અમારી ઉત્તરાયણ છે ગુજરાતથીયે ચડિયાતી

પતંગ ચગાવવા માટે આખો દિવસ ટેરેસ પર લાઉડ મ્યુઝિક સાથે તલ-મમરાના લાડુ ખાતા-ખાતા મકરસંક્રાન્તિની મજા લૂંટતા કાઇટ-લવર્સ મુંબઈમાં પણ છે. શું છે તેમની સેલિબ્રેશન-સ્ટાઇલ એ જાણીએ, સાથે જ ઉત્તરાયણ પાછળ રહેલા પૌરાણિક મહત્વ પર પણ એક નજર કરીએ

kite3


રુચિતા શાહ

આ વર્ષે મકરસંક્રાન્તિ રવિવારે આવે છે અને એટલે જ પતંગપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે ઉત્તરાયણ અને નવરાત્રિની અસલી મજા તો ગુજરાતમાં જ છે એવું માનનારા ઘણા હશે અને એ વાતમાં શંકા પણ કરવા જેવી નથી. જોકે ગુજરાતને ટક્કર આપે એવી રીતે મકરસંક્રાન્તિની ઉજવણી કરનારા લોકો મુંબઈમાં પણ છે જ. જ્યાં- જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત એમ અમસ્તું જ થોડું કહેવાયું છે? ગુજરાતીઓ જ્યાં હોય ત્યાં ગુજરાત હોય અને ગુજરાત હોય ત્યાં ઉત્તરાયણ પણ હોવાની જ. મુંબઈની ઉત્તરાયણને સ્પેશ્યલ રીતે સેલિબ્રેટ કરતા મુંબઈગરાઓ પાસેથી જાણીએ તેમની ઉજવણીની ખાસંખાસ વાતો.

કાંદિવલી લિન્ક રોડ પર આવેલી ઑર્કિડ સબર્બિયા સોસાયટીના સભ્યોએ આ વર્ષે ઉત્તરાયણની એક ખાસ તૈયારી કરેલી છે. એનું કારણ છે રવિવાર. સોસાયટીના સભ્ય રિતેશ પટેલ કહે છે, ‘અમારી ઉત્તરાયણ મરાઠી અને ગુજરાતીની કૉમ્બિનેશન સ્ટાઇલમાં હોય છે. એટલે કે તિળગુડ અને હલ્દી કંકુની રસમ પણ થાય અને સાથે જ ગુજરાતી ખાસ ઉત્તરાયણ સ્પેશ્યલ જમણ. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી તો એકદમ રંગેચંગે ઉત્તરાયણ ઊજવીએ છીએ, પણ ચાલુ દિવસ હોવાને કારણે વધુ સમય ટેરેસ પર નથી વિતાવી શકતા. બેશક, ઘણા લોકો રજા લઈને પણ ટેરેસ પર હાજર થાય છે. લગભગ બસોથી વધુ લોકો અમારી અગાસી પર ધામા નાખી દેતા હોય છે. જોકે આ વખતે સંખ્યા વધશે, કારણ કે બાળકોથી લઈને મોટાઓ માટે રજાનો દિવસ છે.’

kite2

થાણેમાં આવેલી કલ્પતરુ હિલ્સ સોસાયટીના સભ્યોએ ગયા વર્ષે ગુજરાતના ટક્કરની ઉત્તરાયણનું સેલિબ્રેશન કરેલું. આ આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવનારા પાયલ પંડ્યા કહે છે, ‘બે વર્ષ પહેલાં હું બરોડા ઉત્તરાયણ માટે ગયેલી અને સાચું કહું તો ત્યાંના લોકોમાં આ તહેવાર માટેનું જે ડેડિકેશન છે એ જોઈને જ આભી બની ગઈ હતી. મને બરાબર યાદ છે કે લોકો માત્ર પતંગ ચગાવવા માટે જ નહીં; પણ કેવી પતંગ લેવી, કેવો માંજો લેવો, કેવી રીતે કન્ની બાંધવી જેવી ઝીણી-ઝીણી બાબતમાં પણ એકદમ કૉન્શ્યિસ હતા. આપણે જેમ દુકાનમાં જઈને કોઈ આકર્ષક ડિઝાઇનની પતંગ લઈ લીધી એટલે રાજી થઈ જઈએ, પણ ત્યાં એવું નહોતું. ગયા વર્ષે અમે જ્યારે ઉત્તરાયણ સેલિબ્રેટ કરી તો અમારામાંથી અડધાને પતંગ ચગાવતાં નહોતી આવડતી, પણ અમે શીખી ગયા અને મ્યુઝિક સાથે ખાવાપીવામાં પણ ખૂબ જલસો કર્યો.’

કલ્પતરુ હિલ્સ સોસાયટીના સભ્યોએ ખાસ ઘાટકોપરથી જલેબી, ફાફડા અને ઊંધિયાનો ઑર્ડર આપીને જમણવાર માટે એની વ્યવસ્થા કરી હતી. આ સોસાયટીમાં પણ મહારાષ્ટ્રિયન ક્રાઉડ છે એટલે ગુજરાતીઓના સ્પેશ્યલ ઊંધિયા સાથે તેમણે ચોખાની ભાખરી અને ઠેચાને પણ પોતાના મેનુમાં સ્થાન આપ્યું હતું.

kite1

ઉત્તરાયણની ઉજવણીમાં ગુજરાતને સો ટકા ટક્કર આપી શકે એવી બીજી એક સોસાયટી છે કાંદિવલીના મહાવીરનગરમાં આવેલી મૈત્રી રેસિડન્સી. આ વર્ષે સોસાયટીના સભ્યોએ ઉત્તરાયણ માટે એક વિશેષ ઇન્વિટેશન કાર્ડ બનાવડાવ્યું છે. સોસાયટીના ઍક્ટિવ મેમ્બર ભાવેશ જોશી કહે છે, ‘ગુજરાત ગયા વિના ગુજરાત જેવી જ ઉત્તરાયણ અમે સેલિબ્રેટ કરીએ છીએ. મુંબઈ આખામાં આમ જોવા જઈએ તો બોરીવલી, કાંદિવલી જેવું ઉત્તરાયણનું સેલિબ્રેશન બીજા એકેય સ્થળે નથી થતું. આ એરિયા ગુજરાતીઓના ગઢ સમાન છે. મહાવીરનગરમાં રહું છું. લંચ હોય, DJ હોય, નાસ્તા અને ચાની રમઝટ હોય. નાનાં બાળકોથી લઈને મોટી ઉંમરના વડીલો પણ બેસી શકે અને પતંગ ચગાવ્યા વિના ઉત્તરાયણની મજા માણી શકે એવા પ્રયત્નો અમે કર્યા છે. નાનાં બાળકોને હાથમાં વાગે નહીં એવા માંજા અને નાની-નાની ફીરકીઓની વ્યવસ્થા અમે કરીએ છીએ. આખા દિવસમાં એક મિનિટ માટે પણ કોઈ બોર ન થવું જોઈએ એટલી ગેમ્સ પણ વચ્ચે-વચ્ચે રમીએ. ટિપિકલ ગુજરાતી ભોજન સાથે આખો દિવસ ટેરેસ પર મ્યુઝિક, ચા-પાણી, તલ-મમરાના લાડુ, ચિક્કીઓ અને નાસ્તો પણ હોય જ.’

રાતે કંદીલ ઉડાવવાનો શિરસ્તો પણ આ સોસાયટીમાં છે. મજાની વાત તો એ છે કે દિવસના અંતે બધા જ ભેગા થઈને પોતે કેટલી પતંગ કાપી અને પોતાની કેટલી પતંગ કપાઈ એનો પણ એક નાનકડો હિસાબ માંડતા હોય છે. ભાવેશ કહે છે, ‘બેશક ગુજરાતની જેમ આપણે વાસી ઉત્તરાયણ કે વહેલી ઉત્તરાયણ નથી મનાવતા, પણ ઉત્તરાયણ જે દિવસે હોય એ દિવસે જોરદાર જલસો કરી લઈએ છીએ. પતંગ ચગાવવાની સાથે પતંગ લેવા જવામાં, સાથે મળીને કન્ની બાંધવામાં વગેરેમાં પણ ભરપૂર એન્જૉયમેન્ટ કરીએ છીએ. સાથે જ પતંગ ચગાવતાં કે પતંગ પકડવા જતાં કોઈને વાગે નહીં, માંજાને કારણે હાથ ન કપાય એ માટે સેલોટેપની વ્યવસ્થા એમ બધી જ બાબતોનાં પોસ્ટર બનાવીને ટેરેસ પર, લિફ્ટ પાસે, ગ્રાઉન્ડ ફ્લોર પર ચીપકાવીને રાખીએ છીએ; જેથી અવેરનેસ પણ રહે.’

આ તો સોસાયટીની વાત થઈ, પણ આપણે ત્યાં યોગ મંડળો પણ ઉત્તરાયણ સેલિબ્રેટ કરતાં હોય છે. છેલ્લાં ૨૫ વર્ષથી કાંદિવલીમાં કૃપાળુ યોગ આશ્રમના લગભગ દોઢસોથી વધુ સદસ્યો ઉત્તરાયણનું સેલિબ્રેશન રંગેચંગે કરે છે. આ વિશે વિગત આપતાં યોગશિક્ષક કિરીટ ભટ્ટ કહે છે, ‘એ દિવસે બધા જ સભ્યો સફેદ ડ્રેસમાં સજ્જ થઈને પતંગ ઉડાડવા ભેગા થાય છે. અમે અમારી પતંગોમાં સારા સ્લોગન લખીને પછી એને આકાશમાં ઉડાવીએ છીએ. સાથે જ તલના લાડુ, ચિક્કી અને નાસ્તાની સાથે મકરસંક્રાન્તિને મન ભરીને માણીએ છીએ.’

અહીં ઉલ્લેખનીય છે કે આ યોગ ક્લાસમાં વીસ વર્ષથી લઈને લગભગ ૭૦ વર્ષ સુધીના લોકો આવે છે અને તહેવારો ભુલાઈ ન જાય તથા મન પ્રફુલ્લિત રહે એ આશયથી જ ખાસ તમામ ફેસ્ટિવલ્સ તેઓ હળીમળીને સેલિબ્રેટ કરે છે, જેમાં ઉત્તરાયણ મુખ્ય છે. ગુજરાતમાં ઉત્તરાયણ માટે લોકો ખાવું-પીવું ભૂલીને પતંગ ચગાવવામાં મચી પડતા હોય છે, જેની તુલનાએ મુંબઈ કદાચ સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત કરતાં પાછળ હોઈ શકે; પણ મજાની બાબતમાં તો મુંબઈગરાઓ ગુજરાતને પાછળ મૂકે એ જ રીતે ઉત્તરાયણ સેલિબ્રેશન કરી રહ્યા છે. બેશક, ગુજરાતીઓના ગઢ ગણાતાં મુંબઈ સબબ્ર્સમાં જ એનો પ્રભાવ વધારે જોવા મળે એ સ્વાભાવિક છે.

kite

મકરસંક્રાન્તિ વિશે જાણવા જેવું

૧. મકરસંક્રાન્તિનું માત્ર ગુજરાત કે મહારાષ્ટ્રમાં જ નહીં, આખા દેશભરમાં અતિશય મહત્વ છે અને મજાની વાત તો એ છે કે દરેક ક્ષેત્રમાં એનું નામ જુદું છે. જેમ કે ગુજરાતમાં ઉત્તરાયણ તરીકે પ્રચલિત આ તહેવાર કેરળ, આંધþપ્રદેશ અને કર્ણાટકમાં સંક્રાન્તિ તરીકે પ્રચલિત છે. તામિલનાડુમાં પોંગલ અને પંજાબ-હરિયાણામાં નવા પાકનું સ્વાગત કરવાના આશયથી લોહડી તરીકે આ પર્વને મનાવાય છે. જ્યારે આસામમાં બિહુ તરીકે એ વધુ પ્રચલિત છે.

૨. મકરસંક્રાન્તિમાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને દક્ષિણાયનથી ઉત્તરાયણ તરફની સૂર્યની ગતિ જ આ તહેવાર પાછળનું મુખ્ય કારણ છે. ઉત્તરાયણ તરફ સૂર્યનો સંક્રમણ કાળ ધરતી માટે સારા દિવસની શરૂઆત ગણાય છે. એ અરસામાં પડતાં સૂર્યનાં કિરણો શુભતાને લાવનારાં હોય છે એવું પણ માનવામાં આવે છે.

૩. શાસ્ત્રોની દૃષ્ટિએ સૂર્યનું ઉત્તર દિશા તરફ ગમન આધ્યાત્મિક વિકાસ માટે ખૂબ ઉત્કૃષ્ટ ગણવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે પોતાની ઇચ્છા થાય ત્યારે મૃત્યુ પામવાની ક્ષમતા ધરાવતા ભીષ્મ પિતામહે પણ ઉત્તરાયણના દિવસે ઇચ્છામૃત્યુ મેળવ્યું હતું. સાઉથના ઘણા સંતોએ આ દિવસને આત્માની ઉન્નતિ માટે શ્રેષ્ઠ દિવસ ગણીને એ જ દિવસે સમાધિમરણ લીધાના અઢળક કિસ્સાઓ છે.

૪. આ સિવાય પણ મકરસંક્રાન્તિ સાથે અનેક પૌરાણિક કથાઓ સંકળાયેલી છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન સૂર્ય પોતાના પુત્ર શનિને મળવા માટે તેના ઘરે જતા હતા અને શનિદેવ મકર રાશિના માલિક હોવાને લીધે આ દિવસને મકરસંક્રાન્તિ તરીકે ઓળખાય છે. - મકરસંક્રાન્તિના દિવસે જ ગંગાજી ભગીરથ રાજાની પાછળ-પાછળ કપિલ મુનિના આશ્રમે થઈને સાગરમાં ભળ્યાં હતાં. એવું પણ માનવામાં આવે છે કે ગંગાજીને ધરતી પર આવવા માટે આહ્વાન કરનારા ભગીરથ રાજાએ પોતાના પિતૃઓનું આ જ દિવસે તર્પણ કર્યું હતું. ભગીરથનું તર્પણ સ્વીકારીને ગંગાજી સમુદ્રમાં ભળી ગયાં હતાં. એટલે જ એ દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે.

૫. બીજી એક કથા મુજબ વિષ્ણુ ભગવાનના અસૂરો સાથેના યુદ્ધનું આ જ દિવસે સમાપન થયું હતું. આ જ કારણે નકારાત્મકતાનો ધ્વંસ કરીને સકારાત્મકતાની સ્થાપના માટે પણ આ દિવસ પવિત્ર મનાય છે.

૬. યશોદા માતાએ કૃષ્ણ ભગવાન માટે વþત કર્યું એ દિવસ પણ આ જ હતો એવી પણ એક માન્યતા પ્રચલિત છે.

૭. મકરસંક્રાન્તિમાં દાળ અને ચોખાનો ખીચડો બનાવવાની પ્રથા પણ દેશનાં ઘણાં રાજ્યોમાં પ્રચલિત છે. તલ અને ગોળના લાડુ ખાવાની પરંપરા તો અતિ પ્રચલિત છે જ.

૮. કેટલાંક રાજ્યોમાં પરિણીત મહિલાઓ આ દિવસે સુહાગની નિશાનીઓની આપ-લે કરે છે. એમ કરવાથી પતિની આયુ વધે છે એવી પણ એક માન્યતા છે.

૯. આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે દાન કરવાથી સૂર્યદેવતા પ્રસન્ન થાય છે એવું પણ માનવામાં આવે છે.

આપણે પતંગ શું કામ ચગાવીએ?


સૂર્યની દક્ષિણથી ઉત્તર તરફની ગતિ સ્વાસ્થ્ય અને શાંતિ માટે હિતકારી છે એવું ધાર્મિક શાસ્ત્રો કહે છે. જોકે એ સિવાય પણ શિયાળા દરમ્યાન સૂર્યનો ઓછામાંં ઓછો તડકો લેવાને કારણે શરીરને જરૂરી પોષક તkવો ન મળ્યાં હોય એ સવારે વહેલા પતંગ ચગાવવાની પરંપરાને કારણે મળી રહે. સૂર્યનો તડકો મળવાથી શરીરને જરૂરી વિટામિન D મળે છે તેમ જ ઠંડા પવનને કારણે શરીરની નબળી રોગપ્રતિકારક શક્તિ અને ઇન્ફેક્શન સામે ફાઇટ આપવા માટે પણ પતંગ ચગાવવાથી લાભ થાય છે.

જીવદયાને કારણે બદલાઈ રહેલો ટ્રેન્ડ


છેલ્લા કેટલાક અરસામાં મુંબઈના ઘણા પતંગપ્રેમીઓએ પોતાના પતંગ ચગાવવાના શોખ પર કાબૂ મૂક્યો છે અને પતંગના માંજાને કારણે ઈજા પામતાં પક્ષીઓનો વિચાર કરવો શરૂ કયોર્ છે. પોતાની મજા માટે પક્ષીઓ પોતાના જીવ ન ગુમાવે એ માટે પતંગ નહીં ચગાવનારો વર્ગ પણ હવે મોટો થતો જાય છે. તેમણે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરવા માટે કાં તો કાચો માંજો વાપરવો શરૂ કયોર્ છે કાં તો પતંગ ઉડાવ્યા વિના માત્ર ટેરેસ પર ભેગા થઈને ખાણી-પીણી અને મ્યુઝિક સાથે એનું સેલિબ્રેશન શરૂ કર્યું છે. મુંબઈમાં બદલાઈ રહેલા ઉત્તરાયણની ઉજવણીના આ નવા ટ્રેન્ડ પણ ઘણા અંશે અનુકરણીય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK