કાંદિવલીની હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓની મનમાનીને RTIએ લગામ લગાવી

કાંદિવલી (ઈસ્ટ)માં રહેતા હરેશ પારેખની દુવિધાની તથા અશક્ય જણાતું કાર્ય RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગથી ૨૪ દિવસમાં સંપન્ન થયાની આ રસપ્રદ કથા છે.

RTI

RTIની તાકાત - ધીરજ રાંભિયા

એક કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં હરેશભાઈએ સપનાનું ઘર ખરીદ્યું. હાઉસિંગ સોસાયટી બનતાં પદાધિકારીઓએ હરેશભાઈને ૪૮ વૉલ્ટનો આંચકો આપતાં જણાવ્યું કે તમારા ફ્લૅટના પ્રથમ ખરીદનારે ફ્લૅટ-ખરીદીના ઍગ્રીમેન્ટ પર સ્ટૅમ્પ-ડ્યુટી ભરી નથી જે આપે ભરવાની રહેશે. આમ સાંભïળતાં ઘર ખરીદવાના આનંદનું બાષ્પીભવન થઈ ગયું.

મૂળે નરેશભાઈ (કાલ્પનિક નામ)એ બિલ્ડર પાસેથી ઘર ખરીદેલું. બિલ્ડરે લેટર ઑફ અલૉટમેન્ટ નરેશભાઈને આપ્યો હતો. નરેશભાઈએ ત્યાર બાદ ફ્લૅટ પરેશભાઈ (કાલ્પનિક નામ)ને વેચેલો અને પરેશભાઈએ આ ફ્લૅટ હરેશભાઈને વેચ્યો, જેનું ઍગ્રીમેન્ટ હરેશભાઈ પાસે હતું. પરેશભાઈ પાસેથી તેમણે ખરીદેલા ફ્લૅટનું ઍગ્રીમેન્ટ હતું, જેના પર પણ સ્ટૅમ્પ-ડ્યુટી ભરેલી હતી; જે સોસાયટીને આપવામાં આવી.

સોસાયટીએ હરેશભાઈને જણાવ્યું કે મૂળે નરેશભાઈએ ખરીદેલા ફ્લૅટની સ્ટૅમ્પ-ડ્યુટી ભરેલી નથી, જેના પ્રત્યુતરમાં હરેશભાઈએ સોસાયટીને જણાવ્યું કે ‘નરેશભાઈએ ખરીદેલા ફ્લૅટનું ઍગ્રીમેન્ટ તેમની પાસે નથી. આપ એ ઍગ્રીમેન્ટ મને આપો તો હું એ ઍગ્રીમેન્ટ પર નહીં ભરાયેલી કે ઓછી ભરાયેલી સ્ટૅમ્પ-ડ્યુટી ભરવા તૈયાર છું.’

સોસાયટીને જણાવતાં પહેલાં હરેશભાઈએ પરેશભાઈ પાસે નરેશભાઈના ફ્લૅટ-ખરીદીના ઍગ્રીમેન્ટની કૉપીની ઉઘરાણી કરેલી, જેના પ્રત્યુતરમાં પરેશભાઈએ જણાવેલું કે તેમને આવું કોઈ ઍગ્રીમેન્ટ મળ્યું નથી. તેમ જ આવા કોઈ ઍગ્રીમેન્ટના અસ્તિત્વની પણ જાણ નહોતી. આથી હરેશભાઈએ ઍગ્રીમેન્ટ આપવા માટે સોસાયટીને જણાવેલું.

સોસાયટી પાસે પણ નરેશભાઈના ઍગ્રીમેન્ટની કૉપી નહોતી, જેની જાણ હરેશભાઈને કરવામાં આવી. હરેશભાઈએ વિકલ્પે સોસાયટી પાસેથી સોસાયટીના ઓરિજિનલ મેમ્બર્સનું લિસ્ટ માગ્યું. તુમારશાહીમાં રાચતા પદાધિકારીઓએ એ આપ્યું નહીં. હરેશભાઈ સતત લિસ્ટ માગતા રહ્યા અને પદાધિકારીઓ એ આપવા માટે ઠાગાઠૈયા કરતા રહ્યા. શું કરવું એની અસમંજસમાં હરેશભાઈ ગૂંચવાતા રહ્યા.

‘મિડ-ડે’ના નિયમિત વાચક હોવાના નાતે તેઓ આ કટાર પણ વાંચતા. યોગાનુયોગ બન્યું એવું કે એ સમયમાં સોસાયટીના પદાધિકારીઓના બેહૂદા વર્તનથી ત્રસ્ત એક નાગરિકની યાતના તથા RTIના ઉપયોગથી વિટંબણાના સુખદ અંતની કથા પ્રકાશિત થયેલી. તરુણ મિત્ર મંડળ સંચાલિત RTI કેન્દ્ર-મલાડની મદદ અને માર્ગદર્શનની એ રોચક કહાણી હતી. હરેશભાઈને આ વાંચતાં-વાંચતાં આંખમાં ચમકારો થયો તથા પોતાની યાતનાના સુખદ અંતની આશા બંધાઈ.

૨૦૧૬ની ૭ સપ્ટેમ્બરે તેઓ અપૉઇન્ટમેન્ટ મેળવી કેન્દ્ર પર પહોંચ્યા. કેન્દ્ર પર અમિતભાઈ અને સાથીઓએ તેમની કથની શાંતિથી સાંભળી. લાવેલી ફાઇલનો અભ્યાસ કરી ૯૦ ફીટ ડી. પી. રોડ, કાંદિવલી (ઈસ્ટ)સ્થિત ય્-સાઉથ વૉર્ડના ડેપ્યુટી રજિસ્ટ્રારના નામે એક પત્ર લખી આપ્યો, જે દ્વારા સોસાયટીના રજિસ્ટ્રેશન સમયે સોસાયટી દ્વારા આપવામાં આવેલા ઓરિજિનલ મેમ્બર્સના લિસ્ટની સર્ટિફાઇડ કૉપી માગવામાં આવી.

હરેશભાઈએ ૨૦૧૬ની ૮ સપ્ટેમ્બરે પત્ર ડેપ્યુટી રજિસ્ટ્રારના કાર્યાલયમાં સુપરત કર્યો. પત્ર આપતી વખતે અમિતભાઈએ સૂચના આપેલી કે પત્ર સુપરત કર્યાના એક મહિના બાદ પત્રનો જવાબ આવે તો એ લઈ અને જવાબ ન પણ આવે (જેની શક્યતા ભારોભાર છે) તો પણ કેન્દ્ર પર આવશો.

અપેક્ષા પ્રમાણે સહકારી સંસ્થાના બાબુઓએ કોઈ સહકાર કે સકારાત્મક જવાબ ન આપ્યો. જવાબ આપવાની સજ્જનતાની વાત લાંબી રહી. પત્ર મળ્યાની પહોંચ પણ ન મોકલાવી.

૨૦૧૬ની ૧૪ ડિસેમ્બરે હરેશભાઈ કેન્દ્ર પર પહોંચ્યા. હરેશભાઈનો નિસ્તેજ ચહેરો જોઈ અમિતભાઈ પામી ગયા અને તેમણે RTI કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી, જેમાં નીચેની વિગતે માહિતી માગવામાં આવી :

૧. મારા ૨૦૧૬ની ૭ સપ્ટેમ્બરના પત્ર પર કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો તથા પત્રની સાંપ્રત સ્થિતિની વિગતવાર માહિતી.

૨. જો મારા પત્ર પર કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૩. તમારા ડિપાર્ટમેન્ટની નિયમાવલિ મુજબ મારા પત્ર પર કાર્યવાહી પૂર્ણ કરવા માટેની મહત્તમ સમયમર્યાદા.

૪. મારો પત્ર મળ્યાની નોંધ કરવામાં આવેલા ઇન્વર્ડ લેટર રજિસ્ટરની ફોટોકૉપી.

૫. સોસાયટીના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ તથા સોસાયટીના નોંધાયેલા સર્વે સભ્યોની પ્રમાણિત પ્રત તથા રજિસ્ટ્રેશન જે પુરાવાઓના આધારે આપવામાં આવેલા છે એ સર્વેની પ્રમાણિત પ્રતો.

૬. મારા પત્ર પર કાર્યવાહી કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો તથા સરકાર દ્વારા અપાયેલા મોબાઇલ-નંબર તથા કાર્યાલયની ડાયરેક્ટ લૅન્ડલાઇનના નંબરો.

૭. જો મારા પત્ર પર કાર્યવાહી કરવામાં આવી હોય કે અધૂરી કાર્યવાહી કરવામાં આવી હોય તો બેજવાબદાર અધિકારી પર લેવામાં આવેલાં શિસ્તભંગનાં પગલાંની વિગતો.

૮. જો કસૂરવાર અધિકારી સામે પગલાં લેવામાં ન આવ્યાં હોય તો એ માટે નોંધાયેલાં કારણો.

૯. કસૂરવાર અધિકારી પર શિસ્તભંગનાં પગલાં લેવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ, હોદ્દો તથા સરકાર દ્વારા અપાયેલા મોબાઇલ-નંબર તથા કાર્યવાહીની ડાયરેક્ટ લૅન્ડલાઇનના નંબરો.

૧૦. આપના વિભાગની નાગરિક સનદની અપડેટેડ પ્રમાણિત કૉપી.

૧૧. નાગરિક સનદ બનાવવામાં ન આવી હોય કે અપડેટ કરવામાં ન આવી હોય તો એ કરવાની જવાબદારી ધરાવનાર અધિકારીનું નામ તથા હોદ્દાની વિગતો.

૧૨. ઉપરોક્ત બાબતને અનુષંગિક અન્ય જે કોઈ માહિતી હોય એ.

૧૩. પ્રથમ અપીલ અધિકારીનું નામ, હોદ્દો તથા તેમની સંપૂર્ણ વિગતો.

હરેશભાઈએ ડેપ્યુટી રજિસ્ટ્રારના જનમાહિતી અધિકારીના કાર્યાલયમાં અરજી સુપરત કરી. અસહકારનું વલણ ધરાવતા સહકારી વિભાગના બાબુઓને RTI કાયદા હેઠળની ધારદાર અરજી મળતાં હોશકોશ ઊડી ગયા. ઍર-કન્ડિશન્ડ કૅબિનમાં બેઠેલા અધિકારીઓ પણ પરસેવે રેબઝેબ થઈ ગયા. ચાના ઘૂંટડાઓથી પણ મગજે કામ કરવાની ના પાડી દીધી હશે.

બીજા દિવસથી ઑફિસમાં યુદ્ધનું વાતાવરણ સરજાયું હશે. ફાઇલો ફેંદાઈ અને સોસાયટીની જૂની ફાઇલ ન મળે ત્યાં સુધી ચેન ન પડે એ સ્વાભાવિક હતું.

એશોઆરામમાં સામાન્ય રીતે રાચતા બાબુઓને પરસેવાથી રેબઝેબ થયેલા જોવાનો પણ એક લહાવો હોય છે. બાબુઓની મહેનતે રંગ રાખ્યો. જૂની ફાઇલ હાથવગી થઈ. RTI અરજી દ્વારા માગેલી માહિતીનું ચયન કરવામાં આવ્યું.

અસલમાં બાબુઓનું મગજ તો શેતાનીને? જૂની તારીખ (૨૦૧૬ની ૨૦ ઑક્ટોબર) નાખી પત્ર બનાવી માહિતી હરેશભાઈને મોકલી આપી. સાથોસાથ ૨૦૧૭ની ૭ જાન્યુઆરીની તારીખનો RTI અરજીનો જવાબ બનાવવામાં આવ્યો, જેમાં આપના ૨૦૧૬ની ૭ સપ્ટેમ્બરના પત્રનો જવાબ ૨૦૧૬ની વીસ ઑક્ટોબરના મોકલવામાં આવ્યો છે એવું લખવામાં આવ્યું.

RTI અરજીના કારણે હરેશભાઈની વર્ષોની વિટંબણા ૨૪ દિવસમાં દૂર થઈ, કારણ કે સોસાયટી ફૉર્મેશનની વેળાના ઓરિજિનલ મેમ્બર્સના લિસ્ટમાં પરેશભાઈનું જ નામ હતું એટલે નરેશભાઈએ ખરીદેલા ફ્લૅટનું રજિસ્ટ્રેશન કરાવવાની નોબત જ ઊભી ન થઈ.

કર્તવ્યનિષ્ઠ અમિતભાઈ તથા સાથીઓની સેવાનિષ્ઠા તથા RTI કાયદાના યથાયોગ્ય ઉપયોગથી હરેશભાઈની યાતનાનો સુખદ અંત આવ્યો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK