારના રૂપને જ જોયું.’ પ્રભુ બોલ્યા. ‘નાઓ કૅરફુલી લિસન કર. અસ્તિત્વ એક પણ વ્યક્તિત્વ અલગ-અલગ. મેં જીવ બધામાં મૂક્યો, પણ બધાનાં જીવન અલગ-અલગ. મેં જિંદગી સરખી આપી, પણ આયખું અલગ-અલગ. સરળતાથી ઓળખી શકાય એટલે ચહેરા અને અવાજ અલગ-અલગ. દરેકની હાઇટ-બૉડી અલગ. અરે બકા, મગજ બધાને એકસરખાં અખરોટનાં ફાડિયાં જેવાં, પણ અંદરના વિચારો ને બુદ્ધિ બધું જ અલગ-અલગ. લોહી બધાનું લાલ, પણ ડૉક્ટર પણ ન શોધી શકે એ ખાનદાનીના ટકા બધાના અલગ-અલગ. હૈયાં બધાને સરખાં પણ અંદરની લાગણીઓ જુદી-જુદી. સાચું કહું તો શબ્દોની નકલ તો કોઈ પણ કરી શકે, પણ લાગણીઓની નકલ કોઈ ન કરી શકે. આ બધી બધાને ખબર છે. ને તું કહે છે કાનમાં માલ બગાડ્યો... એ ન બગાડ્યો હોત જો દેખવામાં કેવી તકલીફ પડે?’

‘અરે વાહ, કા ન હોય તો દેખવામાં તકલીફ. પાછું કન્ફ્યુઝન.’

‘અરે ડોબા, આંખ નબળી પડે તો ચશ્માં ક્યાં ભરાવે? એ માટે ઠેસી લઈ સાથે ન ફરાય. મારી વ્યવસ્થા જો. અને બન્ને પગ તો શીખવાડે આપણને ‘આગે બઢો હમ સાથ સાથ હૈ.’ અને બે આંખો શું શીખવાડે છે? અતૂટ દોસ્તી. બન્ને આંખોએ ક્યારેય એકબીજાને જોઈ નથી છતાં જોવાનું સરખું. આંસુ પણ એકસરખાં ને સપનાં પણ એકસરખાં ને વાળ ને નખ તો શરીરનું ડેકોરેશન છે, સમજ્યો હવે? ચાલો હવે નીચે જઈશ...’

‘વાહ પ્રભુ વાહ, પણ થોડો વખત મને નીચે મોકલવાનું માંડી વાળને. તું ઈશ્વર છે એટલે તને જન્મ-મરણના ફેરાની ફિકર નથી તો પણ મને શું કામ ફસાવે છે? છતાં તું એકચક્રી શાસન ચલાવે છે એમાં મારું શું ચાલે, પણ હમણાં મોકલવાનું માંડી વાળ. પછી તું જ પસ્તાઈશ... પ્લીઝ.’

‘કેમ? એમાં મુરત કે ચોઘડિયાં જોવાનાં છે?’

‘અરે પ્રભુ, હમણાં જે જવાન દેશને બચાવે છે તેની શહીદીની સીઝન ચાલે છે ને જે કિસાન ભોજન આપે છે તેની આત્મહત્યાની સીઝન હમણાં ઓછી છે. પણ પ્રભુ, આ સિલસિલો પૂર્ણ થોભી જાય પછી મોકલ...’

‘અરે હા પ્રભુ, હમણાં અહીંથી દૂરબીનથી જોયું તો એક શિલ્પી મંદિરમાં બોલી રહ્યો હતો, ‘હે પ્રભુ, આપણે બન્ને કલાકાર. તું અમારાં જેવાં પૂતળાં બનાવી અહીં મોકલે ને અમે અહીં તારાં પૂતળાં બનાવી વેચીએ. પણ શરમ આવે છે, કારણ કે તારાં બનાવેલાં પૂતળાં અંદર- અંદર લડે છે ને મારાં બનાવેલાં પૂતળાં સામે શીશ ઝુકાવે છે.’ એવું કેમ પ્રભુ?’

‘કારણ કે મેં તમને બનાવ્યા ઇન્સાન ને તમે એના જ બનાવ્યા હિન્દુ-મુસલમાન. અને લોકો તારી બનાવેલી મારી મૂર્તિ સામે શીશ ઝુકાવે છે, કારણ કે જે નમે છે એ જ બધાને નમાડી શકે છે...’

‘સૉલિડ પ્રભુ, સૉલિડ ચાલો હવે નીકળીએ...’

શું કહો છો?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK