જગતની ધર્મશાળામાં

લલિત વર્માનો ત્રીજો કાવ્યસંગ્રહ ષડ્જ પ્રકાશિત થયો.

અર્ઝ કિયા હૈ - હિતેન આનંદપરા

કવિતાનો ક અને સંગીતનો સા જેમણે આત્મસાત કર્યો છે એવા આ શાયર-સંગીતકાર વિશે જલન માતરી લખે છે : વર્માજી ગઝલરૂપી સમંદરના કિનારા ઉપર બેસીને માત્ર છબછબિયાં કરતા નથી; પણ સમંદરમાં ઝંપલાવી, ડૂબકી લગાવી, તળિયે પહોંચીને મોતીઓ વીણીને બહાર આવે છે. સંગ્રહમાંથી તારવેલાં મોતી આજની મહેફિલમાં પરોવીએ.

ક્યાંક છે તારીખિયામાં, ક્યાંક ભીંતે છે સમય

પણ ખબર પડતી નથી કે કેમ વીતે છે સમય!

જૂગટું રમતા રહ્યા બે પક્ષ પાંડવ, કૌરવો

ચાલ ચાલે બેઉ પક્ષો, જે જીતે તે છે સમય


આપણા હાથમાં રહેલા પાસા ફેંકીને આપણે દાવ રમી શકીએ, પણ પરિણામ આપણા હાથમાં હોતું નથી. ઇચ્છિત પરિણામ મેળવવા હાથસફાઈ કરવાની આવડત રમતમાં ચાલી શકે, સમય સામે નહીં. સમય આપણે વિચારી શકીએ એના કરતાં અનેકગણો બળવાન છે. ડૅશિંગ હૅન્ડસમ વિનોદ ખન્નાની યુવાનીની મારકણી તસવીર સાથે જ્યારે તેમની હૉસ્પિટલાઇઝ્ડ તસવીર સરખાવીએ ત્યારે સમયની શક્તિ સમજાઈ જાય. સમયની સાથે જોડાયેલું આ શાશ્વત સત્ય પણ સ્વીકારવું જ પડે.   

મુસાફર માનવી આવે જગતની ધર્મશાળામાં

વિસામો છે ક્ષણિક કાયમ ઉતારા થઈ નથી શકતા


જિંદગીની IPLમાં લિમિટેડ ઓવર રમવાની હોય છે. ૨૦-૨૦ હોય, પચાસ ઓવરની વન-ડે હોય કે પાંચ દિવસની ટેસ્ટમૅચ, બધાએ પોતાના ભાગે આવેલી રમતને નિષ્ઠાપૂવર્ક૦ રમવી જોઈએ. કોઈ અડધી સદી કે સદી ફટકારી શકે તો કોઈ ઝીરોમાં પણ આઉટ થઈ જાય. કેટલાકના ભાગે તો રમવાની તક પણ ન મળે અને બારમા ખેલાડીની જેમ જિંદગી વિતાવવી પડે. સ્થાન અને સિદ્ધિ ગમે તે હોય, શ્વાસનું સ્કોરર્બોડ અંતે તો શૂન્યને જ વહાલું થવાનું. 

એક ખાલી ફ્રેમ આજે ભીંત પર લટકી રહી

કાલ કઈ તસ્વીર એમાં આવશે, કોને ખબર?


આયુષ્ય ભોગવીને વિદાય થાય તો એનો રંજ ન હોય, પણ આપણા સૈનિકો દેશદ્રોહીઓના હાથે ને પાકિસ્તાને એક્સપોર્ટ કરેલા આતંકવાદીઓના હાથે હણાય ત્યારે રંજ પણ થાય અને રોષ પણ ઊપજે. AK-૪૭ શીખેલા હાથોએ ટિયરગૅસની ગન સુધી સીમિત થઈ જવું પડે. દુશ્મનની ગોળી કરતાં પણ પોતાના જ દેશના નાગરિકોએ ફેંકેલા પથ્થરની વેદના વધારે નૂકીલી હોય છે.    

સાજ છે બોદું ને તારો છે ઢીલા

રંજ છે કે રણઝણી શકતા નથી

છે ઘૂસણખોરોય હદમાં આપણી

તોય શત્રુને હણી શકતા નથી


ધર્મ ઉપર અધર્મનું પૅકિંગ ચડાવવામાં આવે ત્યારે સત્વ ઉપર તમસનો વિજય થાય છે. ધાર્મિક માન્યતા ધાર્મિક ઝનૂન બને પછી માનવતાના કાંગરા ખરવા માંડે. ધર્મનું કામ ફાંટાઓને એકત્ર કરી એક છત્ર નીચે લાવવાનું છે, પણ હકીકતમાં શું થાય છે એ હકીકત શાયર દર્શાવે છે... 

દુનિયામાં ધર્મ હો તો બતાવો મને લલિત

ફિરકા અલગ અલગ છે સહુ સંપ્રદાયના


ધર્મનું કામ પરમ તરફ લઈ જવાનું છે. એ રસ્તો દર્શાવે, ચાલવું તો આપણે જ પડે. સમસ્યા એ છે કે કેટલીક વાર અર્થઘટનો ખોટી ગલીઓમાં લઈ જાય. એટલે માણસાઈને વટલાતાં વાર નથી લાગતી. આપણી ઉપર એટલાંબધાં આવરણ ચડી જાય કે શાયર કહે છે એવું સ્વરૂપ દેખાવા લાગે...

બાહર જણાય છે અસલ તે છદ્મવેશ છે

માણસનું મૂળ રૂપ આજ નામ:શેષ છે

એક જ રહસ્ય છે, જગતમાં જન્મ એટલે

અંતિમ તરફ ગતિ થવાના શ્રીગણેશ છે


સફરમાં અટકી જવાય એનો વાંધો નથી, કદાચ સહારો આપનાર મળી પણ રહે. પણ ભટકી જઈએ તો શક્ય છે કે કેટલાંય વષોર્ ઓમ સ્વાહા થઈ જાય...

પ્રવેશ શક્ય તો સાકારનો જ હોઈ શકે

કદી કરી ન શકે ગૃહપ્રવેશ પડછાયા

પ્રવાસ, જાતરાનો મર્મ એ ન સમજે છે

ઘણાય ખૂંદી વળે છે પ્રદેશ પડછાયા


ક્યા બાત હૈ


ખૂબ પ્રતીક્ષાનો અંત એટલે તમે

સ્નેહ સબંધે શ્રીમંત એટલે તમે

પૂર્વ ઈસવી સનની વાત એટલે તમે

કંઈક હજારો સંવત એટલે તમે

ઝેર જગતમાં ઘણાય આપતા રહ્યા

ઓઘ અમીના અનંત એટલે તમે

હાર બધે હોત, ના અગર તમે હતે

જીત અમારી જ્વલંત એટલે તમે

એક સમસ્યા સમી જણાય જિંદગી

ને જવાબ પણ તુરંત એટલે તમે

મેં પરિઘ પૂર્ણ આજ વિશ્વનો કર્યો

આપ શરૂઆત, અંત એટલે તમે

એક અચેતન પદાર્થ એટલે જગત

સાથ સનાતન જીવંત એટલે તમે

આ ત્રિકાળ જ્ઞાનનુંય મૂળ આપ છો

ભાવિ, હાલ, ભૂતકૃદંત એટલે તમે

કલ્પનાઓ જ્યાં કશેય વિસ્તરે લલિત

આભ, ભૂમિ, દિગ્દિગંત એટલે તમે

(ઓઘ-પ્રવાહ)


                     - લલિત વર્મા

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK